સ્વાધ્યાયલોક—૭/બલ્લુકાકા — સ્મરણો

Revision as of 20:57, 5 May 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બલ્લુકાકા — સ્મરણો

હું એક મિત્ર વિશે વાત કરું છું. મૃત્યુમય સંસારમાં ચંચલ મનના માનવી માટે મૈત્રી કરવી સહેલી નથી ને અનિર્વચનીય એવા આ અનુભવ વિશે, મૈત્રી વિશે, મિત્ર વિશે વાત કરવી પણ સહેલી નથી. આ સત્યનો બોધ કાન્તની મૈત્રી જેણે અનુભવી છે એવા બલવન્તરાયે — બલ્લુકાકાએ જેવો અને જેટલો કર્યો છે અને એમનાં અનેક ગદ્યપદ્યસર્જનોમાં આપણને કરાવ્યો છે એવો અને એટલો ગુજરાતી ભાષાના કયા અન્ય કવિએ કર્યો-કરાવ્યો છે? ‘ભણકાર (’૫૧)’માં ગુચ્છ ૩જાના નિવેદનમાં એ કહે છે, ‘મણિશંકર ભટ્ટ મારો અનન્ય મિત્ર, અમારો પરસ્પર ભાવ કોઈ પણ દુન્યવી નીપજ હોઈ શકે તે દરજ્જે નિ:સીમ, પણ તો ય મિત્રભક્તિ કરતાં સત્યભક્તિ જ મોટી.’ વળી ‘પ્રીતિના સ્વાતંત્ર્યપહેલા’માં એ કહે છે : ‘બાકી જાણૂં વધઘટ કલા સ્નેહ ને ચંદ્રમાની 
… 
જાણૂં દરિયે અનુકુલ ન સૌ લોઢ વાયૂ કિનારા, 
જાણૂં ગેબી પડતિ વિજળી કારમી કોક વેળા.’ ‘પ્રતિભાબીજની માવજત’માં એ કહે છે, ‘મણિભાઈ અને મારી વચ્ચે કેટલો તો ગાઢ સ્નેહ હતો, તે કોઈ પણ માનવી ભાષાના શબ્દો યથાર્થ વર્ણવવાને પર્યાપ્ત નથી.’ વળી સ્વયં મિત્રની સમક્ષ પણ મૈત્રીની વાત કરવી સદાય સહેલી નથી એવા સૂચન રૂપે “ગમે તો સ્વીકારે’ — ‘ઉપહાર’ને ઉત્તર’માં એ કહે છે : ‘ત્હમારી પાસે યે હૃદયપડ ના આ ઉઘડતાં’ મૈત્રી કરવી, મૈત્રી વિશે, મિત્ર વિશે વાત કરવી એ ભારે મૂંઝવણ અને સંકોચનો અનુભવ છે. વળી બલ્લુકાકાને તો મિત્ર કહું એમાં પણ ભારે મૂંઝવણ અને સંકોચનો અનુભવ થાય. હું એમને મળ્યો ૧૯૪૯થી ૧૯૫૧નાં વરસોમાં, વિશેષ તો ૧૯૫૧ના વરસમાં. ત્યારે એ એંશી — બ્યાશીના ને હું ત્રેવીસ — પચીસનો. એક વયનું જ કેટલું બધું અંતર! સત્તાવન વરસનું. અને વાચન, મનન, ચિંતન, સર્જન, કલ્પન, દર્શન એવા-એવા હૃદય, બુદ્ધિ અને આત્માના અનુભવોનું તો કેટકેટલું બધું અંતર! આવા મનુષ્યને મિત્ર કહું? એમાં નરી ધૃષ્ટતા નથી? એ તો ગુરુ ગણાય. પણ એ કોઈને શિષ્ય તરીકે સ્વીકારે નહિ ને! અને મને તો નહિ જ. એમની રસરુચિને આકર્ષી-સંતોષી શકે એવી કવિતા રચવાનું ત્યારે મારું સદ્ભાગ્ય ન હતું અને ત્યાર પછી પણ નથી. સૌ વછેરાઓ વિશે આ પુરાણા હયે ‘મુજ?’ અને ‘સ્વકીય?’ એમ બે વાર પ્રશ્ન પૂછ્યો છે અને પછી તરત જ ‘ના.’ એવો સ્પષ્ટ ઉત્તર આપ્યો છે. એટલે એમને મિત્ર, બલકે મુરબ્બી મિત્ર કહું છું. અમારી વચ્ચે જે સંબંધ હતો એને મૈત્રી સિવાય બીજું કોઈ નામ આપી શકાય નહિ. એમને મિત્ર કહેવાનું બળ પણ એમણે જ મને આપ્યું છે. એમાં એમની મોટાઈ છે, એમની ઉદારતા છે, એમના હૃદયની વિશાળતા છે. હું એમના પ્રેમને, કહો કે વાત્સલ્યને વશ છું. આ મૈત્રીનું કારણ? ખબર નથી. એ માત્ર મધુર અકસ્માત હતો. એનું મને અપાર આશ્ચર્ય છે અને સદાય રહેશે. પ્રત્યેક માનવસંબંધમાં રેશમની દોર જેવું કોઈ સૂક્ષ્મ રહસ્યમય તત્ત્વ હશે. કશાક સમાનરસનું અનિરુદ્ધ આકર્ષણ અનુભવ્યા પછી બે મનુષ્યો વચ્ચે આપોઆપ પરસ્પરનું આકર્ષણ અનુભવાતું હશે. એક અર્પણકાવ્યમાં એ કહે છે : ‘મનોમેળ તે મૈત્રી, બીજા સૌ ભાગ્યના ખેલ.’ અમારી વચ્ચે કંઈક મનોમેળ હશે? કદાચ હશે. એ જે હોય તે. એ અનિર્વચનીય છે. આજે આટલે વરસે, અઢાર વરસે બલ્લુકાકાનું સ્મરણ કરું છું ત્યારે સૌપ્રથમ સ્મરણમાં આવે છે એમનો અવાજ. ૧૯૫૧ના ઉનાળાની અને શિયાળાની બન્ને લાંબી રજાઓમાં રોજેરોજ સાંજે ત્રણેક કલાકની વાતોમાં એ અવાજ સાંભળ્યો છે. સદાય કાનમાં રમ્યા કરે છે. એમનો અવાજ ઘેરો, કંઈક ઘોઘરો હતો. ક્યારેક કઠોર તો ક્યારેક કોમળ. ક્યારેક એમાં પ્રચંડ પ્રકોપ તો ક્યારેક નર્યું લાડ. એકેએક શબ્દ, બલકે કહો કે એકેએક અક્ષર પર ભાર. એમાં ઘનતા હતી. એ ધાતુઘન હતો. પહેલવહેલો મળ્યો તે જ દિવસે એમણે કહ્યું, ‘મારો અવાજ કોઈથી સહન થતો નથી. It is metallic.’ અને એમ પણ કહ્યું, ‘એક વિવેકાનંદનો અવાજ આવો હતો.’ કોઈ વ્યક્તિ કે વિચાર પ્રત્યે આત્યંતિક વિરોધ હોય ત્યારે એ શબ્દોમાં નહિ પણ રોષના લાવારસથી ભર્યાભર્યા જ્વાલામુખીના ક્ષણિક આકસ્મિક સ્ફોટ જેવા એમના અત્યંત લાક્ષણિક ‘હં’ એવા અવાજ માત્રથી વ્યક્ત થતો. એ કોઈ માનવજંતુડાનો માંદલો અવાજ ન હતો. મૌલિક મિજાજ અને માનસના એક ધીર વીર નરનો વીર્યવંત અવાજ હતો. એમાં એમની આત્મપ્રતીતિ અને આત્મશ્રદ્ધાનું બળ હતું. એમના સમગ્ર ગદ્યપદ્યસર્જનોમાં એ જ જીવંત અવાજ સંભળાય છે. પછી સ્મરણમાં આવે છે એમની આકૃતિ. બેવડો બાંધો. બેઠી દડી. મોટું માથું. ભારે મોં. ભવ્ય તેજસ્વી લલાટ. માથે આગલી બાજુ તાલ, પાછલી બાજુ લાંબા તાર જેવા ગાઢા ધોળા વાળ. લાંબી લટકતી ગાઢી પણ છેડે