સ્વાધ્યાયલોક—૧/નાટક વિશે

Revision as of 17:40, 23 March 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાટક વિશે}} {{Poem2Open}} ‘નક્ષત્ર’ ટ્રસ્ટે એમ વિચાર્યું છે કે પ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાટક વિશે

‘નક્ષત્ર’ ટ્રસ્ટે એમ વિચાર્યું છે કે પ્રત્યેક વર્ષે એક સાહિત્યસ્વરૂપ પસંદ કરવું અને જે ભારતીય ભાષામાં એ સાહિત્યસ્વરૂપમાં નોંધપાત્ર સર્જન થયું હોય એવી એક ભારતીય ભાષા પસંદ કરવી અને તે ભાષાના તે સાહિત્યસ્વરૂપમાં જેમણે નોંધપાત્ર અર્પણ કર્યું હોય એવા બે સર્જકોને અને સાથે સાથે આપણી ભાષાના તે સાહિત્યસ્વરૂપના બે સર્જકોને આમંત્રણ આપવું. આમ, ચાર સર્જકો સાહિત્યરસિકોની સાથે તે સાહિત્યસ્વરૂપમાં એમની સર્જનપ્રવૃત્તિ વિશે અને એ નિમિત્તે એમની ભાષામાં તે સાહિત્યસ્વરૂપમાં સમગ્ર સર્જનપ્રવૃતિ વિશે કંઈક નિકટતાથી અને આત્મીયતાથી વાતો કરે અને એમનાં સર્જનોમાંથી કેટલાક અંશોનું પઠન-વાચન કરે અને એ દ્વારા એનો આસ્વાદ કરાવે. આમ, સ્વયં સર્જકો દ્વારા જ સહૃદયો ભારતીય સાહિત્યનો અભ્યાસ કેળવી શકે અને આનંદ મેળવી શકે એવો એમાં ઉપક્રમ છે. ગયા વર્ષે કવિતાનું સાહિત્યસ્વરૂપ પસંદ કર્યું હતું અને હિન્દી ભાષા પસંદ કરી હતી અને હિન્દી ભાષાની કવિતાના બે સર્જકોને અને સાથે સાથે આપણી ભાષાની કવિતાનાં બે સર્જકોને આમંત્રણ આપ્યું હતું. આ વર્ષે નાટકનું સાહિત્યસ્વરૂપ પસંદ કર્યું છે અને મરાઠી ભાષા પસંદ કરી છે, અને મરાઠી ભાષાના નાટકના બે સર્જકો — શ્રી વિજય તેંડુલકર અને શ્રી સતીશ અાળેકર — ને અને સાથે સાથે આપણી ભાષાના નાટકના બે સર્જકો — શ્રી લાભશંકર ઠાકર અને શ્રી સિતાંશુ યશશ્વન્દ્ર — ને આમંત્રણ આપ્યું છે. આ સર્જકો એમનાં નાટકો દ્વારા આપણને સૌને અથવા આપણામાંથી અનેકને પરોક્ષ રૂપે સુપરિચિત છે. આજે અહીં તેઓ સ્વયં પ્રત્યક્ષ રૂપે એ નાટકો વિશે આપણી સાથે વાતો કરશે — એ નાટકોમાં એમની સફળતા-નિષ્ફળતા વિશે, એ નાટકોના ગુણદોષ વિશે કંઈક નિકટતા અને આત્મીયતાથી વાતો કરશે, કેટલીક અંદરની ઝીણી વાતો પણ કરશે. અને તેઓ સર્જકો છે એટલે નમ્ર અને નિખાલસ વાતો કરશે, પેટછૂટી વાતો કરશે એવી આપણને સૌને શ્રદ્ધા છે. પછી આજે સાંજે એ નાટકોમાંથી કેટલાક અંશોનું સ્વયં પઠન-વાચન કરશે અથવા એની ભજવણી કરશે અથવા રંગભૂમિના કલાકારો દ્વારા એની ભજવણી થશે. દુર્ભાગ્યે આ ચાર સર્જકોમાંથી એક સર્જક શ્રી લાભશંકર ઠાકર અણધાર્યા સંજોગવશાત્ હાજર રહી શકશે નહિ. બાકી તેઓ આજે સાંજે એમના એક નાટકની ભજવણી કરવાના હતા. જોકે એમને જે વાતો કરવી હતી એનો કાચો મુસદ્દો એમણે તૈયાર કર્યો છે. અને તેઓ આ નગરમાં જ વસે છે એથી ભવિષ્યમાં અનુકૂળતાએ એમના એ વક્તવ્યનો અને એમની ભજવણીનો લાભ આપણે જરૂર લઈ શકીએ. આ વર્ષે ગુજરાત એની રંગભૂમિની સવાશતાબ્દીનો ઉત્સવ ઊજવે છે. તે જ વર્ષે ‘નક્ષત્ર’ ટ્રસ્ટે નાટકનું સાહિત્યસ્વરૂપ પસંદ કર્યું છે એમાં એ ઉત્સવના એક ભાગરૂપ થવાની એની કોઈ અભાન કે સભાન, અનધિકાર કે સાધિકાર ચેષ્ટા નથી, એમાં માત્ર એક શુદ્ધ નિર્ભેળ અકસ્માત્ છે, સુખદ મધુર સુયોગ છે. ૧૯૫૦માં મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ગુજરાતીની પરીક્ષાના એક પ્રશ્નપત્રમાં નિબંધના પ્રશ્નમાં ત્રણ-ચાર વિષયોમાં આ વિષય હતો : ‘ગુજરાતમાં જે ભજવાય છે તે નાટકો નથી ને જે નાટકો છે તે ભજવાતાં નથી.’ આ બોલનાર એ પરીક્ષામાં ઉમેદવાર હતો. અને એને પાકો વહેમ છે કે આજના પ્રમુખશ્રી કદાચ એ પ્રશ્ન પૂછનાર હોય. એ પ્રશ્ન પૂછનાર જે હોય તે પણ આ બોલનારે એ પ્રશ્નનો જે ઉત્તર આપ્યો હતો એનો સાર આમ છે, કે વાક્યનો પૂર્વાર્ધ સાચો છે પણ ઉત્તરાર્ધ ખોટો છે. ગુજરાતમાં જે નાટકો ભજવાય છે તે નાટકો નથી એ સાચું પણ નાટકો છે તે ભજવાતાં નથી એ ખોટું. કારણ કે ગુજરાતમાં જો નાટકો હોય તો તે ભજવાય જ. અને તો ગુજરાતમાં ભજવાય તે નાટકો હોત. ગુજરાતમાં કશુંક ભજવાય તો છે જ. અને ગુજરાતમાં જો નાટકો હોય જ તો ગાંડી ગુજરાત ગમે તેટલી ગાંડી હોય તો પણ નાટકો ન ભજવે અને બિન-નાટકો જ ભજવે એટલી ગાંડી તો નથી જ. ગાંડી ગુજરાત ગણિતમાં, ગણતરીમાં તો ડાહી છે. એટલે તે શબ્દનો વ્યાપાર પણ જરૂર કરી જાણે. પણ ગુજરાતમાં નાટકો નથી માટે ભજવાતાં નથી અને માટે ગુજરાતમાં જે ભજવાય છે તે નાટકો નથી. ટૂંકમાં ગુજરાતમાં નાટકો નથી. આ બોલનારે આવો ઉત્તર ૧૯૫૦માં ખાનગીમાં એકવાર આપ્યો હતો. પણ ત્યાર પછી આજના પ્રમુખશ્રીએ આવો ઉત્તર જાહેરમાં અનેક વાર આપ્યો છે, ગુજરાતી રંગભૂમિની શતાબ્દી અને તાજેતરમાં સવાશતાબ્દી આદિ અનેક પ્રસંગોએ. ઉદાહરણ રૂપે ‘નાટક લખવું એ કાંઈ ‘નાટક’ નથી.’ ‘વર વિનાનો વરઘોડો’ ઈત્યાદિ, ઇત્યાદિ. પણ ગુજરાતમાં એકાંકી, અલબત્ત, છે. અહીં જયંતિ દલાલનું સહેજે સ્મરણ થાય છે. કોઈ પણ ધોરણથી, ઉન્નતભ્રૂ ધોરણથી કે જગતસાહિત્યના ઉન્નત ધોરણથી મૂલ્યાંકન થાય તો પણ એમનાં બેત્રણ એકાંકી સુન્દર અને સમૃદ્ધ છે. આજના પ્રમુખશ્રીના બેત્રણ એકાંકી પણ એટલાં જ સુન્દર અને સમૃદ્ધ છે. પણ ગુજરાતમાં એક પણ સુન્દર અને સમૃદ્ધ, સફળ અનેક-અંકી નાટક એટલે કે સુદીર્ઘ નાટક, સળંગ નાટક, ભર્યુંભર્યું નાટક, હર્યુંભર્યું નાટક, જેમાં કોઈ પણ એક સમયના એક મનુષ્યના કે એક સમાજના જીવનનો જ નહિ પણ. સમગ્ર મનુષ્યજીવનનો અનુભવ હોય એવું નાટક નથી. ૧૯૫૦માં લેખકમિલનમાં આજના પ્રમુખશ્રીએ કરુણ એકરાર કર્યો હતો : ‘બે ભૃકુટિની વચ્ચે અનેક પાત્રો પલાંઠી વાળીને બેસી ગયાં છે, ઊઠે ત્યારે ને!’ પણ આ પાત્રો ઊઠે ક્યારે? એમને ઊઠવું પડે એવો મંત્ર આ ઉમાશંકર કે અન્ય ઉમાશંકર ઉચ્ચારે ત્યારે ને! ગુજરાતમાં સવા સો વરસથી આવું નાટક નથી એ માટે સવા સો કારણો આપી શકાય. પણ એ સૌ કારણોનું કારણ છે આ મંત્રનો અભાવ, આ શક્તિનો, મંત્રશક્તિનો, વાક્શક્તિનો અભાવ. આર્ચિબાલ્ડ મેકલીશે કહ્યું છે કે રંગભૂમિ એ વાણીનું, વાક્ દેવીનું મંદિર છે — ‘Theatre is the temple of speech.’ નાટક એકસાથે દૃશ્ય અને શ્રાવ્ય કળા છે. નાટક એ એકસાથે રંગભૂમિ અને સાહિત્ય છે. પણ ગુજરાતમાં રંગભૂમિનાં નાટકોમાં સાહિત્યનો અભાવ છે. અને સાહિત્યનાં નાટકોમાં રંગભૂમિનો અભાવ છે. રંગભૂમિનાં નાટકોમાં ભાષા નાટકી છે અને સાહિત્યનાં નાટકોમાં ભાષા સાક્ષરી છે. આ સંદર્ભમાં Shakespeare thought of his plays as scripts and not as books એ કેટલું સૂચક છે! રંગભૂમિનાં નાટકોમાં સંવાદો અને એમની ભાષા — શેક્‌સ્પિયરના અનુકાલીન જેકોબીઅન નાટકકારોનાં નાટકોમાં હતી તેમ — નાટકીવેડા, melodrama; સનસનાટી, sensationalism; ઊર્મિલતા sentimentalism; અને બોધાત્મકતા, didacticism આદિ બિનનાટ્યાત્મકતાના સાધનરૂપ છે. સાહિત્યનાં નાટકોમાં ઉક્તિઓ અને એમની ભાષા — શેક્‌સ્પિયરનાં પુરોકાલીન