સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૮
બહેનનો કાગળ વાંચતાં વાંચતાં મુગ્ધા ગળગળી થઈ ગઈ. ‘શું પ્રિય ચંદ્ર, આ બધું મારે સારુ સોસવું પડ્યું? શું તમને હવે ‘પ્રિય' કહી શકું નહીં? તમે મારા વીતી ગયેલા ભવમાં પ્રિય હતા. ઈશ્વરને પ્રિય કહું છું, પિતાને કહું છું, તો તમને કહેતાં શો બાધ?' ચિત્તવૃત્તિ સરસ્વતીચંદ્ર પાછળ કરોળિયા પેઠે દોડંદોડા કરવા લાગી, આંસુ ખાળ્યાં રહ્યાં નહીં; ટપક ટપક થવા લાગ્યાં, અને પત્ર અડધો ભીનો થયો. કાગળ પરથી જાણ્યું કે ‘ચંદ્રકાંત સરસ્વતીચંદ્રની શોધ કરવા બુદ્ધિધન ઉપર વિદ્યાચતુરનો કાગળ લઈ આવે છે. ગુણસુંદરી લીલાપુર પાસે આવેલા ભદ્રેશ્વર મહાદેવની યાત્રા કરવા જનાર છે અને તે પ્રસંગે કુમુદને તેડવા મોકલશે, માટે સૌની રજા લઈ તૈયાર રહેવું.’ ચંદ્રકાંતે નવીનચંદ્ર ઉપર કાગળ લખ્યો હતો તે વિચિત્ર હતો. દુઃખી સંસાર : તિથિ, દિવસ ને રાત્રિ સરખાં જ. દયા અને નિર્દયતા, પંડિતતા અને મૂર્ખતા, મૃદુતા અને કઠિનતા, રસિકતા અને વૈરાગ્ય એવા કંઈ કંઈ વિરોધી ગુણો કોઈનામાં ભેગા રહેતા હોય તો તે તારામાં છે.’ વગેરે વગેરે. આ કાગળ વાંચી કુમુદસુંદરીનું હૃદય પાછું ભરાઈ આવ્યું પણ એટલામાં નીચેથી જમવા તેડું આવ્યું. આંખો લોહી, સાવધાન થઈ દાદર પર ઊતરતાં ચિત્તે ગાયું : ‘જોયું જોયું જગત બધું આજ, કે સર્વ નકામું રે.’ મેઘધનુષ્યના રંગો પેઠે ચિત્તવૃત્તિઓનું આયુષ્ય ટૂંકું હોય છે. પુરુષવર્ગ જમી રહ્યો હતો. સ્ત્રીવર્ગ સઘળો અલકકિશોરીના આગ્રહથી અહીં જ જમવાનો હતો. આ સર્વ ઉત્સવકાર્યમાં ભળી જતાં કુમુદસુંદરીનું ચિત્ત ક્ષણવાર પાછું ઠેકાણે આવ્યું ને ઉત્સવ-સંસારી થયું.
આ સમયે પ્રમાદધન કયાં હતો? તે શું કરતો હતો? કુમુદસુંદરી વિનાની મેડીમાં પ્રમાદધનનું રાજ્ય નિષ્કંટક થયું હતું. ભણેલી પત્ની ઉપર તેને આદર ઘણો હતો, પણ પતિનો વિદ્યાભ્યાસ વધારવા પત્ની મથતી તે પ્રમાદભાઈને નહોતું ગમતું. કોઈ વડીલ પાસે હોય ત્યારે અસ્વતંત્રતા લાગે તેમ કુમુદસુંદરી પાસે થતું. આથી ઇષ્ટ આનંદના પ્રસંગ મિત્રમંડળમાં તેમ જ પદ્માને ઘેર શોધતો. આમ દિવસે દિવસે તેનો ભાવ ઓછો થયો. અધૂરામાં પૂરું આજથી, પિતાની જીતને લીધે, દરબારમાં તેની સ્થિતિ વધી. ચારે પાસથી માન મળવા છતાં પત્ની પાસે નાના દેખાવું તેને ન