સ્વાધ્યાયલોક—૧/સાહિત્યનાં સરકતાં ધોરણો

Revision as of 15:46, 23 March 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાહિત્યનાં સરકતાં ધોરણો}} {{Poem2Open}} સામાન્ય રીતે સમાજ જ્યારે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાહિત્યનાં સરકતાં ધોરણો

સામાન્ય રીતે સમાજ જ્યારે સાહિત્ય પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા સેવે છે ત્યારે સાહિત્યને સહન કરવાનું અને સાહિત્યને વિશે ચિંતા કરવાનું થાય; પણ અત્યારે કહે છે કે આપણો સમાજ સાહિત્યનું સન્માન કરે છે, સાહિત્યનો આદરસત્કાર કરે છે અને એથી સાહિત્યને સહન કરવાનું અને સાહિત્યને વિશે ચિંતા કરવાનું થાય એવી પરિસ્થિતિ સર્જાતી આવે છે. આ કેવળ કવિની કલ્પના નથી, કોઈ ભોળા જીવનો ભ્રમ નથી. નડિયાદમાં ગોવર્ધન સાહિત્ય સભાના ઉપક્રમે આપણી ત્રણ પ્રતિષ્ઠિત સર્જકો — નવલકથાકાર ચુનીલાલ વર્ધમાન શાહ, વાર્તાકાર ધૂમકેતુ અને કવિ ઉમાશંકર જોશીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં ત્યારે એ ત્રણેના મુખેથી એકસાથે અચાનક અને સહજ જ એકની એક વાત — અનુભવસિદ્ધ વાત — સરી કે આપણા સાહિત્યનાં ધોરણો સરકતાં જાય છે. કવિ ઉમાશંકર જોશીએ એનાં કારણો પ્રત્યે ઇશારો પણ કર્યો. અત્યારે આપણો સમાજ પ્રથમ વાર જ જીવનની આ નવીન પ્રકારની રચનામાં રચ્યોપચ્યો છે ત્યારે સાહિત્ય જેવા એક માનવજાતના મૂળભૂત જીવનમૂલ્યનો એને સહારો મળવો જોઈએ અને એથી સાહિત્યનો વ્યાપકમાં વ્યાપક પ્રચાર થાય એ અનિવાર્ય છે અને આવશ્યક પણ છે. એ આપણા યુગની આ જરૂર છે. એથી સાહિત્યનાં ઊંચામાં ઊંચાં ધોરણોને સહેજ હાનિ થવાનો સંભવ છે. પણ એ જોખમ વહોરીને પણ આ સાહસ કરવા જેવું છે, કર્યા વિના છૂટકો નથી. પણ એનો અર્થ એ નથી કે ખુદ લેખકો અને વિવેચકોને હાથે જ એ હાનિ થાય. અત્યારે સાહિત્યને સમાજ તરફથી નથી એટલો ભય ખુદ લેખકો અને વિવેચકો તરફથી છે. એમનામાં જ સાહિત્યનો ઊંચામાં ઊંચાં ધોરણોના આગ્રહનો અભાવ જણાય છે. આ મુદ્દો સહેજ વિગતે તપાસીએ. સૈકાઓ પછી જે પ્રજા સ્વતંત્ર થાય એનામાં અદમ્ય ઉત્સાહ અને અપાર ઉમંગ હોય એમાં કોઈ નવાઈ નથી. બલકે એનો અતિરેક હોય. અત્યારે આપણી સમાજ આ અતિરેકની અવસ્થામાં છે. આત્મશ્રદ્ધાને કારણે, આત્મસંતોષને ખાતર, આપણે પણ કંઈક છીએ, આપણે કંઈક કરી નાખીએ એવી મહેચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ સમાજમાં પ્રગટે અને જીવનની એકેએક અગત્યની પ્રવૃત્તિમાં એ સક્રિય થાય. પણ શું કરવું અને કેમ કરવું એની સૂઝ ન પડે, ગતાગમ ન પડે, અનુભવ ન હોય, આવડત ન હોય અને જે દશા થાય એવી અત્યારે આપણા સમાજની દશા હોય એવો વહેમ આવે એવું એનું વર્તન છે. આ ઘેલછા — નરી ઘેલછા — ની દશા છે, જાગૃતિની નહિ. અત્યારે આપણો બહુજન સમાજ અને એની સંસ્થાઓ તથા સરકારો જીવનની અનેક અગત્યની પ્રવૃત્તિની જેમ જ સાહિત્યમાં રસ (કદાચને વધુ પડતો રસ) લે છે એથી લાગે કે કોઈ મહાન સાહિત્યનું સર્જન ગરવી ગુજરાતી ભાષામાં હવે સ્વયમેવ સિદ્ધ થશે. પ્રજાનો વાચનશોખ વધ્યો છે. પુસ્તકાલયો વધ્યાં છે. અનેક પ્રકાશનસંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. વર્તમાનપત્રોમાં સાહિત્યના વિભાગો વધ્યા છે. સામયિકોની સંખ્યા સારા પ્રમાણમાં છે. સાહિત્યની સંસ્થાઓ વધી છે. અનેક નવાં ચન્દ્રકો અને પારિતોષિકો આ સંસ્થાઓના ઉપક્રમે યોજાય છે. માત્ર અક્ષરજ્ઞાનનો નહિ પણ ઊંચી કેળવણીનો પણ ફેલાવો થઈ રહ્યો છે. ત્રણ યુનિવર્સિટીઓ અને અનેક શાળા-મહાશાળાઓ જામતી જાય છે. અનેક પાઠ્યપુસ્તકો, અનેક શિક્ષકો અને અસંખ્ય વિદ્યાથીઓ છે. રેડિયો પર સાહિત્યના કાર્યક્રમો યોજાય છે. અને સરકારી ઇનામો તથા હરીફાઈઓનો તો શબ્દરચનાનાં ઇનામો અને હરીફાઈઓનાં જેટલો જાદુ છે. સાહિત્યને કેટકેટલું ઉત્તેજન છે, પ્રોત્સાહન છે, કેટકેટલી પ્રેરણા છે! પછી લાગે ને કે સાહિત્યનો ઉદ્ધાર થઈ રહ્યો છે. ગરવી ગુજરાતી ભાષામાં કોઈ ભવ્ય અને અદ્ભૂત સાહિત્યનો અવતાર હવે હાથવેંતમાં છે. સમાજ, સંસ્થાઓ અને સરકારોનો સાહિત્યમાં આ જે રસ છે એ પર કટાક્ષ કરવાનું કોઈ જ કારણ નથી. એની ટીકા હોય જ નહિ કારણ કે કોઈ પણ સ્વાસ્થ્યપૂર્ણ, સમતોલ, વિવેકી અને વિકાસશીલ સમાજમાં આ રસ હોવો જોઈએ. પણ પછી સમાજને આ રસનો ભયસ્થાનોમાં પણ એટલો જ રસ હોવો જોઈએ. સહિત્ય એ કોઈ વાદ કે વિવાદ, કોઈ પ્લેન કે પ્રોગ્રામ, કોઈ સ્કીમ કે સ્ટ્રેટજીની પેદાશ છે એમ માની લેવાની મૂર્ખાઈ કોઈ સમજુ સમાજને કે પ્રજાને ન શોભે. સાહિત્યને જાણવું અને માણવું એ એક વાત છે ને સાહિત્યનું સર્જન કરવું એ કોઈ જુદી જ, કોઈ ઔર વાત છે, એ કોઈ ન્યારી ગત છે કારણ કે સાહિત્ય એ કોઈ સમાજના સામુદાયિક આંદોલનનું પરિણામ નથી પણ વ્યક્તિઓની એકાંતિક સર્જકતાનું પરિણામ છે. એથી આ રસ દ્વારા સાહિત્યનું સર્જન સ્વયમેવ સિદ્ધ થશે એવા ભ્રમમાં રહેવાનું કોઈને કારણ નથી. અરે એવો વહેમ પણ કોઈને કેમ આવી શકે? એટલે આ રસથી જ માત્ર નવા સાહિત્યનું સર્જન ન થાય પણ એથી જે સાહિત્ય ભૂતકાળમાં સિદ્ધ થયું છે