સ્વાધ્યાયલોક—૨/વૉલ્ટર દ લા મૅર
વૉલ્ટર દ લા મૅરની પંચોતેરમી જન્મતિથિ પ્રસંગે ટી. એસ. એલિયટે એક કાવ્યમાં એમની કવિપ્રતિભાને અંજલિ અર્પી એમાં અંતે કહ્યું છે, ‘દ લા મૅર શબ્દના રહસ્યના શોધક કવિ છે.’ એક જ વાક્યમાં દ લા મૅરની સમગ્ર કાવ્યપ્રતિભાનો પરિચય, એનું રહસ્યદર્શન આથી અન્ય કોઈ રીતે ભાગ્યે જ કરાવી શકાય. પચાસ વર્ષથી પણ વધુ વર્ષોના કાળપટ પર પથરાયેલી એમની કાવ્યપ્રવૃત્તિમાં એમની જો કોઈ સતત શોધ હોય તો તે શબ્દના રહસ્યની. એમની કવિતામાં આળપંપાળ નથી, કોઈ આડીઅવળી આડવાત નથી, કેવળ કવિતા સિવાયની કોઈ કચકચ નથી. એમાં કોઈ વાદવિવાદ નથી, કોઈ વાડવાડો નથી, કોઈ પ્રતિકાર કે પ્રચાર નથી, કેવળ જીવનદર્શન સિવાયની કોઈ જંજાળ નથી. ૨૦મી સદીના પૂર્વાર્ધની સમગ્ર અંગ્રેજી કવિતાના સંદર્ભમાં દ લા મૅરની કવિતાનું આ લક્ષણ એટલું વિરલ અને એટલું વિસ્મયજનક છે કે એ પોતે જ એક રહસ્ય બની ગયું છે. અંગત જીવનની અનુભૂતિઓના અને આંતરિક સર્જકતાના અનુભવોના અર્ક જેવી એમની કવિતા એ જાણે કે કોઈ પરીપ્રદેશની પેદાશ હોય, કોઈ સ્વપ્નલોકની સરજત હોય એવો ભાસ, ભ્રમ થાય છે. દ લા મૅરનું કવિજીવન ૧૯૦૨માં શરૂ થયું. ૧૯૦૨થી ૧૯૫૬ લગીનાં આ વર્ષોમાં ઇંગ્લૅન્ડના સમાજમાં અને સમગ્ર જગતમાં અનેક, મહાન પરિવર્તનો થયાં. બબ્બે મહાયુદ્ધો અને એના વચગાળાનાં વર્ષોમાં અનેક આર્થિક, સામાજિક, રાજકીય, આધ્યાત્મિક સમસ્યાઓ — વિકટ અને વિષમ સમસ્યાઓ સર્જાઈ ગઈ. જીવનનાં મૂલ્યો અને શ્રદ્ધા ભાંગીને ભુક્કો થાય, અસ્તિત્વ આખુંયે મૂળમાંથી ઊખડી પડે એવી કરુણતા સર્જાઈ ગઈ. અને એ સૌની વચમાં વસતા છતાં દ લા મૅરની કવિતામાં એનો અણસારો પણ જોવા ન મળ્યો એથી અનેક વાચકો, વિવેચકો અને કવિઓ અકળાઈ ઊઠ્યા. બેત્રણ વર્ષ પર મુંબઈમાં આધુનિક કવિતા પરના એક વ્યાખ્યાનમાં કવિ સ્પેન્ડરે દ લા મૅર અને એલિયટની કવિતા વાંચીને વિવેચન કરતાં કહ્યું કે દ લા મૅરની કવિતા સુવાચ્ય(extremely readable) છે, સંપૂર્ણ (perfect) છે અને આનંદદાયક (enjoyable) છે, પણ એ સજીવ (alive) અને સમકાલીન (contemporary) નથી. અને પછી દ લા મૅરના પ્રતિકાર રૂપે એમણે એલિયટને આગળ ધર્યો. પણ કવિ સ્પેન્ડરે દ લા મૅર અને એલિયટનું નહિ પણ દ લા મૅર અને યેટ્સનું સહવાચન કર્યું હોત તો? એમને