સ્વાધ્યાયલોક—૬/ગાંધીજીનું મૃત્યુ અને ગુજરાતી કવિતા
ગાંધીજીના મહાકાવ્ય જેવા જીવનની પરાકાષ્ઠા એમનું મૃત્યુ છે. ‘ગાંધીસ્તવન’ની આ શ્રેણિમાં ગાંધીજીના મૃત્યુની આપણા કવિઓની સંવેદના પર જે અસર છે એ અવલોકવાની કંઈક કોશિશ થશે. આ બોલનારને ૧૯૪૮ની બી.એ.ની પરીક્ષા માટે કૉમેડીનું સાહિત્યસ્વરૂપ ભણવાનું હતું. ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મીએ સાંજે પાંચ વાગ્યે એ વિશેના એક પુસ્તકનું વાચન ચાલતું હતું ત્યારે જ પાંચ ને પાંત્રીસે આપણા યુગની સૌથી વધુ કરુણ ઘટના બની. તરત જ સાંભળ્યું કે ગાંધીજી ગયા. ત્યારે વાણીની પોકળતાનો જે પરિચય થયો તેવો ક્યારેય થયો ન હતો. ચોમેરમાં હતું એકમાત્ર મૌન! બીજું કંઈ જ નહિ. અંદરબહાર બધે જ — જાણે કે સમગ્ર વિશ્વમાં આદિ કાળથી એક અનંત મૌન વ્યાપ્યું હોય અને હજુ કોઈએ ઉથાપ્યું જ ન હોય એવો અનુભવ થયો. એ અનુભવ ‘બાવન બાહેરો’ હતો. મનુષ્યે બાવન અક્ષરોનો એક વિરાટ પ્રપંચ રચ્યો છે. એનાથી આ અનુભવ જાણે કે પર હતો. મનુષ્ય એના અનુભવમાંથી સમજ્યો છે કે જીવનમાં કરુણ અનિવાર્ય છે. એટલે તો કરુણને જીરવવાની, જીવનમાં જોગવવાની એની મથામણમાંથી હાસ્ય, એટલે કે હસવાની સ્થૂલ ક્રિયા નહિ પણ હાસ્યનો વિચાર એને સૂઝ્યો છે. એમ પેલા પુસ્તકનું વિધાન હજુ તો મનમાં વાગોળતો હતો ત્યાં જ ગાંધીજીની હત્યાની કરુણ ઘટના બને એમાં વિધિની વક્રતા ન હતી પણ પુસ્તકનું જ્ઞાન આચરણમાં સાક્ષાત્ અનુભવવાનું એમાં આહ્વાન હતું. પછી છ મહિને જ્યારે સ્વતંત્રતાના પ્રથમ વર્ષના સરવૈયા જેવી કૃતિ ‘સંસ્મૃતિ’ રચી ત્યારે આ મૌનનું સ્મરણ થયું. ગાંધીજીના મુખમાંથી અંતિમ શબ્દો ‘હે રામ!’ સર્યા પછી એમણે જે મૌન ધર્યું છે એનું સ્મરણ થયું. મૃત્યુનું આગમન વિભીષણ સ્વરૂપે અને આક્રંદના તીવ્ર સ્વરો સાથે થાય છે. પણ આ તો મૃત્યુ પણ અરવ પગલે ચૂપચાપ આવીને અદબથી ચાલ્યું ગયું એટલે મૃત્યુના મૌનનું સ્મરણ થયું. યુગે યુગે એક અલૌકિક આત્માનું બલિદાન માંગતી આ આપણી માનવજાતમાં એનાં આવાં કલંકોની કથા કહેવા જેટલી સ્વસ્થતા ક્યાં છે? એટલું સાહસ ક્યાં છે? આઘાતો પર આઘાતો આવ્યે જતા હોય ત્યાં હજુ એને કળ જ વળતી નથી. એટલે તો માનવજાતે એની વેદના, એની શરમ વાણીમાં જેટલી વ્યક્ત કરી છે એથી વધુ તો મૌનથી વ્યક્ત કરી છે. આવા અર્થની કેટલીક પંક્તિઓ ‘સંસ્મૃતિ’ નામની સ્વરચિત કૃતિમાંથી વાંચું છું : ‘વૈરના અગ્નિએ માત્ર ત્રણ અક્ષરે રક્તરંગીન એ પ્રેમના હૃદયપત્રે લખી સત્યના વક્ષસ્થલ પરે ને અહિંસા તણા મર્મમાંયે લખી જે કથા… રે વૃથા! વેદનાને નહિ આજ વાણી જડે, શબ્દને શૂન્યતા શી નડે! મૃત્યુ પણ મૌન ધારી ગયું જે ક્ષણે એ ક્ષણોને વૃથા વાણી તે શું વણે! મૃત્યુને, મૌનને મીંઢ આવું અરે, માનવીએ કદી ના લહ્યું! આજ પણ એનું એ મૌન રે આ રહ્યું : ‘… … … … …’ અંતિમ પંક્તિ અને હવે આ શબ્દોની વચ્ચે જે મૌન હમણાં જ આપણે અનુભવ્યું તે પેલા મૌનનો પડઘો! વાણીનો સંપૂર્ણ વિલય! પણ વાણીનો જ્યારે વિલય થાય છે ત્યારે હૃદયની વ્યથા ઠાલવવાનું મનુષ્ય પાસે એક સાધન છે, અને તે રુદન. આ મૌનમાંથી એક ડૂસકું ઊઠે છે અને ગાંધીજીને કાને અથડાય છે. ‘હે રામ!’ પછી, ગાંધીજીના મુખમાંથી મૃત્યુ પછી પણ શા શબ્દો સરે એની કલ્પના તો કવિ વિના કોણ કરશે? ઉમાશંકરે ‘રડો ન મુજ મૃત્યુને’ નામના કાવ્યમાં મૃત્યુ પછી પણ સત્ય, અહિંસા અને પ્રેમનો ઉપાસક વિનમ્રતા, કરુણા અને એ બન્નેના અદ્વૈત જેવો આનંદ જ અનુભવે એવું દર્શન અસાધારણ કવિકલ્પનાથી સિદ્ધ કર્યું છે. ઉત્સવ મનાવવા જેવું જો કોઈ એક મનુષ્યનું મૃત્યુ હોય તો તે ગાંધીજીનું ને રડવા જેવું સમગ્ર માનવજાતનું જો કોઈ એક કલંક હોય તો તે પણ ગાંધીજીનું મૃત્યુ જ. આ કાવ્યમાં ગાંધીજીના મુખમાંથી શ્રદ્ધા અને ક્ષમાનાં વચનો સુણ્યા પછી જ બે લીટી પણ બોલવા માટે મનુષ્યને સ્વસ્થતા અને સાહસ સાંપડે છે : ‘રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં ન રે! કયમ તમેય તો હરખતાં ન હૈયા મહીં? વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી, અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો? હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે? અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો? તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો! થયું સુણો પ્રગટ સત્ય: વેર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ! હસે ઈશુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.’ ‘અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન, કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન.” સંતો અને કવિઓમાં સંપૂર્ણ સામ્ય છે, અપવાદ એકમાત્ર રોષનો. પણ કવિઓને રોષ કરવાનો અધિકાર છે કારણ કે કવિઓ રોષ પણ લયમાં કરે છે એટલે રૂપાળો લાગે છે, કવિનો ધર્મ રોકડું પરખાવવાનો છે, અલબત્ત, પ્રેમપૂર્વક એટલે કે લયમાં. (લય એટલે સંવાદ અને સંવાદ પ્રેમમાંથી, પ્રેમ દ્વારા જ સર્જાય. કવિનો અધઝાઝેરો પ્રેમ તો લયમાં જ પ્રગટ થઈ જાય છે. કવિનો પરમ ધર્મ પ્રેમ છે એથી જ કવિ લયમાં લખે છે.) કવિનો કલહ પ્રેમનો કલહ છે. સ્વયં પરમેશ્વર પણ કવિની કસોટીથી પર નથી. સંતો માટે પરમેશ્વરનું વચન એ અંતિમ પ્રમાણ હશે પણ કવિઓ માટે તો કોઈ અંતિમ પ્રમાણ જ નથી. કવિ પણ પરમેશ્વરની જેમ જ એક સંપૂર્ણ અને સ્વયંપર્યાપ્ત સૃષ્ટિનો સર્જક છે, એટલે કે પરમેશ્વરનો હરીફ છે. કવિ પોતે જ પોતાનું અંતિમ પ્રમાણ છે. કવિ પરમેશ્વરને પણ પ્રશ્ન પૂછવો પડે તો બેધડક અને બેલાશક પૂછવાનો. ઉમાશંકરના કાવ્યમાં ભલે સંતનું વચન હોય કે ‘રડો ન મુજ મૃત્યુને’ પણ સુન્દરમ્ તો એમના ‘સફર સહસા’ નામના કાવ્યમાં અંતે પરમેશ્વરને પ્રશ્ન પૂછશે જ : ‘અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી, રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને! ગયા — ના રોકાયા વચન ‘જઉં છું’ એય વદવા, ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા! તમારે