સ્વાધ્યાયલોક—૨/આજની અંગ્રેજી કવિતા

Revision as of 15:00, 17 April 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આજની અંગ્રેજી કવિતા}} {{Poem2Open}} કોઈ પણ ભાષાની કવિતામાં કોઈ એક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આજની અંગ્રેજી કવિતા

કોઈ પણ ભાષાની કવિતામાં કોઈ એક નિશ્ચિત સમયે વિશિષ્ટ વલણો અને વહેણોનું વર્ચસ્ હોય છે, એની આગવી એવી આબોહવા હોય છે. અને એ કોઈ એક કવિ દ્વારા સવિશેષપણે કે લગભગ સંપૂર્ણપણે વ્યક્ત થાય છે. અંગ્રેજી ભાષાની કવિતામાં ’૩૦ની આસપાસ એ ઑડન દ્વારા, ’૪૦ની આસપાસ ડિલન ટૉમસ દ્વારા અને ’૫૦ની આસપાસ વિલિયમ એમ્પ્સન દ્વારા વ્યક્ત થાય છે. અને છતાં એ સમયનાં શ્રેષ્ઠ કાવ્યો કદાચને એ વિશિષ્ટ વલણો અને વહેણોથી પર હોય! એ સમયના શ્રેષ્ઠ કવિઓ એ આગવી આબોહવાની બહાર હોય! યેટ્સ, વૉલ્ટર દ લા મેર, ટી. એસ. એલિયટ, એડિથ સિટવેલ, એડવિન મ્યૂર, રૉબર્ટ ગ્રેવ્ઝ, એડમન્ડ બ્લન્ડન, હર્બર્ટ રીડ, સીગ્ફ્રીડ સાસૂન, મેઇઝફીલ્ડ વગેરે કવિઓ અને એમનાં કાવ્યો એટલે કે આ સમયના કેટલાક શ્રેષ્ઠ કવિઓ અને શ્રેષ્ઠ કાવ્યો વિશે એમ કહી શકાય. અહીં આપણે અંગ્રેજી ભાષાના અત્યારના શ્રેષ્ઠ કવિઓ કે શ્રેષ્ઠ કાવ્યો વિશે નહિ વિચારીએ, પણ અત્યારે અંગ્રેજી ભાષાની કવિતામાં જે વિશિષ્ટ વલણો અને વહેણો છે અને એની જે આગવી આબોહવા છે એ વિશે વિચારીશું. ૧૯૧૦ની આસપાસ એલિયટે એની કાવ્યપ્રવૃત્તિનો આરંભ કર્યો. એનાં કાવ્યોમાં યુરોપના ઇતિહાસના સંદર્ભમાં યાંત્રિક સંસ્કૃતિના આપણા યુગમાં આધ્યાત્મિક મૂલ્યોની ખોજ હતી. હ્યૂમ અને પાઉન્ડના વિચારોની અસરમાં એલિયટની વિવેચનપ્રવૃત્તિ પણ એના સર્જનને અનુરૂપ હતી. એથી એમાં રહસ્યમય સંદર્ભો, આઘાતજનક પ્રતીકો, અપરિચિત લય, છંદ અને સ્વરૂપો વગેરેની એટલે કે શૈલીની દુર્બોધતા અનિવાર્ય હતી. એની દૃષ્ટિમાં જીવન વિશે — અંતે શ્રદ્ધામાં પર્યવસાન પામે એવી — આરંભે શંકા હતી, કટાક્ષયુક્ત કરુણા હતી. ૧૯૩૦ની આસપાસ ઑડન આદિ કવિઓમાં બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયની આર્થિક અને રાજકીય એટલે કે વ્યાપક અર્થમાં સામાજિક પરિસ્થિતિની