રાજા-રાણી/છઠ્ઠો પ્રવેશ

Revision as of 12:25, 25 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
છઠ્ઠો પ્રવેશ

પહેલો અંક


સ્થળ : અંત :પુર-પુષ્પોદ્યાન.
[વિક્રમદેવ અને રાજાનો વૃદ્ધ મામો — અમાત્ય]
વિક્રમદેવ : એવી બનાવટી વાતો કે જૂઠા આરોપો ન સાંભળો. યુધોજિત, જયસેન અને ઉદયભાસ્કર તો લાયક સજ્જનો છે. અપરાધ એ બિચારાઓનો એક જ કે તેઓ વિદેશી છે. એટલા જ કારણે આ રાજ્યની પ્રજાના હૃદયમાં ભડભડતો ઇર્ષ્યાનો અગ્નિ, નિન્દારૂપી કાળાધુમાડાના ગોટેગોટા કાઢી રહ્યો છે.
અમાત્ય : આપ ઇન્સાફ કરો, હજારો પુરાવા બતાવું.
વિક્રમદેવ : બીજા કયા પુરાવા હતા? આવું જબરદસ્ત રાજ્ય વિશ્વાસને બળે જ ચાલી રહ્યું છે; અને સહુ બિચારા પોતપોતાનું કર્તવ્ય કાળજીથી બજાવી રહ્યા છે. લોકોની ખણખોદ સાંભળીને રોજ રોજ અધિકારીઓના ઇન્સાફ કરવા બેસવું, એ રાજાનું કામ નથી. જાઓ, આર્ય, ઘેર જાઓ; મારા આરામમાં ભંગ ન પાડો.
અમાત્ય : મને મંત્રીજીએ જ મોકલ્યો છે, અને રાજના એક અગત્યના કામ વાસ્તે આપની મુલાકાત થવા આજીજી મોકલી છે.
વિક્રમદેવ : રાજ્ય અને રાજ-કાર્ય તો સદા છે જ ને; પરંતુ આરામનો સુમધુર અવસર તો વચ્ચે વચ્ચે કોઈ કોઈ વાર જ આવે છે; અતિ ભીરુ અને સુકુમાર એ મધુર સમય. નાજુક ફૂલની માફક ખીલીને જરા વારમાં તો ઝરી પડે; એ મધુર ક્ષણને અકાલ ચિંતાના ભારથી ભાંગી નાખવી કોને ગમે? અને આરામ પણ કર્તવ્યનું એક અંગ જ છે ને!
અમાત્ય : ત્યારે રજા લઉં છું, મહારાજ!

[જાય છે. રાણીના આત્મીય અમાત્ય પ્રવેશ કરે છે]

અમાત્ય : પ્રભુ! ઇન્સાફ કરવાની આજ્ઞા આપો.
વિક્રમદેવ : કોનો ઇન્સાફ?
અમાત્ય : મેં તો સાંભળ્યું છે, મહારાજ, કે નિર્દોષને માથે જૂઠાં તહોમતો —
વિક્રમદેવ : સાચાં થશે? એમને? ફિકર નહીં. મને જ્યાં સુધી તમારા બધાના ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી ચુપચાપ પડ્યા રહો. અને જે દિવસ એ મારો વિશ્વાસ તૂટશે, તે દિવસ હું સ્વયમેવ સત્યાસત્યનો ન્યાય કરીશ. જાઓ!

[જાય છે.]

વિક્રમદેવ : હાય રે! કેવું કષ્ટમય આ માનવ-જીવન! ડગલે ને પગલે નિયમોનાં બંધનો; પોતાની રચેલી જાળમાં મનુષ્ય પોતે જ કેવો ફસાયો છે! આકાંક્ષાનું અશાન્ત પંખી જાણે પિંજર સાથે માથાં પટકી પટકીને મરે છે. શા માટે આ કારમી પરાધીનતા? શા સારુ આટલી આત્મ-પીડા? શા કારણે આ કર્તવ્યનું કેદખાનું? અલી માધવી લતા! વસન્તની ઓ આનંદ-મંજરી! સાચી સુખી તો તું જ છે હો! તારે તો સદા પ્રભાતના પ્રકાશમાં રમવું, રાત્રિનાં ઝાકળ-બિન્દુઓ ઝીલવાં, બસ, તારે તો કેવળ સુગંધ, પરાગ અને ભમરાઓનાં ગીત! તારે તો, બસ, વાયુના હિલોળા! રાત્રીએ તારે મુલાયમ પાંદડાની પથારીમાં પોઢવું, દિવસભર ખીલીને બસ ચુપચાપ આસમાની આકાશની સામે જોયા કરવું; અને ત્યાર પછી આખરે ધીરે ધીરે, નીરવે, આસમાની ઘાસની અંદર ઝરી પડવું! ન દલીલો સાંભળવી, ન નિયમોમાં બંધાવું. રાત્રિએ સૂતાં સૂતાં ન સંશયોના મર્મદંશ, કે ન તો ભગ્નપ્રેમના ટાલા આવેશ!

[સુમિત્રા પ્રવેશ કરે છે.]


                           આવી કે, પાષાણી! દિલમાં દયા ઉપજી કે આખરે? સંસારનાં બધાં કામકાજ પૂરાં થયે, બધાને અંતે વળી આ સેવક સાંભરી ગયોને શું? ઓ વહાલી, તું શું નથી જાણતી કે સંસારના સકળ કર્તવ્યથી પ્રેમ વધુ મહત્ત્વનો છે?

