નરસિંહથી ન્હાનાલાલ/૧૮
૧૯૪૬માં નોઆખલીમાં ગાંધીજી ‘દિલ્હી દૂર છે, નોઆખલી નજીક છે.’ કહીને ‘એકલો જાને રે!’ ગાતા હતા, ‘આંસુ લૂછવા આવ્યો છું –’ કહીને ઘરે ઘરે માર્યા માર્યા ફર્યા હતા. રોજ વર્તમાનપત્રોમાં એના સમાચાર પ્રગટ થતા હતા. આ સમયમાં એક દિવસ બલવન્તરાયે ગાંધીજીને એક પત્ર લખ્યો હતો, ‘વહાલા ભાઈ મોહન, રોજ છાપાંમાં વાંચું છું કે તું દુ:ખી દુ:ખી થઈ ગયો છે. તો આપણે ઘેર મુંબઈ આવીને થોડાક દિવસ આરામ કર! – બલવન્તરાય ક. ઠાકોરના જયભારત.’ ગાંધીજીએ તરત એક પત્રમાં ઉત્તર આપ્યો હતો, ‘વહાલા ઠાકોરસાહેબ, હજુ પણ આ જગતમાં મને ‘વહાલા ભાઈ મોહન’ કહેનાર કોઈ છે એ જાણીને જ એટલો આરામ થઈ ગયો છે કે હવે મુંબઈ સુધી આવવાની જરૂર નથી. – ભાઈ મોહનના વંદે માતરમ્.’ આ પત્રવ્યવહાર ક્યાંય વાંચ્યો નથી, માત્ર સાંભળ્યો છે. સંભવ છે કે એ કાલ્પનિક હોય, તોપણ એ વાસ્તવિક હોય એમ માનવાનું મન થાય એવો આ પત્રવ્યવહાર છે, કારણ કે એમાં બલવન્તરાય અને ગાંધીજીનો સંબંધ અને સ્વભાવ હૂબહૂ આબાદ વ્યક્ત થાય છે. આ બંને મહાપુરુષોએ આ સંબંધ અને સ્વભાવને પાત્ર થવા માટે સાત દાયકાની જીવનયાત્રા કરી હતી. આ કાલ્પનિક કે વાસ્તવિક પત્રવ્યવહારમાં જે વ્યક્ત થાય છે તે એમના સંબંધ અને સ્વભાવનો આરંભ ક્યાં, ક્યારે અને કેમ થયો હતો ? આ પ્રશ્નનો ઉત્તર સ્વંય બલવન્તરાયે આપ્યો છે એમના ‘ગોપીહૃદય’ અનુવાદકાવ્યના ‘નિવેદન’માં અને એમની ‘દિન્કી’ (ડાયરી)માં. ૧૮૮૮થી ૧૯૫૨ લગી – આયુષ્યના અંત લગી એટલે કે ૬૫ વર્ષ લગી બલવન્તરાયે નિયમિત રોજ-બ-રોજ ડાયરી લખી હતી. એમાં એમણે ૧૮-૮-૧૮૮૮ના દિવસે લખ્યું હતું, ‘...Went to see Mohandas. The fellow is not good enough even for the Bombay University. He goes to England merely because he has a great desire to do so; he must call it ambition but it is only of the meaner sort. A love of being talked about and thought wise; and so forth. He is too conceited to perceive that he has no ability enough... Next Tuesday evening or one evening will probably go in seeing Mohandas off.’ ૧૮૮૮માં બંનેનું ૧૯ વર્ષનું વય હતું. ગાંધીજીના વ્યક્તિત્વ વિશે બલવન્તરાયનો આ સૌપ્રથમ લેખિત પ્રતિભાવ – બલકે પ્રત્યાઘાત છે. ૧૮૮૮માં બલવન્તરાયે સ્વપ્ને પણ કલ્પ્યું નહિ હોય કે જે મિત્ર વિશે એ આ નોંધ કરે છે તે ભવિષ્યમાં જગપ્રસિદ્ધ મહાત્મા ગાંધી થવાનો છે. અરે, સ્વયં ગાંધીજીએ પણ એમનું આ ભાગ્યનિર્માણ – પરમેશ્વર મિસ્ટર ગાંધીમાંથી મહાત્મા ગાંધીનું સર્જન કરવાના છે એવું સ્વપ્ને પણ કલ્પ્યું નહિ હોય. (ગાંધીજી બૅરિસ્ટર થવા ઇંગ્લૅન્ડ જવાના હતા અને બલવન્તરાયે એમને વિદાય આપવા જવાનું વિચાર્યું હતું એ પ્રસંગની આ નોંધ છે.) ૧૯૪૩માં બલવન્તરાયે કુ. રેહાના તૈયબજીના ગદ્યકાવ્ય ‘ધ હાર્ટ ઑફ એ ગોપી’નો પદ્યાનુવાદ પ્રગટ કર્યો હતો. એ એમણે ૧૯૪૧માં ગાંધીજીને અર્પણ કર્યો હતો. એમાં ‘નિવેદન’માં એમણે પૂર્વોક્ત પ્રશ્નનો વિગતે ઉત્તર આપ્યો હતો. ૧૮૭૨માં રાજકોટના દેશી રાજ્યમાં બલવન્તરાયના પિતા કલ્યાણરાય ન્યાયાધીશ હતા અને ગાંધીજીના પિતા કરમચંદ કામદાર હતા. બંનેનાં કુટુંબ રાજકોટમાં વસ્યાં હતાં. એથી બંનેએ મૅટ્રિક લગીનો એમનો અભ્યાસ રાજકોટની ‘કાઠિયાવાડ હાઈસ્કૂલ’માં કર્યો હતો. બલવન્તરાય ‘નિવેદન’માં લખે છે’, ‘બલૂ’, ‘મોહન’ અને ‘નભુ’ રાજકોટ ગામમાં ઊછર્યા. રાજકોટની ‘કાઠિયાવાડ હાઈસ્કૂલ’માંથી મૅટ્રિક થયા (જુદેજુદે વર્ષે)... ‘મોહન’ના મોટાભાઈ કાલિદાસ લાગટ ત્રણ વર્ષ મ્હારી સાથે એક વર્ગમાં. (પછી એ પાછળ રહી ગયા.) એટલે મોહનભાઈ પ્રથમથી ટેવાઈ ગયા મ્હને મોટાભાઈની હારનો, એમનાથી મોટેરો ગણવાને. જોકે જન્મદિવસ પ્રમાણે તો એ મ્હારા મોટેરા (બાવીસ દિવસે). બારિસ્ટર થવા વિલાયત જતાં પહેલાં મોહનભાઈ એક સત્ર (ટર્મ) કૉલેજમાં (૧૮૮૭માં ભાવનગર શામળદાસ કૉલેજમાં) મ્હારાથી નીચલા વર્ગમાં હતા. એમનાં અંગ્રેજી પાઠ્યપુસ્તકોમાં કંઈ પૂછવું હોય અને મોહનભાઈ અભ્યાસમાં પહેલેથી ઊંડા ઊતરનારા એમને પૂછવાનું વધારે હોય. તે નિયમિત રીતે અને વિના સંકોચે મ્હને પૂછી લેતા. આમ પણ મ્હને મોટેરો ગણવાનું વલણ પોષાયું હોય.’ પછી તો ૧૮૮૮માં ગાંધીજી ઇંગ્લૅન્ડ ગયા, પછી દક્ષિણ આફ્રિકા ગયા અને ૧૯૧૫માં ભારત આવ્યા. ત્યાર પછી બલવન્તરાયને એમની સાથેના સંબંધનું અનુસંધાન થયું હતું. એ ‘નિવેદન’માં લખે છે, ‘અમદાવાદ અને પૂણે હું જ્યારે-જ્યારે એમને મળવા ગયેલ – અમદાવાદમાં તો એમનો અતિથિય થયેલ (હું થોડી ફેરા જ ગયેલ, કમભાગ્યે વર્ધા મુદ્દલ જઈ શકેલ નથી). ત્યારે-ત્યારે મ્હને વિરલ મળતો સ્વજન ગણીને પોતે અને શ્રી કસ્તૂરબા ઉમળકે અને હરખે અર્ધાંઅર્ધાં થઈ ગયેલ.’ બલવન્તરાય જ્યારે-જ્યારે ગાંધીજીને મળવા અમદાવાદ આવે ત્યારે પ્રથમ કસ્તૂરબાને મળે અને ‘અમારો મોહન તમને કેટલું વિતાડે છે ?’ પૂછે અને પછી ગાંધીજીને મળે. એક વાર કસ્તૂરબાએ કહ્યું, ‘જુઓ ને આ ૨૦-૩૦ની જાડી ખાદીના સાડલા મને પહેરાવે છે તે મારાથી તો ઊંચકાતા પણ નથી.’ પછી ગાંધીજીને મળ્યા ત્યારે કહ્યું, ‘આ કસ્તૂરીબાઈને તમે ૨૦-૩૦ની જાડી ખાદીના સાડલા પહેરાવો છો તે એ વાણિયણ છે એટલે પહેરે છે, અમારી ખખ્ખણ મળી હોત ને તો તમને એ સાડલા તમારા માથામાં મારત અને તો માથામાંથી લોહી તો ન નીકળત પણ ઢીમણું તો થાત.’ આ સંવાદ પણ ક્યાંય વાંચ્યો નથી, માત્ર સાંભળ્યો છે. સંભવ છે કે એ કાલ્પનિક હોય, પણ વાસ્તવિક હોય એમ માનવાનું મન થાય એવો આ સંવાદ છે, કારણ કે એમાં બલવન્તરાય અને ગાંધીજીનો સંબંધ અને સ્વભાવ હૂબહૂ આબાદ વ્યક્ત થાય છે. આઠમા એડવર્ડે મિસિસ સિમ્પસનના પ્રેમને ખાતર સામ્રાજ્યનો ત્યાગ કર્યો તે જ દિવસે બલવંતરાયે એ વિશે ‘પ્રણયપ્રશસ્તિ’ કાવ્ય રચ્યું હતું. એમાં એમણે ક્લીઓપેટ્રા, દેવયાની, હેલન, દ્રૌપદી, વીનસ આદિ ‘સુન્દરીઓ’એ એમના પ્રેમીજનો પાસે ત્યાગ કરાવ્યો એ સંદર્ભમાં કસ્તૂરબા અને ગાંધીજીનું સ્મરણ કર્યું છે, ‘...ને મોહન પેલો ભલો સાધુ ગાંધી, સત્યને અખતરે સ્ત્રી દીઠી બહેન મા, જેહને જોગમાયા ન લાધી.’ બલવન્તરાય ‘ગોપીહૃદય’ના ‘નિવેદન’માં અંતે લખે છે, ‘છેવટ, આનું ‘અર્પણ’ ગાંધીજીને કરવામાં હું માત્ર અંગત સ્નેહે પ્રેરાયો નથી. મોહનભાઈ તપસ્વી છે અને ભક્ત છે. રૂઢિચુસ્ત વર્ણાશ્રમધર્મી હિંદુ છે અને સ્વતંત્ર ચિંતક છે, આદર્શ જૈન જેવા છે, આદર્શ ખ્રિસ્તી જેવાય છે. એ હીરાને અનેક પાસા છે અને દરેક પાસો તેજતેજનો અંબાર છે... આવા મહાપુરુષને અર્પણ માટે તો મહાકાવ્ય જોઈએ.’ ગાંધીજી અને બલવન્તરાય બંને ક્રાંતિકારી હતા. ગાંધીજીએ જીવનમાં ક્રાંતિ કરી હતી અને બલવન્તરાયે સાહિત્યમાં. આ ક્રાંતિ પછી ગુજરાતનાં જીવન અને સાહિત્ય પૂર્વે હતાં એવાં રહ્યાં નથી – રહી શકે નહિ. ગાંધીજીએ ગુજરાતને કવિતાનો વિષય આપ્યો – સત્ય અને અહિંસા, બલવન્તરાયે વાહન આપ્યું, પૃથ્વી છંદ અને પ્રવાહી પદ્ય. લય – કવિતાનો આત્મા છે. લયની ક્રાંતિ પણ ગાંધીજીની ક્રાંતિ – જીવનની ક્રાંતિ જેવી જ આધ્યાત્મિક ક્રાંતિ છે. અર્વાચીન જીવનને પ્રગટ થવા માટેનો લય એ બલવન્તરાયની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે, મહામૂલી ભેટ છે. એ માટે ગુજરાતની પ્રજા અને ગુજરાતનું સાહિત્ય સદાયને માટે બલવન્તરાયનું ઋણી રહેશે. ૧૯૪૦માં ઉમાશંકરે સાચું જ કહ્યું હતું, ‘નવી કવિતા કથયિતવ્ય પરત્વે મહાત્મા ગાંધીજી અને આયોજના પરત્વે પ્રો. ઠાકોર એમ બે ભિન્નભિન્ન પ્રકારની વ્યક્તિઓના ખભા ઉપર ચડીને ચાલી રહી છે.’ ૧૯૫૧માં ઉનાળાની લાંબી રજાઓમાં માર્ચ-જૂનમાં તથા શિયાળાની ટૂંકી રજાઓમાં ઑક્ટોબર-નવેમ્બરમાં મુંબઈમાં બલવન્તરાયને એમને ઘેર રોજ બપોરના ૪થી ૭ વાગ્યા લગી મળવાનું થયું હતું. આ પૂર્વે ૧૯૪૯ના એપ્રિલની ૬ઠ્ઠીએ મડિયાની સાથે એમને મળવાનું થયું હતું એથી અલ્પ પરિચય તો હતો. ૧૯૫૧ના માર્ચની ૧૨મીએ મડિયા અને હું એમને મળવા ગયા ત્યારે એમણે જાણ્યું કે હું મુંબઈમાં ઉનાળાની લાંબી રજાઓમાં ત્રણેક મહિના હરવાફરવા આવ્યો છું, એટલે એમણે મને બીજા દિવસથી રોજ બપોરના ૪ વાગ્યાથી મળવાનું, સાથે ચા પીવાનું, ક્યારેક એમનાં પુસ્તકો વ્યવસ્થિત કરી આપવાનું અને સાંજના ૭ વાગ્યે એમને ચોપાટી ફરવા જવું હોય તો સાથે ફરવા જવાનું આમંત્રણ આપ્યું. એથી માર્ચ-જૂનમાં રોજ મળવાનું થયું હતું. પછી ૧૯૫૧ના શિયાળાની ટૂંકી રજાઓમાં બીજે ક્યાંય જવાનું ન હોય તો મુંબઈ આવવું એમ એક પત્રમાં લખ્યું હતું. આમ, ૧૯૫૧માં કુલ ચારેક મહિના એમને મળવાનું થયું હતું. આ ચારેક મહિનાના સમયમાં બલ્લુકાકા સાથે કેટકેટલી વાતો થતી હતી. એમના જીવનના અંતિમ વર્ષમાં બલ્લુકાકાના મિજાજનો, એમના વ્યક્તિત્વનો કંઈક અણસાર આવે એ આશાએ એમાંથી કેટલીક વાતો અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. બલ્લુકાકાની સૂચના હતી કે પુસ્તકો વ્યવસ્થિત કરવામાં કોઈ લખાણની હસ્તપ્રત હાથ આવે તો એક જગાએ એકત્ર કરવી. એક વાર કચરાપેટી પાસેથી એક સૉનેટની હસ્તપ્રત હાથ આવી. મેં એમને જણાવ્યું એટલે એમણે પૂછ્યું, ‘એમાં શું છે ?’ મેં કહ્યું, ‘સૉનેટ.’ એમણે પૂછ્યું, ‘શું શીર્ષક છે ?’ મેં કહ્યું, ‘એક આગાહી’. એ સૉનેટમાં ઇન્ડોનેશિયામાં કોઈ તાજો બનાવ બન્યો હતો એના સંદર્ભમાં આગાહી હતી. એમણે કહ્યું, ‘નાંખો કચરાપેટીમાં. એ તો ખોટી પડી.’ આગાહી ખોટી પડી માટે નહિ પણ સૉનેટ ખોટી પડી હશે એથીસ્તો એમણે જાતે કચરાપેટીમાં નાંખી હશે. એક દિવસ મડિયાને શું સૂઝ્યું તે ઓચિંતા એમણે બલ્લુકાકાને કહ્યું, ‘નિરંજનનો ગીતસંગ્રહ પ્રગટ થયો છે. એમાંથી થોડાંક ગીતો એ તમને સંભળાવશે.’ તરત જ બલ્લુકાકાએ મોટેથી બૂમ પાડી, ‘કલ્પુ... કલ્પુ... કલ્પુ.’ થોડીકવારમાં એમની નાનકડી પૌત્રી કલ્પના આવીને બલ્લુકાકા પાસે ઊભી રહી. એની ભણી જોઈને બલ્લુકાકાએ મડિયાને કહ્યું, ‘That is Niranjan’s audience.’ મેની ૧૬મીએ બલ્લુકાકાએ એમની છબી મને ભેટ આપી. મને એ પ્રસંગે એક સૉનેટ સૂઝ્યું તે એક સરસ મોટા ડ્રૉઇંગ પેપર પર લખીને મેની ૧૮મી એ મેં એમને ભેટ આપ્યું. પછી હું બાજુના ખંડમાં પુસ્તકો વ્યવસ્થિત કરવા ચાલ્યો ગયો. થોડીક વાર પછી પાછો આવ્યો. એમણે કહ્યું, ‘તમારું સૉનેટ મેં યોગ્ય સ્થાને મૂકી દીધું છે.’ મેં એમને પૂછ્યું, ‘ક્યાં ? કચરાપેટીમાં ?’ એમણે કહ્યું, ‘પેલું પુસ્તક લ્યો!’ મેં “ભણકાર (૫૧)” લીધું. એમણે કહ્યું, ‘ખોલીને નિવેદન અને અનુક્રમની વચ્ચે જુઓ!’ મેં ખોલીને જોયું તો સૉનેટ કાતરથી કાપીને ગુંદરથી ત્યાં ચોંટાડી દીધું હતું. પછી એમણે મને એમની ડાયરી ખોલીને એક પાનું બતાવીને કહ્યું, ‘આ વાંચો!’ મેની ૧૮મી ને શુક્રવારના પાના પર એમણે લખ્યું હતું, ‘સાંઝે નિરંજન છબિ મેં આપેલ તે ઉપર સૉનેટ લાવ્યો તે વાંચીને તુર્ત મેં ‘ભણકાર (૫૧)’ નમૂનાની નકલમાં નિવેદન અને સાંકળિયા વચ્ચે એની ઉચિત જગાએ ચોડી લીધી તેથી પણ એ રાજી થયો.’ રાજી તો એ થયા હતા એથી તો એમણે સૉનેટ ‘ભણકાર (૫૧)’માં ચોડી દીધી હતી. ધર્મની વાત ચાલતી હતી. મેં કહ્યું, ‘All religions are partly mystical.’ બલ્લુકાકાએ ભારે રોષમાં ટેબલ પર મુક્કો મારીને કહ્યું, ‘But that does not mean that mysticism is a religion.’ મુક્કાથી ટેબલ પર પુસ્તકો, ફાઉન્ટનપેનો, પાઇપ્સ, ચશ્માં, ખડિયો, મેગ્નીફાઇંગ ગ્લાસ, ગુંદરની શીશી, કાતર વગેરે વિપુલ સાધનસામગ્રી ધ્રૂજી ઊઠી અને સહેજ અધ્ધર ઊછળી. ખંડમાં પ્રવેશીને હજુ તો માંડ ખુરશી પર બેઠો ત્યાં તો બલ્લુકાકાએ રોષમાં કહ્યું, ‘Silly fool.’ હું સહેજ સ્તબ્ધ થયો. આ રોષનું ભાજન કોણ હશે ? હું તો નહિ હોઉં ? એકબે મિનિટ પછી ટેબલ પરથી એક પુસ્તક હાથમાં લીધું અને કહ્યું, ‘આ બેલ્વેલકરના નિબંધોનો સંગ્રહ છે. એ પૂણેમાં મારો વિદ્યાર્થી હતો. વર્ષો પૂર્વે એણે એના પ્રેમના પ્રતીકરૂપે આ પુસ્તક મને ભેટ આપ્યું હતું. ત્યારે એ મેં પેલા કબાટના છેક ઉપલા ખાનામાં વાંચ્યા વિના મૂકી દીધું હતું. આટલે વર્ષે આજ સવારે એ કબાટમાંથી ઉતારીને વાંચી રહ્યો છુ.ં હવે મને ભાન થાય છે મેં શું ગુમાવ્યું છે. ત્યારે વાંચ્યું હોત તો મારો કેટલો વિકાસ થયો હોત. But I shelved it and slept over it all these years like a silly fool. I was a silly fool.’ ત્યારે મેં જાણ્યું કે એમણે પોતાને silly fool કહ્યા હતા. એક દિવસ એશિયાટિક લાઇબ્રેરીમાંથી રિલ્કેનું રોદાં પરનું પુસ્તક વાંચવા લીધું હતું તે સાથે લઈને રોજની જેમ બલ્લુકાકા પાસે ગયો. એમણે પૂછ્યું, ‘શું લાવ્યા છો ?’ મેં એમને પુસ્તક આપ્યું. લગભગ અરધા કલાક લગી પુસ્તક વાંચ્યા કર્યું. એમાંથી રોદાંનું ‘ધ કીસ’ નામના પ્રસિદ્ધ શિલ્પનું છબીકરણ બતાવીને કહ્યું, ‘આનું નામ કળા. કેટલું ઋજુ, કેટલું મુલાયમ, કેટલું સુંદર છે આ શિલ્પ! અજંતામાં તો પથરા છે પથરા.’ થોડી વાર પછી મને જમણી બાજુની ભીંત પર છેક ઉપરના ભાગમાં ચિત્રોની હાર હતી એમાંથી એક ચિત્ર બતાવીને એમણે કહ્યું, ‘It is Rodin at work in his studio. કલાકાર તરીકે રોદાં મારો ભૌતિક અને આધ્યાત્મિક આદર્શ છે.’ ઉનાળાની લાંબી રજાઓ પૂરી થતી હતી. અમદાવાદ આવવાના આગલા દિવસે બલ્લુકાકાને મેં કહ્યું, ‘પરમ દિવસે મારી કૉલેજ ખૂલે છે. કાલે રાતે અમદાવાદ જાઉં છું. એટલે આજે તમને ‘આવજો’ કહું છું.’ પળમાં આનો અર્થ એ પામી ગયા. લાંબા ઊંડા મૌનમાં ચાલ્યા ગયા. એમાંથી પાછા આવીને એમણે ઋજુ-કોમળ અવાજે પૂછ્યું, ‘તમને અહીં ક્યાંક કામ ન મળે ?’ ગદ્ગદ અવાજમાં સહેજ કંપ હતો. પળમાં આનો અર્થ હું પામી ગયો. મેં કહ્યું, ‘બલ્લુકાકા, મને અહીં ક્યાંક કામ તો મળે, પણ પછી હું તમને આમ રોજરોજ ન મળી શકું.’ એમણે કહ્યું, ‘Yes, that also is true. Alright! Then go! you’re a young man. You must be having many things to do. But if you remember an old man like me, then once in a while do drop a line.’ મેં સહેજ ભીની આંખે વિદાય લીધી.