ગમ્યું. કુમુદસુંદરી વિનાની મેડી જોઈ તે ઘડીક સ્વતંત્ર બન્યો. પલંગ પર ચત્તોપાટ સૂઈ, ઊઠી, રસ્તામાં પડતી બારી આગળ ફક્કડ સોનેરી બટન પર હાથ મૂકી ઊભો રહ્યો અને વળી અંદર આવી તકતો લઈ મોં જોતો મૂછો પર હાથ ફેરવવા લાગ્યો. બસો રૂપિયાના અમલદારે ગણતરી કરવા માંડી. નવીનચંદ્ર આટલું ભણેલો છતાં સો જ રૂપરડી ને મને બસો રૂપિયા છે. તેમાંથી પચાસ પદ્માને જાય, પચીસેક અત્તરબત્તરમાં જાય, પચાસેક પણ થાય; બાકી ખાતે જે રહ્યા છે એ (કુમુદસુંદરી) બોલતી ચાલતી નથી કે એનેય આપ્યા વિના છૂટકો છે? એને લીધે તો હિસાબ નથી આપવો પડતો!' તકતો આઘો મૂકી તે ખુરશી પર બેઠો. ટેબલ પર એક પાસ અંગ્રેજી કવિઓ, વચ્ચે સંસ્કૃત કવિઓ, ગુજરાતી મનુસ્મૃતિ અને મોં આગળ અધ્યાત્મ રામાયણનાં પાનાં પડ્યાં હતાં.! માદધને રામાયણ હાથમાં લીધું, ચિત્ર જોયું. એક પાનું વાંચવા માંડ્યું ને છોડી દીધું. ઊંડા કૂવામાં નજર નાખવી પડતી હોય એવા ભાવે કટાણું મોં કરી એકદમ ઊઠી ગયો. કુમુદસુંદરીની સારંગી હાથમાં લીધી. કુમુદ સારંગી વગાડતી તે ગમતું, પણ એ પદ્માની પેઠે ઇશ્કનાં પદ ગાતી ન હતી એટલે સૌ લૂખું લાગતું. સારંગી પાછી મૂકી. ભીંત પર પોતાની છબી હતી તે ઊભો ઊભો જોઈ રહ્યો. વળી કાંઈ વાંચવાનું મન થયું. પોતાની જ આણેલી એક અંગ્રેજી નવલકથા – મદનકથા – લઈ પલંગ પર પડ્યો. એટલામાં નવીનચંદ્રવાળી મેડીમાં કાંઈ ખખડ્યું. ઊઠી બારણું ઉઘાડ્યું. જુએ તો કૃષ્ણકલિકા. કૃષ્ણકલિકા અહીં ક્યાંથી? શિથિલ ચારિત્ર્યવાળી આ યુવતીના ચિત્તમાં નવીનચંદ્ર વસી ગયો હતો. કુમુદસુંદરીએ ભોળી નણંદને કૃષ્ણકલિકાની સંગતિનો ત્યાગ કરવા કહ્યું હતું તે જાણી કૃષ્ણકલિકા બમણી રોષે ભરાઈ હતી. સૌ વાતોમાં ભળ્યાં જોઈ છાનીમાની ચોરની પેઠે એ ઊઠી. અને નવીનચંદ્ર એકલો હશે એમ કલ્પી પોતે જ તેની મેડીમાં ગઈ. નવીનચંદ્ર તો હતો નહીં એટલે એનો વિચાર પલટાયો : ‘મોઈ અલક, પ્રમાદને જ હાથમાં લઉં નહીં, એટલે મારા ધણીનુંયે કામ થાય? સારી નોકરી આપી શકશે પ્રમાદધન – અને પેલી કુમુદડીનું વેર લેવાશે.' આમ વિચારે છે એટલામાં પ્રમાદધને બારણું ઉઘાડ્યું. કૃષ્ણકલિકા છાનીમાની ઊઠી ગઈ તે કુમુદસુંદરીએ છાનુંમાનું જોયું. તેને દાદર પર ચઢતી જોઈ. કાંઈક નિમિત્ત કાઢી કુમુદસુંદરી ઊઠી. વળી થયું : ‘ભોગ એના, હું ક્યાં ચોકી કરતી ફરું?' તે