સ્વાધ્યાયલોક—૭/ન્હાનાલાલ જન્મશતાબ્દી

Revision as of 20:21, 5 May 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ન્હાનાલાલ જન્મશતાબ્દી}} {{Poem2Open}} ‘ગુજરાત તો ગુણઓશિંગણ છે.’ —...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ન્હાનાલાલ જન્મશતાબ્દી

‘ગુજરાત તો ગુણઓશિંગણ છે.’ — ન્હાનાલાલે જીવનભર આમ કહ્યું હતું, ગુજરાતે એમને જે પ્રેમ અર્પણ કર્યો હતો એના પ્રતિધ્વનિ રૂપે. અને ગુજરાતે ન્હાનાલાલને જેટલો પ્રેમ અર્પણ કર્યો હતો એટલો પ્રેમ અન્ય કોઈ કવિને કે અન્ય કોઈ મનુષ્યને એના જીવનકાળમાં અર્પણ કર્યો ન હતો, એક મેઘાણી અને, અલબત્ત, ગાંધીજીના અપવાદ સાથે. ગુજરાતે ન્હાનાલાલ કવિને ‘ન્હાનલદેવ’ના હુલામણા નામે લાડ લડાવ્યાં છે. આ વરસે ગુજરાત એમની જન્મશતાબ્દી ઊજવે છે. સ્થળે-સ્થળે એ માટે સમિતિઓ રચવામાં આવી છે, ગીતો, નાટકો, વ્યાખ્યાનો આદિના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ૧૯મી સદીમાં જેમનો જન્મ થયો હોય એવા અર્વાચીન યુગના સૌ સત્ત્વવંતા સારસ્વતપુત્રોની જન્મશતાબ્દીઓ ગુજરાત ચારેક દાયકાથી ઊજવતું રહ્યું છે. ૧૯૩૩માં નર્મદની જન્મશતાબ્દીનો ઉત્સવ એ આ પ્રકારનો પ્રથમ ઉત્સવ હતો. સાક્ષરયુગના સર્જકોમાં સૌથી મોટા ગોવર્ધનરામ અને સૌથી નાના ન્હાનાલાલ. ૧૯૫૫માં ગોવર્ધનરામની જન્મશતાબ્દી, પછી વચમાં બેએક દાયકા દરમિયાન અનેક સર્જકોની જન્મશતાબ્દી અને હવે અંતે આ વરસે ન્હાનાલાલની જન્મશતાબ્દી. ન્હાનાલાલની જન્મશતાબ્દી સાક્ષરયુગના સર્જકોના જન્મશતાબ્દીપર્વની જાણે પરાકાષ્ઠા છે. એની પ્રતીતિ ભારતની સર્વોચ્ચ સાહિત્યસંસ્થા — સાહિત્ય અકાદમી — ન્હાનાલાલની જન્મશતાબ્દી માર્ચની ૫મીથી ૭મી સુધી અમદાવાદમાં ઊજવશે એ પ્રસંગે થશે. આ એક રાષ્ટ્રીય પ્રસંગ બની રહેશે. ૫મીએ સાંજે સાડા ચાર વાગ્યે શ્રી શ્રીનિવાસ આયંગર આ ઉત્સવનું ઉદ્ઘાટન કરશે અને શ્રી ઉમાશંકર જોશી સમગ્ર ઉત્સવસંગીતના સા સમું પ્રવચન કરશે. પછી સર્વશ્રી અનંતરાય રાવળ, ચન્દ્રવદન મહેતા, મનસુખલાલ ઝવેરી, યશવન્ત શુકલ અને દિગીશ મહેતા ન્હાનાલાલના વિવિધરંગી જીવન અને કવન વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાનો આપશે. આ પ્રસંગે ભારતની સૌ રાષ્ટ્રીય ભાષાઓમાંથી એક એક પ્રતિનિધિરૂપ સર્જક કે વિવેચકને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રત્યેક પોતાની ભાષાના અર્વાચીન સાહિત્યના સંદર્ભમાં ‘Free Verse, Prose Poem and Other Metrical Experiments in Mod-ern Indian Literatures’ (અર્વાચીન ભારતીય સાહિત્યોમાં મુક્ત પદ્ય, ગદ્યકાવ્ય અને અન્ય છંદોપ્રયોગો) એ વિશે ૬ઠ્ઠી–૭મીએ સવારે ને સાંજે અંગ્રેજીમાં વ્યાખ્યાન આપશે. આ પ્રસંગે કેટલાક આમંત્રિતો ઉપસ્થિત રહેશે. અહીં આ ક્ષણે એક લગભગ અશક્ય પણ અનિરુદ્ધ આશા વ્યક્ત કરું? ગુજરાતે ચારેક દાયકામાં અનેક સર્જકોની જન્મશતાબ્દીઓ ઊજવી છે, પણ એ નિમિત્તે એક ગોવર્ધનરામની જ કેટલીક કૃતિઓની શતાબ્દી-આવૃત્તિનું એન. એમ. ત્રિપાઠી કંપની દ્વારા પ્રકાશન થયું એ અપવાદ સાથે એમાંથી એકેય સર્જકના સર્વસંગ્રહ (Collected Works)ની શતાબ્દી-આવૃત્તિનું પ્રકાશન થયું નથી. અને વળી ગોવર્ધનરામ સુધ્ધાં એકેય સર્જકના આધારભૂત સંપૂર્ણ જીવનચરિત્રનું પણ પ્રકાશન થયું નથી. અનેક વ્યવહારુ પ્રતિકૂળતાઓ એમાં કારણરૂપ છે. ન્હાનાલાલને અંગે પણ એવી જ વ્યવહારુ પ્રતિકૂળતાઓ છે. છતાં આ શતાબ્દીવર્ષમાં ન્હાનાલાલના સર્વસંગ્રહ અને જીવનચરિત્રનું પ્રકાશન થાય એવી હૃદયની પ્રાર્થના છે. આવા પુરુષાર્થ વિના એક સંસ્કારી પ્રજા તરીકે આપણે સજીવન રહી શકીએ?

૨૧ ફેબ્રુઆરી ૧૯૭૭


*