અણીદાર ધોળી મૂછો. ઊપસેલાં લમણાં. વિકસેલાં જડબાં. લચેલા ગાલ. હડપચી નીચે ત્રણેક માંસલ પડ. ધડ પર સીધું માથું મેલ્યું હોય એમ, શોધવી પડે ને ન જડે એવી ડોક. પ્રમાણમાં નાની પાતળી મોંફાડ. સંવેદનશીલ નાક. કાળી ફ્રેઇમના ગોળ જાડા કાચનાં ચશ્માં પછવાડે વૃદ્ધત્વને કારણે ઝાંય છતાં તીક્ષ્ણ આંખો. લખતી-વાંચતી વેળા સહેજ બહાર આવીને બે હોઠ વચ્ચે દબાતી ને વાંકી વળતી જીભ. નાનકડા હાથ ને વરસોના ત્રિવિધ ધૂમ્રપાનને કારણે નખે ભૂખરી ટચૂકડી આંગળીઓ. માર્મિક, મશ્કરું, લુચ્ચું સ્મિત ને નિર્દોષ નિખાલસ, ખડખડાટ હાસ્ય. ક્યારે શું કહી-કરી બેસશે એ કલ્પી ન શકાય એવી અકળતા. ક્યારેક વજ્ર, ક્યારેક કુસુમ. ક્યારેક ગહનગંભીર મૌન. ક્યારેક બાલસહજ મુગ્ધતા અને આશ્ચર્ય. ક્યારેક વક્રોક્તિ કર્યા પછી જાણે કશું બન્યું જ નથી એમ સાવ અજાણપણું વ્યક્ત કરતું ઊંચાં ભવાં નીચે વિસ્ફારિત નેત્રમાંથી આખાયે મુખ પર પ્રસરતું વિસ્મય. ક્યારેક ડાબા ખભાથી જમણી કેડ લગી વીજળીવેગે વીંઝાતા જમણા હાથમાંથી ભભૂકતો કોઈ વ્યક્તિ કે વિચાર પ્રત્યેનો પુણ્યપ્રકોપ. ક્યારેક સમસ્ત અસ્તિત્વને વિસ્મૃતિમાં ધકેલીને કરુણતાથી ચણી દેતી દેહની ચોમેર અભેદ્ય એકલતા. એ કોઈ ચહેરા વિનાના ચહેરાની નજેવી નજીવી આકૃતિ ન હતી. મહોરા વિનાના ચહેરાની સઘન સજીવ આકૃતિ હતી. બલ્લુકાકાના લાક્ષણિક અવાજ અને એમની વિશિષ્ટ આકૃતિના સંપૂર્ણ સુમેળમાં એમનું સભર વ્યક્તિત્વ પ્રગટ્યું હતું. એમનાં અવાજ અને આકૃતિ એવાં અદ્વિતીય હતાં કે કોઈ પણ શ્રોતા-પ્રેક્ષકને પલકવારમાં પ્રતીતિ થાય કે ભગવાને આ કોઈ વિરલ સર્જન કર્યું છે. એને એમની હાજરી અનુભવ્યા વિના છૂટકો જ નહિ. પછી સ્મરણમાં આવે છે એમના અક્ષરો. ત્રાંસા, તીણા અક્ષરો. અને એમનો તીવ્ર, તીક્ષ્ણ મરોડ. નાના નાના, નજીક નજીક પણ સ્વચ્છ અને સુવાચ્ય. સુશ્લિષ્ટ વિચારોની સુરેખ છબી જેવા. મોતીના દાણા જેવા નહિ, મોતીના દાણા જ. હંસ હોઈએ તો ચૂગવા જઈએ. કાગળ પર જાણે ચીતર્યા નહિ પણ કોતર્યા હોય એવા. નીચેનો કાગળ ધાતુપત્ર જેવો ભારે વજનદાર લાગે. પછી સ્મરણમાં આવે છે એમનો ઓરડો. મુંબઈમાં ચોપાટી રોડ પરના ૩૪ નંબરના મકાન — ઘેલાભાઈ મેન્શન — ના પાછલા ભાગમાં જમણી બાજુ ભોંયતળિયે એમનો નાનો લંબચોરસ ઓરડો. બહાર નાની સાંકડી કઠેડાવાળી લૉબી. બે બારણાં. ડાબી બાજુના બારણામાંથી