કંઈ ઓર જ કહેવાનું પ્રાપ્ત થાત. યેટ્સ, એલિયટ, મિસ સિટવેલ અને દ લા મૅર, આ ચાર કવિઓમાં ઓછામાં ઓછું એક સામ્ય તો છે જ, અને તે એમની સતત વિકાસશીલતા. એ પ્રત્યેક કવિએ અર્ધી સદીથી વધુ સમય લગી સર્જન કર્યું એટલું જ નહિ, પણ સતત વિકાસ પણ કર્યો. વળી યેટ્સ ને દ લા મૅરમાં એક વધુ સામ્ય છે. જ્યારે ‘ઑડન ઍન્ડ કંપની’નાં કવિ-છોકરડાઓ મનુષ્યના સામાન્ય શત્રુ પર શાપ વરસાવતા હતા ત્યારે યેટ્સ અને દ લા મૅર મનુષ્યના સનાતન શત્રુ સર્વભક્ષી કાળ (Time) પર પોતાનો પુણ્યપ્રકોપ પ્રગટાવતા હતા. યેટ્સનાં અંતિમ કાવ્યો, અને દ લા મૅરના અંતિમ લાંબા કાવ્ય ‘Winged Chariot’(પંખાળો રથ — શીર્ષક કેટલું સૂચક છે!)નો વિષય છે કાળ. સમકાલીન જગતના પ્રસંગો અને પરિવર્તનોની દ લા મૅર પર અસર નથી, એટલું જ નહિ પણ પોતે જગતકવિતાના પ્રખર વાચક અને અભ્યાસી હતા છતાં એ વાચન અને અભ્યાસની પણ એમના પર કોઈ અસર નથી. આમ, પરંપરાઓ, પ્રણાલીઓ, પરિવર્તનો, વિચારપ્રવાહો વગેરે સર્વ પ્રકારની અસરોથી મુક્ત એવી એમની કવિતા નિરંકુશ છે. આથી એમની કવિતાની પ્રેરણા પોતાના અંતરમાં — અંતસ્તલમાં છે. એમના અંગત જીવનમાં, આંતરિક દર્શનમાં છે; એક જ શબ્દમાં કહીએ તો એમની સર્જકતામાં છે. એથી એ કોઈ ફૅશનમાં ફસાયા નથી, કોઈ નવીનતાથી નજરાયા નથી. એમની આ પ્રેરણા અને એમના પચાસ વર્ષના પરિશ્રમને પરિણામે એમની કવિતાએ પૂર્ણતા સિદ્ધ કરી છે. એક સંપૂર્ણ વસ્તુને સંપૂર્ણ સ્વરૂપે એમણે એમના પ્રત્યેક કાવ્યમાં પ્રગટ કરી છે. અંતરમાં ડોકિયું કરીને જોયું તો પોતાના અને પારકાના જીવનના — સમગ્ર જીવનના આધ્યાત્મિક અર્થ વિશે પોતાનામાં એક અદમ્ય જિજ્ઞાસા છે એમ જાણ્યું, અને ત્યાર પછી એમની સમગ્ર કવિતા આ જિજ્ઞાસાની અભિવ્યક્તિ જેવી અને એના સંતોષ માટેના સાહસ જેવી બની ગઈ. આ કલાકાર કવિની કવિતા પ્રયોગોની પરંપરા છે, જીવનના રહસ્યની શોધયાત્રા છે. આથી એમની કવિતામાં જીવનના ને શબ્દના રહસ્યની શોધ સાથોસાથ ચાલે છે; અથવા તો કહો કે શબ્દના રહસ્યની શોધ દ્વારા જ જીવનના રહસ્યની શોધ ચાલે છે. અને દ લા મૅરની આ શોધ એટલે જીવનમાં સદ્-અસદ્ નો સંઘર્ષ, જીવનરૂપી મહાભારતમાં હૃદયરૂપી ધર્મક્ષેત્ર પર બે વિરોધી વૃત્તિઓનો સનાતન સંગ્રામ. પ્રત્યેક મનુષ્યના વ્યક્તિત્વમાં દ્વૈત