ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનદાસ બ્રહ્મ-૧

Revision as of 11:37, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનદાસ(બ્રહ્મ)-૧ [ઈ.૧૪૬૪માં હયાત] : દિગંબર મૂલસંઘના સરસ્વતીગચ્છના જૈન સાધુ. સકલકીર્તિ-ભુવનકીર્તિના શિષ્ય. બ્રહ્મચારી કોટિના સાધુ હોવાથી પોતાને બ્રહ્મ તરીકે ઓળખાવે છે. સંસ્કૃતમાં ‘રામચરિત’ વગેરે કાવ્યોની રચના કરનાર આ વિદ્વાન કવિએ ગુજરાતીમાં અનેક કથાત્મક કાવ્યોની રચના કરી છે. તેમાં દુહા-ઢાળબદ્ધ ૯ ભાસ ને ૨૦૪ કડીની ‘સુગંધદશમી-કથા’ (મુ.) સુગંધ દશમીવ્રતનો મહિમા બતાવતી, અપરમાની અવળાઈ છતાં રાજરાણી પદ પામતી સુગંધકુંવરીની કથા વર્ણવે છે. ને આ પરંપરાની ગુજરાતી કૃતિ તરીકે નોંધપાત્ર બને છે. સીધી કથા કહી જતી આ કૃતિમાં સુંદર ધ્રુવાઓ અને વિવિધ લોકપ્રિય ઢાળોના વિનિયોગથી મનોહર ગેયતા સિદ્ધ થયેલી છે. એમની અન્ય રાસકૃતિઓમાં ‘હરિવંશ રાસ’ (ર.ઈ.૧૪૬૪/સં.૧૫૨૦, વૈશાખ સુદ ૧૪), ‘યશોધર-રાસ’, ૪૫૦૦ ગ્રંથાગ્રનો ‘આદિનાથ-રાસ’, ‘શ્રેણિક-રાસ’, પૂજાફલવિષયક ‘કરકડું-રાસ’, ‘હનુમંત-રાસ’, ‘સમકિતસાર-રાસ’, ‘સાસરવાસોનો રાસ’, વજ્રસેન અને જયાવતીની કથા કહેતા ૧૨૮ દુહાના ‘પુષ્પાંજલિ વ્રત-રાસ’, ‘રામાયણ-રાસ’ (ર.ઈ.૧૪૬૪), ‘અનંતવ્રત-રાસ’, અને ‘અંબિકા-રાસ’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુકુમાલ, ચારુદત્ત, શ્રીપાલ, જીવન્ધર, નાગશ્રી, નાગકુમાર, જંબૂસ્વામી, જોગી, પ્રદ્યુમ્ન, ધનપાલ, પુરંદર, પંચપરમેષ્ઠી, ધર્મપરીક્ષા, ષોડશકારણ, લબ્ધિવિધાક, અષ્ટાભિક, શ્રુતિસ્કંધ, આકાશપંચમી, નિર્દોષસપ્તમી, કાલશદશમી, અનંતચતુર્દશી, ચંદનષષ્ઠી, ભદ્રસપ્તમી, શ્રવાણદ્વાદશી એ વિષયોના કથાનકો રચ્યાં હોવાનું અને એમનાં કુલ કથાકાવ્યો ૫૦ ઉપરાંત હોવાનું નોંધાયું છે. એમને પૂજાપાઠવિષયક અનેક રચનાઓ કરી હોવાની માહિતી પણ મળે છે. ‘દશલક્ષણિકધર્મપૂજા’ તથા ‘શ્રુતિજયમાલા’ વગેરે કેટલીક કૃતિઓ સંસ્કૃત અને ગુજરાતી બન્ને ભાષામાં ચાલે છે. કવિની ગુજરાતી ભાષામાં હિંદી-રાજસ્થાની ભાષાનો પ્રભાવ વરતાય છે. તે ઉપરાંત હિંદી ભાષામાં એમની ‘ધર્મ-પચીસી’ નામે કૃતિ પણ નોંધાયેલી છે. કૃતિ : સુગંધદશમી કથા, સં. હીરાલાલ જૈન, ઈ.૧૯૬૬ (+સં.). સંદર્ભ : ૧. હિસ્ટરી ઑવ્ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. રાહસૂચી : ૧.[ચ.શે.]