એનેય હાનિ થવાનો ભય છે. લોકશાહીમાં આદર્શ નાગરિકોના સંસ્કાર અને શિક્ષણને ખાતર સાહિત્યનો પ્રચાર થાય, સાહિત્યને લોકપ્રિય કરવાની પ્રવૃત્તિ પૂરબહારમાં પાંગરે એ ઇષ્ટ છે. લેખકો, ઊંચામાં ઊંચી કક્ષાના સાહિત્યના લેખકો પણ પ્રજાને સુવાચ્ય, વિચારપ્રેરક અને સંસ્કારી લખાણો આપવાને લલચાય એ પણ એટલું લાભદાયક છે. એથી સાહિત્યનાં મૂલ્યમાં અને ધોરણોમાં સહેજ ગોટાળો, કંઈક આડુંઅવળું, કંઈક આઘુંપાછું, થોડીક સેળભેળ, થોડીક ઘાલમેલ થવાનો પણ સંભવ છે. પણ અરાજકતા અને અંધાધૂંધીની સ્થિતિ સર્જાય અને પરિણામે સાહિત્ય અને બિનસાહિત્ય વચ્ચેનો ભેદ જ ભૂંસાઈ જાય એનો પણ એટલો જ સંભવ છે, અને તો તો નવા સાહિત્યનું સર્જન તો ઘેર ગયું પણ જે છે તે જૂના સાહિત્યનો વારસો પણ આપણને કશું કામ ન આપી શકે. અત્યારે ધોળા પર જે કંઈ કાળું ચીતરાય છે તે સાહિત્ય કહેવાય, પ્રત્યેક લખાણ કલાકૃતિ કહેવાય અને પ્રત્યેક લહિયો કલાકાર કહેવાય એવી સ્થિતિ છે. વિવેચનની પરિભાષાનું જે અધઃપતન થતું જાય છે એમાં આ હકીકતનો પુરાવો મળી રહેશે. લોકશાહીમાં પ્રત્યેક માનવી સમાન છે, એકસરખો છે એવી ભાવના ભલે હોય પણ સાહિત્યનાં ધોરણોમાં એ ભાવનાને ભેળવવાની જરૂર નથી. સાહિત્યમાં ગુણવત્તા, સર્જકતા, મૌલિકતાની દૃષ્ટિએ ઊંચીનીચી કક્ષા સદાય રહેવાની, એમાં સમાનતાને સ્થાન નથી. ત્યાં લોકશાહીની ભાવનાનું સ્ટીમરોલર ચલાવીને બધું સપાટ અથવા સપાટિયું કરી મૂકવાનું ન હોય. લેખકો — ઊંચી કક્ષાના સાહિત્યના સર્જકો — લોકશાહીમાં સામાન્ય કક્ષાનું અને સમાજની જરૂર જોઈને લખાણ કરે પણ પછી એ લખાણ કલાકૃતિ છે એમ માનતા-મનાવતા થાય ત્યારે ધોરણો સરકે. સરકારી હરીફાઈના ઇનામી લેખકોની એક નવી નાત ફાટી નીકળે અને એમાં પછી જ્યારે સર્જક સાહિત્ય રચવાની શક્તિ ધરાવતા લેખકો ફસાય ત્યારે ધોરણો સરકે. સરકારો લોકવિદ્યાને વ્યવસ્થિત (અને શિષ્ટ સાહિત્યને અવ્યવસ્થિત) કરવાનું કાર્ય કરે પણ પછી જો યુનિવર્સિટી પણ લોકવિદ્યાનાં પુસ્તકોને સાહિત્યનાં પાઠ્યપુસ્તકો ઠરાવે ત્યારે ધોરણો સરકે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોથી ‘ગાઇડ્ઝ’ વધુ કામ આપે એવો અભ્યાસ કરાવવામાં આવે ત્યારે ધોરણો સરકે. સાહિત્યની સંસ્થાઓ છાપાળવાં લખાણોને સાહિત્યનાં ચન્દ્રકો અને પારિતોષિકો અર્પણ કરે અને એટલું પૂરતું ન હોય તેમ સર્જક સાહિત્યની એક પણ કૃતિ ન રચી હોય એવી વ્યક્તિઓને પણ સાહિત્યમાં સંડોવે ત્યારે ધોરણો સરકે. પુસ્તકાલયો બજેટ ખતમ કરવા પસ્તી પણ ખરીદે