પાછી બેઠી. પણ ચિત્ત ઉપર હતું. કૃષ્ણકલિકા પાછી ફરતી ન દેખાઈ; અધઘડી થઈ – ઘડી થઈ. આખરે ધીરજ ન રહી અને ઉપર ચઢી. પોતાની મેડીનું દ્વાર બંધ હતું તે ધક્કેલ્યું. અંદર સાંકળ હતી. ‘કોણ?' પ્રમાદધનને બૂમ પાડી, થોડી વારે બારણું ઊઘડ્યું – એ એકલો જ હતો. ઉતાવળી કૃષ્ણકલિકા દાદર ભણી દોડી. કૃષ્ણકલિકાને ત્યાં જ કુમુદે પકડી પાડી. પણ હલકાં સાથે રકઝક શી કરવી? – એમ વિચારી છોડી દીધી. કુમુદસુંદરી મેડીમાં આવી. પ્રમાદધન ટેબલ ઉપર ઊંધું માથું મૂકી બેસી રહ્યો હતો. કુમુદનું હૈયું ભરાઈ આવ્યું. ‘હે ઈશ્વર! આમને સુધારવા એ વાત મારા હાથમાંથી તેં સમૂળગી લઈ લીધી જ? શું મર્યાદા તૂટી જ? ભણેલાએ પરણ્યા પહેલાં છોડી, વગર ભણ્યાએ પરણીને છોડી!’ આ વિચારમાં ને વિચારમાં દુઃખી અબળાનું હૃદય ભરાઈ આવ્યું, અચિંતી બારી આગળ ગઈ અને ઉતાવળે નાસતાં રહી ગયેલાં કૃષ્ણકલિકાના માથાનો કેવડો તથા કોટની સાંકળી બંને રોષથી – જોરથી-કૃષ્ણકલિકા ઉપર રસ્તામાં ફેંક્યાં અને પાછી અંદર આવી મેડી વચ્ચોવચ્ચ ભોંય ઉપર બેસી, ઢીંચણ પર હાથની કોણીઓ મૂકી, આંખે બે હાથ દઈ, નિર્ભર રોવા લાગી. પ્રમાદધન તે જોઈ રહ્યો – તેને મનાવી નહીં. ખંડિત પત્ની વધારે ખંડિત થઈ ને ઓછું આવ્યું. મનમાં રોતી હતી તે ખાળી ન રખાયાથી મન મોકળું મૂકી રોવા લાગી. સારે ભાગ્યે ઘરમાં કોઈએ સાંભળ્યું નહીં. પ્રમાદધનનું અંત:કરણ થોડી વારે પીગળ્યું, પાસે આવ્યો. કુમુદસુંદરીનું માથું ખોળામાં લીધું. પતિ સુધરે એમ છે – એ વિચારથી પતિવ્રતાના હૃદયમાં ધૈર્ય આવ્યું. એટલામાં તો પ્રમાદધન કંઈ કંઈ વાતો કરી ગયો. દરબારના સમાચાર, પોતાને પગાર થયાની વાત, આજ પોતાને લીલાપુર જવાનું હતું તે ખબર, વગેરે કાંઈ કાંઈ વિષયોનું પુરાણ પ્રમાદધન કહી ગયો. તેની અસર એટલી થઈ કે કુમુદસુંદરી શાંત પડી અને અંતે પોતાને પ્રસન્ન કરવા ઇચ્છતા પતિ ઉપર પ્રસન્ન થઈ ઊઠી. પતિના હાથથી વીંટાયેલું છૂટા થયેલા કેશપાશવાળું કમળપુટ જેવું મસ્તક ઊંચું કરી, ગુણસુંદરીને મળવા ભદ્રેશ્વર જવાની તેણે અનુમતિ માગી. કોમળ ગાલ ઉપર કોમળ પ્રહારની જોડે જ એ અનુમતિ મળી. ગમે તેવા ભૂતકાળને ભૂલવો, ગમે તેવા વર્તમાનથી સંતુષ્ટ રહેવું, ગમે તેવા ભવિષ્યને બળાત્કારે સારું કરવું, એ શક્તિ, એ વૃત્તિ, આર્યચિત્તની જ છે. ઈશ્વર તેને અમર રાખો.