છે. એથી એના મનમાં અહોનિશ એક યુદ્ધ — સદ્ અને અસદ્ નું યુદ્ધ — અવિરત ચાલે છે. આ વીસમી સદીનું, આપણા યુગનું, ફ્રૉઇડના યુગનું સત્ય છે. અને એ સત્ય દ લા મૅરની કવિતામાં કાવ્ય રૂપે પ્રગટ થાય છે. એટલે કે કોઈ ઉપલક અર્થમાં નહિ પણ ઊંડા અર્થમાં, એક સપાટિયા અર્થમાં નહિ પણ સાચા અર્થમાં, બે મહાયુદ્ધો અને વચગાળાની વેદના નહિ પણ મનુષ્યમાત્રના આત્માના યુદ્ધની વેદના એમાં વ્યક્ત થઈ છે. એથી એ સજીવ અને સમકાલીન કવિ છે. આ વર્ષે સિલોનના અંગ્રેજી ભાષાના કવિ અને જૂના ‘પોએટ્રી લંડન’ના તંત્રી તામ્બીમુત્તુએ ન્યૂયૉર્કથી કવિતાનું નવું માસિક ‘પોએટ્રી લંડન–ન્યૂયૉર્ક’ પ્રગટ કર્યું એના પ્રથમ અંકના પ્રથમ પાને દ લા મૅરનું કાવ્ય વિરાજે છે, એ અત્યંત સૂચક છે. વચમાં દાયકા — દોઢ દાયકાની સામાજિક સભાનતા (social consciousness)ના અતિરેક પછી હવે (ડિલન ટૉમસ અને જૉર્જ બાર્કરની કવિતાને કારણે પણ) ઇંગ્લૅન્ડમાં કવિતા વિશેની વિચારણામાં સમતુલાનું વલણ વરતાય છે. દ લા મૅરનું બાહ્ય જીવન ઉપર કહ્યું તે પ્રકારની એમની કવિતાની સમજ માટે ભાગ્યે જ ઉપકારક હોય. એથી જ એમના બાહ્ય જીવન વિશે બહુ સામગ્રી સુલભ નથી. અને એમણે પોતે પણ ક્વચિત જ એ વિશે ઉલ્લેખ — ઉદ્ગાર કર્યા છે. પ્રસિદ્ધિની પરવા વિનાનો કવિ એમ જ કરે! કવિતાનો નહિ પણ કવિઓનો જ્યાં વધુ મહિમા થતો હોય, કવિતાથી પણ વિશેષે જ્યાં કવિઓનું મહત્ત્વ હોય — અને તે પણ જ્યાં કવિઓ ખુદ ખુશીથી કરતા હોય, ત્યાં આ વલણ સહેજ વિચિત્ર લાગે. દ લા મૅરે આઠસો કાવ્યો કર્યાં, પણ એમના ચરિત્ર વિશે આઠસો શબ્દ ભાગ્યે જ આપણે વાપરી શકીએ. એલિયટે સાઠ કાવ્યો કર્યાં, પણ એમના ચરિત્ર માટે સાઠ વાક્યો પણ ભાગ્યે જ આપણે વાપરી શકીએ. દ લા મૅરનો જન્મ ૧૮૭૩ના એપ્રિલની ૨૫મીએ ઇંગ્લૅન્ડના કૅન્ટ પરગણામાં આવેલા શાર્લટન ગામમાં થયેલો. પિતા જેઇમ્સ એડ્વર્ડ દ લા મૅર વિખ્યાત હ્યૂજનૉટ વંશના, ને માતા સ્કૉચ. શિક્ષણ સેઇન્ટ પૉલ્સ કથીડ્રલ સ્કૂલમાં. ૧૬ વર્ષની ઉંમરે ઍંગ્લો-અમેરિકન ઑઇલ કંપનીની લંડન ઑફિસમાં સંખ્યાશાસ્ત્ર વિભાગમાં કારકુનની નોકરી. ફાજલ સમયમાં કવિતા ને વાર્તાનું લેખન. શાળામાં અભ્યાસ કરતા ત્યારે ત્યાંના એક સામયિકના તંત્રી તરીકે કેળવેલી આ પ્રવૃત્તિ નોકરી સાથે આડપ્રવૃત્તિ તરીકે ચાલુ રહી. સામયિકોમાં કાવ્યોનું પ્રકાશન. ૧૯૦૨માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૉંગ્ઝ ઑફ ચાઇલ્ડહુડ’નું વૉલ્ટર રામેલના ઉપનામથી લૉંગમૅન્સ કંપની તરફથી પ્રકાશન. ૧૯૦૪માં પ્રથમ ગદ્યકૃતિ ‘હેન્રી બ્રૉકન’ નામની નવલકથાનું પ્રકાશન. સિવિલ પેન્શનની ગ્રાન્ટમાંથી સ્થાયી આવક થતાં ૧૯૦૮માં નોકરીનો ત્યાગ. ત્યારથી મૃત્યુ લગી સાહિત્યનો જ સહારો. ધંધાદારી લેખક. લંડનમાં કે લંડનની આસપાસ નિવાસ. ગદ્ય અને પદ્ય કૃતિઓનું સતત સર્જન. ઇંગ્લૅન્ડ-અમેરિકાનાં સામયિકોમાં અર્પણ. ઇંગ્લૅન્ડ-અમેરિકામાં વિવેચનો. સંચયો. આમ, પ્રસિદ્ધિની પરવા ન કરનાર કવિને ઘેર પ્રસિદ્ધિ પોતે જ સરનામું શોધતી આવી. ૧૯૨૦થી મૃત્ય લગી ઇંગ્લૅન્ડનો અતિ લોકપ્રિય લેખક. પ્રસન્ન વ્યક્તિત્વ. કવિતામાં વિષય ‘નિવૃત્તિ’, પણ જીવનમાં નિવૃત્તિનું નામ નહિ. માત્ર યુદ્ધોત્તર સમયમાં સાક્ષરવૃન્દોની વચમાં ક્વચિત્ જ દર્શન અને સર્જનપ્રવૃત્તિ પણ મંદ. ૧૯૫૧માં ‘વિંગ્ડ ચૅરિયટ’ અંતિમ કાવ્યસંગ્રહનું અને ૧૯૫૩માં ‘પ્રાઇવેટ વ્યૂ’ અંતિમ વિવેચનસંગ્રહનું પ્રકાશન. ૧૯૫૬માં જૂનની ૨૨મીએ અવસાન. દ લા મૅર શૈશવના કવિ છે — શાશ્વત શૈશવના. જીવનની જટિલ જંજાળોમાં, ભવાટવીની ભુલભુલામણીમાં આપણે આપણા શાશ્વત શિશુ-સ્વરૂપને વીસરી જઈએ છીએ. જન્મથી તે મૃત્યુ લગી આપણામાં એક શિશુ, એની અપાર જિજ્ઞાસા અને એના અવિરત સાહસ સાથે, જીવતું હોય છે એનું અસ્તિત્વ આપણે ભૂલી જઈએ છીએ. દ લા મૅર જેવાની કવિતા અથવા મૅક્બેથ જેવાનો અનુભવ આપણને આ સત્યનું સ્મરણ કરાવે છે. આપણા એકેએક અસદ્થી આ આપણું શિશુસ્વરૂપ અકળાય છે, આઘાત અનુભવે છે; અને ત્યારે એ અત્યંત કરુણ રીતે આપણને એના અસ્તિત્વનું સ્મરણ કરાવે છે, ભાન કરાવે છે. દ લા મૅરે ફ્રૉઇડ યુગના આ વ્યક્તિત્વના દ્વૈતના, સદ્-અસદ્ ના સંઘર્ષના નવા સત્યને પ્રગટ કરવા પ્રાચીન પંથ લીધો. એણે શિશુઓ વિશેના અને શિશુઓ માટેના સાહિત્યના સર્જનથી આરંભ કર્યો; અને ૧૯૦૨માં ‘સૉંગ્ઝ ઑફ ચાઇલ્ડહુડ’ (શૈશવનાં ગીતો) કાવ્યસંગ્રહ અને ૧૯૦૪માં ‘હેન્રી બ્રૉકન’ નવલકથા પ્રગટ કર્યાં. આ નવલકથાનો શિશુ નાયક એના અશ્વ રોઝિનાન્ટી પર પ્રાચીન પર્વતોની પાર સાહિત્યની કલ્પના-સૃષ્ટિનાં પાત્રો(લૂસી ગ્રે, જેઇન આયર, ગુલિવર, બુલી