મુખ્ય પ્રવેશ. ઓરડાની ડાબી બાજુની ભીંત પર આગલા ભાગમાં પુસ્તકોનાં છત લગી ઊંચાં કબાટ, પછી વચમાં નહાવાધોવાની ઓરડીમાં જવાનું બારણું, પછી પાછલા ભાગમાં સામેની ભીંત પર ડાબી બાજુની બારી પાસેની ચોકડી. સામેની ભીંત પર મધ્યમાં લાકડી, છત્રી, હૅટ, ઑવરકોટ, કપડાં વગેરેનું કબાટ. ઓરડાની જમણી બાજુની ભીંત પર આગલા ભાગમાં ઊંચે છત લગી છબીઓ, પછી પાછલા ભાગમાં સામેની ભીંત પરની જમણી બાજુની બારી પાસે ખાટલો. ઓરડાના આગલા ભાગમાં જમણી બાજુએ વાચન, લેખન, મનન, ચિંતન માટેની વિપુલ સાધનસામગ્રી — ફાઉન્ટન પેન, ખડિયો, ગુંદરની શીશી, કાતર, પેપરવેઇટ, મેગ્નિફાઇંગ ગ્લાસ, ચશ્માં, ચિરૂટો, પાઇપ્સ, ટપાલપત્રો, કોરા કાગળ, હસ્તપ્રતો, પુસ્તકો વગેરે વગેરે — થી ભર્યુંભર્યું વિશાલકાય ટેબલ. ટેબલની ડાબી બાજુ પર આગલી ભીંત પાસે બે બારણાંની વચ્ચે એક ખુરશી, ટેબલ અને જમણા બારણાની વચ્ચે બીજી ખુરશી. આ બે ખુરશીઓ અતિથિઓ માટે. ટેબલની પાછળ જમણા બારણાની સામે મોં રાખીને બેસી શકાય એમ પોતાની ખુરશી. પોતાની ખુરશીની પાછળ સહેજ દૂર ઓરડાના મધ્યબિંદુએ આવે એમ હીંચકો. ટેબલની ઉપર લટકતો પુલી લૅમ્પ. ટેબલની જમણી બાજુ પોતાની ખુરશી પાસે કચરાપેટી. ઘરમાં મોટે ભાગે ખુલ્લે શરીરે એક ચદ્દીભેર હોય, મોટે ભાગે એકલા હોય. ક્વચિત્ કોઈ કુટુંબીજન, કોઈ મિત્ર કે એમનો સેવક પાંડુ હોય. દિવસે જ્યારે જાઓ અને જુઓ ત્યારે ને ક્યારેક તો રાતભર ખુરશી-ટેબલ પર વાચન, લેખન કે હીંચકા પર ચિરૂટની વર્તુલાકાર ધૂમ્રરેખાઓ વચ્ચે મનનચિંતન ચાલ્યા જ કરતું હોય. ક્યારેક તો પુલી લૅમ્પ, મેગ્નિફાઇંગ ગ્લાસ, ચશ્માં, પુસ્તક ને માથું — બધું એકાકાર બની ગયું હોય. પછી સ્મરણમાં આવે છે એમની લાઇબ્રેરી. રહેવાના ઓરડાની જમણી બાજુના ઓરડામાં ચારે બાજુની ભીંત પર કબાટોમાં અનેક વિષયનાં અનેક પુસ્તકો. એકેએક પુસ્તકનાં અનેક પાનાંઓ પર ૧૮૮૮–’૮૯થી પોતાનો એક પ્રિય નિત્યક્રમ હતો તે — હાંસિયાનોંધ. ૧૯૫૧ના ઉનાળાની ને શિયાળાની બન્ને લાંબી રજાઓમાં રોજેરોજ સાંજે અડધોપોણો કલાક આખી લાઇબ્રેરી વ્યવસ્થિત ગોઠવી ત્યારે આ હાંસિયાનોંધના વાચને જાણે ઓક્સફર્ડ ન ભણ્યાનું સાટું વળ્યું હોય એવો અનુભવ થયો હતો. બલ્લુકાકાની સર્વતોમુખી પ્રતિભાનો પરિચય એમની લાઇબ્રેરી દ્વારા પણ પામી શકાય. એમાંનાં આયુર્વેદથી વેદ લગીના વિષયનાં