ના વૈરી, પણ જગતના વૈર સહ, હા, તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન. મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું. ઢળ્યા એ સંગ્રામે! પ્રભુ થકી જ આ ત્રાણ ઊતર્યું? તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની? મનુષ્યે ઝંખેલાં પ્રણય — સતનો સિદ્ધિ — પથ આ, અસત્ હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ? હજી રોતી પૃથ્વી, પ્રગટ ધરતીનાં રુદન શા હતા ગાંધી, એને ગત કરી, પ્રભો! તેં રુદનને વધાર્યાં, કયારેયે રુદન સ્મિતમાં ના પલટશે? કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે? પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય-આનંદનો ઘટ અક્ષુણ્ણ, ધરતી-તીરે પ્રગટાવ, મહા નટ!’ હજુ લગી જેના હોઠમાંથી એક પણ હરફ નથી નીકળ્યો એવા નિરુત્તર પરમેશ્વર વતી આ પ્રશ્નનો ઉત્તર પણ કોઈ કવિએ જ આપવો રહ્યો. ઉમાશંકરે એમના ‘ત્રણ અગ્નિની અંગુલી’ નામના કાવ્યમાં એ ઉત્તર આપ્યો છે : ‘ત્રણ અગ્નિની અંગુલી વડે પ્રભુ, ચૂંટી લીધું પ્રાણપુષ્પ તેં. વર એવી વિભૂતિ સ્પર્શવા ન ઘટે અગ્નિથી ઓછું શુદ્ધ કૈં.’ ગાંધીજીના મૃત્યુનો જેમાં સીધો, સ્પષ્ટ, સાફ સાફ શબ્દોમાં ઉલ્લેખ થયો હોય એવી આ રચનાઓ હતી. પણ કવિ ક્યારેક આડકતરી રીતે, સૂચન દ્વારા, ધ્વનિ રૂપે પણ પોતાનું મનોગત વ્યક્ત કરતો હોય છે. અને ત્યારે જ એ વધુમાં વધુ કાવ્યમય હોય છે. મગનું નામ મરી પાડે તો કવિ શેનો? ત્યારે એ ભાષાનો સૌથી વધુ કલ્પનાત્મક, સર્જનાત્મક ઉપયોગ કરતો હોય છે. ત્યારે એના શબ્દોનો માત્ર કોશમાં જેવો અને જેટલો હોય છે એવો અને એટલો જ અર્થ નથી થતો, પણ એથી કંઈક વિશેષ અર્થ થાય છે. ત્યારે એના કાવ્ય સમગ્રનો અર્થ એના એકેએક શબ્દના અર્થના સરવાળાથી કંઈક વિશેષ હોય છે. કેવો અને કેટલો વિશેષ અર્થ હોય એ વિવેચક કે વાચકના વિવેક અને પ્રતીતિજનક પરીક્ષણ પર અવલંબે છે. ગાંધીજીના મૃત્યુ સમયે બી.બી.સી. પરથી ગાંધીજીને સમસ્ત અંગ્રેજ પ્રજાની અંજલિ રૂપે મિલ્ટનના ‘લીસિડાસ’નું, અંગ્રેજી ભાષાના સર્વશ્રેષ્ઠ શોકકાવ્યનું વાચન સાંભળ્યાનું આ બોલનારને સ્પષ્ટ સ્મરણ છે. (મિલ્ટનના મિત્ર ઍડવર્ડ કીંગના મૃત્યુમાં સૌના મૃત્યુનો, ગાંધીજીના મૃત્યુનો પણ સમાસ થતો હશે તો જ આમ વાચન થયું હશે ને!) હવે જે બે કાવ્યોનું વાચન થશે એમાં ગાંધીજીના મૃત્યુનો અનુભવ એ કાવ્યોની પાર્શ્વભૂમિમાં પ્રવર્તે છે. એ અનુભવ કવિના અંત:સ્તલમાં નિગૂઢ રૂપે રહ્યો છે. કવિના ચિત્તતંત્ર પર એ અનુભવની અગોચર એવી અસર છે. આ કાવ્યો જે સંવેદનતંત્રની સરજત છે એ અનેક અનુભવોની સાથોસાથ ગાંધીજીના મૃત્યુના અનુભવથી પણ ઘડાયું છે. એમ ન હોય તો ગુજરાતી ભાષામાં આ કાવ્યોનું સર્જન કેમ થયું એવી રસિક મૂંઝવણ, એવું સાનંદાશ્ચર્ય આપણને અવશ્ય થાય એવો એમનો રચનાકાલ છે. પ્રિયકાન્ત મણિયારના ‘ખીલા’ નામના કાવ્યમાં ઉલ્લેખ તો ઈશુના મૃત્યુનો છે અને એકરાર ઈશુની કાયામાં