કવિતા પ્રાપ્ત થાય છે. આ કવિઓનું કોઈ વ્યવસ્થિત આંદોલન ન હતું. ઑડન, સ્પેન્ડર, સી. ડે લુઇસ અને મેકનીસ વગેરેનું વર્ષો પછી વિયેનાની એક સાહિત્યપરિષદમાં પ્રથમ વાર મિલન થયું હતું. એમણે પરસ્પરનાં કાવ્યો વાંચીને અસરો અનુભવી હતી અને અત્યારે તેઓ સ્વતંત્રપણે વિકાસ સાધી રહ્યા છે પણ ત્યારે અકસ્માત્ જ કે પછી યુગધર્મને કારણે એમની કવિતામાં વિચાર, વસ્તુ અને વાહન એકસમાન હતાં. એમાં એક નવીન સમાજરચનાનો આદર્શ હતો, આશાવાદ હતો. એથી આ કવિઓએ એલિયટની નિર્વેદમય જીવનદૃષ્ટિ સ્વાભાવિક જ અવગણી પણ એની બોલચાલની ભાષાની લયભંગિ અને યાંત્રિક સંસ્કૃતિની પ્રતીકયોજના અલબત્ત અપનાવી. આ કવિતાના કેન્દ્રમાં વ્યક્તિ ન હતી, સમાજ હતો. એથી પ્રેમકાવ્ય જેવા અંગત કાવ્યમાં પણ કવિની સામાજિક સભાનતા સહજ જ પ્રગટ થયા વિના રહેતી ન હતી. સમાજશરીરનો વ્યાધિ અને એની ચિકિત્સા આ કવિતાનો હેતુ હોવાથી એણે માર્ક્સ અને ફ્રૉઇડના વિચારોનો સહારો સાધ્યો હતો. વળી એની તત્કાલ સત્વર સંક્રાંતિ અનિવાર્ય હોવાથી એણે સૌ લોકપ્રિય સાધનો અને સ્વરૂપોનો પણ લાભ લીધો હતો. આ કવિતા ડૉક્યુમેન્ટરી ફિલ્મ, રેડિયો, રંગભૂમિ વગેરે આધુનિક યુગનાં સૌ લોકપ્રિય સાધનો દ્વારા અને ગીત, રાસ, પત્ર, વર્ણન, બોધ વગેરે ભૂતકાળનાં સૌ લોકપ્રિય સ્વરૂપો દ્વારા તથા પરંપરાગત લય અને છંદો દ્વારા પ્રગટ થતી હતી. ‘ન્યૂ સિગ્નેચર્સ’ અને ‘ન્યૂ વર્સ’ જેવા સંચયોમાં આ પ્રકારનાં પ્રતિનિધિ કાવ્યો છે અને એના પ્રવેશકોમાં માઇકલ રૉબર્ટ્સ અને જ્યૉફ્રી ગ્રીગસન તરફથી એમનો પુરસ્કાર કરવામાં આવ્યો છે. ૧૯૪૦ની આસપાસ ડિલન ટૉમસ આદિ કવિઓમાં ’૩૦ની કવિતાના વિરોધ કે વિકલ્પરૂપ કવિતા પ્રાપ્ત થાય છે. ’૩૯ના વિશ્વયુદ્ધનો નવો મહાપ્રશ્ન પ્રગટ થતાં ’૩૦ની કવિતાના પ્રશ્નો આપોઆપ બિનમહત્ત્વના બની ગયા. પ્રથમ વિશ્વયુદ્ધે જે પરિસ્થિતિ સર્જી, જે પ્રશ્નો જન્માવ્યા — બેકારી, વર્ગવિગ્રહ, મધ્યમવર્ગ, માર્ક્સવાદી સમાજરચના, ફૅસિઝમ અને સ્પેનનો આંતરવિગ્રહ, કૉમ્યુનિઝમ અને અંતે બીજા વિશ્વયુદ્ધની અનિવાર્યતા અને આગાહી — એની સુંદર અને સફળ કવિતા જે કવિએ રચી તેના પ્રશ્નો બીજા