પુસ્તકો પરથી એમનું મગજ વિશ્વકોશ જેવું વિશાળ અને વિવિધ હશે એની તરત પ્રતીતિ થાય છે. સર્જક-ચિંતકની વર્કશોપના કાચા માલ જેવી એમની હાંસિયાનોંધ પરથી એમની બુદ્ધિ ક્ષણેક્ષણ ગતિમાન વિદ્યુતયંત્ર જેવી સતેજ અને સક્રિય હશે એની તરત પ્રતીતિ થાય છે. પછી સ્મરણમાં આવે છે ૧૯૫૧ના ઉનાળાની અને શિયાળાની બન્ને લાંબી રજાઓમાં રોજેરોજ સાંજે ત્રણેક કલાકની સૌ વાતો, — સમાજ, રાજ્ય, ઇતિહાસ, ધર્મ, કલા તથા અનેક સ્થળ, કાળ અને પાત્રો અંગેના અંગત અનુભવો વિશેની એમની વાતો. આજે આટલે વરસે, અઢાર વરસે એના સંદર્ભમાં એમના જીવન અને કાર્ય વિશે વિચાર કરું છું ત્યારે બે પ્રશ્નો અનિવાર્યપણે પૂછવાના થાય છે. ભવિષ્યમાં પણ જે કોઈ સહૃદયો બલ્લુકાકાના જીવન અને કાર્ય વિશે વિચાર કરશે તે સૌને કદાચને આ બે પ્રશ્ન સદાય પૂછવાના રહેશે. આ બે પ્રશ્નો છે : ધર્મ અને કવિતા. બલ્લુકાકા ગુજરાતીઓમાં ગ્રીક હતા. એમનું બુદ્ધિગ્રાહ્ય સત્યદર્શન અને બુદ્ધિજન્ય સૌંદર્યસર્જન ભારતીય પરંપરામાં છે એથી સવિશેષપણે ગ્રીક પરંપરામાં છે. ગ્રીક કરુણ નાટક જેવું છે. એમની સમગ્ર અસ્તિનું રહસ્ય છે એમનું બુદ્ધિપ્રાધાન્ય. એ નાસ્તિક ન હતા. તો પ્રચલિત અર્થમાં આસ્તિક પણ ન હતા. સમતોલ શાસ્ત્ર અને વિજ્ઞાન દ્વારા, સ-પ્રમાણ ઇતિહાસ અને સંશોધન દ્વારા સમુત્ક્રાંતિમાં બુદ્ધિગ્રાહ્ય હોય એ જ સત્ય ને એ જ ઈશ્વર. એ વૈજ્ઞાનિક બુદ્ધિના અજ્ઞેયવાદી હતા. એમના દર્શનમાં મનુષ્ય માત્ર જંતુડું. મહાનમાં મહાન મનુષ્ય પણ જંતુડું નહિ તો જંતુ. મનુષ્ય જંતુડું માત્ર, એથી વિશેષ કંઈ જ નહિ. મનુષ્ય એટલો તો અલ્પ, અપૂર્ણ, સ્ખલનપતનશીલ; નર્યો મર્ત્ય. મનુષ્ય એટલે મર્યાદા. અસંખ્ય મનુષ્યોની અસંખ્ય વૃત્તિપ્રવૃત્તિઓ તુચ્છ, હીનમલિન, નિમ્ન અને નિ:સાર; ધન, કીર્તિ અને સત્તાની ક્ષુદ્ર, ક્ષણિક ને ક્ષુલ્લક વાસનાઓ. એમને ભારે મોટી નવાઈ તો એ છે કે આવા-આવા મનુષ્યોમાં ક્યારેક-ક્યારેક કોઈક મનુષ્ય એની સચેત સભાનતાથી અને એના સ્વપ્રયત્નના બુદ્ધિસાહસથી કંઈક સત્ય, કંઈક શિવ, કંઈક સુંદર પામ્યો છે, પામે છે ને હજુ પામશે. એનો એમને મહિમા છે, આદર છે. કાલાન્તરેયે સૌ મનુષ્યો એ પામે એવો એમનો સમુત્ક્રાંતિનો અમોઘ આશાવાદ છે અને અંત:કરણનો આશીર્વાદ પણ છે. એમની પ્રતીતિ છે, શ્રદ્ધા છે કે સૌ માનવપુરુષાર્થોમાં કલા જેવો