ત્યારે ધોરણો સરકે. પ્રકાશકો પાઠ્યપુસ્તકોના પ્રપંચમાં સંપાદનો અને વ્યાપારીવૃત્તિથી માત્ર લોકપ્રિય પુસ્તકો પ્રગટ કરવામાં પરોવાયેલાં રહે અને ઊંચી કક્ષાના સાચા સાહિત્યનાં પુસ્તકો — તેમાંય કેટલાંક તો અપ્રાપ્ય હોય એવા — ને વિશે પરવા જ ન કરે, અને પુસ્તકો કેમ વધુ વંચાય એની વિચારણા કે વ્યવસ્થા જ ન કરે ત્યારે ધોરણો સરકે. સામયિકોના તંત્રીઓ પાનાં ભરવા છોતરાં જેવાં લખાણો છાપે ત્યારે ધોરણો સરકે. રેડિયો વર્તમાનપત્રો જેવાં વ્યાપક લોકસંપર્કનાં સાધનોની પ્રવૃત્તિમાં સાહિત્યને નહિવત્ સ્થાન હોવાથી ધોરણ સરકાવવાની એમની શક્તિ જ નથી એટલે એમને આ યશમાં ભાગ ન લેવા દેવાય. અને આટલું ઓછું હોય તેમ વિવેચનની પરિભાષા વિકૃત થાય, સાહિત્ય નામના પદાર્થનો પરિચય કરાવતો એક સળંગ ગ્રંથ જે પેઢીના વિવેચકોએ હજી હવે લખવાનો હોય ત્યારે પ્રતિષ્ઠિત વિવેચકોની કલમ પણ સદ્ભાવ અને સજ્જનતાનો ધોરણો અને ક્યારેક તો સંબંધોનાં ધોરણો સાચવવા સર્વ પ્રકારનાં પુસ્તકોનાં ઉપરણાંઓ પરની જાહેરાતો ચીતરવામાં અને અંદરની પ્રસ્તાવનાઓ લખવામાં જ વધુ રોકાયેલી રહે ત્યારે ધોરણો સરકે. સો વર્ષ પૂર્વે આર્નલ્ડ અને બૉદલેર જેવા સર્જક-વિવેચકોએ જે આગ્રહ રાખ્યો હતો કે સાહિત્ય જેવી પ્રવૃત્તિમાં પ્રથમ કક્ષાથી ઓછું કશુંય ન હોય, ઓછું હોય એને અવતરવાનો અને અસ્તિત્વ ધરાવવાનો પણ અધિકાર ન હોય એ આગ્રહ એટલે કે ઊંચામાં ઊંચી કક્ષાનાં મૂલ્યો અને ધોરણોનો આગ્રહ આજે વધુ દૃઢતાપૂર્વક અને વધુ જવાબદારીના ભાવપૂર્વક નહિ રખાય તો આવતી પેઢીઓ આપણને પૂજશે નહિ પણ પૂછશે. અત્યારે સમાજ સાહિત્યમાં રસ લે છે એથી નહિ પણ ખુદ લેખકો અને વિવેચકો રસ નથી લેતા અથવા તો અપ-રસ લે છે એથી વધુ સચિંત થવાનું અને સાહિત્યને સહન કરવાનું કારણ છે. સાહિત્યની લોકપ્રિયતા અને સાહિત્યનાં ઊંચામાં ઊંચાં ધોરણોનો આગ્રહ એ જાણે કે કોઈ પરસ્પર વિરોધી પ્રવૃત્તિઓ હોય એમ માનવાનું કોઈ કારણ નથી. સાહિત્ય પ્રત્યે સમાજની ઉપેક્ષા અને ઉદાસીનતા છે માટે નહિ, સમાજના આદર અને સત્કાર છે છતાં સાહિત્યને હાનિ થશે તો એનો યશ લેખકી-વિવેચકોને એટલે કે એમનામાં ઊંચાંમાં ઊંચાં ધોરણોના આગ્રહના અભાવને નહિ તો કોને હશે? એક બાજુ સમાજનો સાહિત્યની લોકપ્રિયતાનો ઉપક્રમ અને બીજી બાજુ સર્જક-વિવેચકોનો ઊંચામાં ઊંચાં ધોરણોનો આગ્રહ એકસાથે શક્ય છે એ વાત જો વીસરાશે તો પછી વિવેચકોનો વિવેચક કાળ ભગવાન માફ નહિ કરે કારણ કે ‘નિશાનચૂક માફ કિન્તુ નહિ માફ નીચું નિશાન.’ ૧૯૫૬-૫૮

*