મેઘાણીની સમગ્ર નવલિકા 2/વિલોપન

Revision as of 09:32, 21 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વિલોપન
[૧]

અમદાવાદ શહેરનાં ચોકચૌટાં આઠે પહોર ઉદ્યમે ગાજી રહેતાં. પણ ચાંલ્લાઓળ નામે ઓળખાતી અલબેલી બજારની તોલે અમદાવાદનું એકેય ચૌટું આવે નહિ. એમાં આ વર્ષે તો હિંદુઓનું નવરાતર અને મુસલમાનોનું મોહરમ એ બંન્ને પર્વો નજીક નજીક આવતાં હતાં. માતાજીની માંડવીઓ અને તાબૂતો તૈયાર કરવામાં લત્તેલત્તો તડામાર ચલાવતો હતો. દુકાનેદુકાને સોનેરી-રૂપેરી અને લાલ-લીલા-પીરોજી રંગનાં પાનાં બની રહ્યાં હતાં. ચૌટેચૌટે ભવાઈ થવાની હતી. વેશ કાઢવા માટે પણ મોડ મુગટ ઝીંક સતારા મૂલવતા ભવાયાનાં પેડાંના નાયકો બેસી ગયા હતા. આ સર્વ શણગારની કળાવિધાયક આખી કોમ મોચીઓની હતી. નીચે તેઓનાં હાટ હતાં, ને હાટ ઉપરના મેડા એ તેમનાં પ્રત્યેકનાં ઘર હતાં. દેવો, માનવીઓ અને પશુઓનાં તેઓ શણગારનારાં હતાં. કોઈ કોઈ દુકાને ઘોડા લઈને યોદ્ધાઓ બેઠાબેઠા જીનગરો પાસેથી ઘોડાનાં જીન કઢાવીકઢાવી પોતાના પશુને બંધબેસતા રંગ નિહાળતા હતા. કોઈ કોઈ હાટડે જોદ્ધાઓ ઢાલગર પાસેથી ઢાલો કઢાવી પોતાની પીઠ પર માપી જોતા હતા. એક દુકાને એક બાઈ દેવનાં નેત્રોની ભરેલ દાબડીઓ, રખે એ આંખોને ઇજા થાય તેવી જાળવણ રાખીને નીચે ગાદી ઉપર ઠાલવતી હતી અને તેમાંથી પાર્શ્વનાથની નવી પ્રતિમાને શોભે તેવાં બે નેત્રો વીણતા શ્રાવકનાં છૂપાં દેરાંવાળા બેઠા હતા. આ ચાંલ્લાઓળની એક નાની એવી દુકાનના ઊંડેરા ખૂણામાં દેવીની સ્થાપના સન્મુખ ઘીના ચાર દીવા પિત્તળની ચોખંડી દીવીમાંથી ધીરો, ઠંડો પ્રકાશ પાથરતા હતા અને તે પ્રકાશમાં બેઠોબેઠો એક પચીસેક વર્ષનો જુવાન એક ચોકઠા પર જડેલ આછા પીળા પટ ઉપર પીંછી વતી રેખાઓ દોરતો હતો. હજારમાં એકાદ જ જોડી જડે એવી સ્વપ્નઘેરી એની આંખો હતી. એની આંગળીનાં ટેરવાંમાંથી ગુલાબી રંગની ઝાંય એ ચિતરકામના પટ પર પડતી હતી. એના કપાળમાં દેવી બહુચરાના ચારેય દીવા પોતાનું પ્રતિબિમ્બ નિહાળતા હોય એમ લાગતું હતું. “જો, ભાઈ હરદાસ!” દુકાનમાં ભીંતને થડ એક તકિયે અઢેલીને પડેલો એક જીર્ણ દેહવાળો ડોસો મીંચેલી આંખે બોલી ઊઠ્યો: “પ્રથમ પહેલું માનસરોવરનું ધ્યાન ધરવું. એમાં નહાઈને રાજકુંવરી જેમ મરદ બની ગઈ હતી, તેમ એની કલ્પનામાં સ્નાન કરનાર ચિતારાની પીંછી પુરુષાતન પ્રાપ્ત કરે છે. એકલી આંગળાંની કરામત નકામી છે. મારી મા ત્રૂઠવી જોઈએ. કલ્પાય છે મા બૌચરીનું માનસરોવર?” “હા બાપુ, નિર્મળાં જળ ઊપસે છે હવે તો,” કહેતો એ હરદાસ નામનો જુવાન પોતાના ચિતરામણમાં તળાવના આરા બાંધીને એમાં નીલાં નીર પૂરવા લાગ્યો. ડોસાએ આગળ કહેવા માંડ્યું: “ને પછી માનો કૂકડો આલેખ. માંજરને બરાબર ઘૂંટજે, હો કે! માનો કૂકડો મોળો ન થાય તે જોજે. મોગરાનાં ફૂલ જેવો સફેદ કરીને પૂંછડીએ જાંબુડિયાં બે પિચ્છ કાઢવાં. મા અંબાજીનો જેવો વાઘ તેવો જ બંકો કરજે આપણી બૌચરીનો કૂકડો. પણ ચિતારાની ખરી ખૂબી તો કૂકડાની માંજરમાં જ પ્રગટવી જોઈએ, હો હરદાસ! મા મારી કંઈ સવારીના વાહનની જેવી તેવી શોખીન છે, બેટા? મા વાઘેશ્વરી એના સિંહ પર શું ચડશે! એવી મા બૌચરી કૂકડે રાંગ વાળે છે. શો બંકો એની ડોકનો મરોડ! શી એની કલગીની છટા! માંજર તો જાણે કંકુડાં ઢોળતી હોયની! — આલેખ્યું?” “હા, બાપુ,” પોતે દોરતો હતો તે આકૃતિ પરથી આંખોનું ત્રાટક જરાકેય ડગમગવા દીધા વગર જ યુવાને જવાબ વાળ્યો: “હવે તો પીંછીને મારે ચલાવવી નથી પડતી. એની મેળે મેળે જ ચાલે છે.” “એની મેળે ચાલે છે?” વૃદ્ધનું ખોળિયું તકિયા પરથી ઊંચું થઈ ગયું. “બસ ત્યારે. મા મારી પ્રસન્ન થઈ ગઈ. બસ, હવે જ તને અધિકાર છે માની મૂર્તિ ચીતરવાનો. ચીતરવા લાગ, બેટા. પ્રથમ પહેલાં ચરણો કર માનાં, ચરણોની રજ લઈને પછી ઊંચે ઊંચે ચડતો જા. ચરણો કર્યાં ને? હાં, તો હવે ચરણો શણગાર. માને પગે નૂપુર ઝાંઝર સોહે. રણે ચડે તોય મા પગે અડવી ના રહે. ધરતીનાં ધીંગાં પડને માડી રણઝણ રણઝણ ઝાંઝરે ઝણકાવતી જાય, હો હરદાસ! માનો તો સંગ્રામ પણ રમણલીલા-શો હોવો જોઈએ. ને પછી કછોટ વળાવ માને — ચૂંદડીનો કછોટો ભીડવજે. પછી માની છાતી — દૂધેભરી, વજ્રે મઢી, વાત્સલ્ય ને વીરત્વે છલકાતી માની છાતી — ને ગળે એકાવળ હાર, — મુખડું માનું કરુણાર્દ્ર ને કઠોર, મીઠું અને ભયાનક, — એ બે રસની મેળવણી કરી જાણી તેં?” “બાપુ, મારે કરવું નથી પડતું. મા જ કરાવી રહી છે.” જુવાન હરદાસનો કંઠ હવે તો તદ્દન બદલી ગયો હતો. એનાં નેત્રો પર પોપચાં ઢળી પડ્યાં હતાં, એની પીંછીને જ આંખો પ્રગટી હતી. વૃદ્ધ બોલ્યે જ જતો હતો: “કંઠે ઢળકતી કેશવાળી માને — કાને કનકનાં કુંડળ માને — હસતા હોઠ માને — નમણું નાક — ને નાકે નથડી — શુભ્ર લલાટ, સિંદૂરભર્યો સેંથો, શિર પર મુગટ — અને હવે આલેખ બાહુ. હાથમાં ખળકતો ચૂડો દે, પહોળા પાનાનું ચમકતું ખડ્ગ દે, ખપ્પર દે, ફૂલહાર દે, મરદાઈનો કુંભ દે, હરદાસ! મા તો પૌરુષદાત્રી છે, તેત્રીસ કરોડ દેવતામાં પુરુષાતણનો કુંભ તો એક આપણી ચુંવાળવાળીને હાથ જ છે. માટે હવે આલેખ એણે જેને પુરુષાતણ દીધાં તે ત્રણ જણાંને.” હવે તો હરદાસે બાપના બોલ્યા કે સૂચવ્યા વગર જ આલેખવા માંડ્યું. સરોવરને એક કાંઠે કૂકડાની અસવાર મા બહુચરી ઊભી છે, ને સામે કાંઠે તળાવમાં તાજાં નહાઈને નીતરતા દેહે ત્રણ જણાં માની સામે મીટ ધરીને ઊભાં છે — અર્ધાં તો જળમાં જ ઊભાં છે હજુ. એક કૂતરો છે, એક ઘોડો છે ને એક જુવાન છે. ત્રણેય જણાંનાં મોં પર આશ્ચર્ય, આનંદ અને નવીન તનમનાટ અંકાયો છે. ત્રણેયનાં શરીર પર નવો રોમાંચ ઊઠ્યો છે. ઘોડો પુચ્છનો ઝુંડો ઊંચો ફરકાવતો હણહણતો દેખાય છે. અસવાર પોતાના હાથ પહોળા કરીને નવા પુરુષાતનના સાદ સાંભળતો ઊભો છે. આવું ચિત્ર ઊપસી આવતું હતું ત્યારે જુવાન ચિતારાનો બુઢ્ઢો અંધ બાપ પડ્યો પડ્યો એ આખી કથા બોલતો હતો: “પાટણવાડાના ચાવડા રાજની કુંવરી, બેટા, ને કાલર દેશના સોલંકીની કુંવરી, બેઉ હજુ તો માના ઓદરમાં હતાં તે ટાણે માવતરે કોલ દીધા હતા સામસામા, કે એકને કુંવર ને બીજાને કુંવરી આવશે તો પરણાવશું. પછી તો બેઉને ઘેર બાળ જન્મ્યાં. ચાવડાએ કહાવ્યું કે ‘મારે ઘેર કુંવરી અવતરી છે, હે સોલંકીરાજ! તમારે ઘેર શું જનમ્યું તે જલદી જણાવો’. સોલંકી જવાબ વાળે છે કે ‘મારે ઘેર પાઘડિયાળો પુતર આવ્યો છે. આપણે બોલે બંધાયા છીએ તે મુજબ વિવાહ કબૂલ છે’. બેઉ છોકરાં મોટાં થયાં. પરણાવ્યાં બેઉને. ચાવડાની કુંવરી કોડભરી સાસરે આવી ને પહેલી જ રાતે શયનની ફૂલ-સેજલડીમાં એણે સોલંકીના કુંવરમાં માવતરનું કૂડ દીઠું. એ પુરુષ નહોતો, એ તો હતી પોતાના સરીખી જ નારી. આંસુડાં પાડીને ચાવડી કુંવરી પાછી પિયર ગઈ, માવતરને કળાવા ન દીધું; પણ વહેમ તો પડે જ ને, બેટા! લખી મોકલ્યું સોલંકીને કે જમાઈ જાતે આવીને તેડી જાય તો જ હવે તો વળાવશું દીકરીને. સોલંકીની દીકરી મરદના પોશાક પહેરી, ઢાલ-તરવાર બાંધી, ભમ્મર ભાલો હાથમાં લેઈ, ઘોડી પર ચડી પાટણ પહોંચી. સાસુએ જમાઈનું પારખું લેવા માટે ત્રાંબાકૂંડી મૂકીને કહ્યું, ઊઠો રાજ, નાવણ કરવા. એ કહેણમાં સોલંકીની કુંવરીનું મોત હતું. વસ્તર ઉતારે તેટલી જ વાર હતી. અસ્તરીનાં જોબન અછતાં રહે કેમ, બેટા? પણ મા મારી એને છાબડે આવી બેઠાં. નાવા માટે પોશાક ઉતારવા પડે તે પૂર્વે તો કાળી ચીસો પડી પાધરમાંથી, કે ધાજો રે ધાજો રજપૂતડા, કાઠીઓ આપણાં ગૌધણ વાળી જાય છે, ક્ષત્રીનો બેટો હોય તે વહારે ધાજો. સાંભળતાં જ સોલંકીની દીકરીએ અંગરખીની કસ છોડેલ તે ફરી બાંધી વાળી, હથિયાર-પડિયાર પાછાં સજ્યાં, ભમ્મર ભાલે ઘોડીએ પલાણી બુમરાણની દિશામાં ઘોડી દોડાવી મેલી. લૂંટારાને સીમાડે જઈ હાકોટે સાવધ કર્યા. કોઈ તેજનો ગોળો આવે છે દેખી, હોશકોશ હારી કાઠીઓ નાઠા; ગૌધણ વાળ્યું, પણ ઘોડાની અસવાર થંભીને ઊભી રહી: અરેરે, હવે પાછી હું શું મોં લઈને જાઉં! મારાં શૂરાતન શા કામનાં? મેં તો ચાવડાની દીકરીનો જનમારો બાળ્યો. ને હવે હું નાવણ કેમ કરીશ? આ કાયાની એબ ઉઘાડી પડશે. અહીં જ મરું? કે નાસી જાઉં? જગતને સીમાડે ઊતરી જાઉં? કોઈ ડુંગરાની ખીણ કે ખોપમાં દેહને ફગાવી દઈ ધરતીના ખોળામાં ખપી જાઉં? શું કરું, હે જગદમ્બા! “એ વખતે, હે ભાઈ! જગદ્ધાત્રીએ એની ધા સુણી. એણે એક કૌતક દીઠું. પાસે એક પાણીનો ધરો છે, એક કૂતરી ત્યાં આવેલી તે તાપે અકળાઈ ગઈ છે, ધરામાં પડે છે, પાણીમાં ખંખોળિયું ખાઈને બહાર નીકળે છે, ને કુંવરી કૌતક ભાળે છે. શું કૌતક? — કે આ કૂતરી હતી ને કૂતરો કાં બની ગઈ? કે પછી શું મારો અભાગી જીવડો જ આ ચીંથરાં ફાડે છે? અરે, લેને જોઉં, આ ઘોડીને તો નવરાવું! ઘોડીને નાખે છે ધરામાં. ઘોડી બહાર આવે છે નહાઈને અને ઘોડો બની ગઈ હોય છે; પછી તો પોતે ઝંપલાવે છે જળમાં, ને કાયા એની પલટી જાય છે. પાણી અડક્યાં ને નારી મરદાઈમાં આવી ગઈ. પોકાર પાડી ઊઠે છે, બોલાવે છે નિર્જનતામાં, અરે હે જગવિધાતા! કોણ છો તમે? આ પુરુષાતણ કોણે મારે રોમે રોમે રેડી આપ્યું? કોણે મારાં કાજ સધાર્યાં? પ્રત્યક્ષ થાઓ! નજરે થાઓ! હવે અદીસતાં ન રહો! — ને બેટા, સોળ વરસની સુંદરી મા મારી બૌચરી ત્યાં પ્રકટ થયાં. રાંગમાં માંજરવંતો કૂકડો રમે છે! અકળ છે આ મનખા-પદારથ; ગેબી છે આ જગત; એનાં રહસ્યોમાં રમણ કરે છે મા મારી. જૂજવાં છે એનાં રૂપ. એને મળી હતી મા એ રૂપે, બીજાને ત્રૂઠી હશે બીજે ત્રીજે રૂપે, પણ આ રૂપ તો આપણે ભાગે આવ્યાં, આપણા દેશનો જુવાન રૂપનું વરદાન પામ્યો — કેવું વિરલ વરદાન! એને હતું તે દુ:ખની તોલે અન્ય કયું દુ:ખ આવી શકે? માટે જ આપણે પૂજીએ છીએ પુરુષાતણની દેનારીને. તારી ઉપાસના આજ સફળ થઈ, બાપ! તેં માને ચીતરી. હે મા! કંઈક માનવ-શરીરો આ જુગમાં નથી પુરુષ હોતાં, તેમ નથી હોતાં અસ્ત્રી, બેયની વચ્ચે ગોથાં ખાય છે. હૈયામાં એને હરહંમેશ શારડી ફરે છે; જગતની ઠઠ્ઠાને, હાંસીને ને ધિક્કારને એ પામે છે. જોબનની એને જાણ નહિ. એબ ઉઘાડી પાડી ન શકે, દોષ એનો એકેય નહિ તોપણ મહા અપરાધીની માફક નીચી મૂંડીએ જીવવું: મર્યા કરતાંય વધુ નપાવટ જીવતર: એ આખી માનવજાતને આશ્વાસન એક આપણી માનાં જ છે. સૌએ તરછોડેલાંને માએ પોતાનાં કર્યાં છે. કોઈ ન કળે એવી મનવેદનાને માડીએ પ્રેમ કરી પંપાળી છે. ને મા જાણે કે ઠપકો દઈ રહી છે કે હે મુછાળા મરદો! ગર્વ શા કરો છો? ફૂલ્યા શું ફરો છો? જોબનનો કૂંપો કેટલા દી જાળવી શકશો? નરમાઈ રાખો, પતરાજી છોડો, નારીના અવતારની અવગણના ન કરો. તમમાંય ક્યાં નર્યાં પુરુષાતણ જ ભર્યાં છે? અરે, અંતરને અંધારે ખૂણે નારી તો તમ સર્વેમાં બેઠી છે. માટે એનેય કોઈક દન રમવા દ્યો. એમ કહીને જ માએ માગી લીધું છે, કે મરદ હોય તેણે પણ મારી આગળ વરસમાં એક વાર આવીને નારીવેશ ભજવવા. આ રીતે, ગુમાન ઉતારે છે મા, અને મૂછો આમળનારાઓયે નવરાતરની એકાદ રાતે એના મુજરા લ્યે છે. હે ભાઈ! મૂછોના ગરવ નો’ય માના દાસને. સકોમળ તત્ત્વની સેવા કંઈ મરદાઈને મારી નથી નાખતી. છેલ્લાં બળિદાન તો ફૂલની કળી સમા કૂણા કલેજાવાળા જ આપી શકશે. માનો ચૂડો તેં પહેર્યો છે, હરદાસ, તેનો મરમ સમજજે. કસોટીના તો કારમા કાળ આવનારા છે હજુ. હું એ જોવા જીવતો નહિ હોઉં; તારે એ જોવુંય રહેશે ને ચૂડાનાં મૂલ્ય ચૂકવવાની પણ વેળા આવશે. તારાં બરદ ઊજળાં રહો! માનાં બરદના જતન કાજે મનખ્યા દેહ ભલે ખપો. આખો જનમારો ચીતરજે, ભાઈ, મંગળ ચીતરજે, સુંદરને ઉતારજે. માનાં બાનાંની લાજ સાચવજે. મારે તો આયુષ્ય ઊજળાં થયાં. આપણા રામનો તો આંટો ફળ્યો અવનિમાં. હવે તો હું મેડે જ રહીશ, બાપ! ને મેડે જ મરીશ. હાટ તારે એકલને જ રહ્યું.” એમ કહીને બાપ બોલતો બંધ થઈ ગયો. એની આંધળી આંખોમાંથી નીરધારા ચાલી રહી હતી. આખી ચાંલ્લાઓળનાં કસબી નરનારીઓ એ દુકાને જોતજોતામાં તો જમા થઈ ગયાં, જાણ પડી કે હરદાસને મા બહુચરી પ્રસન્ન થયાં છે, હરદાસે માનાં અલૌકિક રૂપ ધરતી પર ઉતાર્યાં છે, માએ એની સામે સાક્ષાત્ બિરાજીને પોતાનું રૂપ આલેખાવ્યું છે. વાહ માનાં રૂપ! જેવી એના બાપને હાજરાહજૂર હતી તેથી સવાઈ મા બેટાને ત્રૂઠી. “તપ કાંઈ થોડાં તપ્યો છે હરદાસ!” નરનારીઓમાં વાતો ચાલી; “રસણિયાની ને ઢાલગરો-જીનગરોની છોકરીઓ એની પાછળ ભમતી હતી — પણ ઊંચી નજર કરી નથી. રાજા-બાદશા તેડાવતા હતા છબીઓ ચીતરવા, માગ્યાં દામ દેતા હતા, પણ કહે કે પહેલાં તો આલેખીશ દેવતાને, તે પછી જ માંડીશ માનવીનાં મોરાં. આકાશે તાકીને કેટલાં જાગરણ કર્યાં છે, બાઈ! મસાણે બેસીને કાળી રાતોમાં માનું ધ્યાન ધર્યું છે. પહાડો ભમીને વનસ્પતિના રંગો ખોળ્યા છે હરદાસે. ભલે ફળ્યાં, માડી! સપાત્રે ત્રૂઠ્યાં છો.” “હવે તો,” એક બુઢઢીએ કહ્યું: “માનું એક થાનક અહીં—” “છાનાં મરો, ડગરાં રે! મૂંગાં મરી રહો.” બીજી એકે ડોશીને વારી; “પાત્છાનાં રાજ છે એ તો વિચારો! દેરાં તોડશે કે બાંધવા દેશે? એક શ્રાવકોનું ચિંતામણ ને બીજું માણેકનાથનું, બે વતરેક ત્રીજું દીઠું કોઈ દેરું? તોડશે કે બાંધવા દેશે, મારી બૈ!” “તોડશે — જૂઠાં હશે તેને.” ડોશીએ દૂબળા હાથને લાંબે લહેકે જીભ ચલાવી: “સાચાંને કોણ તોડી શકતું, બૈ! ને અહીં આવ્યે આપણી ન્યાતને કેટલી સાલ વીતી તે તો સંભારો. પાટણવાડું મેલ્યું તે દનથી દીવે જ પગે લાગતાં બેઠાં છીએ. બાળમોવાળા, છેડાછેડી, નિવેદ, માનતા, સઘળું કરવા સારુ છેક પાટણવાડે ધક્કા ખાવા પડે! પાત્છા પોતે તો સઘળી વસ્તીને નવી નગરી વસાવવા તેડી લાયો છે. આપણાં ધરમનીમ ને નાતજાત રક્ષવાના બોલકોલ દઈને તો તેડાવ્યાં છે!” “પણ દેરાં-દેરી ન બાંધવાની શરતે તો!” કોઈક બોલ્યું. “હવે પાત્છા-પાત્છા શું કરો છો!” બીજીએ કેડે બાળક વળગાડેલું તેને લબડતું રાખીને પણ એક હાથ ઉછાળીને કહ્યું: “ત્રણ પેઢીનો પાત્છા — તે અગાઉનો તો હિંદુ સ્તો! ટોંકનો ક્ષત્રી, બૈરી રજપૂતાણી, હિંદુ દેવસ્થાનાંને હાથ અડકાડે! અડકાડે એ તો સતપરચા વહોણાંને, પૂજારાનાં દૈવત ગયાં તેથી સ્તો, મારી બૈ! હરદાસને મા હાજરાહજૂર હશે તો જોઈશું હવે. બાકી છેક ચુંવાળ જેટલે લાંબા થવાતું નથી હવે તો. અક્કેક પેઢી ગઈ દેવસ્થાનાં વન્યા. ખમા તને, બેટા હરદાસ, માની રખ્યા તને.” એમ કહી એણે જુવાન ચિતારાનાં મીઠડાં લીધાં. બીજી સર્વે પણ ઓવારણે લળી લળીને ચાલી. દેવીના નવા ચિતરની સામે ચાંલ્લાઓળને ઘેરઘેરથી પાણીભર્યાં શ્રીફળનો ઢગલો થયો. સૌના ચાલ્યા ગયા પછી સોળેક વર્ષની એક છોકરી ત્યાં આવી અને હાટને પગથિયે પગ દીધા વિના સીધો ધમકારો કરતી ઉપર ચઢી. હરદાસ એને ઓળખતો હતો. પેલી નેત્રોવાળીની દીકરી રળિયાત હતી. કેટલી બધી મદમાતી છોકરી! રોજ રુઆબ છાંટતી સામે મેડે ચડતી-ઊતરતી. ભર્યાભર્યા કટોરા જેવાં લોચન. એની સામે મીટ માંડવાનું પણ હરદાસને ગમતું નહિ. મદોન્મત્ત માનિનીઓનો એને કંટાળો હતો. મનમાં થતું, આ રળી આવડી તે શી છકી પડી છે! પણ જે પળે છકેલી રળિયાત હાટ પર ચઢીને માતાના ચિત્ર સામે ઊભી રહી, તે એક જ પળમાં એનો મદભાવ એના મુખ પરથી ગળવા લાગ્યો હોય તેવું દેખાયું. ચિત્રની સામે એ આપોઆપ લળી પડી. ગાંભીર્યનાં રેખા ને રંગો મોં પર ઊપસી આવ્યાં. એનાં નેત્રોમાં માતાનો દીવો દીપ્તિ આંજતો હતો. અદબ રાખીને એ પાછી વળી ગઈ ત્યારે હરદાસ એની પીઠ અને પગલાં પણ જોતો રહ્યો. નેત્રોવાળી મોચણની છોકરી રળિયાત જાણે નવો જન્મ પામી હતી. ‘સાચી વાત —’ એનું હૃદય કહેવા લાગ્યું; ‘હમણાં પેલી બાઈઓ જે વાત કહી ગઈ તે સાચી લાગે છે. એકાદ દેરું તો જોઈએ, કે જ્યાં ઊભા રહેતાં બે-પાંચ પળ માટે પણ જોબનના મદ ગળી જાય. એક દેરું નથી, તો આ મારી ન્યાતનાં જનોને ઘણું ઘણું નથી. કોઈ બેસવા ઠેકાણું નથી. કોઈ ગર્વ ગળવાની જગ્યા નથી. શા તૉરમાં છકેલાં ફરે છે આ બધાં! ‘એકાદ દેવસ્થાનું જોઈએ....’ એટલું વિચારીને એ વિમાસી રહ્યો હતો. એક જાહેર દેરી ચણવાની પણ આ મુસ્લિમ નગરીમાં રજા નહોતી. મરદ મોટા મા’જનનેય નહોતી, ત્યાં બાપડા મોચીઓની શી ગુંજાશ! માણેક નદીનો નિર્મળ આરો, પંખીના કલશોરે ગાજતી એક નાની વનરાજિ, તેની વચ્ચે એક — એક જ — બસ દેરું, દેરામાં મા બૌચરાની — જગજ્જનીની — મૂર્તિ: એ મૂર્તિની કને હું બેઠો રહું, દીવે તેલ પૂરતો બેઠો રહું ને ત્યાં દર્શને આવતી માનિનીઓના મદ-નિતાર દેખી દેખી આનંદ પામું.... હરદાસની આંખોને એ એક જ ઉત્કંઠા ઘેરી રહી. પણ હરદાસ જાણતો હતો. એ અશક્ય વાત હતી. ઘડીવાર પછી આખી પોળમાં નીરવ શાંતિને ખોળે હાટડે હાટડે મોહરમના તાબૂતો માટે, માતાની માંડવીઓ માટે અને કેટલીક પોળોમાં છૂપે ભોંયરે સંઘરવામાં આવેલી જિન દેવપ્રતિમાઓની આંગીઓ માટે શણગાર-શિલ્પ બનવા લાગ્યાં. યોદ્ધાઓ ચમકતા કૂબાવાળી નકશીદાર ઢાલો વહોરી વહોરીને જતા-આવતા થયા, ને પાંચાળી, પંચકલ્યાણી તેમ જ આરબી અશ્વો, મોંથી લઈ માણેકલટ લગીના, તેમ જ ગરદનથી માંડી પીઠના બાજઠ સુધીના સોનેરી-રૂપેરી સાજે શણગારાઈ, દશેરાની સવારી માટે દૂરદૂર દેશાવરે ચાલ્યા જવા લાગ્યા.

[૨]

અમદાવાદની ચાંલ્લાઓળ આ રીતે ગુજરાતનાં દેવતાઓને, માનવીઓને અને પ્રાણીઓને લાડે કોડે આભરણો સજાવતી હતી. રસીલાં રાજનગરજનોનું આ ચાંલ્લાઓળ એક લાડકવાયું સ્થાન હતું. નવલી નગરી હજી તો બંધાતી આવે છે. જોબન એનું કળીએ કળીએ ઊઘડતું જાય છે. ચાંપાનેર અને પાટણનો ત્યાગ કરીને આ રોનકદાર પુરીની લોભામણી કમાણીની સુગંધે સુગંધે શિલ્પીઓ ને કારીગરો, વૈશ્યો ને મજૂરો ઉચાળા ભરી ભરી ચાલ્યા આવે છે. ચાંલ્લાઓળની કસબી મોચી ન્યાત હજુ તાજી જ આવી વસી છે. સાચી વાત હતી એ ડોશીની, કે અહીં હજુ એમની ઇષ્ટદેવી બૌચરાજીનું એક પણ થાનક બંધાયું ન હોઈ માનતા-જાત્રા જુવારવા માટે છેક ચુંવાળને વડે થાનકે જવામાં પાર વગરની વપત્ય પડે છે. અમદાવાદ શહેરનાં તોરણ બાંધનાર મુસલમાન પાદશાહ નવાં દેરાં ચણવા દેતો નથી. કર્ણાવતી અને આશાવલ નગરીના કાળનાં, કોઈ કોઈ જંગલમાં ઊભેલાં જૂનાં દેવાલયો પણ પડે છે તે પછી તેનોયે જીર્ણોદ્ધાર કરવાની રજા મળતી નથી. પડેલાં મંદિરોની મૂર્તિઓને માટે ધીરે ધીરે પોળોની અંદર પૃથ્વીના પેટાળમાં ગુપ્ત થાનકો કરવાં પડે છે. છતાં હિંદુ ને મુસ્લિમ ઉત્સવો પુરબહારમાં અને પડખોપડખ ચાલુ છે. દર નવરાત્રમાં મા બૌચરની માંડવી મુકાય છે, દીવા ચેતવાય છે, બાઈઓ ગરબે રમે છે ને પુરુષો માની પાસે વેશ કાઢી ભવાઈ ખેલે છે. જુમા મસ્જિદના મિનારા પરથી સાંજની આજાનના સૂર અંધારામાં સમાઈ ગયા અને નમાજમાં ઝૂકેલા હજારો જનો એ આલેશાન ચોગાનને ખાલી કરી મિસ્કિનો-ફકીરોનાં ડબલામાં ત્રાંબિયા ટપકાવતા ચાલ્યા ગયા. તે પછી ચોકમાં ભૂંગળો ચહેંચવા લાગી, અને તેના આરોહ-અવરોહની સાથે સૂર મિલાવતા ભવૈયાના નાયકો માતાના મંડપ નીચે ગાવા લાગ્યા — સેવ્યો તો લખ લાભ દે, વિદ્યા તણો ઉપદેશ, અવસર પહેલો સમરીએ ગવરીપુત્ર ગણેશ; આવે માતા ઉજન થકી, પાયે ઝાંઝરનો ઝમકાર, ચાચર ખેલે ખેલશું, રક્ષા કરો અંબા માત. એવાં દેવદેવીનાં આવાહનો ગવાયાં અને પછી માનવીનાં રૂપની, નેહની સાખીઓ નગરીના નીરવ વાયુમાં તરતી મૂકી: મારુ! તારા દેશમાં દીઠાં ત્રણ રતન, એક ઢોલો ને બીજી મારુડી, ત્રીજો કસુંબલ રંગ. મારુ નાહી ગંગજળે, ઊભી વેણ સુકાય, ચંદન કેરે રૂખડે, બાળો નાગ ઝકોળા ખાય. મગ મગ જેવડી મારુડી, તલ તલ જેવડા સરેશ, હું તુજ પૂછું ઢોલા મારુડી, તમે માણી કેટલી જણેશ? પગ તો માણ્યા ઢોલા મોજડી, કેહેડે તો માણી કંદોર, ઉર તો માણ્યું મારે કંચવે, મુખ તો માણ્યું કાંઈ તંબોળ ને પછી મારુના પહોર મંડાતાં તો ઝાંઝપખાજ રમણે ચડ્યાં — પહેલે ને પહેલે રે પહોર મારુજીના ઢોલા, દીવડા કોણે અંજવાળ્યા રે હો મારુજીના ઢોલા! — થૈ થૈ થા થે ભલે રે ભૂંગળિયા! બીજે ને બીજે રે પહોર મારુજીના ઢોલા. કેસરી તિલક બનાયા રે હો હો મારુજીના ઢોલા! — થૈ થૈ થા થે. ત્રીજે ને ત્રીજે પહોર મારુજીના ઢોલા ફૂલડે સેજ બિછાયા રે હો મારુજીના ઢોલા! — થૈ થૈ થા થે. ચોથે ને ચોથે રે પહોર મારુજીના ઢોલા, પિયુડે કંઠ વળગાડ્યાં રે હો મારુજીના ઢોલા! — થૈ થૈ થા થે. દૂધની ધારાવાડી કરી બાંધી લીધેલ ગોળાકાર પડની ચોપાસ સ્ત્રીઓ, પુરુષો ને બાળકો બેસી ગયાં; અને એ પડની અંદર રમવા આવતા એક પછી એક વેશ પ્રેક્ષકોને ખડખડાટ કે માર્મિક રીતે હસાવતા, સામાજિક અવસ્થાઓનાં ચિત્રો બતાવતા હતા. મિયાંબીબી આવ્યાં ને પ્રેક્ષકોમાં બેઠેલાં મુસલમાનોનાં ટીખળ ચાલ્યાં. ઝંડાઝૂલણ ને તેજો-તેજણ વાણિયાં આવ્યાં, અને મિયાંઓ હસ્યા; છેવટે ઝંડો ને તેજણ બે ઈશ્કીઓ પોતપોતાનાં જીવતર રોળાઈ ગયાંના પરિતાપ કરી જુદાં પડ્યાં ત્યારે પ્રેક્ષકોમાં ઊંડા વૈરાગ્ય-વિફલતાના નિસાસા પડ્યા. કજોડાના વેશે ક્ષત્રિય જોનારાઓનાં હૈયાં વીંધ્યાં, કંસારાના વેશમાં ફકીરોની ઠેકડી અને બાવાના વેશમાં હિંદુ જોગી-વેરાગીના ઢોંગનો ભવાડો, ગોરજીના વેશમાં શ્રાવકોનાં, ધર્મી લોકોનાં ધતિંગ! સૌ કોમો સંગાથે બેસીને વિના ગુસ્સે, વિના માનહાનિએ ને રસાસ્વાદની બુદ્ધિથી આમ નિહાળતી હતી. તે વેળા પોતાની મેડી પર હરદાસ પણ મા બહુચરીનાં કાલાંઘેલાં કરવા એક નવો વેશ સજતો હતો. એ સજતો હતો વાદીનો વેશ. ભગવી કફની, ગળામાં ઠાંસોઠાંસ માળાઓ, માથે ભગવી પાઘડી, ખંભે કરંડિયાવાળી કાવડ, હાથમાં કોડીએ, શંખલે ને કાચે જડેલી તુંબડાંની મોરલી. સામેની હારમાં બરાબર સામો જ મેડો હતો તેની બારીમાં ઊભી હતી રળિયાત. એ ભવાઈ જોવા નહોતી ગઈ. આજ સુધી તો જતી, ને ઘણાં વર્ષો સુધી ખુલ્લે મોંએ ખડખડાટ હસી લીધા પછી ગયા નવરાતરમાં એકાએક કોણ જાણે શાથી પણ એણે ખડખડ દાંત બતાવવા છોડી દઈ મોં આડે પટોળી ઓઢણીનો પાલવ ઢાંકીને ભવાઈ જોતે જોતે મર્મમાં હસી લીધું હતું. તે પછી આ નવરાતરની અગાઉના દહાડામાં એણે દેવમૂર્તિઓનાં નેતર (નેત્રો) બનાવતે બનાવતે હરદાસને નીચેના હાટમાં એક સ્ત્રીનું ચિતર કરતો દીઠો ને તુરત એની કાંચળીના ઉરભાગ પર ભરેલો મોરલો કહી ઊઠ્યો કે ખબરદાર છે, રળિયાત! હવે તું ભવાઈ જોવા જતી નહિ. દેવનાં નેત્રો, ઝીણાં ને મોટાં, તમામ એના ખોળામાં પડ્યાં પડ્યાં સાક્ષી પૂરતાં હતાં કે હૈયાનો મોર આવું કંઈક કહી ગયો છે. એ ત્રાંબાનાં નેત્રો પોતાની કારીગરી કરનારી રળિયાતને તાકી તાકીને જોતાં હતાં. મૂંગું મૂંગું કહેતાં હતાં કે જાણીએ છીએ તારા મનનો મરમ. અમથી કશુંય અજાણ્યું નથી. દડ દડ આંસુડાં પાડ છ તે અમને ધાતુનાં બનેલાંને પણ દઝાડે છે, રળિયાત! તું ચાય તે કરે પણ વાદીનો વેશ જોવા તારાથી નહિ જઈ શકાય. જોવો હોય તેટલો અહીંથી જ જોઈ લે — સામા મેડામાં બળતા દિવેલના ઉજાસમાં. ‘તે મને એકલીને કાં કહો છો?’ રળિયાત દેવનાં નેત્રોને મનમાં મનમાં જવાબ દેતી: ‘ત્યાં તમે જ જુઓની! એ બે આંખોય શું મને નથી જોઈ રહી! ઓ ઝગે, માતાની દીવીની બે જ્યોતો જેવી ઝગે છે. તે મને એકને જ કાં બધાં ચોકી તળે રાખો છો? ના રડું તો શું કરું? બીજાનાં બૈરાંનાં ચિતર કરે છે, ને મારા મોંમાં શી એબ દીઠી કે મને જ નથી ચીતરતો? માડી રે! વાદીનો વેશ, સાપ રમાડશે. મારાયે અંતરના ભોરિંગને રમાડી રહ્યો છે — એને બીક નથી વખની.’ એવું વિમાસતા ને બબડતા રળિયાતના મનને કરંડિયેથી સૂતા નાગને જગાડતો હરદાસ જ્યારે વાદીનો વેશ પૂરેપૂરો સજી કરીને મેડેથી ઊતર્યો, ત્યારે પડમાં ખબર અપાઈ. એના પગના ઘૂઘરા રણઝણ્યા એટલે પ્રેક્ષકોની વચ્ચે કેડી પડી ગઈ. ભૂંગળિયાએ ભૂંગળોના સ્વરો છેડ્યા, ને નાયકો બની બેઠેલાઓ વાદ્યો બજાવતા ગાવા લાગ્યા: વાદીડો આયો રે લોલ જોગીડો આયો એની મોરલીઓના મારે કાળા વાસંગીને ખેલવતો વાદીડો આયો રે થા થૈ થા થૈ. વખડાંના ભોગી મારા લાલ વાદીડા મારા ફૂલ વાદીડા રે મોરલીએ મીઠી તારે અમૃતની ધારો રે વાદીડો આયો થા તા-થા-થૈ. ‘વખડાંનો ભોગી’ એવા શબ્દે બિરદાવેલો વાદીવેશી હરદાસ જ્યારે મોરલી બજાવ્યા વગર પણ મોરલીના સૂરોનું વાતાવરણ સરજી રહ્યો અને વગર નાગે નાગનાં ફેણ માંડેલાં રૂપ પોતાના નાટારંભથી અને હાથની મોંની છટાથી દેખાડી દેખાડી એક સચોટ ઇન્દ્રજાળ પાથરી રહ્યો હતો, હજારો માનવો તલ્લીન હતાં, વાદીની નાગ સાથેની રમત નજરોનજર નિહાળતાં હોય તેવાં સ્તબ્ધ બન્યાં હતાં, વાદીના હાથ કોઈ અંતરીક્ષમાં ડોલતા ફણીધરને રીઝવતા, ખીજવતા, પંપાળતા, પટકતા, ઉછાળતા, ગળે વીંટતા, મસ્તકે ફેણ મંડાવતા અને હોઠે કરીને ચૂમતા દેખાતા હતા; ‘શાબાશ!’ ‘વાહવા!’ ‘સાક્ષાત્ વાદી’ એવા ધન્યવાદનાં લોકવચનોને સાંભળતો હરદાસ ‘જે જે મારી મા બૌચરી’, ‘તારાં કાલાં કરું છું, માડી!’ એવા શબ્દો વચ્ચે વચ્ચે કહેતો જતો હતો, ને એની આંખોના કાળાં કાજળ ચમકી ચમકી જાણે સહસ્ત્રા સાપની જીભના લબરકાનું નૃત્યમાં આલેખન કરી રહ્યા હતા, તે વખતે એકાએક પ્રેક્ષકોમાંથી એક હાકલ પડી: “બસ કર, હવે બસ કરી જા.” એ કોણે રંગમાં ભંગ પાડ્યો? હરદાસનું નૃત્ય અટકી ગયું અને હજારો લોકો એ બોલનારને શોધવા લાગ્યા. એક આદમી ઊભો થયો. એ વાદી હતો. એણે કહ્યું: “અમારી — શંભુનાં છોરુંની — ઠેકડી કરી રહ્યો છો?” “શું છે ભાઈ?” નાયકોએ એને પૂછ્યું. “જૂઠો વેશ બંધ કરાવો કહું છું.” વાદીએ હાથ લાંબા કરીને ત્રાડ મારી. “જૂઠો?” “જૂઠો! એક હજાર ને એક વાર જૂઠો કહું છું. માતાને ઠગે છે રમનારો. પૂછો એને, માનું વરદાન લાયો છે? લાયો હોય તો દેખાડે, સાબિત કરે, નીકર આ જ પળે એના વેશને ફાડી લીરા કરીને પડ વચ્ચે ફેંકીશ. એના ઘૂઘરા હું એના માથામાં મારીશ.” હરદાસ તો ચિતરામણમાં આલેખાઈ ગયો હોય એમ ઊભો હતો. એ કાંઈ બોલતો નહોતો. પોતાનો કયો દોષ થાય છે તેની એને સમજ પડતી નહોતી. માણસોનાં પણ મોં વકાસી રહ્યાં હતાં. “પણ તારે શું જોઈએ છે તે તો કહે, ગારુડી!” નાયકોએ વાદીને પૂછ્યું. “મારે જોવું છે અમારા વાદીના વેશનું સાચજૂઠ.” ગારુડીએ પોતાની કાબરી દાઢીએ હાથ નાખ્યો; “આ ખોટા કરંડિયા ને હવાઈ નાગ નહિ હાલે. સાચો વેશ કરી જાણતો હોય તો ઉપાડે આ મારા સાચુકલા નાગ.” એમ કહીને એણે પોતાના બે કરંડિયાવાળી કાવડ હતી તે ઉઠાવીને પડ વચ્ચે આણી મૂકી. અંદરથી ઊઠતા ફૂંકારાથી કરંડિયા કંપી રહ્યા. માણસોએ બબ્બે હાથ છેટે ખસી જઈ પડને પહોળું કરી આપ્યું. ગારુડીનો પડકાર સંભળાતાં તો મશાલોના ભડકામાંથી રામ જવા લાગ્યા. મશાલોમાં નવું તેલ નાખવાના હોશ મશાલચીઓ હારી બેઠા. અરધો ઉજાસ ચોખ્ખા અંધકારના કરતાં વધુ બિહામણો લાગ્યો. જાણે એ એક બાકી રહેલી ચિતાના અજવાસે પ્રદીપ્ત એક મસાણ હતું. નજીક જ વહેતી માણેક નદીનાં બગલાંના તી-તી સ્વરો સ્પષ્ટ સંભળાય એટલી બધી નીરવતા પ્રસરી ગઈ. એ મસાણના કોઈ એકલવાયા સાધક જેવો, અથવા તો કાપાલિકોએ મંત્રસાધનામાં ભોગ ચડાવવા બાંધેલો કોઈ બત્રીસો ઊભો હોય તેવો, હરદાસ વાદીવેશમાં સૂનમૂન એક તરફ ઊભો હતો. “ઊભો છો શું, વાસંગીના ચોર?” ગારુડીએ હરદાસને ફરી આહ્વાન સંભળાવ્યું: “રણઝણાવ તારા ઘૂઘરા, ને ગળે વીંટી લે મારા બે દેવતાઓને. નીકર ઉતારી નાખ વેશ, ને માફી માગ આ મારા માવતરની.” એમ કહીને તેણે ફરી પાછાં કરંડિયાનાં ઢાંકણાં હલાવ્યાં, જેના જવાબમાં અંદરથી ફૂંફૂંકારા ઊઠ્યા. સેંકડો આંખો ને કાન હરદાસ તરફ મંડાઈ ગયાં. એક પળ તો હરદાસ હેબતાઈને ઠરી રહ્યો. પછી એણે નાગના કરંડિયા સામે આંખો માંડી. ગારુડીએ ઢાંકણાં અધૂકડાં કર્યાં હતાં. કાબરચીતરાં ગૂંચળાં દેખાતાં હતાં. આંખોનું ત્રાટક કરી લીધા પછી, હરદાસના પગમાં હળવું, કલેજું શ્વાસ લેતું હોય એટલું હળવું, સ્પંદન જન્મ્યું. પગની ઘૂઘરીઓમાંથી પ્રથમ તો એક જ ટહુકી, પછી બીજી, પછી ત્રીજી, ને પછી પગના પહોંચાના ભાગે આછી એવી એક ટોપલી ભોંય પર દીધી. હજુ કોઈને સમજ નહોતી પડતી કે હરદાસ શું ચિંતવી રહ્યો છે. એ ખબર ન પડી ત્યાં સુધી તો પ્રેક્ષકો પણ નિરાંતવા બેઠા હતા. પણ ગારુડીએ ફરી પડકાર દીધો કે “બોલી નાખ. માફી માગ આ વાસંગીની.” હરદાસની જીભે નહિ પણ મૂંગા હાથપગે જવાબ વાળ્યો. એના પગ તાલબંધી નાટારંભમાં પ્રવેશ્યા. તેના હાથે મોં પાસે મોરલીનો આકાર રચ્યો, ને એણે ગારુડીની સામે શિર ઉલાળી ચેષ્ટા કરી, એટલે ગારુડીએ કરંડિયાના ઢાંકણ પર હાથ ચલાવ્યા. હજારો લોકો દૂર હટ્યા, કોઈ નાઠા, માતાની માંડવી પાસેથી બજવૈયા ગાનારા નાયકોનું ટોળું પણ ઊઠીને છેટે રવાના થઈ ગયું. પડમાં ફક્ત બે જ જણ હતા: એક હરદાસ ને બીજો ગારુડી. હરદાસના પગના ઘૂઘરાને હવે ઝાંઝપખાજની જરૂર નહોતી રહી. એણે તો એની પોતાની જ તરજ બાંધી લીધી હતી. બે હતા તેમાંથી ચાર બન્યા. કાબરા લાંબા બે કાળસ્વરૂપ સાપ મૂંઢો ઊંચી ફેણ કરીને આ એક મગતરા જેવડા માનવીને લબરક લબરક જીભ કરતા જોઈ રહ્યા. ફૂંફાડાને તો વિરામ ન રહ્યો. ત્યાં ત્રણ જ અવાજ રહ્યા હતા: માણેક નદીનાં બગલાંના તી-તી સૂર, હરદાસના પગનો ઘૂઘર-રવ, અને બે નાગના અવિરત ફૂંફાડા; ત્રણેયના લયતાલ એકબીજામાં મેળ લઈ ગયા. મશાલો લઈને છેટે ઊભેલાંઓએ બમણાં-ત્રમણાં તેલ રેડીને ભડકા ઊંચા કર્યા હતા. સેંકડો આંખો જોઈ શકતી હતી કે એ... એ... બેય કાળ કરંડિયાની બહાર નીકળ્યા, એ... એ હરદાસની સામે મંડાયા, એ... એ... હરદાસ ભાગ્યો કે શું? અરે, ના, આ તો સામે મંડાયો, ઘૂઘરા વિરમ્યા નહિ, તાલ તૂટતો નથી, નાગની સામે મંડાયો, ત્રાટક કરે છે, એ... એ... હાથ લંબાવે છે, એ... એ મૂઓ... એ ગયો.. એ ટચકાવ્યા કે શું? હમણાં જઈ પડશે... એ મારી મા! એને બચાવજે, એને છાબડે આવજો, એની પાસે અમીનો કૂંપો ભરી ઊભજો, માડી! એ ટચકાવશે.... ભૂસ દેતો પડશે. અરેરે, આપણો ચિતારો જશે, અમદાવાદ રાંડશે.... એ હાથ નાખ્યો... લીધા... અરે મૂઓ આ તો! ઓ બાપ! આ શું! બેઉ સાપને તેણે હાથમાં ઉપાડ્યા, અરે, આ શું!... ફાટ્યે ડાચે ગારુડી નીરખતો હતો અને બેઉ નાગ હરદાસને ગળે રેશમના દુપટ્ટા જેવા રમતા હતા, ચડતા ને ઊતરતા હતા, ખભે પડીને ઝૂલતા હતા. ગારુડી હરદાસના પગમાં પડી ગયો. બોલ્યો કે “શાબાશ વાસંગીના સેવક! તું સાચો; ને મારા મોઢામાં...” એટલું કહીને એણે ભોંય પરથી ચપટી ધૂળ ઉપાડી મોંમાં મૂકી. ત્યાં તો લોકો પાછા ધસી આવ્યા. નાયકોએ સાજ બજાવ્યા. હરદાસના ખભા, મસ્તક ને મોં સાથે ગેલ કરીને નાગ ઊતરી ગયા, શાંતિથી કરંડિયામાં જઈ બેસી ગયા. ચોકમાં હરદાસના ઘૂઘરા સાંભળતી રળિયાત મેડાની બારીએ વળગી રહી હતી. દેખાતું તો કંઈ નહોતું પણ એના કાનને આંખો આવી હતી. વાદીવેશે જતો જોયો ને પછી ઘૂઘરા ગુંજ્યા. તેણે એને આખું દૃશ્ય દેખાડ્યું હતું, પછી ઠમકાર અટકી ગયા, કોઈ કરડા કંઠની હાક પર હાક પડી, માણસો ભાગ્યાં હોય તેવો ભાસ થયો, નાગ — બે નાગ — એને ગળે વળગાડ — એવાં આહ્વાનો એને કાને અફળાયાં, જે પછી નિર્જન નિ:સ્તબ્ધ નિશાંધકારમાં મૂંગા માનવીનો ઘૂઘર-રવ બોલ્યો, એથી ફાળ ખાઈને રળિયાત બારીને બારસાખે ચોંટી રહી હતી, અને અક્કેક ઘડી અક્કેક જુગ જેવડી ગઈ હતી એ તો રળિયાતના દાબડામાં પડેલાં દેવમૂર્તિઓનાં કૂડીબંધ નેત્રોને જ ખબર હતી, બીજા કોઈને નહિ. અરેરે, હરદાસે ન જાણ્યું હોય તો જ ભલું. નહિતર મારી કેવી ફજેતી થશે! હરદાસ સાપને રમાડીને પાછો આવ્યો ત્યારે મોડી રાત વીતી ગઈ હતી. એ મેડે ચડ્યો ત્યારે સામી બારી સળવળાટ કરીને બિડાઈ ગઈ તે એને સમજાયું હતું. નેમચંદ મોચીની દીકરી રળિયાતના મોંના ‘ખમા માતાજી!’ એટલા શબ્દો બીડેલા બારની ચિરાડમાંથી બહાર આવીને હરદાસને હાથે પગે ને હૈયે, આખે કલેવરે જાણે કે સ્પર્શ કરતા હતા. રળિયાતની મા પણ ચોકમાંથી પાછી ફરી અને મેડે જઈને અંધારે પોતાની પથારી પર પડી, કેમ જાણે દીકરીને સહેતુક સમજાવતી હોય તેમ બબડી: “માનો સેવક બનવા ગયો બાપડો, પણ કમાયો શું? ડગલે ને પગલે દોહ્યલી પરીક્ષાઓ દેવાની. આજ સરપ તો કાલ વળી સિંહ ને વાઘ: આજ ગારુડી તો કાલે પરમે કોઈક અઘોરી બાવો: આવી આવીને કહેશે કે આ કરી બતાવ ને તે કરી દેખાડ, નહિ તો માનો સેવક નહિ, વિદ્યાવાળો નહિ. બળી એ વિદ્યા! એના ઘરમાં જનારું બૈરું તો સમે સુખે કદી નીચો શ્વાસ સુધ્ધાં નહિ મેલવાનું. પાછો બન્યો ચિતારો. ચીતરવાનાં તો રૂપ અને જોબન જ ને? મારા જેવી ભૂંડા મોંવાળી ઓછી જ એની સનમખ બેસશે? મોટા હવેલીવાળા શ્રાવકોની ને વૈષ્ણવોની બેટી વહુવારુની સનમખ બેસીને એનાં ચિતરામણ કરવાનાં. ચિત ચકડોળે જ ચડે કે બીજું કશું! ઘરનું બૈરું કડવું ઝેર લાગે. એથી તો આપણા મોચીના બીજા સર્વે કસબ સોગણા સારા. આ તારા બાપા મને રોજ પાસે રાખી ‘નેતર’નું કામ શીખવતા. આ હાટડે હાટડે જોઈએ તો એકેય મોચી બૈરાંને જોડે રાખ્યા વગર બેઠો નહિ દેખો. મોડિયો બનાવતી હશે, પાનાં કોરતી હશે, રસણ કરતી હશે, મીનાકારી જડતી હશે, પણ પાસે ને પાસે. ચિતારો તો ક્યાંઈ ક્યાંઈ ભટકે, એની પાછળ ચોકી રાખે કોણ? અરે બૈ! શા અવતાર છે? હે મારી મા, સૌને સવળી મત સુઝાડજે.” એવું બોલતી બોલતી મા ઊંઘ ખેંચવા લાગી, પણ દીકરીને સારી રાતનું જાગરણ સોંપતી ગઈ. માને પૂરું ઘારણ વળી ગયું તે પછી રળિયાતે ધીરે રહીને દાબડો ઉઘાડી અંદર ચળકી ઊઠેલાં દેવ-ચક્ષુઓને નિહાળી જોયું. અરેરે, કેટલાં બધાં નેત્રો અંધારે પણ કરડા દૃષ્ટિપાત કરી રહ્યાં છે! અરે, તમે બધાં જ શું મને ના કહો છો? મારું અકલ્યાણ ભાખો છો? — ના, એક ઠેકાણે બે નેત્રો અમીની નજરે મને નિહાળી રહ્યાં છે. એ બેને વીણી લઈ જુદાં મૂકી દઈ, બારી લગાર ઉઘાડી મેલીને રળિયાત જાગતી પડી રહી, તે છેક કૂકડા બોલ્યા વેળ સુધી. આંખો મળી. પ્રભાતના પ્રથમ અજવાસમાં એ જ્યારે જાગી ગઈ ત્યારે સામા હાટમાં હરદાસ કશુંક ચિતરામણ કરતો દેખાયો. ચિત્ર પાસે દીવો બળતો હતો. કોને ચીતરતો હશે? મને? હાસ્તો! નહિ તો રાતે જાગીને શા માટે ચીતરે? હાય! હાય! મને ઊંઘતીને આલેખી હશે? દૈ જાણે હું કેવાયે ઢંગમાં પડી હઈશ. મારી ઓઢણીની શી દશા હશે? લાજીને રળિયાતનું મોં લાલ ટશરો મેલી રહ્યું.

