ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યગોષ્ઠિ
કાવ્યગોષ્ઠિ : પ્રાચીનકાળમાં રાજસભામાં કાવ્યચર્ચા માટે કાવ્યગોષ્ઠિનું આયોજન કરાતું અને મનોવિનોદ કરાતો. આ સાહિત્યિક મનોવિનોદના અનેક પ્રકારો હતા, જેમાં પ્રતિમાલા અથવા અંત્યાક્ષરી, દુર્વાચનયોગ, માનસી કલા, અક્ષરમુષ્ટિ વગેરે મુખ્ય છે. પ્રતિમાલામાં એક જણે કરેલા શ્લોકપાઠના અંતિમ અક્ષરને સ્વીકારીને એનો પ્રતિદ્વંદ્વી અન્ય શ્લોકનો પાઠ કરતો, આજે જેને આપણે અંતકડી કે અંતાક્ષરી તરીકે ઓળખીએ છીએ. દુર્વાચનયોગમાં કઠોર ઉચ્ચારણયુક્ત શ્લોકોને પાઠ માટે રજૂ કરવામાં આવતા. માનસીકલામાં અક્ષરોના સ્થાને કમલ કે અન્ય કોઈ ફૂલ મૂકવામાં આવતું અને કવિએ એ વાંચવું પડતું. છંદશાસ્ત્ર પ્રમાણે શુદ્ધ છંદ એમાં ગોઠવવો પડતો. અક્ષરમુષ્ટિના બે પ્રકાર છે : સાભાસા અને નિરવભાસા. સંક્ષિપ્ત રીતિએ બોલવાને સાભાસા કહે છે, જેમકે રામ, શ્યામ અને મોહનનું ‘રાશ્મો’; તો ગુપ્ત રૂપમાં થતા વાર્તાલાપને નિરવભાસા કહે છે.
ચં.ટો.
કાવ્યગોષ્ઠિ ‘ગૃપ નહીં પણ ગોષ્ઠિ’ના મુદ્રાલેખ સાથે ‘કાવ્યગોષ્ઠિ’ની સ્થાપના ૧૯૭૪માં કરવામાં આવી. સંસ્થાના સ્થાપક – પ્રમુખ કવિ ‘સુન્દરમ્’ હતા. આ સંસ્થાના ઉપક્રમે બીજા અને ચોથા શનિવારે કવિઓ/લેખકો છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત મળે છે અને સ્વરચિત કાવ્યપઠન અને અન્ય સાહિત્યની ચર્ચા કરે છે.
‘કાવ્યગોષ્ઠિ’ પ્રતિવર્ષ ગ્રામવિસ્તારમાં અને ગુજરાતના તળપ્રદેશમાં સાહિત્યસત્રો યોજે છે. અત્યાર સુધીમાં આ સંસ્થાનાં ૨૪ સત્રો જુદા જુદા વિસ્તારમાં યોજાયાં છે. સત્રો સાથે પ્રતિમાસે વિવિધ સ્તરના પરિસંવાદો અને વાર્તાલાપો પણ પ્રયોજવામાં આવે છે. લેખકમિલન, વાર્તામેળો, કવિમિજલસ અને જુદા જુદા વિસ્તારના લેખકો/કવિઓનાં મિલનો અને ચર્ચાસત્રોનું આયોજન કરવામાં આવે છે.
સંસ્થાનાં સત્રોમાં રજૂ થતા નિબંધોનું પ્રકાશન ‘ગોષ્ઠિ’ના નામથી કરવામાં આવે છે. ઉપરાંત નવોદિત કવિઓના સંચયો પ્રકાશિત કરવામાં આવે છે. ‘કાવ્યગોષ્ઠિ’નાં ત્રીસ જેટલાં પ્રકાશનો છે. નવોદિત સાહિત્યકારોની કાવ્યલેખનસ્પર્ધા અને વાર્તાલેખનસ્પર્ધા યોજી પારિતોષિકો આપવામાં આવે છે. નિ સહાય સાહિત્યકારોમાંથી દર વર્ષે બે સાહિત્યકારો કલાકારોને આર્થિક સહાય આપવાની યોજના છે. સાહિત્યિક પ્રવાસોનું પણ આ સંસ્થા દ્વારા આયોજન થાય છે. આ સંસ્થામાં હોદ્દેદારોની નિયુક્તિ સર્વાનુમતે કરવામાં આવે છે. પૂર્વે આ સંસ્થાની સહયોગી સંસ્થાઓ ૪૦ હતી, એમાંથી અત્યારે ૧૯ સંસ્થાઓ સક્રિય છે.
મ.ઓ.