બૉટમ વગેરે)ની વચમાં સાહસો કરે છે. આમ, આ નવલકથા સ્વપ્નલોકમાં એક શિશુના પ્રવાસની પરાક્રમકથા છે. એની શૈલી, એના શબ્દો પ્રાચીન અને અપ્રચલિત છે એથી એ સ્વપ્નલોકનું વાતાવરણ સર્જે છે. ૧૯૦૬માં ‘પોએમ્સ’ (કાવ્યો) પ્રગટ કર્યાં એમાં પણ શૈશવના જ અનુભવો — વિશેષે ઉત્સાહના નહિ કંટાળાના અનુભવો છે. ૧૯૧૦માં ‘ધ થ્રી મુલ્લા-મુલ્ગર્સ’ (ત્રણ રાજવંશી વાનરો)ની પશુકથા પ્રગટ કરી. એમાં કાવ્યમય ગદ્ય રચ્યું. અનેક બુટ્ટાતરંગો, ઠઠ્ઠામશ્કરી ને તોફાનમસ્તીના અનુભવોથી ભર્યું ભર્યું વાનરોના પ્રવાસનું આ પુસ્તક કિપ્લિંગની ‘ધ જંગલ બુક’નું સ્મરણ કરાવે છે. પણ આ પશુપાત્રો એટલાં આદર્શ છે કે એમાં માનવપાત્રોનું દર્શન ભાગ્યે જ થાય. આમ, આ પુસ્તકોમાં દ લા મૅર શિશુની દૃષ્ટિએ જીવનને જુએ છે. આ એમનો જીવન પરનો પ્રથમ દૃષ્ટિપાત છે. પછી એમણે જીવન સામે આંખો મીંચી ન દીધી પણ ઉઘાડી રાખી. આ શૈશવદર્શન નિર્દોષ છે, નિખાલસ છે, અકલુષિત છે, અબાધ છે. પણ દ લા મૅર હ્યૂજનૉટ વંશના વારસ હતા, એથી જીવન વિશે આથી વધુ સભાન હતા; એક વેપારી પેઢીના આંકડાશાસ્ત્રના વિભાગમાં કારકુન હતા, એથી જીવન વિશે આથી વધુ વ્યવહારુ હતા; અને આસપાસના મનુષ્યોના વ્યક્તિત્વની વિશિષ્ટતા અને વિચિત્રતાના સૂક્ષ્મ અભ્યાસી હતા, એથી જીવન વિશે આથી વધુ ચકોર હતા. વળી આંતરસૂઝથી આપમેળે પણ સમજ્યા હતા કે જો વર્ડ્ઝવર્થની કવિતામાં થાય છે તેમ શૈશવનું ડહાપણ આધેડ વયની ઉંમરના જીવનના અંધારા કારાગૃહને અજવાળે નહિ તો તે નિરર્થક અને નકામું છે. આથી જ એમણે ૧૯૧૯માં ‘The Intellectual Imagination’ (બૌદ્ધિક કલ્પના) વિશે એક વિવેચનલેખમાં કહ્યું કે બધા જ કવિઓ શિશુઓ અને કિશોરો જેવા હોય છે. ‘શિશુઓ’ દ્વારા એમણે કવિની આંતરદૃષ્ટિનું સૂચન કર્યું, અને ‘કિશોરો’ દ્વારા એમણે કવિની બાહ્ય દૃષ્ટિનું સૂચન કર્યું. ૧૯૧૦માં એમણે ‘ધ રિટર્ન’ નવલકથા પ્રગટ કરી અને આ ‘શિશુ’ તથા ‘કિશોર’નો સમન્વય સાધ્યો. અનેક નવલકથાકારોએ જે વિચારનો પ્રચાર કર્યો હતો તે આ પુસ્તકની પ્રેરણા છે. મનુષ્યના વ્યક્તિત્વમાં દ્વૈત છે એથી એના ચિત્તમાં સંઘર્ષ છે. અને એનું સ્વરૂપ અંતે આધ્યાત્મિક છે, કારણ કે એ સદ્-અસદ્ નો સંઘર્ષ છે. ધારો કે આપણો ચહેરો કોઈ અપરિચિત ચહેરામાં પલટાઈ જાય. તો? આવી એક શિશુકલ્પનાથી આરંભ થાય, અને પછી ‘તો?’