ઋણાનુબંધ/૪. હું શા માટે લખું છું

Revision as of 11:27, 20 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪. હું શા માટે લખું છું


જ્યૉર્જ બર્નાર્ડ શૉને કોઈકે એક વાર પૂછેલું કે તમે શા માટે લખો છો? શો કહે કે મારું કામ માછલી જેવું છે. માછલીને ક્યારેય વિચાર કરવો પડતો નથી કે એ શા માટે તરે છે. એ બસ તરે જાય છે. શૉ જેવા સિદ્વહસ્ત લેખકો માટે લખવું સહજ હશે. મારે માટે એ જરા ય સહજ નથી. મુંબઈમા સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ભણી. મનસુખલાલ ઝવેરી જેવા પ્રાધ્યાપકનો લાભ મળ્યો. છંદોના ચહેરા પણ અજાણ્યા નહોતા. મનસુખભાઈને કારણે કવિતા માણવાનો આનંદ ભરપૂર માણેલો.

કહેવી હોય તો આટલી સજ્જતા હતી અને છતાંય ભારતમાં હતી ત્યારે તીવ્ર ઇચ્છા હોવા છતાં કવિતાનો ‘ક’ ત્યાં ન ઘૂંટાયો તે ન જ ઘૂંટાયો. અમેરિકા આવ્યા પછી જ મેં લખવાનું શરૂ કર્યું. અને તે પણ ખૂબ મથામણ પછી. આજે થોડુંઘણું લખ્યા પછી પણ લખવાનું મારે માટે સહેલું નથી. આપણા કેટલાક ગુજરાતી લેખકોની લાંબી પુસ્તકસૂચિ જોઈને મને થાય કે છે કે આટલું બધું કેમ લખાતું હશે? મારે માટે કવિતા કે વારતા એ સાહસનું કામ છે. જોખમનું કામ છે. છતાં હું લખું છું. શા માટે?

પહેલી વાત છે અભિવ્યક્તિની. અમેરિકા આવી ત્યારે નવા દેશમાં નવું જીવન શરૂ કરવાનું હતું. આંખમાં જ નહીં, આખ્ખેઆખ્ખા અસ્તિત્વમાં રોમાંચ હતો. પણ જીવનમાં બધે જ થાય છે એમ રોમાંચનું આયુષ્ય ઝાઝું નથી હોતું. મુંબઈમાં અનેક માણસોથી વીંટળાયેલી હું, એકાએક સાવ એકલી થઈ ગઈ હોઉં એમ રહી રહીને લાગ્યા કર્યું. પેલું પરિચિત ઘર નહીં, મનમેળ માણસોનો મેળો નહીં. કેવળ ઘર અને કામ અને શૂન્યતાનો અનુભવ કરાવે એવો ખાલી ખાલી પોકળ સમય. આ એકલતા અને શૂન્યતાના અનુભવમાંથી મને ઉગારવા માટે જ જાણે કવિતા પ્રગટી ન હોય! મારી કવિતામાં આ અનુભવની મારી જાત સાથે કરેલી વાત છે. મારી કવિતામાં મને જ ઓળખવાની મારી મથામણ છે. મારી કવિતામાં મને જ પામવાની મારી વાત છે. અને તેથી જ હું લખું છું.

આમ કવિતા સાથે મારી દોસ્તી જામી. જે કાંઈ થોડું છપાયું તે સાહિત્યરસિકોએ અને વિવેચકોએ વધાવ્યું તે જરૂર ગમ્યું. દેશના સભા-સમારંભોમાં જાઉં અને લોકો ઓળખે, થોડુંઘણું સન્માન કરે તે પણ ગમે. આમાં ઘણી વાર મારી કવિતા કરતાં હું અમેરિકાથી આવું છું તેનું મહત્ત્વ વધુ અંકાય છે એવું લાગ્યા પછી પણ એ બધું જરૂર ગમે છે એવું કહેવામાં મને સંકોચ નથી.

