સ્વાધ્યાયલોક—૩/વિરલ વાત્સલ્યમૂર્તિ


વિરલ વાત્સલ્યમૂર્તિ: ગેબ્રિએલા મિસ્ત્રાલ

હમણાં અચાનક જ ‘પ્રોએટ્રી શિકાગો’ના ફેબ્રુઆરી અંકના છેલ્લા પાના પર ચારે બાજુ જાડી કાળી લીટીઓની વચ્ચે માત્ર ‘ગેબ્રિએલા મિસ્ત્રાલ ૧૮૮૯-૧૯૫૭’ એટલી અલ્પાક્ષરી અવસાનનોંધ પરથી જાણ્યું કે ૧૯૪૫નું સાહિત્યનું નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર ચીલીનાં આ અદ્વિતીય કવિસન્નારીનું આ વર્ષના આરંભે અવસાન થયું. ૧૯૪૮-૪૯માં મુંબઈના કૉફી હાઉસમાં એક મિત્રે ગાંધીજીના મૃત્યુ પર એક સુંદર કાવ્ય વંચાવ્યું હતું. નીચે કવિનું નામ હતું ગેબ્રિએલા મિસ્ત્રાલ. કાવ્ય જેટલું સહજ, સરલ અને સંવેદનપૂર્ણ હતું એટલું જ ગહનગભીર વેદનાપૂર્ણ હતું. ત્યાર પછી આ કવિના જેટલાં સુલભ હોય એટલાં કાવ્યો વાંચવાની લાલચે મુંબઈના બૂકસ્ટોલ્સમાં લૅટિન-અમેરિકન કવિતાના અને જગત કવિતાના સંચયોમાં ગેબ્રિએલા મિસ્ત્રાલનું કાવ્ય છે કે નહિ એ અનુક્રમમાં જોઈ જવાની તીવ્ર જિજ્ઞાસા થતી. એ રીતે આજ લગીમાં માત્ર છએક જેટલી રચનાઓના અંગ્રેજી અનુવાદ વાંચવા મળ્યા છે. પણ એમાં આ કવિની સ્ત્રીસહજ અને સ્ત્રીસુલભ સરલતા અને સંવેદનશીલતાની તીવ્ર અસર અનુભવી છે. સ્ત્રી–અલબત્ત, પુરુષની દૃષ્ટિએ સ્ત્રી — એટલે ચંચલતા, ઊર્મિલતા, લાગણીવશતા. નિષ્કારણ કુતૂહલવૃત્તિને કારણે કે ગમે તે કારણે પણ પુરુષે સ્ત્રી વિશે સમજ પ્રગટ કરી છે એથી વધુ ગેરસમજ પ્રગટ કરી છે. સ્ત્રી સંયમોનો પણ સંયમ છે, કારણ કે કુદરતે એને સંસારની સંતતિનું મહાકાર્ય (સર્જનનું મહાકાવ્ય) સોંપ્યું છે. સ્ત્રી માત્ર પ્રેયસી કે પત્ની નથી, માતા પણ છે. મુખ્યત્વે માતા છે. સ્ત્રીની પહેલી અને છેલ્લી ઇચ્છા માતા થવાની છે. માતા થવાનો પ્રત્યેક સ્ત્રીનો (અને માત્ર સ્ત્રીનો) અધિકાર છે. એનું પ્રેયસીસ્વરૂપ અને પત્નીસ્વરૂપ એ ગૌણ છે, માતાસ્વરૂપની માત્ર પૂર્વભૂમિકા છે. આપણા યુગની કવિતામાં જો ગેબ્રિએલા મિસ્ત્રાલનું કોઈ વિશિષ્ટ અને વિરલ અર્પણ હોય તો તે આ માતાસ્વરૂપ સ્ત્રીની સંવેદનાની સરજત જેવી માતૃહૃદયની કવિતા છે. એનું વાત્સલ્ય વિરલ છે. બુદ્ધિનો વધુમાં વધુ બુદ્ધિપૂર્વક ઉપયોગ પુરુષે નથી કર્યો, સ્ત્રીએ કર્યો છે એમ જીવનના અન્ય ક્ષેત્રો ભલે પુરવાર ન કરે પણ સાહિત્યક્ષેત્ર તો એ જ પુરવાર કરે છે. ઇંગ્લૅન્ડમાં ‘પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ’ નવલકથા રચીને જેઇન ઓસ્ટને અને અમેરિકામાં ૧૭૭૫ કાવ્યો રચીને એમિલી ડિકિન્સને Wit એટલે કે બુદ્ધિપ્રાધાન્યની પરંપરામાં પહેલો નંબર નોંધાવ્યો છે. સ્ત્રીરચિત સાહિત્યમાં જેટલી ઊર્મિ છે એટલી જ બુદ્ધિ છે એમ બે- અઢી હજાર વર્ષનો પશ્ચિમનો સાહિત્યઇતિહાસ કહે છે. ગ્રીક કવિ સાફોનાં અલ્પસંખ્ય પ્રેમકાવ્યો એનો પ્રાચીન પુરાવો છે. પશ્ચિમના