ના ઉત્તરમાં આ કલ્પનાની પાર જે વાસ્તવ છે એનું દર્શન પ્રૌઢ કલ્પના કરાવે ત્યાં એનો અંત આવે. એ પ્રકારની, મનુષ્યના વ્યક્તિત્વ-દ્વૈતને અને આધ્યાત્મિક સંઘર્ષના રહસ્યને પ્રગટ કરતી કૃતિઓ હવે પછી દ લા મૅરે રચી છે. ‘ધ રિટર્ન’ નવલકથાનો નાયક આર્થર લૉફર્ડ ૧૮મી સદીની એક કબર પાસે નિદ્રામાં પડી જાય છે. કબરમાંના આત્મહત્યાથી મૃત્યુ પામેલા મૃતજનનો આત્મા એની પુનર્જન્મની વાસના સંતોષવા નાયકના નિદ્રિત દેહમાં પ્રવેશે છે અને પોતાનું વ્યક્તિત્વ નાયકમાં પૂરી દે છે. નાયક ઘેર પાછો ફરે છે, મિત્રો અને સ્વજનોને મળે છે, પણ એને આ નવા અવતારની, નવા વ્યક્તિત્વની જાણ જ નથી. આથી આ પ્રેતકથા અહીં માનવસંબંધોના વાસ્તવિક અભ્યાસની માનવકથા બની જાય છે. બીજા કોઈ પણ લેખકે આ કથાને અકસ્માતોની કરુણ કથા અથવા તો કોઈ પટુકરણ યુવાન વિશેની મનોવિશ્લેષક કથા બનાવી હોત. દ લા મૅરે નાયકને આધેડ વયનો અરસિક શૅરબજારનો દલાલ બનાવ્યો છે, જેથી એનો શૈશવનો અતૃપ્ત આત્મા સજીવ થાય અને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રતિકાર કરી શકે. એ નવલકથામાં દ લા મૅરે વસ્તુની પ્રૌઢિની સાથે શૈલીની પણ પ્રૌઢિ સિદ્ધ કરી છે. ૧૯૨૧માં એમણે ‘ધ મેમ્વાર્ઝ ઑવ એ મિજેટ’ (એક વામનવ્યક્તિની સ્મરણકથા) નામની પોતાની લાંબામાં લાંબી અને વધુમાં વધુ લોકપ્રિય નવલકથા પ્રગટ કરી. બાવીસ ઇંચની જ ઊંચાઈની એની નાયિકા છે એટલી કલ્પનાછૂટ સ્વીકારી લઈએ તો પછી સમગ્ર કથા અત્યંત વાસ્તવિક છે. એમાં કોઈ પ્રેત કે પરીની અપેક્ષાને સ્થાન નથી, કારણ કે બધાં જ પાત્રો માનવપાત્રો છે અને ઘટનાઓ આ પ્રારંભની ઊંચાઈની ઘટના બાદ કરતાં વાસ્તવિક ઘટનાઓ છે. નાયિકા એની વામનતાને કારણે સરેરાશ ઊંચાઈનાં સૌ પાત્રોને વિચિત્ર લાગે છે, પણ એથી વિચિત્ર તો આ સૌ સરેરાશ ઊંચાઈનાં પાત્રો નાયિકાની નજરે, અને એ દ્વારા આપણને પણ, લાગે છે! આમ, એક રીતે આ કથા આધુનિક માનવીની એકલતા, અટૂલાપણાની કથા છે; અને છતાં આ વામન નાયિકાનું જીવન નિષ્ક્રિય નથી, પણ અનેક પ્રકારનાં પરાક્રમોથી સભર છે. આ કથાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ એની કલ્પના કે સંકલના નથી, પણ એનો નિર્દંશ ને નિર્દોષ સૂર (tone) છે. અને એથી