વસુધા/શહીદોને
તજી જડ શરીરબંધ દૃઢ કીર્તિબંધો ગ્રહ્યા,
તજી ક્ષણિક સૃષ્ટિ આ, અમર ધામમાં રાજતા,
તજી સ્વજનનેહને જગતના બન્યા વ્હાલુડા,
તમે અજબ રીત જીવન મહાન વિસ્તારિયું.
લડી વિજય પામશું, પ્રબળ શત્રુને હાંફતો
ભગાડી, નિજ ધર્મરાજ્ય ભર હિંદમાં સ્થાપશું;
ઊઠંતી પ્રતિ યોધચિત્ત વિજયોર્મિઓ ત્યાગીને,
ઉદાર ચરિતાવલી જગતમાં બહાવી તમે.
ધરી ચરણ માતને કુસુમ શાં તમે ખીલતાં,
બલિષ્ઠ, નવયૌવને ઊછળતાં, રૂડાં જીવવાં, ૧૦
ધરી પ્રથમ પાય મુક્તિ ગમ પંથ દેખાડિયો,
સુવર્ણ ઇતિહાસપૃષ્ઠ ભરિયાં, હતાં ખલી જે.
ક્ષુધા જન ગરીબની, ભરતભૂમિની મુક્તિની
તૃષા શમાવવા તમે રુધિર દેહથી દોહિયાં,
અહા, રુધિરદુગ્ધ સિંચન કરી હર્યા તાપ એ,
શરીર જડ ઓસર્યાં, યશશરીર મોટાં થયાં!
પ્રભાત ઉગશે, ઝગે કળશ મુક્તિના ધામના,
નિનાદ જયઘંટના, દરશને જનો આવશે,
તમે તહીં વિરાજશો જનનીસોડમાં રાજતા,
યશોધન થકી, પ્રસન્નમુખ, આદિ પૂજારીઓ. ૨૦