નાટ્યકારો, University Witsનાં નાટકોમાં હતી તેમ — લઘુનિબંધરૂપ અથવા ઊર્મિકાવ્યરૂપ છે. ટૂંકમાં ઉભય પ્રકારનાં નાટકોમાં નાટકની ભાષા — dramatic idiom, deamatic speech, dramatic language નથી, મંત્ર નથી, શક્તિ, મંત્રશક્તિ, વાક્શક્તિ નથી. નાટકનો સમગ્ર પ્રશ્ન અંતે વાગ્-અભિનયનો ભાષાનો, dramatic idiomનો, એલિયટના શબ્દોમાં third voice પ્રશ્ન છે. અને ગુજરાતમાં સવા સો વર્ષમાં રંગભૂમિની અને સાહિત્યનાં નાટકોમાં એનો અભાવ છે. અલબત્ત, હમણાં થોડાંક વર્ષોથી ગુજરાતમાં જે નાટકો રચાય છે એમાં — મુખ્યત્વે તો આજના અતિથિ સર્જકોનાં નાટકોમાં — નાટકની ભાષા કંઈક સિદ્ધ થતી આવે છે. એથી હવે પછી થોડાંક વર્ષોમાં — અને આજના પ્રમુખશ્રી જો નાટક રચે તો થોડાંક જ વર્ષમાં — ગુજરાતમાં નાટક સિદ્ધ થશે એવી આશા બળવાન થતી આવે છે. આજના ઉપક્રમ જેવા ઉપક્રમો એ નાટક સિદ્ધ થાય અને એ આશા બલવત્તર થાય એમાં સહાયરૂપ હજો એવી આપણી સૌના હૃદયની શુભેચ્છા છે. નાટકમાં મજ્જા અને રુધિરથી મૂર્ત એવાં પાત્રો હોય છે, નાટક એ એકસાથે દૃશ્ય અને શ્રાવ્ય કળા છે એથી નાટક એ દેશકાળની સીમાઓને, પ્રાંતપ્રાંતની સીમાઓને, ભાષાભાષાની સીમાઓને અલ્પવિઘ્ને અતિક્રમી જાય છે. આજે ભારતમાં કદાચ નાટક જ એક એવું માહિત્યસ્વરૂપ છે જે અખિલ ભારતીય કક્ષાએ સિદ્ધ થતું આવે છે. આજે ભારતના એક પ્રદેશની એક ભાષાભાષી પ્રજા ભારતના અન્ય પ્રદેશોના અન્ય ભાષાભાષી સર્જકોનાં નાટકોથી સુપરિચિત છે. આજના અતિથિ સર્જકોનાં નાટકોથી અહીં કોણ સુપરિચિત નથી? બંગાળી, કન્નડ, ઉર્દૂ આદિ અન્ય ભારતીય ભાષાઓના સર્જકોનાં નાટકો વિશે પણ એવી જ સુપરિચિતતા અસ્તિત્વમાં છે. અહીં આ ક્ષણે મરાઠી અને ગુજરાતી બે ભગિની ભાષાઓ, બે પડોશી ભાષાઓના સર્જકોની સહોપસ્થિતિ આ સંદર્ભમાં અત્યંત સૂચક છે. એથી ‘નક્ષત્ર’ ટ્રસ્ટ વતી અને આપણી સૌના વતી આજના ચાર અતિથિ સર્જકો — શ્રી વિજય તેંડુલકર, શ્રી સતીશ આળેકર, શ્રી સિતાંશુ યશશ્વન્દ્ર અને અનુપસ્થિત છે છતાં શ્રી લાભશંકર ઠાકર — નું આ સંદર્ભમાં સવિશેષ હાર્દિક સ્વાગત કરું છું. (નક્ષત્ર ટ્રસ્ટ, અમદાવાદના ઉપક્રમે નાટક વિશેના પરિસંવાદ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે વકતવ્ય, ૧૯૭૮)

*