[૩]

ભદ્રના પાદશાહી મહેલને બીજે માળે ચોરસ એક ફરસબંધીવાળો ચોક હતો. તેની કોર પર ચિતારા હરદાસને લઈ જઈ બેસાડવામાં આવ્યો હતો. એની એક બાજુ પીંછીઓ અને રંગોની કટોરીઓ પડી હતી. સન્મુખ એક બાજઠ પર પહોળું રેશમી પટ ચાપડા ભીડીને ગોઠવ્યું હતું. એની ડાબી બાજુએ એક પહોળી રૂપાની તાસક પડી હતી, એમાં પાણી ભરવામાં આવ્યું હતું. એ સ્વચ્છ સ્ફટિક સમું પાણી ધીમે ધીમે લહેરિયાં લેતું હતું. છેલ્લું લહેરિયું વિરમી જવાની રાહ જોતો હરદાસ નીચે નિહાળીને પીંછીને પંપાળી રહ્યો હતો. હરદાસની સામે બીજા માળને ઝરૂખે પાદશાહ મશરૂની મોરલારંગી ગાદી પર રત્નજડિત હુક્કાની નળી તાણતા સોરમદાર ધુમાડાનાં ગૂંચળાં વેરતા બેઠા હતા ને આ જુવાન હિંદુ ચિતારાના ચહેરાનું બારીક નિરીક્ષણ કરતા હતા. હરદાસ ચિતારો તો પોતાની સકળ સૃષ્ટિ એ પાણીના થાળ, બાજઠ પરના પટ અને રંગની કટોરીઓમાં જ સમાઈ ગઈ હોય તેમ આજુબાજુ કે ઊંચેનીચે નજર પણ ફેરવતો નહોતો. બાદશાહની નજર ચિતારાના ચહેરામાંથી કંઈ શિકાર પકડી શકતી નહોતી. “ઉજાસ બરાબર છે ના?” પાદશાહે પ્રશ્ન કર્યો તેના જવાબમાં હરદાસે પાદશાહની સામે સહેજ આંખ ઊંચકીને જણાવ્યું: “પૂર્વની જાળીનો પડદો જરા ઢાળી દઈએ તો?” પ્રભાતનો સમય હોઈ ઉગમણો પ્રકાશ એ નકશીદાર જાળીમાંથી ચળાઈને પ્રવેશતો હતો છતાં ઊગતી જુવાનીના જેવી થોડી ઉગ્રતા દાખવતો હતો. બાદશાહની નજરનો દોર ખેંચાયો, ને ત્યાં ઊભેલી બાંદીઓમાંથી એકે મુલાયમ પગલે જઈ જાળીનો પીરોજી પરદો નીચે ઢાળ્યો. તાસકનું જળ સ્થિર બન્યું, ને એના પર ત્રણ માળના ગભારા વચ્ચેથી નીતરતા આકાશી પ્રકાશે લીંપણ કરી લીધું, એટલે ચિતારાએ બાદશાહની સામે નજર કરીને સંપૂર્ણ તૈયારી જણાવી. બાદશાહે, સામી બાજુના એક ઝરૂખા સામે, ઊંચે, ત્રીજે માળે, સ્નેહભરી મીટ માંડી, તે પછી તુરત જ પોતાની જળભરી તાસકમાં તાકી રહેલ હરદાસે એટલા પાણીના પટ પર એક જીવતી સુંદરીનું પ્રતિબિમ્બ પડેલું દીઠું. નીચું જોઈને બેઠેલ ચિતારાએ પોતાનો ડાબો હાથ જરી ઊંચો કરીને, પોતાના માથા પરના ઝરૂખા તરફ પ્રથમ સહેજ એક પાસ ઈશારત કરી, પછી લગાર આગળ, પછી પાછું જરાક જ જમણી ગમ. બસ, એણે હથેળીની ઇશારતથી બતાવ્યું કે હવે બધું બરાબર છે. એનો હાથ નીચે આવ્યો, ને એના જમણા હાથની પીંછીએ, ડાબી ગમના થાળ પર જળછવાયા પ્રતિબિમ્બનું જ ધ્યાન ધરી રાખી, રેશમી પટ પર રેખાઓ તાણવા માંડી. તારલાની ટીબકીઓવાળી ઓઢણી આલેખી ફક્ત મથરાવટી સુધી: સરખે સેંથે વહેંચાયેલા વાળની ગણી ગણીને તાણતો હોય તેવી લટો, નમણું લલાટ, ભમ્મરની કમાન, આંખોનાં કમળ, અરે, નયનોમાં લળકતી કીકીઓ સુધ્ધાં, દીવાની શગ સરીખું નાક, નાકમાં નાજુક બુલાખ; પછી હરદાસની પીંછી એ આકૃતિના હોઠ પર છૂંદણાં મૂકે છે. ઓઢણીને બેય બાજુએ ઢળકાવે છે. ને આ બધું હરદાસ ચિત્રના પટ પર જોયા વગર જ આંકી રહ્યો છે. એની દૃષ્ટિ તો જળ-થાળમાં છવાઈ ગયેલ પ્રતિબિમ્બ પર જ લાગેલી છે. એ એક સુંદરીની, કમર સુધીની પ્રતિછાયા છે. થોડી વારે હરદાસની પીંછી એ આકૃતિના ઉરભાગ સુધીનો ઉઠાવ કરતી ઊતરી ગઈ. આછી ઓઢણીના ત્રાગડે ત્રાગડા એણે જળ-પ્રતિબિમ્બમાંથી જોઈ લીધા. કાંચળીના બુટ્ટા, ડોકની પારદર્શકતા, પયોધરનો દાડમઘાટ, કોણીથી કળાઈ સુધીનું સંઘેડાઉતાર સૌંદર્ય-કંડારણ અને આછી ચૂંદડીમાંથી આરપાર દેખાઈ આવતા પેટ પરની ત્રિવલીના ત્રણ સ્પષ્ટ આંકા: એટલાં વાનાંએ ચિત્રકારની લક્ષવેધિતામાં આકાર ધારી લીધો, અને એ જળમૂર્તિમાં જરીક હલન થયું જોયું કે તત્ક્ષણ હરદાસે ફરીથી હાથ ઊંચા કરીને એ ગોખે ઊભેલી માનવસુંદરીને સમજ પાડી કે “બસ, આજનું કામ પૂરું થયું.” ઝરૂખો ખાલી થઈ ગયો. અને ચિતારા હરદાસે પોતે આલેખેલ આકૃતિ ઉપર બાકીની રેખાઓ આપમેળે કલ્પનાથી જ તાણવા માંડી. હવે એને વધારે દેહભાગ જોવાની જરૂર નહોતી રહી. એણે જેટલી આકૃતિ જળમાં જોઈ કાઢી હતી તેના પરથી જ બાકીનો નીચલો દેહ ઉતારવા માંડ્યો. ખોખું તો તૈયાર થઈ ગયું. બીજા દિવસની સવારે ફરી પાછો પાદશાહી મહેલ, પાછી એ જ પ્રમાણે બેઠક, ઊંચે નજર કરવાની નહિ, આજુબાજુ જોવાનું નહિ, નીચે પાણીની જે તાસક ભરેલી છે તે જ ચિત્રકારની આરસી છે. ઉપરના ઝરૂખામાંથી એક લાવણ્યમૂર્તિ સુંદરી બહાર ડોકું કાઢી તાસકમાં પોતાનું પ્રતિબિમ્બ પાડીને અચંચલપણે ઊભી રહે છે, એની છાતી પર્યંતની આકૃતિ પાણીમાં પડે છે, ને હુક્કો તાણતા પાદશાહની આંખો સામે મોચી ચિત્રકાર એ જળમાંથી વધુ વધુ રેખાઓ ઉપાડી લઈ ચિત્રપટ પરની છબીને ઉપસાવે છે. પ્રભાતની પીળી તડકીમાં પહેલો ધગધગાટ આવ્યા પૂર્વે તો એ ઝરૂખાવાસી સુંદરી અદૃશ્ય બની જાય છે. અધૂરું ચિત્ર પાદશાહ જુએ છે ને એના હુક્કાના લહેરાતા ધુમાડાની વચ્ચે આકૃતિનો સુડોલ ઘાટ એને હરખ પમાડે છે, પણ પાદશાહ પોતાની પ્રસન્નતાને કળાવા દેતો નથી. “ઘોડવે’લમાં મૂકી આવો ચિતારાને.” પાદશાહે આજ્ઞા દીધી. જવાબમાં ચિતારાએ જણાવ્યું: “નહિ, જહાંપનાહ! હું ચાલીને જ જઈશ.” “કેમ?” “શહેરને, શહેરની નવી થતી કારીગરીને અને માનવીઓના ચહેરાને જોતો જોતો જઈશ. મારી માતાનો એવો આદેશ છે.” “માતા કોણ?” “દેવી બૌચરી, જેની કૃપાથી જ મારાં ચિત્રો રચાય છે.” પાદશાહના ચહેરા પર એક આછો મલકાટ સળવળીને પાછો ચહેરાની સુરખીમાં સમાઈ ગયો, અને ચિતારો હરદાસ વળતે દિવસે એ જ સમયે આવવાનું કહી નીચે મસ્તકે ભદ્રની મહેલાતોની બહાર નીકળી ગયો. અહીંથી ને તહીંથી જ્યાં કાન માંડે ત્યાંથી ટાંકણાના હળવા અવાજ આવી રહ્યા હતા. નવી મસ્જિદો ને મકબરાના ઘુમ્મટો, મહેરાબ તેમ જ મિનારા ઊઠતા હતા. હિંદુ કળા ઇસ્લામી ભાવનાની જોડે, માલિકને દ્વારે બહેનપણાં કરતી હતી. મસ્જિદના શણગાર કરતા હિંદુ કારીગરો અને તાજા વટલેલા મુસ્લિમ શિલ્પીઓ સંગાથે બેઠા હતા. પ્રથમ પોતાનાં દેવદેવીઓને ચીતરતો ને પછી શહેરનાં સામાન્ય માનવોનાં રૂપ આલેખતો હરદાસ હવે છેક પાદશાહની રાણીને ચીતરવા સુધી બઢતી પામ્યો હતો જેથી કુતૂહલનું પાત્ર બન્યો હતો. “કાં હરદાસ, ભદ્રમાં જઈ આવ્યા? ચીતરકામમાં ખુદા જશ અપાવશે, હાં કે!” કમળની પાંદડીઓ ઉપસાવતો કડિયો રહેમાન મસ્જિદના પાછળ ભાગના સ્તંભ પરથી કહેતો હતો. “માની કરુણા, રહેમાનભાઈ!” હરદાસે જવાબ દીધો. “તકદીર ખૂલે છે ત્યારે જ તો, ભાઈ!” “હા જ તો. માની કૃપા વગર બીજું તો શું દૈવત છે આપણામાં?” “અલ્લાહ મોટો છે, બાપ! એ તમારી ઉમેદ પૂરશે.” એકનો અલ્લાહ અને બીજાની માતા: બેઉ આવા વાર્તાલાપમાં એકાકાર બનતાં હતાં. ભાષાના પ્રયોગો ન્યારા ન્યારા હતા, ભાવમાં ભિન્નતા નહોતી. કલાકારો પોતાની સર્વ સિદ્ધિઓને વિશ્વનિર્માતાની જ કૃપાનાં ફળ ગણતા હતા. હરદાસની તો એ પાકી શ્રદ્ધા હતી કે ઊંચા ઝરૂખા પરથી પાણીની તાસકમાં પડતી માનવ-આકૃતિ, માનો ગુપ્ત દીવડો જો ન જલતો હોય તો દેખાય જ બીજી શી રીતે? પોતાનાં નેત્રો નિર્વિકાર રહે જ શી રીતે? જળમાં જોયેલું પ્રતિબિમ્બ પોતાના આછેરા સ્મિતને પણ સંયમ પળાવે શી રીતે? એ બધો પ્રસાદ માનો જ તો. રાણીની છબીમાં છેલ્લા રંગો પૂરી કરીને હરદાસ ઘેર આવ્યો હતો. ગોરાં ગોરાં રૂપની ગુલાબી, તેના પર આછો આસમાની ઘાઘરો, ને તેના ઉપર આછી કેસરી ઓઢણી, એ શણગારના રંગોને લેશ પણ દબાવી ન નાખે તેવાં સહેતાં સહેતાં આભૂષણો, અને આસપાસ મઢી લીધેલો હિંદુ સ્થાપત્યનો સુકોમળ શણગાર, રાજપૂતશાઈ ગોખ-ઝરૂખો, ઝરૂખાની પાળે પારેવડાં ઘૂમે, ને પાછળ ચાલી જાય પહોળા જળસ્ત્રોતનો સાળુ લહેરાવતી સાબરમતી: પ્રત્યેકની વિગતોનો તો કંઈ પાર નહોતો રાખ્યો હરદાસે. સંધ્યાકાળના દીવા ચેતાયા ત્યાં સુધી ચિત્રને મઠારતો હરદાસ બેઠો હતો. ચિત્ર પાદશાહને સોંપી, ઊઠી, વળાંક લેતી સાબરમતી પર એક નજર નાખી, પછી પોતે ઘેર આવ્યો, અને એનું થાકેલું શરીર નિદ્રામાં પડ્યું.

[૪]

પ્રભાતે એ પાદશાહના તેડાની વાટ જોતો તૈયાર થઈ બેઠો હતો. તેડું આવ્યું. પણ હરદાસને કૌતુક થયું. આજે એને તેડી જતા રાજ-માણસોમાં રોજની અદબ-આમન્યા નહોતી. રસ્તે સહુ ચુપકીદી રાખીને ચાલતા હતા. ‘ચલો જલદી, જલદી ચલો!’ એવો ધીમો દમ છાંટતા હતા; અને રસ્તે હરદાસ જ્યારે રોજિંદી રીતે મસ્જિદની કોતરણીના ચાલુ કામને નિહાળવા અટક્યો ત્યારે જમાદારે આવીને એનો હાથ ઝાલીને ઘસડ્યો. મસ્જિદના બહારના ચોકના એક સ્તંભ પરની ખૂબસૂરતી તરફ હરદાસનો લંબાયેલો હાથ હેઠો પડી ગયો. એને ધકેલીને લઈ જતા હતા તે ટાણે રળિયાત માથે બેડું લઈને માણેક નદીનો હળવો ઢોળાવ ચડી રહી હતી. હરદાસને અજાયબી લાગી. આવું મંગળ શુકન થાય છે, પનિહારી અને તે પણ રળિયાત જેવી હૃદયવાસિની કુમારિકા સામે મળે છે, તે છતાં આ અમંગળનાં એંધાણ કાં ઊપડે છે! હશે, મારી મા! જે હોય તે ભલે હો. પાદશાહ જે એકાંતમાં બેઠા હતા ત્યાં હરદાસને પ્રવેશ કરાવીને પાદશાહની આંખોની નિશાનીથી સર્વે અનુચરો બહાર ચાલ્યા ગયા. પાદશાહે ગાદી પર તકિયાને અઢેલીને હરદાસની ચીતરેલી જે નવી છબી મૂકી હતી તે હાથમાં લીધી. ફરી ફરી એની ઉપર આંખો માંડી. હરદાસે એ આંખોના રંગપલટા નિહાળ્યા. એમાં આગ અને પાણી, બેઉનો વિગ્રહ ચાલતો હતો. ધીરે ધીરે પાદશાહની આંખો ઊંચકાઈને હરદાસની સામે મંડાઈ, ત્યારે એના ખૂણામાં રાતા ટશિયા ફૂટી ગયા હતા. એણે હોઠને કરડા કરી પૂછ્યું: “આ તસવીર તારી જ ચીતરેલ કે?” પાદશાહે સન્મુખ ધરેલી છબી જોઈ ચિતારાએ જવાબ વાળ્યો: “હા, નામવર! મારી જ ચીતરેલ.” “બીજા કોઈનો હાથ નથી આમાં?” “ના.” “નજીક આવ.” હરદાસ પાસે ગયો. “નિહાળીને જોઈ લે. આખું જ ચિત્રકામ તારું છે ને?” “મારું પોતાનું જ તો.” “આંહીં જો.” એ શબ્દોની સાથે પાદશાહની આંગળી એ ચીતરેલી આકૃતિના જમણા પગના બરાબર સાથળ પર પડેલા એક બારીક કાળા ટપકા પર ઠેરી; “આ શું છે?” આછા ઘાઘરાની આરપાર દેખાતો હોય એવો એ એક તલ હતો. એ એક જ ટપકું આખા દેહની માધુરીને શગ ચડાવી રહ્યું હતું. ચિતારો પોતે જ વિસ્મયમાં ગરક બન્યો હતો. આગલી સાંજે આ તસવીરનું છેલ્લું મઠારકામ કરીને પોતે ગયો ત્યારે જે રૂપ એણે જોયું હતું તે આ ક્ષણે સાતગણું વધી ગયું હતું. આકૃતિના ગોરા સાથળ પર, આ ટપકું પોતે તો મૂક્યું નહોતું. મૂકવાનું કોઈ પ્રયોજન નહોતું. આ શું થયું? અહો! ગોરી ગોરી માધુરીના આખા ગુલાબ પર આ એક ભમરો ન બેઠો હોત તો મારી કળા ઝાંખી લાગત, સમતોલપણું ગુમાવી બેસત. પણ આ પાદશાહ કોપે છે શા માટે? “જોઈ રહ્યો?” પાદશાહનો કંઠ તપ્યો. “હા જી.” “એ શું છે?” “હું પોતે જ સમજી શકતો નથી.” “હં - હં!” પાદશાહના હોઠ કુટિલ રીતે મરડાયા; “સમજી શકતો નથી? સુંદરીઓનાં ગુલબદન સારી પેઠે તપાસ્યાં લાગે છે, છતાં સમજી શકતો નથી?” “નામવર!” હરદાસની આંખો ઢળી પડી ને એણે કહ્યું: “સુંદરીઓનાં શરીર મેં નથી જોયાં. મેં હજી લગ્ન કર્યું નથી. આ ટપકાની મને ખબર નથી.” “આ ટપકું — હરદાસ! હજારોમાં એકાદ નાજનીનની જાંઘ પર ખુદા ચોડે છે તેવો આ એક તલ છે.” પાદશાહની આ ઉક્તિ પણ મોઘમ હતી. હરદાસને એના ગર્ભિતાર્થની ગતાગમ ન પડી. પાદશાહ પોતાના ચિત્રકામની પ્રશંસા કરે છે કે ખામી બતાવે છે? છોભીલા પડી જઈને હરદાસે પાદશાહની સામે નેત્રો માંડ્યાં. પાદશાહના હોઠ પર મલકાટ અને રોષની કુસ્તી ચાલતી હતી. સ્મિતને મરડી નાખીને સુલતાને પૂછ્યું: “તને ક્યાંથી માહિતી મળી ગઈ? સાચું બોલ.” “મને સાચજૂઠની જાણ નથી. હું તો, નામદાર, ફક્ત બોલું જ છું. કહો, શું બોલું?” “તને આ માહિતી કોણે આપી? બેગમના બદન પર બરાબર જાંઘ પર જ આ તલ છે.” હરદાસ આ સાંભળીને આખું રહસ્ય પામી ગયો. એના મનમાં ઉદ્ગાર ઊઠ્યો: ‘ધન્ય મારી માતા!’ એણે સુલતાનને કહ્યું: “હું ચીતરું છું તે વિષે તો, નામદાર, હું કોઈને કશું પૂછતો નથી.” “તો તેં આ તલનું ટપકું શા પરથી મૂક્યું?” “મેં નથી મૂક્યું. રોજ આપને ચિત્ર સોંપીને જાઉં છું. આપ એને ક્યાં મૂકતા હશો?” “સખ્ત તાળાચાવીમાં. મારી ખાનગી પેટીમાં.” “તો, નામદાર, ગઈ કાલે સાંજે એ દેખ્યું હતું આપે?” “નહિ, બિલકુલ નહિ.” “તો એ કદાચ માખીએ મૂકેલ દાઘ હશે.” “તો તો એ ઊખડી જશે.” “લાવો તો, નામદાર!” એ ચિત્ર લઈને હરદાસે એ તલ પર નખથી કપડું ઘસ્યું. જાણે કંઈક તણખલું ચોંટ્યું હોય તેમ એ ડાઘ નીકળી ગયો. “અલ્લાહ!” ઉચ્ચારી સુલતાને રાહત અનુભવી. એના મન પરથી એક શિલાનો બોજ ખસી ગયો. એને ખાતરી થઈ કે એ ટપકું આ ચીતરકામનો કોઈ અંશ નહોતો. અકબંધ અને આબાદ એ છબી હતી. પણ પાદશાહે તસવીરને ફરીથી નિહાળી, નજીકથી અને દૂરથી અવલોકી જરા વધુ ઉજાસમાં ધરી જોઈ, જરા વધુ અંધારામાં રાખીને નીરખી, પછી એણે એક નિ:શ્વાસ નાખ્યો, એના હોઠ અક્કડપણું છોડીને સહેજ મરક્યા. એણે ચિતારાને કહ્યું: “ના ના, નહિ ચાલે.” “શું, જહાંપનાહ?” “એ તલ વિના તો નહિ ચાલે. એ ખૂબસૂરતી ખંડિત થઈ ગઈ. પૂર્ણ હતું તે ખાલી બન્યું. ફરીથી તું જ હવે એ તલ મૂકી આપ.” ચિતારો હસ્યો. એણે પીંછી લઈ તલ પૂર્યો. અસલ રૂપ પૂર્ણપણે પાછું પ્રકટ થયું. “ઇન્શાલ્લાહ,” બાદશાહે મોં પર હથેળી પસારી. “ચિતારા, એ માખી સાચી હતી. હું જૂઠો હતો. એ માખીને કોણે મોકલી હશે?” “મારી મા બૌચરીએ — મારી જગદંબાએ.” ‘કાફર’ — એ નાનકડો પણ રક્તભીનો શબ્દ મુસ્લિમ સુલતાનના હોઠ લગી આવીને પાછો વળી ગયો. મનમાં એને મથામણ ઊપડી હતી. કાફર કહીને જેને નિંદીએ ફિટકારીએ છીએ તેમના જીવનમાં કોઈક અણદીઠ, કોઈક નિગૂઢ શક્તિ રમી રહી છે શું? આ તલનું ટપકું શું સૂચવે છે? આ જુવાને જેની છબી આંકી છે તેનો ચહેરો તો શું, ઓઢણીનો છેડો પણ પોતે જોયો નથી. આટલા દિનોમાં એણે ઊંચી કે આડી નજર નાખી નથી. તાસકના પાણીમાં પડેલ પ્રતિબિમ્બ જોઈ જોઈ, તે પણ ફક્ત છાતી સુધીની છાયા જોઈ એણે બાકીનું બદન આલેખ્યું છે. એવી શક્તિ એને બક્ષનાર કોણ? આ તલનું આલેખન શું માખીનો માત્ર અકસ્માત હતો? અકસ્માત પણ અલ્લાહની કરામત નથી શું? આ હિન્દુનાં કલ્પેલાં દેવદેવીઓ, એ પણ અલ્લાહે જ સર્જાવેલી માનસી શક્તિઓ નહિ હોય શું? કંઈ ગમ પડતી નથી. ઇન્સાનની નિગાહ ઉંબર સુધી પણ પહોંચતી નથી. આ મારી અંદર કોણ બોલી રહ્યું છે? મારી ચાર-પાંચ પેઢી પરનું હિન્દુ લોહી-બુંદ જ તો? એ લોહીનો પુકાર હજુ રૂંધી શકાયો નથી. એટલે જ આ તસવીરનાં ચિતરામણ પર આટલી જોશીલી ચાહના થાય છે, ને એટલે જ હું આ નિરાકાર અલ્લાહનાં બંદગીખાનાંને હિન્દુ શિલ્પના મુલાયમ શણગારો પહેરાવી રહ્યો છું. અલ્લાહ, કોણ કહેશે કે તું સૌંદર્યનો વિરોધી છે? આ ગુલાબોનો, કમળોનો, પરીન્દાંનો, પહાડો અને દરિયાવનો, પ્રભાત અને સાંજનો તું મહાન કસબી છે. એવો જ શું અમને — તારા ગુલામોનેય — તું એ કરામતોનો પ્યાર લગાડી રહ્યો છે?

[૫]

“ચાલ દરબારમાં.” એમ કહીને એણે હરદાસને સાથે લઈ દબદબાભર્યા દીવાન તરફ પગલાં દીધાં. હમણાં જ હરદાસને કતલ કરવાનો હુકમ દેશે એવી ધારણા રાખીને બહાર સર્વ ઊભા હતા. શહેરભરમાં સમાચાર ફેલાઈ ગયા હતા કે રાણીની તસવીરમાં કશીક બેઅદબી કરી બેસવાથી હરદાસ સુલતાનના ખોફનો ભોગ બનનાર છે. મસ્જિદો, મકબરાઓ અને જાળીઓ પર ટચકા મારતાં ટાંકણાં થંભી રહ્યાં હતાં, ચાંલ્લાઓળ ચુપચાપ અને ગમગીન બની ગઈ હતી. હરદાસ — મા બૌચરીનો પાક બંદો — શી ખતા ખાઈ બેઠો હશે? ને નેત્રોવાળી નેમચંદની વિધવાની દીકરી રળિયાત એકાંતે દાબડો ઠાલવીને દેવ-નેત્રોને પૂછતી હતી: ‘મારું કુમારિકાનું ભર્યે બેડે મળેલું શુકન શું જૂઠું પડશે? હું શું ડાકણી છું?’ તેને બદલે સુલતાને તો ચિતારાને માનવંતો દરજ્જો દીધો, પોશાક પહેરાવ્યા અને પૂછ્યું, “બોલ હરદાસ, તને શું ઇનામ આપું?” “જહાંપનાહ, આપશો ખરા?” “બરાબર આપીશ.” “તો માગું છું, એક ચાબુક ફરે તેટલી જ જમીન, શહેરની બહાર, માણેક નદીને કિનારે.” “ચાબુક ફરે તેટલી જ જમીન? શું કરીશ?” “દેરું કરીશ, મારી મા બૌચરીનું.” “ફરી વાર એવી માગણી કરીશ નહિ, કમબખ્ત! સુલતાનિયતના શાસનમાં હિંદુ દેરાં ચણવાનું મંજૂર નથી. બીજું જે કહે તે આપું.” “ના, ગરીબપરવર, બીજું કશું નથી જોઈતું.” હરદાસનું વદન વિલાઈ ગયું. કચેરી ઊઠી ગઈ, હરદાસ ભારે પગલે ઘેર ચાલ્યો ગયો, ને સુલતાનનું દિલ પણ મહેલમાં ગયા પછી બેચેની અનુભવતું રહ્યું. એના અંત:કરણમાં સંગ્રામ મચી રહ્યો. પોતાના ને બેગમના દિલને અદ્ભુત પ્રસન્નતા આપનારી તસવીર નજર સામે જ પડી હતી. દિલના ટુકડા નિચોવીને છબી આલેખી આપનાર ચિત્રકાર ભાંગેલું હૃદય લઈને સુલતાનને દ્વારેથી પાછો ગયો હતો; બીજી તરફ એ જનારની લાપરવાહી સુલતાનને સતાવી રહી હતી. નાનકડી રિયાસત માગી હોત તો પણ આપી દેત! પણ એણે પોતાના માટે કશું માગ્યું નહિ. એણે માગ્યું દેવીનું સ્થાનક! આવી તમન્નાનો શો ભેદ છે! દેવદેવતા જેવી વહેમમાં નાખતી બાબતો પાછળ આ શી હિન્દુ ઘેલછા! નહિ નહિ, એની હસ્તીને જ નાબૂદ કરી નાખવા આવેલો ઇસ્લામ એવાં પાખંડોની ફરી શરૂઆત નહિ જ સાંખી શકે. એક દેરું – બીજું દેરું – ત્રીજું – પાંચ – પચીસ – પાંચસો, આ હિન્દુઓની મંદિરઘેલછાને કોઈ માઝા નથી. એ લોકોની વેવલાઈનો કોઈ અંત નથી. જવા દે! પણ પાછું હૃદય બોલવા લાગ્યું: એ દેવી બૌચરી તો ચાહે તે હો, છતાં આ ચિતારાના દિલમાં આટલી મોટી સ્વાર્થત્યાગની ભાવના પડી છે તેનું શું? એને પોતાનો દમ નીચે મૂકવાનું કોઈ સ્થાન તો જોઈએ જ ને? મુલ્લાંની બાંગ સંભળાય છે: સુલતાન ઊઠે છે. જુમા મસ્જિદમાં પ્રવેશ કરે છે. હજારો મુસ્લિમોનાં શિર ઝૂક્યાં છે. શાંતિની ગોદમાં કંઈક સંતપ્તો બેઠાં છે. કરડા ને ખુન્નસભર્યા ચહેરા પર ત્યાં નમ્રતા નીતરી રહી છે. ગર્વિષ્ઠ મસ્તકો ત્યાં ધરતીની ધૂળ લૂછી રહ્યાં છે. નિહાળીને સુલતાનને હરદાસ યાદ આવે છે. હરદાસની યાચના યાદ આવે છે. જેમ આ હજારો-લાખોને પોતાનાં ગર્વ, તાપ, તૃષ્ણા અને તુચ્છતાના બોજ નીચે ફરવાને આ જમીન છે, તેમ શું મારાં બીજાં હજારો-લાખો પ્રજાજનોને જરૂર નહિ હોય? કરડાઈ, મગરૂરી ને રોષ, મેલી મનવાંછાઓ અને અંતરની આગ, એ તો સર્વ ઇન્સાનોને સતાવે છે. મારાં હિન્દુ લોકોમાં ગુજરતી એ ગુપ્ત મનોવેદનાનું કોણ બેલી? આપું જમીન? કરવા દઉં દેરું? કાજીઓ અને મુલ્લાંઓ મને ફાડી ખાશે તો? ના, ના, એમને પણ હું સમજાવી લઈશ. ખોટી ખટપટ મારા સામે ખડી થઈ જશે તો? મુસ્લિમો વીફરી