જગતમાં છેલ્લાં સો દોઢસો વર્ષમાં સ્ત્રીસ્વાતંત્ર્યના આંદોલનને કારણે કે ગમે તે કારણે પણ સ્ત્રી સર્જકોની સંખ્યા આશ્ચર્ય અને આનંદ પમાડે એટલી છે. એક અંગ્રેજી ભાષામાં જ એટલે કે ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં જ કેટકેટલાં નામો એક સાથે યાદ આવી જાય છે. જેઇન ઓસ્ટન, જૉર્જ એલિયટ, એમિલી બ્રોન્ટે, શારલોટ બ્રોન્ટે, મીસીસી બ્રાઉનિંગ, ક્રીસ્ટીના રોઝેટી, ઇડિથ સીટવેલ, વર્જિનીયા વુલ્ફ, એલિઝાબેથ બોવેન, કેથેરિન મેન્સફીલ્ડ, એન રીડલર, એલીઝાબેથ જેનીંગ્સ, એમિલી ડિકિન્સન, ગટ્રુડ સ્ટાઇન, એમી લોવેલ, હીલ્ડા ડુલિટલ, એલિનોર વાઇલી, એડના સેન્ટ વિન્સન્ટ મીલે, મેરિયાન મૂર, લુઈ બોગાન, પર્લ બક, કેથેરિન એન પોર્ટર, યુડોરા વેલ્ટી વગેરે પશ્ચિમના જગતની આ ઘટનાની પાછળ જે યુગબળ પ્રવૃત્ત છે એનો લાભ અનેક સ્ત્રીઓની જેમ લૅટિન-અમેરિકાની આ સુપુત્રીને પણ સાંપડ્યો છે એટલું એના જીવનના અલ્પપરિચય પરથી પણ પામી શકાય છે. બીજા એક બળનો પણ ગ્રેબિએલા મિસ્ત્રાલને લાભ સાંપડ્યો છે. એ પરિમિત બળ છે. પહેલાં જેટલું વ્યાપક નથી. તો એનો લાભ ગેબ્રિએલા મિસ્ત્રાલના સમગ્ર જીવનને નહિ, પણ કવિજીવનને જ સાંપડ્યો છે. આ સૈકાના આરંભે લૅટિન-અમેરિકન એવો કવિ રુબેન દારીઓ ઍટલેન્ટિક ઓળંગીને સ્પેનના ઇતિહાસમાં એક કરુણ ક્ષણે, જ્યારે પોર્ટોરિકામાં સ્પેનના સામ્રાજ્યનું અંતિમ સંસ્થાન પરાજય પામ્યું હતું ત્યારે સ્પેનમાં આવીને વસ્યો. ફ્રાન્સની સિમ્બોલિસ્ટ (પ્રતીકવાદી) કવિતાના લયની અસર નીચે એણે કરુણમધુર કવિતા રચીને અનુગામી સ્પૅનિશ કવિઓની એક આખી પેઢીને પોતાની અસરમાં આણી. એનો આડકતરો લાભ લૅટિન- અમેરિકન કવિતાને સાંપડ્યો. સ્પેનમાં અને એ દ્વારા પશ્ચિમના જગતની સાહિત્યસભામાં લૅટિન-અમેરિકન કવિતાની પ્રતિષ્ઠા વધુ દ્દઢ થઈ. ગેબ્રિએલા મિસ્ત્રાલની કવિતાને પણ આથી આડકતરો લાભ સાંપડ્યો તે નાનોસૂનો નથી. ગેબ્રિએલા મિસ્ટ્રાલ એ ઉપનામ છે. મૂળ નામ લ્યુસિલા ગોડોય આલ્કાયાગા છે. જન્મ ૧૮૮૯માં ચીલીના વિકુના ગામમાં. પિતા ગામડાની શાળામાં શિક્ષક અને કવિ હતા. એટલે ગેબ્રિએલા મિસ્ત્રાલને કવિતા અને કેળવણી, જે એમના જીવનની બે મુખ્ય પ્રવૃત્તિ રહેવાની હતી તે, પિતા પાસેથી વારસામાં મળી. ગેબ્રિએલા મિસ્ત્રાલ ત્રણ વર્ષની વયનાં હતાં ત્યારે પિતાએ ઘર અને ગામ છોડ્યું હતું. પંદર વર્ષની વયે પિતાના કાવ્યો ગેબ્રિએલાના હાથમાં આવ્યાં અને કવિતા કરવાની પ્રેરણા થઈ. એમની પ્રથમ રચનાઓ ગદ્યમાં રેખાચિત્રો અને એમનું પ્રકાશન સ્થાનિક સામયિકોમાં. આ અરસામાં શિક્ષિકાનું કાર્ય આરંભ્યું, જે સાહિત્યિક પ્રતિષ્ઠા પછી પણ એમણે જીવનભર કર્યું. પ્રથમ પ્રણયમાં જ નિષ્ફળતા અને નિરાશાનો અનુભવ થયો. એના પ્રેમી — રોમેલીઓ યુરેટા — એ એના વ્યવસાયમાં કોઈ મુશ્કેલી આવી ને આત્મહત્યા કરી. એક પ્રેયસી લેખે ગેબ્રિએલાનું હૃદય એના પ્રથમ પ્રૌઢ કાવ્યમાં પ્રગટ થયું, સોનેતો દ લા મર્ત (મૃત્યુના સોનેટો) નામે એનું ૧૯૧૪માં પ્રકાશન થયું. પ્રથમ મહાયુદ્ધની વિશ્વવ્યાપી કરુણતાના સમયે જ એમના અંગત જીવનનાં કરુણતમ કાવ્યો પ્રગટ થયાં. એ ક્ષણથી જે પ્રતીતિ થઈ તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામી. આ કાવ્યોમાં એક તીવ્ર ધાર્મિક લાગણી અને પ્રેમીના પ્રાણત્યાગ વિશેની ગાઢ અંતરવ્યથા છે. આ શોક કાવ્યોની પરાકાષ્ઠા ‘પ્રાર્થના’ નામના કાવ્યમાં છે. અહીં પ્રેયસીસ્વરૂપે ગેબ્રિએલાએ વિનાશનો, મૃત્યુનો શોક ગાયો છે. તો એમનાં બાળકાવ્યોમાં એમણે સર્જનનો, જીવનનો આનંદ ગાયો છે આ આનંદના કાવ્યોની પરાકાષ્ઠા ‘રાત્રિ’ નામના કાવ્યમાં છે. સામાજિક સભાનતાના સાહિત્યની ફૅશનના આ યુગમાં ગેબ્રિએલા મિસ્ત્રાલની પ્રેમી અને પુત્રવિષયક આ કવિતા એમની સર્જક તરીકેની શ્રદ્ધા અને સાહસિકતાના પ્રતીકરૂપ છે. આ ગાઢ માનવરસમાં ને માનવસંબંધોમાં સામાજિક સભાનતા નથી એ ભ્રમ છે. એમાં જ સવિશેષ ને સાચી સભાનતા છે. એમની આરંભની કવિતાના વસ્તુની પ્રેરણા કૅથોલિક ધર્મમાં છે તો એમની શૈલીની પ્રેરણા સિમ્બોલિઝમમાં છે. એમાં ધર્મ અને કળાનો સુમેળ છે. પરંપરાગત છંદમાં અને મુક્ત છંદમાં એકસરખી કુશળતાથી કલમ યોજાય છે. ગદ્યમાં પણ કવિતા સિદ્ધ થાય છે. એક મનુષ્ય લેખે પણ એમણે અનેક સેવાઓ પોતાની પ્રજાને અર્પણ કરી છે. ચીલીના કેળવણી ખાતામાં મહત્ત્વની કામગીરી કરી સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં ચીલીના કોન્સલ તરીકે કામ કર્યું. ૧૯૨૨માં કેળવણી યોજનામાં બે વર્ષ લગી સહાય કરવા મેક્સિકોથી આમંત્રણ આવ્યું ને મેક્સિકોમાં વાસ કર્યો. બે યુદ્ધ વચ્ચેના સમયમાં લીગ ઑફ નેશન્સની સમિતિઓમાં ચીલીનું પ્રતિનિધિત્વ ધરાવ્યું ૧૯૩૧માં બર્નાર્ડ, મિડલબરી, કોલંબિયા, વાસાર — અમેરિકન કૉલેજોમાં અધ્યાપન કર્યું. ૧૯૩૨માં પોર્ટેરીકોની યુનિવર્સિટીમાં ‘સ્પૅનિશ સ્ટડીઝના વિઝિટિંગ પ્રોફેસર’ તરીકે સેવાઓ અર્પણ કરી, ત્યારથી માત્ર એ ટાપુઓ વિશે જ ગદ્યપદ્યમાં સાહિત્ય રચ્યું. છેલ્લે છેલ્લે લોસ એન્જેલીસમાં ચીલીના એલચી ખાતામાં સેવાઓ અર્પણ કરી. ૧૯૫૩માં ન્યૂ યૉર્કમાં યુનાઇટેડ નેશન્સમાં ચીલીનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૫૭માં લોંગ આયલૅન્ડમાં કૅન્સરથી અવસાન થયું. ૧૯૨૨થી ૧૯૫૫ લગીમાં એમણે ચાર કાવ્યસંગ્રહો પ્રગટ કર્યાં. આમ, એક સર્જક લેખે અને એક મનુષ્ય લેખે પોતાની ભાષાની અને ભૂમિની આ અમૂલ્ય સેવાઓનો ઋણસ્વીકાર ૧૯૪૫માં નોબેલ પ્રાઇઝ અર્પણ કરીને જગતે કર્યો. તેમના ‘રાત્રિ’ નામના કાવ્યનો અંગ્રેજી અનુવાદના આધારે આસ્વાદ કરીને આ વત્સલ કવિને આપણા હૃદયની અંજલિ અર્પીએ !

