ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સાત અમશાસ્પંદનું કાવ્ય’

Revision as of 12:25, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘સાત અમશાસ્પંદનું કાવ્ય’ : પારસી કવિ એર્વદ રૂસ્તમનું દુહા-ચોપાઈમાં રચાયેલું કાવ્ય(મુ.). કાવ્યમાં કૃતિની રચનાસાલ કે કર્તાનામ મળતાં નથી, પરંતુ આંતરિક પુરાવાઓને આધારે કૃતિ કવિ રૂસ્તમની જ રચેલી હોય એમ લાગે છે. ‘જંદ અવસ્તા’ અને વિવિધ ‘રેવાયતો’માં અત્રતત્ર પડેલી વીગતોને સંકલિત કરી રચાયેલી આ કૃતિમાં અહુરમઝદ, બહમન, આર્દીબહેસ્ત, શેહેરેવર, અસ્પંદારમદ, ખોરદાદ અને અમરદાદ એ ૭ અમશાસ્પંદોમાં (પૃથ્વીનું સંચાલન કરતી દિવ્ય શક્તિઓ) પહેલા ૬ કઈ રીતે પૃથ્વીનાં વિવિધ સત્ત્વોનું રક્ષણ કરે છે અને એ શક્તિઓને પ્રસન્ન કરવા કયા આચારવિચારનું પાલન કરવું એનું વર્ણન છે. સાતમા અમશાસ્પંદ વિશે નામોલ્લેખ સિવાય કવિએ વિશેષ વાત કરી નથી. કવિની અન્ય કૃતિ ‘અર્દાવિરાફનામું’માં અર્દાવિરાફે કરેલા નર્કદર્શનનો પ્રસંગ અહીં પણ લગભગ યથાતથ મુકાયો છે, જે કાવ્યના વિષય સાથે સુસંકલિત નથી એ રીતે ધર્મસંબંધી ઉપદેશનું પુનરાવર્તન પણ કાવ્યના સંયોજનને શિથિલ બનાવે છે. કવિએ કાવ્યમાં પ્રાસ બરોબર જાળવ્યા છે, પરંતુ છંદોબંધ શિથિલ છે. [ર.ર.દ.]