અર્થપૂર્ણ એકેય પુરુષાર્થ નથી. અને સૌ કલાઓમાં કવિતા જેવી અર્થપૂર્ણ એકેય કલા નથી. મૂર્ત, સઘન, વસ્તુલક્ષી, સ્પર્શક્ષમ, નામરૂપે આકારબદ્ધ, બુદ્ધિજન્ય કૃતિ અથવા પદાર્થ એ જ સૌન્દર્ય અને એ જ ઈશ્વર. આ સૌંદર્યસર્જન એ જ એમનું વ્રજ અને એ જ એમનો નંદકુંવર; એ જ એમનું વૈકુંઠ અને એ જ એમનો મોક્ષ. ૧૯૦૦માં ‘આરોહણ’ની પૂર્ણાહુતિ પછી એમને અંતિમ પ્રતીતિ, અંતિમ શ્રદ્ધા કે આવા વિષયોના સમર્પણમાં, સૌંદર્યનિષ્ઠામાં જ સર્વસ્વ છે, જીવનની ચરમ સાર્થકતા છે. સૌંદર્યભક્તિમાં જ ઇતિશ્રી છે. જીવનની પરમ ચરિતાર્થતા છે. કલા, કલાસેવા એ જ સમગ્ર મનુષ્યજાતિના હિતાર્થે સર્વશ્રેયસ્કર જીવનપુરુષાર્થ. સૌંદર્યસર્જન એ જ આત્માના હિતાર્થે સાત્ત્વિકોત્તમ જીવનકર્તવ્ય. આયુષ્યભરની આ એમની અહોરાતની શીલસદાચારપૂર્વકની કર્તવ્યપરાયણતા એ જ એમનો કર્મયોગ, એ જ એમની સાધના, એ જ એમનું તપ. આમ, બલ્લુકાકાના જીવન અને કાર્ય વિશે એમના સત્યદર્શન અને સૌંદર્યસર્જન વિશે વિચાર કરું છું ત્યારે બે પ્રશ્નો પૂછવાના થાય છે. કલા ધર્મને સ્થાને હોય? ધર્મ વિના કલા સિદ્ધ થાય? ધર્મ એ ધર્મ હોય ને કલા એ કલા હોય. ધર્મ એ કલા ન હોય ને કલા એ ધર્મ ન હોય, કલા એ ધર્મની અવેજી ન હોય, કલા ધર્મનો વિકલ્પ ન હોય, ધર્મ અને કલાની ભેળસેળ ન હોય, ધર્મ અને કલા પરસ્પરના પર્યાય ન હોય તો પછી કલા ધર્મને સ્થાને હોય? અને ધર્મ ન હોય તો પછી ધર્મ વિના કલા સિદ્ધ થાય? આ ગહન અને ગંભીર પ્રશ્નો છે. આ સંકુલ પ્રશ્નો છે. આ પ્રશ્નોના ઉત્તર સહેલા અને સરલ નથી. જેવી જેની સૂઝ હશે તેવા તેના આ પ્રશ્નોના ઉત્તર હશે. સર્વદેશના સર્વકાલના સર્વ બુદ્ધિવાદીઓ, અજ્ઞેયવાદીઓની જેમ ઈશ્વરનો સંપૂર્ણપણે સ્વીકાર ન કરીને બલ્લુકાકાએ આયુષ્યભરની એકલતા અનુભવી છે. ગ્રીક કરુણ નાટકના નાયકની જેમ એમણે એમના અભિમાનની-અહંકારની નહિ, અભિમાનની પૂરેપૂરી કિંમત આ એકલતાની કરુણતા દ્વારા ચૂકવી છે. એમની આ બૌદ્ધિક પ્રામાણિકતામાં એમની શ્રદ્ધા, એમની ભક્તિ, એમની નમ્રતા, એમની આસ્તિકતા, એમની નૈતિકતા, એમની આધ્યાત્મિકતા, એમની ધાર્મિકતા, એક જ શબ્દમાં એમના જીવનનું સત્ય, એમના જીવનનું રહસ્ય કોઈ વિલક્ષણ નાટ્યમય વિરોધભાવે પ્રગટ થાય છે. આવા અભિમાની નમ્ર આત્માને આજે એમની સોમી જન્મતિથિએ આપણા હૃદયનાં અભિનંદન અને અભિવંદન હો!

૧૯૬૯


*