જશે તો? દિલમાં ઘોળાઘોળ ઊપડી ગઈ. અજંપો વધતો ચાલ્યો. બે દિવસ તો સુલતાને તીવ્ર બેચેની અનુભવી, પછી એણે મુલ્લાંઓને ને કાજીઓને બોલાવી ચર્ચા કરી અને એક અપવાદ તરીકે હરદાસને દેરું કરવા દેવાની બાબત પર સંમતિ મેળવવામાં, દિવસો સુધીની જિકરના અંતે સુલતાન સફળ થયા. વળતે દિવસે સુલતાન પોતે નવા મંદિરની જગ્યા કાઢી આપવા જવાના હતા. હરદાસની પાસે રાત જ બાકી હતી. મોચીવાડમાં એણે ભટકીને એક આખું ભેંસનું ચામડું લીધું, ને એ ચામડામાંથી સળંગ એક જ વાધરી, કોઈ ઠેકાણે કટકો ન પડે તેવી રીતે વેતરાવી. લઈને ઘેર જઈ સૂતો. પછી પાદશાહે એને શહેર બહાર તેડી જઈ, ભવિષ્યમાં પણ કોઈ દિવસ અન્ય ધર્મનાં સ્થાનોની સાથે અથડામણમાં ન આવી પડાય તેવી જગ્યા માણેક નદીને કિનારે નક્કી કરીને હરદાસને કહ્યું કે “માપી લે તારા એક ચાબુક-વા જગ્યા.” એ વખતે હરદાસે પોતે તૈયાર રાખેલ હતો તે ચાબુક લાવીને એની દોરી જ્યાં લાંબી કરી ત્યારે સુલતાન ચમકી ઊઠ્યા. ચાબુકની દોરીનો છેડો પચાસ ચાબુકદોરી જેટલો લાંબો હતો. “આ શું?” “નામવર, એ દોરી સળંગ છે, મેં કોઈ ઠેકાણે સાંધો કર્યો નથી, એ મારો ચાબુક છે, મારે ઘોડવે’લી હાંકવી નથી. મારે તો મારી માની સેવા કરવી છે. ચાબુક-વા જમીન આપવાનો બાદશાહનો બોલ ફોક ન જ જવો જોઈએ.” “ખેર, દોર કૂંડાળું.” સુલતાન હરદાસની આ યુક્તિ પર પ્રસન્ન બનીને બોલ્યા; અને ભેંસના આખા ચામડાની અંદરથી કાપી કાઢેલી સળંગ દોરી વડે ભોંય પર વિશાળ વ્યાસ અંકાયો. જરીફોએ એટલી જગ્યા માપી દઈ ખૂંટા ખોડ્યા. હિન્દુ ને મુસ્લિમ બેઉ કોમના કારીગરોએ મળીને એ જગ્યા પર આ વિશ્વના પરમ ચિત્રકાર પ્રભુની તર્જની-શું એક દેરું ચણ્યું; માની મૂર્તિ ઘડવામાં આવી, અને એ મૂર્તિનાં નેત્રોની જોડ જેમ રળિયાતે મેળવી આપી, તે રીતે ચિતારા હરદાસની અને રળિયાતની જુગલ જોડ માએ નક્કી કરી આપી. નેતરવાળી વિધવા મોચણે પોતે જ એક રાતે નકામ માન્યો હતો તે હરદાસને હોંશે-કોડે પોતાનો જમાઈ કર્યો. હરદાસ-રળિયાતનું યુગલ દેરાના વાસ્તુની પૂજામાં બેઠું. માના દેરાને ઓટે બેસીને ચિતારા હરદાસનો આનંદ એક જ વસ્તુ નિહાળવાનો થઈ પડ્યો: માની મૂર્તિના કરતાં સવિશેષ તો દર્શને આવનારાં માનવીના દીદાર નિહાળવાનો આનંદ. એક દિવસ મદભરી માનિની રળિયાતને બૌચરમાના ચિતરની સન્મુખ જેવી દીઠી હતી દુકાનની અંદર તેવી જ એણે સેંકડો હજારોને દીઠી અહીં: દરવાજામાં પેસતી વેળા ઠસ્સાભરી, ઠાઠમાઠમાં ચકચૂર, રૂપમાં આંજતી, વિલાસી રતિમૂરતિઓ ઓટે ચડીને જ્યારે મંદિરના ચોકમાં ઊભી રહી માની મૂર્તિ સન્મુખ તાકતી, કે નિમિષમાં તો એ જુદી જ ભાતની નારીઓ બની જતી. પગના ઠમકાર થંભી જતા, મદીલી આંખો માર્દવ ધરતી, છલકતા હાથ જાણે ગમ ખાઈને જોડાઈ જતા, વાચાળતા એકાએક વિરમી જતી. હજારો માનવજનોના જીવનમાં અગોચરપણે આવું સૂક્ષ્મ પરિવર્તન મૂકી આપતું માનું મંદિર ચિત્રકારની પીંછીને રોજ નવા વિષયો સુઝાડતું રહ્યું. એ પીંછીએ માનવ-મોંના જ નહિ પણ માનવમનના આકાર સુધ્ધાં પકડાયા. એ જે કોઈ કલ્પનાકૃતિ અગર જીવતું માનવ ચીતરતો ગયો તેની અંદર બાહ્ય શરીર-સામ્ય તો બરાબર ઉપસાવી આપતો, પણ વિશેષમાં જે માંહ્યલું મનોરહસ્ય મૂકતો તેને લીધે એક અનેરું માંગલ્ય છબીમાં લહેરી ઊઠતું. આ મનોરહસ્યનો મસાલો હરદાસની પીંછીમાંથી કદી ખૂટ્યો નહિ, કારણ કે દેરાને ઓટે બેઠાં બેઠાં પ્રહરો લગી દર્શનાતુરોનાં મોં વાંચ્યા કરવાનું એનું ધૈર્ય ખૂટ્યું નહિ. જાત્રાળુઓને જોયા કરવામાં જ એને માનાં બહુવિધ રૂપનાં દર્શન થતાં. એકની એક જ બૌચરા અનંત તેમ જ અનેકવિધ રૂપલીલા અહર્નિશ ખેલ્યા કરતી. સુલતાનની તસવીર કાઢનારા આવા અસામાન્ય કૃપાપાત્રને તો પછી તેડાં પર તેડાં આવ્યાં. વજીરો, અમીરો ને ઉમરાવોની હવેલીઓ હરદાસ ચિતારાની એકાદ પ્રસાદી વિના તો ગૌરવહીણી ગણાવા લાગી. એની કૃતિથી પ્રત્યેક મહેલાત શોભતી બની ગઈ. સર્વ મુખે એક જ બોલ ફરતો થયો કે “કહો ન કહો, ભાઈ, પણ આ માણસની પાસે ઇલમ છે.” તો બીજાં કહેતાં કે “એ આવું ચીતરે છે કારણ કે નેકપાક આદમી છે. એની પીંછીમાંથી નાપાક કોઈ ચીજ નીકળતી નથી.” એવી લાગણીને પરિણામે, નવી એક પાદશાહ-પેઢીના ઉગમ દરમ્યાન તો હિંદુઓને થોડાં વિશેષ દેરાં કરવાની પણ રજા મળી. ડરતાં ડરતાં પણ સોનાના કળશ અને દેવ-ધજાઓ અમદાવાદના આકાશમાં ડોકિયાં કરતા લાગ્યાં. એ દેખીને સૌથી વધુ પ્રસન્ન હરદાસનું હૃદય બન્યું. પીઢ વયે પહોંચેલો ચિત્રકાર રાતે દેરેથી ઘેરે આવીને પત્નીને કહેતો: “સારું છે, રળી! માનવીઓના મદ ગળે છે મંદિરોમાં ગયે; મનની ઉફાંદો શમે છે. યાદ છે ને?” પ્રૌઢા રળિયાત વહેલાંની વાતનું સ્મરણ દેવાતાં મોં મલકાવીને નીચું જોઈ જતી.

[૬]

ચાલીસેક વર્ષોનો કાળ: એ શું મહાકાળેશ્વર ભગવાનની વિરાટ ક્રીડાને માટે નાનોસૂનો ગાળો ગણાય? અને ચણતાં વાર લાગે છે પણ પાડતાં કંઈ વાર લાગવાની હતી? અમદાવાદના તખ્ત ઉપર ગુજરાતનાં રાજપૂત લોહીમાંસનો અવાજ દહાડે દહાડે તીણો ને ઝીણો પડતો ગયો. એક, બે ને ત્રણ પેઢીએ તો એનું ગળું તદ્દન રૂંધાઈ ગયું. પોતાની જાહોજલાલીનાં છેલ્લાં શિખરો જોઈ કરીને ચાંલ્લાઓળ પાછી વળી હતી; મોચી કારીગરોનો વૃદ્ધ આગેવાન હરદાસ પોતાના એકના એક પુત્રને પીંછી અને વિદ્યા ભણાવી દઈ સવાર-સાંજ મોટે ભાગે માની વાડીમાં જ ગાળતો હતો. જગ્યાના કૂકડા એ રખેવાળને જોતા ત્યારે ગરદન ઊંચી કરી માંજર ઝુલાવતા મસ્ત નાદે કૉક-કૉક ગાણાં ગાતા. જગ્યા ફરતા કોઠાદાર ગઢની પ્રદક્ષિણા કરીને બુઢ્ઢો બદામડીઓનાં ઝુંડ વચ્ચે બેસતો, ત્યારે કોઈ કોઈ વાર ઘોડાંની તબડાકી સંભળાતી અને ગઢની રાંગ બહાર બાદશાહી અસવારોનો બોલાશ સંભાળતો: ‘આની પણ નોંધણી કરી લ્યો.’ ‘નોંધણી’: એ બોલ બુઢ્ઢા હરદાસનું કલેજું ઊંચું કરતો. એને ખબર હતી કે અસલ વેળાનાં હિંદુ દેરાંની નોંધણી ચાલી રહી છે. હશે! આપણે શી ફિકર છે? મારી માનું દેરું તો સુલતાને જ મંજૂર કરેલું છે. આ રહ્યો દસ્તાવેજ. વાડીનું વિશાળ ચોગાન પોતે સાવરણી લઈ સાફ કર્યા જ કરે છે, માતાના કૂકડાને ચણ છાંટે છે. વખતસર કોસ જોડાવીને ઝાડવાંને પાણી પિવરાવે છે, જાત્રાળુઓની સારસંભાળ રાખે છે. માનો અખંડ દીવો ઓલવાય નહિ તે માટે પૂજારીના કરતાં એ પોતે જ વિશેષ જાગ્રત રહે છે. માણેક નદી હરદાસની આંખોને રોજ રોજ નવા રંગો-રેખાઓ દેખાડતી વહ્યા કરે છે. એક દિવસ રાત્રિએ ઘેર આવીને ઊભો રહ્યો. બુઢ્ઢી રળિયાત ખવરાવવા બેઠી છે. એણે કહ્યું: “કંઈ જાણ્યું?” “શું છે?” “હું આજે ગઈ હતી વૈકુંઠરાયને ઘેર, દીકરી પરણે છે તેને માંડણ૧ કરવા. ત્યાં જાણ્યું કે એની ન્યાતનું પ્રાચીન શિવાલય પરમ દા’ડે તોડશે.” “તોડશે!” આભા બનેલા હરદાસના હાથમાં કોળિયો થંભી રહ્યો. “નહિ ત્યારે? પાદશાહ કહે કે હવે તો જૂનાં પણ નહિ રહેવા દઈએ.” “હં – એમ – ઓહો!” એવા ઉદ્ગાર કાઢતો વૃદ્ધ પોતાની અરુચિને છેતરતો લૂછ લૂછ કોળિયો લેવા લાગ્યો. “દેવનાં નેતર જ જુઓને!” રળિયાત પોતાની ચૌદ વર્ષની દીકરી નેત્રોને કીકીઓ કાઢતી હતી તે તરફ આંગળી બતાવી કહેવા લાગી: “ડોળા જ ફાડે છે, ને સરખી જોડ તો હવે મળતી જ નથી. શું થવા બેઠું છે, મારી મા!” હરદાસ એ નેત્રોના ખૂમચા સામે તાકી રહ્યો. રળિયાત પાછું બોલી: “દેરાંને ખાલી પણ કરવા લાગ્યા છે. કેટલીય પોળોવાળાએ મૂર્તિઓને ઉઠાવી ઉઠાવી ઊંડાં ભોંયરાં કરી ત્યાં સ્થાપના કરી પણ લીધી અને દેરાંમાં અહીંતહીં ફેરફારો કરી મહીં માલથાલ પણ ભરી લીધા છેક ગભારાઓ સુધી. ધજા-કળશ ઉતારી નાખ્યાં.” “આરતીઓ?” “આરતીઓ સવાર-સાંજ ઘરનાં ભોંયરાંમાં જ જરી ટનટન ઝાલરો કરીને ઉતારી વાળે છે. મારું તો આજે કંઈ કાળજું બળે છે — કંઈ કાળજું! અરેરે, વૈકુંઠ ક્ષત્રીની દીકરીનાં લગન રખડી પડ્યાં. કેવા કોડે મેં એને માંડણ કર્યું હતું! આજે જઈ જોઉં છું તો ઘરબારને તાળાં! પૂછતાં કોઈ જવાબ જ ના આપે તો! હાય, જાણે હું મોઈ પાદશાહને ખબર પહોંચાડી દઈશ! કહ્યું કે અરે બહેનો! બૈઓ! મારે ઘેર પણ રૂડાં દેવસ્થાનાં છે, મને તો કંઈક કહો, બહુ કરગરી ત્યારે જાણ પડી કે એમનું દેરું તોડવાના છે એથી શહેર છોડી આજ ને આજ વહેલી પરોઢે ઊપડી ગયાં ક્યાંઇક દેશાવરે. “અને બીજું જાણ્યું? પરમ દહાડે રાતે પેલી ઠાઠડી નીકળી હતી ને? ઓ... ઓ... ઓ... કરતાં ડાઘુઓનું ટોળું જતું’તું તે દેખીને તમે પૂછતા હતા કે કોણ મરી ગયું, પણ તમને ખબર પડી કોણ મરી ગયું?” “ના.” “કોઈ જ નથી મૂઉં!” “ત્યારે?” “છળ હતું.” “શાનું છળ?” “ચિંતામણના પ્રાચીન દેરાની પ્રતિમાને શહેરમાં લઈ આવ્યા શ્રાવકો!” “હેં?” “હોવે.” રળિયાત લહેકો કરી કહેતી હતી: “પાદશાહને ખબર ન પડી જાય તે માટે મૂર્તિને નનામી રૂપે બાંધીને, ઢાંકીને, મસાણે મડદું લઈ જતા હોય તેમ શહેરમાં લાવ્યા, ને પોળને ભોંયરે પધરાવી દીધી. કેવી કરામત કરી શ્રાવકોએ!” “સરસ કરામત, રળી! બહુ સરસ કરામત.” વાળુ કરી મૂંગો મૂંગો હરદાસ મેડે બેઠો છે. વિચારમાં એનાં ચક્ષુ બિડાઈ ગયાં છે. હાથમાં માળાના પારા ટપક ટપક પડતા આવે છે. તે વખતે મેડે ચાલ્લાઓળના, ઢાલગરઓળના ને જીનગર ડબગર ઓળના મોચી ન્યાત-પટેલોનો પગરવ થયો. એ ચારેક ચિંતાતુર ચહેરાની સામે હરદાસની સુજાણ આંખો ફરવા લાગી. “જાણ્યું તો હશે, હરદાસ,” એકે કહ્યું. હરદાસે સસ્મિત હકારમાં માથું હલાવ્યું એટલે વાર્તાલાપ આગળ વધ્યો: “જૂનાં દેરાંની નોંધણી શહેરમાં સપાટાબંધ ચાલે છે.” “જાણ્યું છે.” હરદાસે માથું હલાવ્યું. “આપણી માના દેરાને તો...” “ના. એને તો કંઈ નડતર નહિ કરે. એ તો પાદશાની જ બક્ષિસ છે. દસ્તાવેજ આપણી પાસે છે. પણ દલ બળે છે, બીજાં દેરાં ભંગાતાં દેખીને.” “દલ શીદ બાળવું, મારા ભૈ? બીજાના શા વાદ? આપણું સચવાય છે તો શાંતિ રાખીને બેઠા રહેવું.” ત્યારે ત્રીજાએ ઉમેર્યું: “આપણો જો કોઈક દન પણ વારો આવે એવું લાગશે, તો આપણે પણ માની પ્રતિમાને ત્યાંથી ઉઠાવી અહીં પોળમાં કોઈક ભોંયરે રાખશું, ને વાડીમાં ચામડાં ભરી દઈશું.” “જેવી માની મરજી હશે તેમ થશે, ભાઈઓ!” હરદાસના હોઠને ખૂણે આછું એક સ્મિત ફરક્યું જે ભાગ્યે જ આ આગેવાનો જોઈ શક્યા. એકે કહ્યું: “કહે છે કે કાં મૂર્તિ ને દેરું તોડીએ ને નહિ તો આગેવાન કલમા પઢવા કબૂલે. માનવદેહને ભ્રષ્ટ કરવાની વાતથી તો ત્રાસી જવાય છે. પતઈ રાવળ જેવો ચાંપાનેરનો ધણી વટલવા કરતાં