જ એ સ્વિફ્ટની ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ જેવી કટુ થઈ શકે પણ સદ્ભાગ્યે થઈ નથી. દ લા મૅરની ગદ્ય કૃતિઓ એની પદ્ય કૃતિઓની પૂરક છે. એમાં ગદ્યકવિનું ગદ્ય છે. એમાં વસ્તુ અને શૈલી ધંધાદારી લેખકનાં નહિ પણ સર્જકનાં છે. એનું વસ્તુ કરુણ, કૌતુકપૂર્ણ અને રહસ્યમય છે. એમાં પશુઓ છે, પ્રેતો છે, શિશુઓ છે, વૃદ્ધાઓ છે, સામાન્ય સ્ત્રીપુરુષો છે; સુંદર કાવ્યમય વર્ણનો છે, ચિત્રો છે. એમના કેન્દ્રમાં કાર્ય કે પ્રસંગો નથી, પણ પાત્રોનું પરસ્પરનું વર્તન છે. એમની શૈલીમાં સૂચન છે, ધ્વનિ છે. લેખક સીધેસીધું સ્પષ્ટ તો મગનું નામ મરી પાડીને કંઈ કહેતો જ નથી. દ લા મૅરની સમગ્ર કાવ્યરચનાઓ એમના છ સંગ્રહોમાં સમાય છે. (૧૯૦૨માં ‘સૉંગ્ઝ ઑફ ચાઇલ્ડહુડ’ને ૧૯૫૧માં ‘વિંગ્ડ ચૅરિયટ’ની વચમાં બે ડઝન જેટલા સંગ્રહો પ્રગટ થયા હતા) ‘કલેક્ટેડ પોએમ્સ’ (૧૯૪૨)ના જેટલો જ સમૃદ્ધ ‘કલેક્ટેડ રાઇમ્સ ઍન્ડ વર્સિસ (૧૯૪૪); લઘુ કદનાં ઊર્મિકાવ્યોના બે સંગ્રહો ‘ધ બર્નિંગ ગ્લાસ’ (૧૯૪૫) અને ‘ઇનવર્ડ કમ્પૅનિયન્સ’ (૧૯૫૦); બે લાંબી કાવ્યકૃતિઓ ‘ધ ટ્રાવેલર’ (૧૯૪૬) અને ‘વિંગ્ડ ચૅરિયટ’ (૧૯૫૧). આમ, દ લા મૅરે ૫૦થી વધુ વર્ષના સમયમાં ૨૪થી વધુ સંગ્રહોમાં ૮૦૦થી વધુ ઊર્મિકાવ્યો અને બે લાંબાં કાવ્યો આપ્યાં છે. ઊર્મિકાવ્યના વસ્તુની દૃષ્ટિએ એ એલિઝાબેથન યુગના અને રોમેન્ટિક યુગના શ્રેષ્ઠ ઊર્મિકવિઓ સાથે સામ્ય ધરાવે છે. પણ એના સ્વરૂપની દૃષ્ટિએ એ ૧૭મી સદીના મેટાફિઝિકલ કવિઓની સાથે સામ્ય ધરાવે છે. આમ, એમનાં ઊર્મિકાવ્યોમાં ઇંગ્લૅન્ડની કવિતાની આ બે મહાન પરંપરાઓનો સંવાદ રચાયો છે. ૧૯૨૦ લગીનાં એમનાં કાવ્યોમાં સ્વપ્નોનો નશો છે, નિદ્રાનું ઘેન છે; વિચારો નહિ, આરત અને આરજૂ છે. અને છતાં આ બધું એવા સ્વરૂપમાં, એવી શૈલીમાં, એવા લયમાં, એવા સંગીતમાં પ્રગટ થયું છે કે આપણી બુદ્ધિ એનો સ્વીકાર કરે છે. કવિ ભલે સ્વપ્નલોકની કે પરીપ્રદેશની વાત કરે, પણ એનાં લય અને પ્રતીક આપણને અનિવાર્ય પ્રતીતિ કરાવે છે કે એ વાત ઓછામાં ઓછું કવિ પૂરતી તો વાસ્તવિક છે જ. ૧૯૨૦ પછીનાં એમનાં કાવ્યોમાં નર્યા વાસ્તવ પ્રત્યે અભિમુખ થવાનું સાહસ છે. ‘ધી ઇમ્પ વિધિન’ જેવામાં નિષ્ફળ પ્રયત્નો, ‘ધ ડૉક’ અને ‘ડ્રગ્ડ’ જેવામાં