સુમિત્રા : હાય, ધિક્કાર છે મને! હું શી રીતે સમજાવું, પ્રભુ, કે તમને છોડી જાઉં છું તે પણ તમારા પરના એ પ્રેમને જ કારણે? આ દાસીની વિનતિ સાંભળો, મહારાજ! આ રાજની પ્રજાની હું માતા છું. આજ એ અભાગી સંતાનોનું કલ્પાંત મારાથી નથી સંભળાતું, પ્રભુ. એ પીડાતી પ્રજાને બચાવો.
વિક્રમદેવ : એટલે? તમારે શું કહેવું છે, રાણી?
સુમિત્રા : એ જ કહેવું છે કે જેઓ મારી પ્રજાને પીડે છે, તેઓને દૂર કરો, રાજા!
વિક્રમદેવ : એ બધાં કોણ છે, જાણો છો?
સુમિત્રા : જાણું છું.
વિક્રમદેવ : એ બધાં તમારાં જ સ્વજનો છે.
સુમિત્રા : ના, મહારાજ! મારાં સંતાનોથી અધિક એ મારાં સ્વજનો નથી. મારાં સ્વજનો તો એ બધાં અનાથો, કે જે આ રાજ્યમાં પીટાય છે ને ભૂખે ટળવળે છે. રાજ-છત્રની છાંયડી નીચે છાનામાના જેઓ શિકારની શોધમાં ફરી રહ્યા છે, તે મારા ન હોય — તે તો ચોર છે, લૂંટારા છે.
વિક્રમદેવ : એ બધા તો તમારા યુધોજિત, શિલાદિત્ય અને જયસેન!
સુમિત્રા : આ ક્ષણે જ કાઢી મૂકો એ બધાને.
વિક્રમદેવ : એમ એ કાંઈ જશે? આંહીં અમનચમન ઉડાવે છે. વિના યુદ્ધે એક ડગલું પણ તેઓ નહીં ખસવાના.
સુમિત્રા : તો યુદ્ધ કરો.
વિક્રમદેવ : યુદ્ધ કરો! હાય રે રાણી, તું શું સ્ત્રી છે? ભલે, ભલે, હું યુદ્ધે ચડીશ પરંતુ તે પહેલાં તું વશ થઈ જા. એક વાર તું મારે અધીન બની જા. ધર્માધર્મ, પારકાં, પોતાનાં, અને સંસારનાં કામ — એ તમામને છોડી તું બસ મારી એકલાની બની જા. તો પછી હું તૃપ્ત બનીને આખી દુનિયાને જીતવા બહાર નીકળી પડીશ. પણ જ્યાં સુધી તું મને અતૃપ્ત તરફડતો રાખીશ, ત્યાં સુધી હું નહીં ખસું, તારા કિસ્મત સમો હું તારી સાથે જ રહેવાનો.
સુમિત્રા : તો પછી મને આજ્ઞા કરો, મહારાજ! હું મહારાણી તરીકે મારી મેળે મારી પ્રજાની રક્ષા કરીશ.

[જાય છે.]

વિક્રમદેવ : આમ જ તેં મને વ્યાકુળ કરી મૂક્યો છે, ઓ રાણી! તું તો તારા મહિમા-શિખર પર બસ અકેલી જ બેઠી છે; મારાથી ત્યાં ન પહોંચાયું. નીચે ઊભો ઊભો દિવસ ને રાત હું તારી સામે જ તાકી રહ્યો છું. તું કામે જાય છે, ને હું તને જ જોતો જોતો ભટકું છું. હાય હાય! તારું ને મારું મિલન શું કદી નહીં બને?

[દેવદત્ત પ્રવેશ કરે છે.]

દેવદત્ત : જય થાઓ મહારાણીનો. મહારાણી ક્યાં? આપ એકલા કેમ, મહારાજ?
વિક્રમદેવ : પણ તું શા માટે અહીં આવ્યો છે? બ્રાહ્મણની ખટપટ અંત :પુરમાં પણ પહોંચી છે કે? બોલ, રાજ્યની ખબરો રાણીને કોણે દીધી?
દેવદત્ત : રાજ્યની ખબરો તો રાજ્ય પોતે જ દઈ રહ્યું છે ને! એ તો, બસ, પોતાનાં જ દુઃખ રાડો પાડીને રડી રહ્યું છે — એને કાંઈ મનમાં થાય છે કે આપના આરામમાં કેટલી ખલેલ પહોંચતી હશે! બાકી, મારી બીક ન રાખશો, મહારાજ! હું તો રાણીમાની પાસે થોડી ભિક્ષા માગવા આવ્યો હતો. મારી બ્રાહ્મણી બિચારી માંદી મરે છે, ઘરમાં અનાજ નથી, એટલે ક્ષુધાની કશી તાણ નથી.
વિક્રમદેવ : મારા રાજ્યની પ્રજા સુખમાં જ રહો! સુખી જ બનો! શા માટે આટલું દુઃખ ને આટલાં કલ્પાંત? આ અત્યાચાર, આ સિતમગરી અને આ ગેરઇન્સાફ — આ બધું શા માટે? મનુષ્ય ઉપર મનુષ્યનો શા સારુ આટલો ત્રાસ? દુર્બળોનાં નજીવાં સુખો ને નજીવી શાંતિ; તેના ઉપર પણ સમર્થોની આવી કૂડી નજર કાં? જાઉં અને જોઉં તો ખરો, કાંઈ શાંતિનો ઇલાજ સૂઝે છે?