વિશ્વયુદ્ધનો આરંભ થતાં જ આપોઆપ અલ્પ બની ગયા અને અદૃશ્ય થયા. તો વળી બીજા વિશ્વયુદ્ધનો અંત થતાં કેટલાક પ્રશ્નો આપોઆપ ઊકલી ગયા. યુદ્ધ પૂર્વે જ ઑડને ઇંગ્લૅન્ડમાંથી વિદાય લીધી હતી અને અન્ય કવિઓની કવિતામાં પણ ’૪૦ની આસપાસ પરિવર્તન આવ્યું હતું. યુદ્ધસમયે સમાજ છિન્નભિન્ન થયો હતો અને કવિ સમાજથી વિચ્છિન્ન થયો હતો. રાજકીય આશાવાદ અને આદર્શવાદ બાલિશ બની ગયો હતો. કવિ એના એકાંતમાં વસતો થયો, એની કલ્પનાસૃષ્ટિમાં વિહરતો થયો, એના અંગત અનુભવમાંથી અને એ અનુભવ યુદ્ધને કારણે જીવનના આંતરિક અને અનિવાર્ય કારુણ્યનો હતો એટલે સર્વાનુભવ પણ હતો — એમાંથી કવિતા રચતો થયો. એથી એની કવિતાના કેન્દ્રમાં સમાજનો પ્રશ્ન નહિ પણ વ્યક્તિનો અને એ દ્વારા સમષ્ટિનો પ્રશ્ન હતો. એમાં માર્ક્સનો સામાજિક મનુષ્ય નહિ, પણ ફ્રૉઇડનો ખાનગી મનુષ્ય હતો. ડિલન ટૉમસે એક કાવ્યમાં કહ્યું  Man be my metaphor. એથી એની ભાષા સમાજની નહિ, વ્યક્તિની હતી. એની જીવનદૃષ્ટિ સામાજિક નહિ, વ્યક્તિગત હતી. જોકે એમાં સમાજ કે સામાજિક વ્યક્તિ કે દૃષ્ટિનો અભાવ ન હતો. તો એનો આત્યંતિક અતિરેક પણ ન હતો. વ્યક્તિ તેવી સમષ્ટિ એ વ્યાપક દૃષ્ટિ દ્વારા આ કવિતા સમાજને અતિક્રમીને સમસ્ત માનવજાતને સ્પર્શતી હતી. એથી ઑડન આદિની કવિતાનાં statements, telegraphese, journalese નહિ પણ એમાં મિથ, મેટાફર, સંકુલ પ્રતીકો અને અત્યંત સંગીતમય શબ્દોનો ઉપયોગ થયો હતો. ડિલન ટૉમસ, જૉર્જ બાર્કર, ડેવિડ ગૅસકૉઇન, રૉય ફૂલર, નિકોલાસ મૂર, હેન્રી ટ્રીસ, જી. એસ. ફ્રેઇઝર, ઍન રીડલર, કેથલિન રેઇન, નૉર્મન નિકલસન, વર્નન વૉટકિન્સ, લૉરી લી, લૉરેન્સ ડર્લ, ટેરેન્સ ટીલર, કીથ ડગ્લાસ, એલન રૉસ, ઍલેક્સ કમ્ફર્ટ, ડી. જે. એનરાઇટ, સિડની કીઝ, એલન લુઇસ, જૉન હીથ સ્ટબ્ઝ વગેરે સૌ કવિઓમાં સ્વતંત્ર મૌલિક ગુણો છે. એથી તેઓ સુર્રિયાલિસ્ટ્સ, પર્સનાલિસ્ટ્સ, ન્યૂ એપોકેલીપ્ટિક્સ, નિયો-રોમેન્ટિક્સ, પૅસિફિસ્ટ્સ, લૅન્ડસ્કેપિસ્ટ્સ, વૉર પોએટ્સ વગેરે ભિન્ન ભિન્ન નામે ઓળખાય છે. પણ સૌમાં જે સમાન ગુણ છે તે યુદ્ધને કારણે પ્રેમ, દયા, કરુણા, નમ્રતા, માનવતા. કવિતા આ સૌ કવિઓને