એકલતા, સૂનકાર, ભ્રાન્તિ, પાપ, દુઃખ વગેરે, અને ‘ધી હૉસ્પિટલ’ જેવામાં વારંવાર મૃત્યુના ઉલ્લેખો થાય છે. નિત્યના જીવનની ક્રૂરતાઓ અને કરુણતાઓથી પર જવાનું હવે એમની કલ્પનામાં સાહસ પ્રગટ્યું છે, એટલે એમને સર્વત્ર અને સદૈવ સૌંદર્યનાં દર્શન થાય છે. ૧૯૪૬માં ‘ધ ટ્રાવેલર’(પ્રવાસી)માં એમની સર્જક પ્રતિભાનું નવું જ સ્વરૂપ પ્રગટ થયું છે. સાતસો પંક્તિનું આ (પ્રવાસીના અને આપણા) ચિંતનસભર આધ્યાત્મિક અનુભવનું ને ભાવિ વિશેની કલ્પનાનું કાવ્ય છે. એમાં અશ્વ પરનો પ્રવાસી અંતે મૃત્યુની સંમુખ આવી ઊભો રહે છે. આમ, અંતે મૃત્યુ છે, પણ ચિંતન, સાહસ, શ્રદ્ધા વગેરે દ્વારા મૃત્યુમાં પણ નવી આશાનો જ ઉદય થાય છે. આથી દસ દસ શ્રુતિની એક એવી સપ્રાસ ચાર ચાર પંક્તિના શ્લોકો આ કાવ્યમાં કવિએ યોજ્યા છે. ૧૯૫૧માં દ લા મૅરની સમગ્ર સર્જકતાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ જેવું, એમની સમગ્ર કાવ્યપ્રતિભાના પૂર્ણ સ્વરૂપ જેવું વૈવિધ્યપૂર્ણ ‘વિંગ્ડ ચૅરિયટ’ (પંખાળો રથ) પ્રગટ થયું. આ અત્યંત સમૃદ્ધ અને સભર કાવ્ય છે. એનો વિષય છે કાળ. કાળ વિશેનાં કવિનાં વાચન અને ચિંતનનો એમાં પરિચય થાય છે. અને કાળનાં વિવિધ સ્વરૂપોનું સૂચન થાય છે. પ્રત્યેક સ્વરૂપને અનુરૂપ એવું પંક્તિ અને શ્લોકનું માપ કવિએ યોજ્યું છે. એમની ઊર્મિ, કરુણતા, ચિન્તનાત્મકતા, ચાતુરી અને સંવાદોની સરળતા વગેરે દ્વારા એમની અનેક મનોદશા એ કાવ્યમાં પ્રગટ થાય છે. શબ્દના રહસ્યની શોધ દ્વારા આમ અંતે આ કવિ કાળના રહસ્યની એટલે કે સમગ્ર જીવનના રહસ્યની શોધ લગી વિકાસ સાધે છે. એંશી જેટલી ગદ્યકૃતિઓ અને આઠસો જેટલી પદ્યકૃતિઓમાં એક પૂર્ણ વસ્તુને પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ કરવાની પચાસ વર્ષથી પણ વધુ સમય લગી કાવ્યસાધના કરનાર, સ્વપ્ન દ્વારા સત્યને શોધનાર, કલ્પના દ્વારા કરુણતાનું દર્શન કરનાર, જીવનકાળમાં (અને હવે પછી પણ) આબાલવૃદ્ધ અસંખ્ય મનુષ્યોને આનંદ કરાવનાર, યાંત્રિક સંસ્કૃતિના યુગમાં મનુષ્યના આધ્યાત્મિક અર્થને અજવાળનાર અને અંગ્રેજી ભાષાનું માધુર્ય, એના છંદોનું જાદુ, એના શબ્દોનું રહસ્ય પ્રગટ કરનાર આ કસબી કારીગર કવિને આપણી અંત:કરણની અંજલિ આ લઘુલેખના લેખનવાચનથી આજે આપણે અર્પીએ.
૧૯૫૬