જેમ સૂઝતું ગયું તેમ લખતી ગઈ. જે કાંઈ છપાયું તે તો ગોફણના પથરાની જેમ ક્યાંયનું ક્યાંય પહોંચી ગયું છે હવે. ક્યારેક દેશનાં નાનાંમોટાં શહેરો અને ગામડાંઓમાંથી તો ક્યારેક અમેરિકામાંથી, મારા જેવી જ પરિસ્થિતિમાં મુકાયેલી સ્ત્રીઓના કાગળો આવે છે. આ સ્ત્રીઓ હંમેશાં લખતી હોય છે કે ‘તમે તો કમાલ કરી. તમે તો અમારા જ હૈયાની વાત કરી.’ અને એકાએક જ, જે વાત મારા પોતાથી શરૂ થઈ તે બીજા કંઈક સાથે જોડાઈ ગઈ. મારી લાગણીનો તાળો અનેકની લાગણી સાથે મળ્યો. હજારો સ્ત્રીઓને જાણે કે મારી કવિતાએ વાચા આપી. જ્યારે જ્યારે આવા કાગળ આવે છે ત્યારે ત્યારે મને પોસો ચડે છે, હિંમત આવે છે, અને હું પાછી પેન ઉપાડી લખવા માંડું છું.

મને ઘણા લોકો, ખાસ કરીને વિવેચકો, કહે છે કે હું જે કાંઈ લખું છું તેમાં હું મારી જ વાત કરું છું. હું કહું છું કે જેની મને ખબર હોય તે જ હું લખું. મારી વાત જેટલી હું જાણું તેટલી બીજું કોણ જાણવાનું છે? પણ આ ભલા લોકોના હળવા ઠપકામાં સંકેત છે. એમનું કહેવું છે કે શું મારી પાસે બીજું કાંઈ કહેવાનું નથી? રોેજ રોજ અરીસામાં જોયા કરવાથી શું આપણે વધુ રૂપાળા થઈ જવાના છીએ? રાતદિવસ આપણી વાત કરવાથી આપણાં દુ:ખ ઓછાં થઈ જવાનાં છે? જેમને આખીય માનવજાતની ચિંતા છે એવા સુષ્ઠુ સુષ્ઠુ ગંભીર જનો ફરિયાદ કરે છે કે મારી કવિતામાં આર્ષદર્શન નથી. સત્યમ્ શિવમ્ સુન્દરમ્‌ની વાતો નથી. આ બધું કદાચ સાચું હશે. પણ મારો બચાવ એ છે કે મને તો જેની ખબર છે, જે કાંઈ આવડે છે તે પ્રામાણિકતાથી લખવા મથું છું.

અગત્યની વાત એ છે કે હું જે કાંઈ લખું છું તેમાં કવિતા-વારતા થયા છે કે નહીં? જોકે એ ઉપાધિ હવે હું કરતી નથી. આજના અને આવતીકાલના વિવેચકો કદાચ એનું વિવેચન કરશે. કાળની ચાળણીમાં જે બચવું હોય તે બચે. હું એક જ વાત જાણું છું કે મારે જે લખવું છે તે પ્રામાણિકતાથી લખવું. પછી એ મારી વાત હોય કે મારી આજુબાજુ વસતા બીજાની હોય. અને જો એ વાતથી મારો અને મારા જેવી હજારો સ્ત્રીઓ અને બીજા વાચકો સાથે મારો સંપર્ક સધાતો હોય તો કોઈ પણ કવિ કે વાર્તાકાર માટે એનાથી બીજું કયું મોટું પારિતોષિક હોઈ શકે? મારે માટે તો એ રણજિતરામ સુવર્ણચંદ્રક કરતાં પણ મોટી વાત થઈ. આ જાણ્યો-અજાણ્યો સંબંધ જ મને લખાવ્યા કરે છે અને હું લખ્યે જાઉં છું.