મન ધાર્મિક પ્રવૃત્તિ જેવી હતી. ન્યૂ વર્સ, ટ્રાન્સ્ફર્મેશન, કિંગડમ કમ, ધ ક્રાઉન ઍન્ડ ધ સીકલ, ધ વ્હાઇટ હૉર્સમૅન વગેરે સંચયોમાં આ પ્રકારનાં પ્રતિનિધિ કાવ્યો છે. હર્બર્ટ રીડ, ડેવિડ ગૅસકૉઇન, જી. એસ. ફ્રૅઇઝર વગેરેનાં વિવેચનોમાં આ કવિતાનો પુરસ્કાર થયો છે. એલિયટની કવિતા અનિવાર્યપણે દુર્બોધ હતી, પછી ઑડન આદિમાં કવિતા સરલ બની. વળી ડિલન ટૉમસ આદિમાં વસ્તુ અને શૈલીના અંગતપણાના અતિરેકને કારણે અનિવાર્યપણે ફરી દુર્બોધ બની. જોકે ડિલન ટૉમસમાં એનાં અંતિમ વર્ષોમાં અર્થ આરંભના અંધકારમાંથી પ્રકાશ ભણી પ્રગતિ કરતો હતો. જ્યૉફ્રી ગ્રીગસન એના એક ઉગ્ર વિવેચનલેખમાં આ નિયો-રોમેન્ટિસિઝમને romance without reason કહે છે. એમાં કાવ્યશક્તિ હતી પણ એ શક્તિ સુયોજિત કે સહેતુક ન હતી. એથી ’૪૦ની આસપાસ જે કાવ્યો થતાં તે એકંદરે પ્રાસંગિક કાવ્યો હતાં. ૧૯૫૦ની આસપાસ ’૪૦ની આ કવિતાના વિરોધમાં કે વિકલ્પ રૂપે વળી એક નવીન પ્રકારની કવિતા પ્રાપ્ત થાય છે. એનું ઔપચારિક નામ છે એમ્પ્સોનિયાનિઝમ. ઑડનના સમકાલીન કવિ વિલિયમ એમ્પ્સનની કવિતાનો એમાં પુરસ્કાર છે. ઑડન આદિ કવિઓ ’૩૦ની આસપાસ જ્યારે ઑક્સફર્ડમાં ત્યારે એમ્પ્સન કેમ્બ્રિજમાં, ગણિતનો વિદ્યાર્થી અને સાહિત્યનો તીક્ષ્ણ વિવેચક. ઑડન આદિમાં રાજકારણનો પુરસ્કાર ત્યારે એમ્પ્સનમાં રાજકારણ પ્રત્યે તિરસ્કાર. રાજકારણ એટલે પોતાના પક્ષની સત્યતા વિશે અહંકાર અને ઊર્મિઓનો ઉશ્કેરાટ, એમાં નથી ચારિત્ર્યનો વિકાસ કે નથી બુદ્ધિનો વિકાસ. એથી એમ્પ્સન અંગત અનુભવો અને વિશિષ્ટ વિચારોનો કવિ છે, વૈજ્ઞાનિક વિષયો અને વિચારોની પરિભાષા અને અંગ્રેજી ભાષાની અસાધારણ સૂક્ષ્મ સૂઝ વિના સમજવો અશક્ય છે. અને એમાં વળી અંગત પ્રસંગો અને અપરિચિત વ્યક્તિઓના ઉલ્લેખો આવે એટલે એનો અર્થ વિવેચકો અને વિદ્વાનોને પણ નહિ, માત્ર નિકટના મિત્રોને જ સુલભ હોય. એમ્પ્સને એના વિવેચનમાં કાવ્ય એક પ્રકારનો કોયડો — puzzle — છે એવું વિધાન કર્યું છે. આ કવિ વસ્તુની દૃષ્ટિએ અત્યંત દુર્બોધ છે પણ ભાષાની દૃષ્ટિએ અત્યંત સરલ, સ્પષ્ટ, સંયમી અને સુગ્રથિત છે. એની કવિતાનો આત્મા છે બુદ્ધિ — wit. ૧૯૫૦ની આસપાસના કવિઓ પર એમ્પ્સનની આ કવિતાનો અસાધારણ પ્રભાવ પડ્યો છે. એમના પર એફ. આર. લિવિસના વિવેચનની પણ સ્પષ્ટ અસર છે. ૧૯૫૦ની આસપાસ ‘નાઇન’ અને ‘કોલોનેઇડ’ નામનાં સામયિકોનો જન્મ થયો. એમાં અનુવાદો અને ભૂતકાળના મહાન સાહિત્યના અભ્યાસની પ્રવૃત્તિ મુખ્ય હતી. એની પણ એમના પર અસર છે. આ સૌ કવિઓ ગ્રામવિદ્યાપીઠોમાં અંગ્રેજી સાહિત્યના અધ્યાપકો કે ગ્રંથપાલો છે. એથી લંડનની ફૅશનોથી અલિપ્ત છે. ’૪૦ના રોમેન્ટિક કવિઓની સરખામણીમાં પંડિતો છે. એથી એમને ઇંગ્લૅન્ડની રૂઢિચુસ્ત સંસ્કારિતા અને ગ્રામસંસ્કૃતિ પ્રત્યે સમભાવ અને સંયમનો આગ્રહ છે. વળી વયમાં એટલા નાના છે કે ’૩૦ના સમયનું એમને સ્મરણ સુધ્ધાં નથી. જૉન વેઇન એમનો અગ્રણી છે. એમનાં કાવ્યો જૉન વેઇનનાં સંપાદનો દ્વારા અને રીડિંગ યુનિવર્સિટીના ફાઇન આર્ટ ડિપાર્ટમેન્ટનાં પ્રકાશનો તથા ઑક્સફર્ડની ફૉર્ચ્યુન પ્રેસ કે મારવેલ પ્રેસ જેવી પ્રકાશનપેઢીઓની નવ પૅનીની પુસ્તિકાઓ દ્વારા અત્યંત મર્યાદિત વાચકવર્ગને પરિચિત છે. ’૫૦ની આસપાસની નવી સમાજરચનામાં પ્રતિષ્ઠિત એવી એમની નૂતન કાવ્યદૃષ્ટિ છે. સૌ સ્વતંત્રપણે મૌલિક દૃષ્ટિબિંદુથી કાવ્ય કરે છે, એમ્પ્સન ઉપરાંત યેટ્સ, મ્યૂર, ગ્રેવ્ઝ અને ક્યારેક ઑડન જેવા પુરોગામીઓની અસરો પણ અનુભવે છે. પણ ’૩૦ અને ’૪૦નાં વલણો અને વહેણો પ્રત્યે સૌને એકસરખો વિરોધ છે. ’૩૦ની પરલક્ષિતા કે સમાજનિષ્ઠા અને ’૪૦ની આત્મલક્ષિતા કે વ્યક્તિનિષ્ઠા બન્નેથી પર થવાનો એમનો નિશ્ચય છે. આ નિશ્ચય નકારાત્મક છે, કારણ કે એમાં કાવ્યને પ્રતિકૂળ એવા સૌ સિદ્ધાંતોનો અસ્વીકાર જ એમને અભિપ્રેત છે. એથી આત્યંતિક તર્ક કે આત્યંતિક રહસ્યનો એમણે પ્રતિકાર કર્યો છે. તેઓ ન્યુટ્રાલિસ્ટ્સ છે. ભાષા, સર્જનની પ્રક્રિયા, સંક્રાન્તિનો પ્રશ્ન વગેરે પ્રત્યે તેઓ સભાનપણે અને સાવધપણે ધ્યાન આપે છે. એમનો આદર્શ છે પૂર્ણ મનુષ્ય તરીકે અને પૂર્ણ મનુષ્ય માટે સુગ્રથિત કલ્પના દ્વારા કવિતાનું સર્જન કરવાનો એટલે કે બુદ્ધિ, હૃદય, ઇન્દ્રિયોની કવિતાનું સર્જન કરવાનો. આ આદર્શ જેટલો નવો છે એટલો જ જૂનો છે. ’૪૦ની કાવ્યભાવના — જેમાં કવિતા