— રમણલાલ જોશી
સહેજ શ્યામ વાન. ચશ્માંમાં ડોકાતી આંખોમાં વિષાદની છાયા. વિશ્રમ્ભકથા માંડી હોય એવી વાતચીતની આત્મીયતાભરી ઢબછબ. સપાટી પર અલપછલપ ફરકી જઈ અંદર પુરાઈ જતી આત્મશ્રીનો તાગ જલદી ન મેળવી શકો. પણ એમનાં બેત્રણ વાક્યો સાંભળતામાં તો એમના વ્યક્તિત્વની તીક્ષ્ણતા અને માર્મિકતાનો અણસાર મળે ખરો. આ રાધેશ્યામ શર્મા. તેમનું લખાણ સમજાતું નથી એવી સાચુકલી ફરિયાદ જૂની-નવી પેઢીના બેત્રણ સાહિત્યકારોને મોઢે સાંભળેલી. રાધેશ્યામની સાહિત્યશક્તિ સર્જન અને વિવેચન ઉભય ક્ષેત્રમાં આસાનીથી વિહરી છે. ‘આંસુને ચાંદરણું’ (૧૯૬૩) તેમનો પ્રથમ ગદ્યકાવ્યસંગ્રહ. એમાં આધુનિકતાનો સળવળાટ પૂરો સ્પષ્ટ થયો છે. પણ તે જાણીતા થયા તો લઘુનવલ ‘ફેરો’ (૧૯૬૮)થી. અમદાવાદની એક પોળમાં રહેતાં પતિ-પત્ની પોતાના મૂંગા બાળકને લઈને રણપ્રદેશની નજીકના કોઈ તીર્થધામે બાધા કરવા જાય છે. ત્રણે ગાડીમાં નીકળ્યાં છે; પણ આગલે સ્ટેશને બાળક ગુમ થાય છે, પણ ગાડી તો ઊપડી ચૂકી. ‘સાંકળ ખેંચવા હું હાથ લંબાવું છું ત્યાં ભુકભુક કરતું ડબ્બાવિહોણું એક અટૂલું એન્જિન - સામે ચાલી ભેટતા સૂરજની જેમ - ફ્લડ લાઈટ સાથે આંખ પર ધસી આવી પુષ્કળ ધુમાડો ડબ્બામાં છોડી ગયું. સાંકળ તરફ ઊંચો થતો મારો જમણો હાથ ગૂંગળાવા લાગ્યો.’ – આ શબ્દો સાથે કૃતિ પૂરી થાય છે. મુસાફરી આરંભાઈ એની પહેલાંની પૂર્વતૈયારીની ક્ષણથી આ ક્ષણ સુધીના આલેખનમાં અનેક કલ્પનો અને પ્રતીકોના કલાત્મક સંયોજનો દ્વારા મનુષ્યજીવનનું એક ભાતીગળ ચિત્ર આપ્યું છે. પાત્રો અને પરિસ્થિતિઓનું અંતર્ગત વૈવિધ્ય હોવા છતાં એ થઈ તો રહે છે માનવજીવનના ફેરાની વાત - આધુનિક સંદર્ભમાં. કૃતિનો અંત અત્યંચ સૂચક, વ્યંજનાપૂર્ણ છે. સાંકળ તરફ ઊંચો થતો જમણો હાથ ગૂંગળાય છે - ગાડી ઊભી રાખી શકાય? આ તો ‘ફેરો’ છે ને! ચાલો એક કથા પૂરી કરી’ એમ નાયક ઉચિત રીતે જ કહે છે, કારણ કે ‘ફેરો’ની કથા તે મનુષ્યજીવનના અનેક ફેરાઓની પ્રતિનિધિકથા છે. જેમ રાવજીની ‘અશ્રુઘર’ને નવા વળાંકની નવલકથા કહું છું. તેમ ‘ફેરો’ને આધુનિકતાની મુદ્રાવાળી સુગ્રથિત લઘુનવલ કહેવાનું પસંદ કરું.