છેદાઈ જવા તૈયાર થયો, ને પેલો જૂનાગઢનો રાવ મંડળિક તે વટલીને આપણી નજર સામે તકિયામાં ભૂંડે હાલે ભમે છે ને ડબલામાં પારકાં એઠાં પાણી પીએ છે. કેટલા કેટલા વટલવા લાગ્યા છે! ગઈ કાલ સુધી જનોઈઓના ધણી હતા તે આજ રોજે ખીચડું લઈ રહ્યા છે. આજે તો, હરદાસ, વેળાસર માને ખેસવવાની જ વાત છે. જતે જનમારે તમારાથી કશું બીજું થાય નહિ ને અમારાથી જોયું જાય નહિ. વળી એ તો પાછી વેળા પલટાશે, આજ નઠારો પાદશા, તો કાલ કોઈક દયાવન દિલવાળો આવશે, ત્યારે ફેર દેરું દૂધે ધોશું, ને માની ધામધૂમ સાથે ફરી પ્રતિષ્ઠા કરશું. ઊંચાં વરણવાળાઓ પણ એ જ કરી રહ્યા છે. ભલભલા દેવ ભોંયરે ઊતરવા કબૂલ થયા છે. ધજા ને કળશની કોઈ દેવને તૃષ્ણા નથી, તો આપણી માનું શું ગજું, ભાઈ? જે સહુનું તે વઉનું, ખરું?” “મા જેમ કહેશે તેમ કરશું, ભાઈ!” એથી વધુ એક શબ્દ પણ હરદાસના હોઠમાંથી નીકળ્યો નહિ. “જોઈ રાખજો, હરદાસ, મા તમને એ જ કહેવાની.” એમ કહી, વાતનું સાદામાં સાદું ને સરલમાં સરલ સ્વરૂપ બાંધી આપ્યાનો સંતોષ લઈને મોચી ન્યાતના આગેવાનો મેડેથી ઊતરી ગયા. રાતમાં રળિયાત જાગરણ કરતી પતિની પથારી આગળ બેસી રહી. હરદાસ વચ્ચે વચ્ચે જાગી જતો ત્યારે રળિયાત પ્રશ્ન કરતી: “મા કંઈ કહે છે, હેં?” “મા બીજું શું કહે, ઘેલી? માના કહ્યા વગર આપણે શું ન સમજીએ તેવાં અક્કલહીણાં છીએ? મા તો વેળા આવશે તે વારે સૂઝવશે રસ્તો.” “દેવનાં નેતર કરડાં જુએ છે.” રળિયાતને એ એક જ ધૂન હતી. “પણ તેં જે બે નેતર માની મૂર્તિને ચોડ્યાં છે તેની પત તો આપણે જે પાળવાની છે. એ બે નેતરને હું હરરોજ નિહાળું છું. એમાં માનાં અમી ઝલકે છે.” “દેરું ખાલી કરીએ તો?” “ઘર ખાલી થાય, દેહનાં ખોળિયાં ખાલી થાય, પણ દેવસ્થાનાં ખાલી ન થાય, રળી!” પતિએ યૌવનકાળનું લાડીલું નામ લઈને પત્નીને જણાવ્યું. રળિયાતે પતિના મસ્તક પર હાથ મૂક્યો, કારણ કે એ કશું સમજી શકી નહિ. “સૂઈ જા, રળી! સૂઈ જા! માણસમાંથી માણસપણું જવા દીધ્યે દેવસ્થાનાંનાં દેવતાનો શો ખપ રહેવાનો છે?” “એટલે શું?” “એટલે એમ, રળી! કે આ દેવસ્થાનાં કોને માટે? હજારો-લાખો માનવીઓને માટે; ને આપણે ઘરના ચાર જીવડા જીવીએ છીએ તે કોને માટે?” “કશું સમજમાં આવતું નથી.” “મને પણ સમજ પડતી નથી. હું કંઈ વાણીને ગોઠવતો નથી. કશુંક બોલ બોલ કરે છે રુદામાં. કશુંક ગૂંચવાડામાંથી મારગ ગોતે છે, રળી! માણેક નદીનું વહેણ બદલી ગયું છે. આપણે નીચલી વરણ, આપણી અક્કલ કામ કરે નહિ. મા સુઝાડશે. વાટ જોઈએ. શી ઉતાવળ છે? આપણે તો દસ્તાવેજ છે. પાદશાનું જ દીધેલ છે દેરું — એને કંઈ કરે નહિ તો!” પતિનો પ્રલાપ અકળ અગમ હતો. વાણી મેળ ધરતી નહોતી. અરેરે! ગાંડપણ તો નહિ આવી જાય? “પણ, હેં રળી!” પતિ પડખું ફેરવીને પાછો બોલવા લાગ્યો: “હું ને તું માણેક નદીને કાંઠે મળ્યાં. આ સામસામે મેડેથી એકબીજાનાં અંતરમાં સમાયાં. માણેક બદલી ગઈ. પણ તું તો વહેણ નહિ બદલાવે ને?” “ના, બેઉનાં વહેણ એક જોડે જ સમદરમાં.” “હા, માની કરુણાના સમદરમાં.” “બસ ત્યારે, ચાલો ઊંઘીએ.” થોડા મહિના પછી પાદશાહી શહેર-સૂબાનાં પંદર-વીસ ઘોડાંએ સુકોમળ ને નાજુક ચાંલ્લાઓળની સાંકડી કાયા પર હમચી ખૂંદી નાનાં બાળકોને હડફેટે લીધાં અને ભયની હવા ફેલાવી દીધી. ચિતારા હરદાસના નામની હાકલ પડી. હરદાસ હાટડાની કોર પર આવીને ઊભો રહ્યો. શહેરના સૂબાએ એને પૂછપરછ કરી, બૌચરાજીના દેરાવાળી મોચીની વાડી વિશે નોંધણી ટપકાવી લીધી; અને મંગળવારે દસ્તાવેજ સાથે દેરે હાજર રહેવા હુકમ દઈ, બે-પાંચ વધુ છોકરાંને ઘોડાના પગની ઠોકરે ઉરાડી, હાટડે હાટડે ઝૂલતા માતાના મુગટ, લગ્નના મોડિયા વગેરે વસ્તુઓનું રમખાણ મચાવતી સૂબા-સવારી પાર નીકળી ગઈ. મંગળવાર આડા ચાર-પાંચ દિવસ હતા. મોચીની ન્યાતના આગેવાનો જે સાદી સરળ જુક્તિ તે દિવસે રાતે સૂચવી ગયા હતા તેને પાર પાડવામાં કશો અંતરાય નહોતો. પણ માતાની આજ્ઞા શી હતી તે હરદાસ કશું કહેતો નહોતો અને એવી આજ્ઞા વિના પોતે કશું કરવા તૈયાર નહોતો. મંગળવારનું પ્રાત:સ્નાન પોતે, રળિયાતે અને બંને બાળકોએ પતાવી લીધું ને પછી માને મંદિરે તેઓ આવી પહોંચ્યાં. કૂકડાની પ્રભાતી નેકીએ તેમનો સત્કાર કર્યો, બાકી તો ત્યાં કોઈ નહોતું. પૂજારી પણ નહોતો. એક પણ જ્ઞાતિજન ડોકાયો નહોતો. જાત્રાળુઓની વિદાયના સમાચાર સૂના પડેલા મંગાળાની તાજી રાખ આપી રહી હતી. આટલી વિશાળ જગ્યામાં, જ્યાં રોજ વહાણું વાયેથી લઈ મધરાત સુધી માનતા કરનારાંઓના કિલકિલાટ મચી રહેતા ત્યાં કેવળ પાંચ કૂકડા સિવાય કોઈ નહોતું. મંદિરે જઈને જોયું, પૂજારીએ જતા પહેલાં પૂરેલું તેલનું કોડિયું, દીવાની વાટને પોતાના કલેજામાંથી ભીનાશ આપી આપીને જ્યોતને જલતી રાખી રહ્યું હતું. પાદશાહી સૂબો તપાસે આવનાર હતો એ ખબર પડી ગઈ હતી. “રળી! આ તો જો, રળી!” હરદાસે પત્નીને માતાના દીવાનું કોડિયું બતાવીને કહ્યું: “આપણો દેહ શું આ માટીના લોંદાથીયે જશે? આ રૂનો ધાગો તો જો, પોતે સળગી જઈને પણ માની જ્યોતને અણીશુદ્ધ રાખી રહ્યો છે, રળી! માએ આ બે જણાં દ્વારા આપણને ઘણું કહી નાખ્યું. મા બોલે છે, રળી! આ કચરાના કોડિયાથી ને રૂના ધાગાથીયે શું આપણે જશું? આપણે આવી ચડ્યાં તો તેલ પુરાય છે, વાટ સંકોરાય છે, ઝાંખી જ્યોત ફરી ઝગારા મારી ઊઠે છે, દેરું ઝળાંઝળાં બને છે, અને, જો તો ખરી, પેલી માની બે આંખો! તારાં જ ચૂંટેલ એ નેતર — હસે છે, હા કહે છે, અનુમોદે છે, કે દીવો ન ઠરવો જોઈએ, મનખાદેહ કોડિયામાંથી પણ ન જવો જોઈએ. આપણે કોડિયાં તો બની શકશું ને, રળી! બોલ, બેટા રવદાસ, ને તુંયે કહે દીકરી કંકુ, આપણી મળમૂતરથી ભરેલી કાયાનાં મૂલ્ય કેટલાં? આ તો અમસ્તો કહું છું, હાં કે? બાકી આપણું દેરું તો ના જ તોડે. પાદશાહનું દાન છે તો!” હરદાસ બોલતો હતો તે વાણીએ અત્યારે હવે નિશ્ચયાત્મક રૂપ ધરી લીધું હતું. હવે તે રાત્રિનો અસંબદ્ધ પ્રલાપ નહોતો પણ સ્પષ્ટ વિચારણા હતી. એણે પાઘડીનો છેડો ગળા ફરતો નાખી મા પાસે માથું ઝુકાવ્યું, રળિયાતે પાલવ પાથરી માને પાયલાગણ કર્યું; પુત્રપુત્રી પણ નમ્યાં. એવે સમયે મંદિરના ગઢની બહાર ઘોડાની પડઘી ગાજી ઊઠી. એ સાંભળીને હરદાસનું શિર માતાની સન્મુખ વધારે નીચું ઢળ્યું. એની આંગળીઓ દેવીના દીવાની વાટ સંકોરવા લાગી. અંદર પ્રવેશતા કાળભૈરવ જેવા માણસોને દેખીને કૂકડાએ આક્રોશ કર્યો. પાંચેય પંખીઓની ગરદન ટટ્ટાર બની ગઈ. હરદાસે આ ઘસતમાં કોદાળી પાવડા અને તીકમો ધારણ કરેલું દાઢિયાળું એક મોટું ટોળું દીઠું. “તારું નામ હરદાસ મોચી?” આગેવાને પ્રશ્ન કર્યો. તેના જવાબમાં હરદાસનું સફેદ કેશવાળું મસ્તક હકાર દઈને જરા નીચું નમ્યું. “આ મંદર અમારે જમીંદોસ્ત કરવાનું છે.” મોવડીએ પાદશાહી ફરમાનની જાણ કરી. “આ.... આ... જુઓ.” ત્રુટક શબ્દો બોલતે બોલતે હરદાસે છાતીએથી એક દસ્તાવેજ ખેંચીને આગેવાનની સામે હાથ લંબાવ્યો. “ઓ હો....” કહેતાં કહેતાં આગેવાને એ દસ્તાવેજના શાંતિથી ટુકડા કરી ભોંય પર વેરી નાખ્યા. ચોમેરે કોદાળીઓ, તીકમો ને પાવડા ઊછળી રહ્યાં. ચોમેરે ખડખડ હાસ્ય સંભળાયાં. ચોમેરે અધીરાઈની હવા ઘેરાઈ વળી. “મેં – મેં –” હરદાસ છેલ્લી વાણી કાઢતો હતો: “એ છબી ચીતરી હતી તે સુલતાનનાં રાણીની હતી. એ છબી મારી માએ ચિતરાવી હતી. મારી મા વગર બીજું કોણ ત્યાં તલનું ટપકું પૂરત?” “બકે છે.” કાજીએ સરદારની સામે જોઈ હાસ્ય કર્યું. હરદાસની વાણીએ વધુ વેગ પકડ્યો — “ને મારી માએ કોઈનું કશું અહીં બેસીને બગાડ્યું નથી.” હરદાસની ડોકી એ કહેતાં કહેતાં ડગમગતી હતી; “અહીં તો મારી માની સન્મુખ મનુષ્યોના ગર્વ ગળ્યા છે; મનના મેલ ધોવાયા છે; અમદાવાદના તાબૂતોને અમારા કસબ વડે અમે શણગારી આપ્યા છે. હરએક સાલ. આંહીં માણેક નદીને કાંઠે બેઠેલી મા અમારી નિર્દોષિતા છે. આંહીં પાસે કોઈ મસીદ પણ નથી. આંહીંની ઝાલર આરતી ઝાઝે દૂર સંભળાતી પણ નથી. આ એક જ દેરું છે. ન તોડો. અમારી સ્ત્રીઓ ક્યાં જઈને અંતરની આપદાઓ વિરમશે?” “ન તોડો, પાદશા!” સ્વામીની પાછળ ઊભી ઊભી રળિયાત બોખે મોંએથી વીનવતી હતી: “માનાં નેતર મેં કૈંક રાત જાગીને શોધ્યાં હતાં. એ નેતરનાં અમી તો નીરખો! તમને મા આશિષો દેશે.” “ખાલી લવારી ન કર, મોચી!” સરદારે કરડાઈ વાપરી. “હટી જા....” કોણ જાણે કેમ પણ સૂબો છેલ્લું ફરમાન આપતો ન હતો, કોદાળી-પાવડાની અધીરતા રૂંધાઈ રહી હતી. માતાના કૂકડા ચીસો પાડતા હતા તેના પ્રતિઘોષ પાડતો મંદિરનો ગઢ બિહામણો બન્યો હતો. સરદારની આંગળી હલી, અને તીકમ-પાવડા લઈ મજૂરો મંદિર તરફ દોડ્યા. રળિયાતનો દેહ એની આડે ફર્યો. “ન તોડો, ન ભાંગો!” હરદાસ બોલ્યો: “મને કહો તો ખરા, બીજું જે કંઈ કહો તે કરવા રાજી છું. મને મારવો હોય તો—” “સબૂર.” સરદારે ભાંગનારાઓને અટકાવીને કહ્યું: “તું મુસ્લિમ થવા તૈયાર છે?” “હેં? હેં? ઊભા રહો. હું વટલું? શું કહો છો આ તમે? મને મારી નાખો એ બસ નથી શું? હું વટલું? મનખા દેઈ હારું? — હેં — રળી!” એણે પત્ની તરફ નેત્રો ઠેરવ્યાં: “આ તો જો, મને વટલવા કહે છે.” હરદાસે ક્ષણવાર શ્વાસ લીધો. સૂબો અને કાજી, તરફડતા મુરઘાને દેખીને જલ્લાદ હસે તેવું હસતા હતા, ને માથું ધુણાવતા હતા. હરદાસની દૃષ્ટિ એક ત્રાજૂડીનું રૂપ ધરી રહી. બેઉ આંખો એ ત્રાજૂડીનાં છાબડાં જેવી બની. કશુંક તોળાઈ રહ્યું હતું. એક પલ્લામાં મંદિરનો ઉચ્છેદ, ને બીજામાં પોતાની જાતનો, ધર્મનો, સંસ્કારનો વિધ્વંસ. હરદાસ અણદીઠ કોઈક ધારણ તોળતો હતો. “બીજું કંઈક કહો ને! મારું માથું માગો ને!” એની જીભ સૂબાની ને કાજીની સામે રગતી હતી: “હેં — બીજું કશુંક—” “કશું નહિ. જલદી કર. બોલ, કલમા પઢીશ?” “પણ હું માથું દઉં.” “માથાં તો અમે ઘણાં લીધાં છે, મોચી! એનો તોટો નથી રહ્યો. જાન લઈને તો થાક્યા છીએ. જાત લેવી છે હવે તો.” “હાં,” કાજીએ ટમકું મૂક્યું: “તો જ આ દેરાંનો નિકાલ આવશે કોઈક દા’ડો.” “જલદી ફેંસલો કર હવે, કમબખ્ત!” “હા — હમણાં જ કરું — વાર નહિ લગાડું — મને જોઈ લેવા દો.” બોલીને હરદાસે મંદિર પર મીટ માંડી. એની દૃષ્ટિએ સમગ્ર દેરાને, ધરતીથી લઈ શિખરની ટોચ સુધી સ્પર્શ કરી જોયો. એ દર્શન છેલ્લું હતું. ઘડી પછી આ ચોગાનમાં પગ નહિ મૂકી શકાય. માનાં નેત્રો, માનો દીવો, માની માંગલ્યમયી આકૃતિ કશું