એટલે કેવળ પ્રતીક અથવા તો ડિલનની પ્રસિદ્ધ પંક્તિ ‘Man be my metaphor’માં જે વિશિષ્ટ મનુષ્ય અને પ્રતીક અભિપ્રેત છે એ — પ્રત્યે એમનો સવિશેષ વિરોધ છે. કવિતામાં બુદ્ધિની પ્રતિષ્ઠા — પુન:પ્રતિષ્ઠા કરવાનો એમનો પુરુષાર્થ છે. એમનામાં વિદ્વત્તા અને વિચારપ્રાધાન્ય છે. સંયમ અને સુગ્રથન છે. નવલકથા જેવા સર્જનાત્મક ગદ્યનો પણ એમને અનુભવ છે. તેઓ ડ્રાયડન અને ૧૮મી સદીના ઑગસ્ટન યુગનો પ્રસિદ્ધ છંદ — iambic pentameter તથા એમ્પ્સનનાં પ્રિય યુરોપીય સ્વરૂપો વિલાનેલ અને ટર્ઝા રીમા સિવાય ભાગ્યે જ અન્ય કોઈ છંદસ્વરૂપ યોજે છે. અને એ રીતે તેઓ ઊર્મિ પર બુદ્ધિનો સુભગ સંયમ સિદ્ધ કરે છે. ’૪૦ના કવિઓની સરખામણીમાં એમની કસબ-કારીગરી વધુ કુશળ અને કામયાબ છે. પણ વસ્તુને ભોગે શૈલીની સાધના થતી હોય એવો વહેમ પણ આવે છે. માનવ-રસના અભાવે કલાનો કસબ અને કારીગરી નિષ્ફળ જવાનો ભય સર્વત્ર અને સર્વદા સકારણ છે. આ કવિઓમાં અભિનિવેશ, સભાનતા, શુષ્કતા અને એકવિધતા પણ ક્યારેક પ્રગટ થાય છે. જૉન વેઇન, એલિઝાબેથ જેનિંગ્સ, જૉન હૉલોવે, ફિલિપ લાર્કિન, ટૉમ ગન, કિંગ્ઝલી એમીસ, ડોનાલ્ડ ડેવી, રૉબર્ટ કૉન્ક્વેસ્ટ વગેરે મુખ્ય કવિઓનાં પ્રતિનિધિ કાવ્યો ‘ન્યૂ લાઇન્સ’ નામના રૉબર્ટ કૉન્ક્વેસ્ટ-સંપાદિત સંચયમાં છે. આ કવિઓમાં કોઈ અસાધારણ પ્રતિભા નથી, પણ સૌમાં શક્તિ છે. એમનામાં કોઈ મહાન કાવ્ય નથી પણ અનેક સુંદર કાવ્યો છે. એમાંનો એક કવિ ડોનાલ્ડ ડેવી એના પ્રસિદ્ધ કાવ્ય ‘રિમેમ્બરિંગ ધ થર્ટીઝ’માં કહે છે  ‘A neutral tone is nowadays preferred’. આજનો અંગ્રેજ કવિ એલિયટનું સાંસ્કૃતિક વસ્તુ, ઑડનનું રાજકીય વસ્તુ કે ટૉમસનું ધાર્મિક જેવું વ્યક્તિગત વસ્તુ સ્વીકારતો નથી. એ નકારાત્મક છે. એ આ નથી કે તે નથી. એ તટસ્થ છે. પણ એણે ક્યારેક તો કંઈક સ્વીકારવું રહ્યું અને કંઈક થવું રહ્યું. ત્યારે જ એનો કવિપુરુષાર્થ સાર્થક થશે. ’૩૦ની કવિતાના વાદ અને ’૪૦ની કવિતાના પ્રતિવાદ પછી એનો ’૫૦ની કવિતામાં જાણે કે સંવાદ થયો છે. એકંદરે આજની અંગ્રેજી કવિતા જાણે કે કોઈ મહાન સિદ્ધિના ભવ્યસુંદર અકસ્માતની પ્રતીક્ષા કરે છે.

૧૯૫૮

*