જે ખીલા જડાયા તે ઘડનાર લુહારનો છે. પણ એમાં ગાંધીજીના મૃત્યુનો અને આપણા સૌના એકરારનો અર્થ જોવો જરૂર સુગમ છે : ‘મેદની વીખરાય ને આ વૃદ્ધ જેની કાય તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે (જે થકી નીતરી રહ્યું શું રક્ત જાણે સૂર્યનું ને નેત્રમાં વિલસી રહ્યું તે ચંદ્રનું માધુર્ય શું!) બોલી ગયો કૈં એકશ્વાસે : ‘મેં મકાનો બાંધવાને જે ઘડ્યા રે તે ખીલા તો અહીં જડ્યા!” હસમુખ પાઠકનું ‘કોઈને કંઈ પૂછવું છે?’ નામનું કાવ્ય આપણી ભાષાનું એક વિરલ અને વિલક્ષણ શોકકાવ્ય છે. એમાં ઉલ્લેખ તો પાડાના મૃત્યુનો છે પણ એ પાડો માત્ર પાડો ન રહે પણ અનેક વિચારો, વસ્તુઓ અને વ્યક્તિઓનું પ્રતીક બની જાય એવો કવિએ આ કાવ્યમાં ભાષાનો કલ્પનાત્મક, સર્જનાત્મક ઉપયોગ કર્યો છે. કવિ એટલો સ્વસ્થ ને સંયમી છે, અલિપ્ત ને અનાસકત છે, નિર્લેપ, નિષ્કંપ ને નિર્મમ છે કે એથી અનેક અર્થના સ્તરો પર એની કલ્પના પ્રવૃત્ત થાય છે. એક ચોક્કસ, નક્કર, વાસ્તવિક ચિત્ર તરીકે તો આ કાવ્ય આસ્વાદ્ય છે જ પણ એક પ્રતીકાત્મક, અનેકાર્થી ધ્વનિકાવ્ય તરીકે પણ એ એટલું જ આસ્વાદ્ય છે. એમાં પાડા અને બસ વચ્ચેનો સંઘર્ષ એ પશુપ્રેમ એટલે કે અહિંસા અને હિંસા વચ્ચેનો, પ્રકૃતિ અને યાંત્રિક સંસ્કૃતિ વચ્ચેનો, અને એમાંની એક પંક્તિ ‘ને ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું’ – ને કારણે સંતો અને માનવજાત વચ્ચેનો સંઘર્ષ છે. અંતમાં કવિએ આપણા સૌના કલંક વિશે આપણી ઊંઘ ઊડી જાય એવો ક્રૂર પ્રશ્ન પૂછી નાંખ્યો છે. કવિ વિનમ્ર ભાવે ‘એક આ ડાઘો રહ્યો’ એના વિષે પૂછે છે : ‘કોઈને કંઈ પૂછવું છે?’ પણ કાવ્ય સાંભળ્યા પછી કવિને પ્રશ્ન પૂછવાના હોશકોશ આપણામાં હોય તો ને! ‘મંદ વેગે ચાલતો (તેથી જ તો ચાબુકના ફટકારથી) દોરાઈને બપ્પોરમાં ઉત્તર થકી દક્ષિણ જતા રસ્તા ઉપર નંબર લગાવેલો જતો પાડો; અને ત્યાં કાટખૂણે, છેક આડા પૂર્વથી પશ્ચિમ જતા આસ્ફાલ્ટના રસ્તા ઉપર ચિક્કાર બસ(માં માણસો માટે હવે જગ્યા નથી!) ચાલી જતી પૂરજોશમાં ધૂંધવાઈ ને! ને ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું. લોહીના ખાબોચિયામાં માંસના લચકા અને બે શિંગના ટુકડા (બધું ભેગું કરીને સાંધવા મથતી નજર)ને ફાટી આંખે શૂન્યમાં જોતો હવે ડચકાં ભરે! (યમરાજ પણ છેવટ, પછી, આવ્યા ખરેખર!) ખાલ મુડદાની (અહીંથી લઈ જઈ આઘે) ઊતરડે ના ઊતરડે, ત્યાં સુધીમાં આ ગરમ આબોહવામાં લોહી તો જલદી સુકાયું. બસ (ફરી ચિક્કાર; ચહેરા છે નવા!) પાછી વળી પશ્ચિમથી પૂરવેગમાં. એક આ ડાઘો રહ્યો એના વિશે કહો, કોઈને કંઈ પૂછવું છે?’ અંતમાં હસમુખ પાઠકના ‘રાજઘાટ પર’ નામના કાવ્યનું ક્રૂર અને કડવું સત્ય આપણે સૌ મૂંગે મોંએ સાંભળીને, સ્વીકારીને એકાંતમાં સતત સ્મરીએ કે જેથી આપણે સૌ ગાંધીજીના એક અંશમાત્રને પણ આપણામાં જાગૃત કરીએ : ‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો.’
(આકાશવાણી, અમદાવાદ પરથી વાર્તાલાપ. ૧૫ જૂન ૧૯૫૬.)