ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય-૪ રૂપચંદ

Revision as of 06:32, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામવિજ્ય-૪/રૂપચંદ [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છની ક્ષેમકીર્તિ શાખાના જૈન સાધુ. શાંતિહર્ષની પરંપરામાં દયાસિંહ-અભયસિંહના શિષ્ય. જૈન હોવા છતાં સંસ્કૃતનાં શૃંગારપ્રધાન કાવ્યો પર તેમણે લખેલા બાલાવબોધ ધ્યાનાર્હ છે. ‘ભર્તૃહરિશતકત્રય-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૩૧/સં.૧૭૮૮, કારતક વદ ૧૩), ‘અમરુશતક-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૨), ‘ભક્તામરસ્તોત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, જેઠ સુદ ૧૧), ૨૧ કડીના ‘ત્રિપુરાસ્તોત્ર’ પરનો હિન્દી સ્તબક (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, મહા વદ ૨, સોમવાર), ‘સમયસર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, આસો-), ‘નવતત્ત્વ-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૭૮), ‘મહાવીર ૭૨ વર્ષાયુ ખુલાસા-પત્ર’, ‘વિવાહ પડલભાષા’ એમની આ પ્રકારની રચનાઓ છે. એ સિવાય ૪૯૫ કડીનો ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૭૫૮/સં.૧૮૧૪, પોષ સુદ ૧૦), ૯ ઢાળ અને ૪૭ કડીનો ‘નેમિનવરસો’ (મુ.) જેવી રચનાઓ અને ‘આબુયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૫), ‘ફલોધિ પાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૬૭/સં.૧૮૨૩, માગશર વદ ૮), ૧૪ કડીનું ‘અલ્પબહુત્વ-સ્તવન’, ૩૨ કડીનું ‘નયનિક્ષેપા-સ્તવન’, ‘સહસ્ત્રકૂટ-સ્તવન’ જેવાં સ્તવનો પણ તેમની પાસેથી મળ્યાં છે. ‘ગૌતમીય-મહાકાવ્ય’ (ર.ઈ.૧૭૫૧), ‘ગુણમાલાપ્રકરણ’ (ર.ઈ.૧૭૫૮), ‘ચતુર્વિંશતિજિનસ્તુતિ-પંચાશિકા’ (ર.ઈ.૧૭૫૮) તેમની સંસ્કૃત રચનાઓ છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]