શઠરાયની ખટપટ ઉઘાડી પડી જતાં બદલાયેલી રાજવ્યવસ્થા અંગે રાણા સાથે બધી મંત્રણા કરવાને બુદ્ધિધન સાંજ પછી રાજમહેલ ગયેલો; ત્યાંથી રાત્રે પાછો વળ્યો ત્યારે તેની સાથે ઘોડાગાડીમાં નરભેરામ, નવીનચંદ્ર વગેરે પણ હતા. આખે રસ્તે બુદ્ધિધન ને નરભેરામ રાજ્યકાર્યની વાતોમાં મશગૂલ હતા. પણ નરભેરામ પોતાના ઘર આગળ ઊતરી પડયો એટલે બુદ્ધિધને નવીનચંદ્ર સાથે વાત શરૂ કરી. ‘નવીનચંદ્ર, તમારે વાસ્તે મેં એક વ્યવસ્થા ધારી છે.’ કહી તેને વાસ્તે પોતે કરેલો વિચાર કહી બતાવ્યો. નવીનચંદ્ર સર્વ વાત સાંભળી રહ્યો. એક અજાણ્યા પરદેશી ઉપર બુદ્ધિધનની આટલી મમતા જોઈ ઉપકારવૃત્તિની સેર છૂટી. અંતે વિચાર કરી, કાંઈક સ્મિત કરી, તે બોલ્યો, ‘ભાઈસાહેબ, આપની મમતા નાનીસૂની નથી, પરંતુ હું પરદેશી પ્રવાસી છું. થોડા સમયમાં મારો એક મિત્ર અત્રે આવવાનો છે, તેને મળી આપને દરબારમાંથી પોશાક મળે એ આપનો સંપૂર્ણ ભાગ્યોદય જોઈ, આપની રજા માગી, હું મારો પ્રવાસ શરૂ કરવા ઇચ્છું છું.’ પોતાનો પ્રસાદ ન સ્વીકારે એવું આજ સુધી બુદ્ધિધનને કોઈ મળ્યું નહોતું. પરદેશી પર વધારે વિશ્વાસ થઈ ગયો – વધારે મમતા દેખાડાઈ ગઈ, એમ લાગ્યું. નોકરીની વાત પડતી મૂકી અને વાત આગળ ચલાવી : ‘નવીનચંદ્ર, કોણ આવવાનું છે? અને તમારે ક્યાં જવાનું છે?' આ પ્રમાણે આડીઅવળી વાત થતાં ઘર આવ્યું ને બન્ને દ્વારમાં પેઠા. દાદર પર ચઢતાં મન પાછું શુદ્ધ બનતું હોય તેમ બુદ્ધિધન બોલ્યો : ‘નવીનચંદ્ર, તમે જવાનો વિચાર રાખ્યો તે ઘરમાં કોઈને નહીં ગમે.’ ‘હાજી, હું પણ કોઈની પ્રીતિ વીસરનાર નથી. પણ શું કરીએ? આવ્યું તે જવાને.’ બુદ્ધિધને દાદરો ચઢી સમરસેનને કહ્યું : ‘આજ વિદ્યાચતુરનો પત્ર આવ્યો છે. ચંદ્રકાંત નામના એક ગૃહસ્થ અત્રે આવનાર છે. કાલે સવારે આવશે. હું દરબારમાં હોઈશ; માટે આવનારની બરાબર સંભાળ રાખજો.’ નવીનચંદ્ર સાંભળી રહ્યો, વિચારમાં પડ્યો ને બોલ્યો : ‘ભાઈસાહેબ, હું એમને ઓળખું છું. રત્નનગરીથી આવવાનો માર્ગ તો રાજેશ્વરભણીથી જ છે ને?' ‘હા, પણ કયે વખતે આવશે તે નક્કી નથી, નહીંતર કોઈને ત્યાં રાખત.’ ‘હું જ જઈશ. જમવા વખતે ઘેર આવી જઈશ.' ‘પણ ક્યાં સુધી બેસી રહેશો?' એમ વાતચીત કરતાં બે જણ જુદા પડ્યા. નવીનચંદ્ર પોતાના ખંડમાં ગયો; દ્વાર વાસ્યાં. રાત્રિના બાર વાગવા આવ્યા હતા છતાં નિદ્રા ન આવવાથી એકાંત આકાશ અને અંધકાર જોતો પાઘડી-લૂગડાં કાઢી, એક ખુરશી પર બેઠો. નવીનચંદ્ર અંધકારને તળિયે ડૂબેલા માણસના જેવી સ્થિતિ અનુભવવા લાગ્યો.