ફરી નહિ દેખી શકાય. માના ચાચર પાસે, પ્રત્યેક સાલ નવરાત્રિની ભવાઈમાં પગે ઘૂઘરા પહેરીને વિધવિધ વેશે નાચી નહિ શકાય. માના ગઢની બહાર હડકાયા કૂતરાની જેમ, બેસી રહેવાનું, ભમવાનું, મનુષ્યોના થૂથૂકાર વેઠવાનું, આંગળી-ચીંધામણું, ચાંલ્લાઓળને ખોળેથી હડધૂત થઈ ગબડી જવાનું, અરે ‘મા મારી’ એટલા શબ્દથી પણ વંચિત બની જીવવાનું, કોઈક મસીદને ઓટલે પડ્યાં પડ્યાં ઊંઘવાનું, ડબલામાં ખેરાતનું ખીચડું લઈ પેટ ગુજારવાનું.... ત્રાજવાને એક પલ્લે આવા ભાવિની ભયાનકતા ચડી બેઠી. હરદાસ પલભર તો ગૂંગળાઈ ગયો. બીજા પલ્લામાં એણે વળતી જ પળે વજન વધતું નિહાળ્યું: આ દેરું ઊભું રહેશે, માની મંગળમય મૂર્તિ અખંડિત રહેશે, મોડિયાળી ને ચૂંદડિયાળી મા બૌચરી સૌની સામે નીરખી રહેશે, સૌના ઉપર માનાં અમીભર્યાં નેત્રો વરસશે — મારી રળિયાતે જોડવેલાં બે નેત્રો. “તો ભલે, સરદાર સાહેબ!” હરદાસે નિકાલ આણ્યો, “ચાલો, મને કલમા પઢાવો.” રસાલાની મોખરે હરદાસ ચિતારો જુમા મસ્જિદે ચાલ્યો, નગર અમદાવાદ એને નીરખી રહ્યું. એ પ્રભાતે હિંદુ ચિતારો હરદાસ કાજીની સમક્ષ કલમા પઢ્યો. અને એનું મસ્તક તે જ સાંજની પાક નમાજમાં સેંકડો મુસ્લિમોની સામે અદબભેર ઝૂકી રહ્યું. હૃદયમાં એ બોલતો હતો: ‘મા, તું ને રહીમ કંઈ જુદાં છો? તું મા-રૂપિણી છે, ને એ પિતા-સ્વરૂપ, એટલો જ ફરક છે. એ ફરક પણ, હે મા, માનવોએ કલ્પેલો છે. તું ને એ અભિન્ન છો. હે મા! હે રહીમ! હે મંગલા! હે અલ્લાહ! હે જગદમ્બા! હે અકબર! તુંહિ છો, તુંહિ છો, એક છો, એક છો, અભિન્ન છો.’ એ રાત્રિએ હરદાસે સર્વ ફકીરો મિસ્કીનોની જોડે ઊભા રહીને અહમદશાહને રોજે ખેરાતનું ખીચડું લીધું; ને મોડી રાતે એ ત્યાંથી અદૃશ્ય થયો. હરદાસ વટલાયો! — લોકોમાં થૂથૂકાર થઈ પડ્યો. પોતાની મંદિર-મૂર્તિઓને સલામત છુપાવી દેનારાઓ આ નાદાનની નાદાનિયાત પર હસ્યા. બીજાઓએ એને ભ્રષ્ટ કહ્યો, ત્રીજાઓએ એની કાયરતા ગણી. જીવનમાં જેમણે પોતાના પગને કાંટો પણ અડકવા આપ્યો નહોતો તેવા કંઈકે આમ પણ કહ્યું કે ‘આથી જીભ કરડીને મરી જવું શું ખોટું હતું!’ મોડી રાત થઈ ગઈ પણ ચાંલ્લાઓળવાળે મેડે દીવો પેટાયો નહિ. લોકોમાં જે તમાશાના શોખીનો હતા તેઓની ત્યાં ઠઠ મળી હતી તે પણ પછી તો વીખરાઈ. કોઈએ કહ્યું: “હવે મોં શું બતાવે?” “હવે તો અહીં એ રહે તે પણ આપણને કેમ પરવડે!” “પણ પાત્છા એને અહીંથી કાઢવા નહિ આપે તો!” “અહીં રહીને એ તો મરઘાં કાપશે. પરમાટી રાંધશે.” “ના રે ના, જુઓને, એને તો પાત્છા મોટી મહેલાત રહેવા માટે આપશે અને હાકેમ નીમશે.” “આવું હરદાસ માટે કલ્પવું ન જોઈએ. એ નક્કી ક્યહીંક નાસી ગયા હશે. ને ગળાફાંસો ખાશે.” બીજે દિવસે સવારે મોંસૂઝણું થયે કોઈકે દોડતાં ચાંલ્લાઓળમાં આવી ખબર આપ્યા: “ઓ બેઠા હરદાસ ત્યાં માને દેરે.” “હાય હાય! દેરામાં?” “ના રે ના, ગઢની બહાર, માણેકને કાંઠે.” “જીવતા જોયા?” “નહિ ત્યારે?” “શું કરતા હતા?” “નમાજ પઢતા હતા!” “હાય હાય! કોઈ બીજું છે ત્યાં?” “નહિ — ફક્ત માના કૂકડા એની ગોદડીની આગળ જઈ ચણે છે, ને એના ડબલામાં પાણી ભર્યું છે તેમાં કૂકડા માંજર પલાળી રહ્યા છે.” બીતુંબીતું ગામલોક હરદાસને જોવા ચાલ્યું. એમણે જઈને જોયું તો કોઈક એક ફકીરની પાસે બેઠોબેઠો હરદાસ એ ફકીર કંઈક વાંચતો હતો તેનું શ્રવણ કરતો હતો. નજીકમાં અન્ય મુસ્લિમો પણ હરદાસની અદબ રાખીને ચુપચાપ બેઠા હતા. એમાંના ઘણાખરા તો શહેરની નવી મસ્જિદો ને રોજાઓનાં શિલ્પ કંડારનારા સુપરિચિત કારીગરો હતા. ફકીરનો એક હરએક શબ્દ સાંભળતો હરદાસ પોતાનું લાંબા, શ્વેત, ચોટલાદાર વાળવાળું નિર્બળ જઈફ માથું હલાવતો હલાવતો કહેતો હતો: “બરાબર. સાચું છે. સમજું છું.” માતાના કૂકડા એની ગોદમાં જઈ લપાયા હતા, ને ફકીરના વાચન પ્રત્યે ‘કૉક – કૉક – કૉક’ કરતા હતા. થોડા દિવસ પછી લોકભય શમી જતાં એક પ્રભાતે એણે ચાંલ્લાઓળનાં નરનારીવૃંદ આવતાં જોઈ આંખોમાં ઝળઝળિયાં અનુભવ્યાં. ગામ-પરગામથી ગાડાં આવતાં હતાં. વડલા અને આંબલીની વનઘટાને છાંયે બળદો છૂટતા હતા. ધોરીની કોટે ઘૂઘરમાળ રણઝણતી હતી. નવપરિણીત વરવધૂઓ છેડાછેડીએ બંધાઈને ઊતરતાં હતાં. લાંબા ચોટલાવાળાં બાળકોને તેડી વહેલમાં માતાઓ આવતી હતી. સહુ થાનકમાં દાખલ થતાં હતાં. માણેક નદીમાં સ્નાન કરવા યાત્રિકો ઊતરતાં હતાં. માથાબોળ નહાઈધોઈને તેઓ માને નિવેદ ધરતાં હતાં. શ્રીફળો વધેરાવાના ધડાકા સંભળાતા હતા. માનાં મંગળ ગીતોના સામટા સ્વરો ગગનારોહણ કરતા હતા અને કૂકડા ગઢ બહાર નીકળીને હરદાસની ગોદડી પાસે ચણતા હતા. યાત્રિકોનાં રાંધણાંની ધૂમ્રશિખાઓ ગઢ ઉપર જઈને ઊંચે ચડતી હતી. દેરાની ઊંચી ધજા ફરકતી હતી. ગરીબડે મોઢે હરદાસ એ સર્વને જોઈ રહ્યો. બપોર થયા. છેટેથી એણે આવતી દીઠી રળિયાતને. પત્ની પારકે ઘેરથી માગેલું ધાન લઈને પતિને જમાડવા આવી હતી. થાળી પીરસીને એ પાસે બેઠી. “રળી!” હરદાસે એને જરા છેટે જવા નિશાની કરી. રળિયાત વધુ નિકટ આવી. બોલી: “જોડે જ જમીશું.” “નહિ રે નહિ, રળી! આપણાં છૈયાં—” “એવે કરારે ક્યાં પરણી હતી?” રળિયાતે સ્મિત કર્યું, ને કોળિયો ઉપાડ્યો, “ખાવા મંડો, બીજી કશી વાત સમજશો નહિ.” “પણ, રળી, તું માનાં દર્શન હારી જઈશ.” “મારે કાળમુખીને વળી દર્શન શાં? જ્યાં તમે ત્યાં મા. એમ કહી એણે પતિને મોંએ કોળિયો મેલ્યો, પોતે પણ ખાવા લાગી.

[૭]

પછી તો હિંદુઓનું એ એકલું અટૂલું દેવમંદિર હંમેશ ગાજતું રહ્યું. હરદાસની પાછળ એની સ્ત્રી વટલી, દીકરો ને દીકરી વટલ્યાં, એની જાણ થતાં મુલ્લાં ને કાજીઓ હરખાયા, પાદશાહત આનંદ પામી અને હિંદુ કોમમાં એકથી બીજા છેડા સુધી ફિટકાર વધુ ઉગ્રપણે ફેલાયો: આ વટલેલને શરમ નથી! લજવાવું જોઈએ તેને બદલે નમાજ પડે છે ને તસબી ફેરવે છે. હજુ પણ ઇસ્લામી ખીચડું ખાય છે. ઓછું હતું તે આખો પરિવાર વટલાયો! દરવેશોની પાસે વિધર્મનું ભણતર ભણે છે. ‘અલ્લા! અલ્લા!’ રટે છે. વખત જતો ગયો, પણ લોકોએ રાખેલી ધારણા સાચી ઠરી નહિ. ચિતારા હરદાસને પાદશાહ તરફથી હવેલી મળી નથી. એ તો ચીંથરેહાલ બનીને ત્યાં જ રહ્યો છે — માના દેરાની બહાર ગઢની રાંગની ઓથે. સવારથી લઈ સાંજ સુધી એ નીરખી રહે છે માતાનાં જાત્રાળુઓને. સૌની સામે એનું મસ્તક ઝૂકેલું ને નયનો મીંચાયેલાં હોય છે. એમ કરતાં કરતાં હરદાસની કાયા કથળવા લાગી. ટાઢ, તડકો ને વરસાદ ત્રણેય ઋતુઓ આવી આવીને ચાલી ગઈ, દરવેશોએ એને શહેરમાં આવવા ઘણું કહ્યું, પણ એણે દેરાનું સાન્નિધ્ય અને માણેક નદીનો કાંઠો છોડી ક્યાંય જવા ના પાડી. માના કૂકડા વહેલા પરોઢે બોલે ત્યારે હરદાસ ઊઠીને નમાજમાં બેસે. લોકોની દૃષ્ટિએ પલટો ખાધો. આ માણસ વટલ્યા પછી પણ અહીં શા માટે ખુવાર મળી રહ્યો છે? આણે કંઈ સાહેબી તો જમાવી નહિ! લોકહૃદય કૂણું પડ્યું, લજ્જા પામ્યું. પણ સાચો ભેદ હજુ સમજી નહોતું શક્યું. માતાનાં જાત્રાળુઓએ આંબલી તળે એને સૂતેલો જોયો. ધીરેધીરે એના શ્વાસ ખૂટવા લાગ્યા. બન્યું ત્યાં સુધી એણે નમાજ પઢી. પણ પછી તો એના સૂતેલ શરીરને રળિયાત જ નમાજ પઢાવે છે. પડખાભર પડ્યો પડ્યો પોતે ભોંય પર આંગળીથી ચીતરે છે — નદી, વૃક્ષો, કૂકડા. “કશી ઇચ્છા, હરદાસ?” ન્યાતીલાઓએ અંતકાળ નજીક સમજીને પાસે જઈ પૂછ્યું. ઘણો વિચાર કરી, જરા મલકાઈ, વેદનાને પીતે પીતે હરદાસે કહ્યું: “બની શકશે? નહિ બને. ના, કંઈ નહિ. જવા દો. મરતા માણસનું મગજ ઠેકાણે ન્હોય, ભાઈઓ!” “બનાડીશું, હરદાસ, બોલો.” “લગાર સંકોચ લાગે છે.” “લગાડો નહિ.” “તો એટલું — એટલું ફક્ત કરશો? મને આ વાડીના પ્રવેશદ્વારની વચ્ચોવચ દફનાવવા દેશો? મારી કબર બરાબર ખડકી બહાર માર્ગમાં જ કરાવશો?” એનાં નેત્રો, બોલતે બોલતે ભીંજાઈ રહ્યાં. કબર! અને તે પણ પાછી દેવીના દ્વાર સન્મુખ! સાંભળનારા ચમક્યા, હિંદુ દેવના ઉંબરમાં ઘોરખાનું? તેઓને આ માગણીના મર્મની ગમ પડી નહિ. હરદાસે ક્ષીણ અવાજે, શબ્દેશબ્દે વિરામ લેતે લેતે કહ્યું: “મા પાસે તો આ જન્મે કે પરજન્મે પહોંચી નહિ શકું. પણ માનાં દર્શન કરનારાઓની ચરણરજ મારે માથે અડકશે તો હું જંપીને માટી તળે પડ્યો રહીશ.” સાંભળનારાઓને રહસ્ય સૂઝ્યું. હરદાસ વટલ્યો હતો કેવળ માના દેરાની રક્ષાને ખાતર. એનો પ્રાણ મા-મય હતો. કેવાં કંગાલ આપણે સુગાનારાં! “કહો, એટલું કરશો?” બોલતાં બોલતાં હરદાસની આંખોનાં નીર એની લાંબી દાઢીના વાળ પર દડ દડ વહ્યાં. “કરશું, હરદાસ!” એને જવાબ દેનાર ન્યાત-મુખી પણ આંખો લૂછતો લૂછતો બોલ્યો. થોડે દિવસે એનું કલેવર પડી ગયું. ન્યાતીલાએ એની માગણી પૂરી કરી. વાડીના દ્વારને ઉંબરે જ એનો દેહ દટાયો. ધરતીથી બહુ ઊંચો નહિ એવો પથ્થર એ ઘોરનું ઢાંકણ બન્યો. જીવતી રહેલી રળિયાત વહેલી પરોઢે પતિની કબરને મોરપિચ્છની સાવરણી લઈ વાળતી. કૂકડા બોલતા, લોબાનનો ધૂપ થતો, માણેક નદીમાંથી ઠંડક વહીને વાયુ વાઈ જતો. પછી રળિયાત દૂર બેઠી બેઠી જોતી, જાત્રાળુઓના પગ એ પથ્થર પર લુછાઈને અંદર પ્રવેશતા. ન્યાતીલાઓ લજ્જિત બન્યા. હરદાસના મૃત્યુસ્થાનને આમ શું ચગદવું રહ્યું? આપણા ઉદ્ધારકની આ વલે! ના, ના, ખડકી જ ફેરવી નાખો. એ પ્રવેશદ્વાર પૂરી દેવામાં આવ્યું. બીજે ઠેકાણે ખડકી મુકાઈ. હરદાસની આરામગાહવાળો ભોંય-ખૂણો વાડીની દીવાલની અંદર વાળી લેવામાં આવ્યો. માતાના મંદિર અને હરદાસની કબર વચ્ચે અંતરાય પાડતી આડશ ચાલી ગઈ. પછી રળિયાત મૂઈ, બાળકો મૂઆં, તેમને પણ હરદાસની બાજુએ જ દફનાવ્યાં. આજે ચિતારો હિંદુ હરદાસ ત્યાં માતાજીના સાન્નિધ્યમાં, સકળ પરિવાર સાથે સૂતેલ છે. એ ચારેય કબરોને ઊંચી લઈ, ઉપર ચકચકિત, નકશીદાર, લીલી લાદી જડી છે. દેરું અણીશુદ્ધ ઊભું છે. માનો દીવો જલે છે. પણ ત્યાં કૂકડા નથી, વૃક્ષઘટા નથી, માણેક નદી મોતી જેવાં નીર વહેતી તે વહેણમાં તો મિલોનું ગંધ મારતું પાણી ચાલ્યું જાય છે. વાડીના કોટ બહાર કબરોનો સુમાર નથી રહ્યો. વાડીની અંદર જાત્રાળુઓના હર્ષકિલ્લોલને બદલે ગરીબ મિલમજૂર ભાડૂઆતોનો જીવનવિગ્રહ મચી રહ્યો છે. વાડીનું સ્થાન ખદબદતી, ગંધાતી, કચપચતી, કંગાલ વસ્તીની જટિલ અટવીની વચ્ચે શોધી કાઢવું પણ મુશ્કેલ છે. છતાં — માનો દીવો બળે છે. ૧ માંડણ એટલે મંડન. પરણતી હિંદુ કન્યાઓનાં મસ્તક-મોં પર ને લલાટ પર સતારા, કંકુ ઇત્યાદિની શોભા સજવા માટે મોચણો જતી.