                           રાત્રિ
હે બાળ, પોઢો ! તમ કારણે તો
પશ્ચિમનું આભ પ્રકાશ લોપે;
તુષાર છે માત્ર, ન અન્ય તેજ,
ન શ્વેત કૈં, આ મુખ માત્ર ઓપે !

હે બાળ ન્હાના, મધુસ્વપ્નમાં તું !
એથી જ આ પંથ અબોલ, શાંત;
આ સ્રોત વ્હે માત્ર, ન અન્ય મર્મર;
અકેલ હું, નિદ્રિત સર્વ પ્રાંત !

નિઃસ્તબ્ધ ડૂબ્યું જગ મંદ ધુમ્મસે
ને નીલ નિઃશ્વાસ તમિસ્રમાં સરે;
ને શાંતિ — જાણે હળવો જ હેતથી
પૃથ્વી પરે કો મૃદુ હસ્ત શો ફરે !

ન બાળનું હાલરડું જ માત્ર
ગાઈ ઝુલો આમ ઝુલાવું રાતે,
પૃથ્વી ય તે સાથ ઝુલંત ઝૂલે
પોઢી જતી નીંદરમાં નિરાંતે !

આ હાલરડું એ માત્ર કોઈ એક માનવશિશુની કોઈ એક માતાના જ હૃદયનું વાત્સલ્ય પ્રગટ કરતું નથી પણ સમસ્ત પૃથ્વીરૂપી શિશુના વિશ્વ-જનનીના હૃદયનું વાત્સલ્ય એમાં પ્રગટ કરે એટલી એમાં ભાવસમૃદ્ધિ ને કાવ્યસમૃદ્ધિ છે. કાવ્યના અંતિમ શ્લોકમાં એક અજબ પલટો આવ્યો છે, અસાધારણ પરિવર્તન થાય છે. એક શિશુની નિદ્રાને અનુકૂળ થવા સમગ્ર સૃષ્ટિ તત્પર છે એમ કહીને શિશુ પ્રત્યેનો અપાર પ્રેમ ત્રણ શ્લોકમાં પ્રગટ કર્યો છે અને પછી એમ થતાં સ્વયં સૃષ્ટિ જ પોઢી જાય છે, એમ કહીને સૃષ્ટિ પ્રત્યેનો એટલો જ અપાર પ્રેમ અંતિમ શ્લોકમાં પ્રગટ કર્યો છે. શિશુનું સૃષ્ટિમાં, વ્યક્તિનું સમષ્ટિમાં પરિવર્તન થાય છે, કહો કે પર્યવસાન થાય છે. શિશુ એ સૃષ્ટિનું પ્રતીક બની જાય છે તો સમગ્ર સૃષ્ટિ એ આ જનનીનું સંતાન બની જાય છે ને એથી જનની એ વિશ્વજનની બની જાય છે એટલો આ એક નાનકડા કાવ્યમાં વસ્તુ અને વિચારનો વિકાસ સિદ્ધ થાય છે. આવા વિરલ વાત્સલ્યની કવિતા કરનાર કવિને પ્રભુ શાશ્વત શાંતિ અર્પો !

૧૯૫૭


*