સોરઠી બહારવટિયા ભાગ-2/જમાદાર ગુલમહમદ

Revision as of 07:49, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જમાદાર ગુલમહમદ| }} {{Poem2Open}} <center>[લેખકની લોકસાહિત્યની શોધનકથા ‘પરકમ્મા’માં]</center> એનું નામ જમાદાર ગુલમહમદ. તાલાળા ગામે મને તેડવા આવતા એ અસવારની સૂરત મેં છેટેથી દીઠી : રાંગમાં પાણીદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જમાદાર ગુલમહમદ
[લેખકની લોકસાહિત્યની શોધનકથા ‘પરકમ્મા’માં]

એનું નામ જમાદાર ગુલમહમદ. તાલાળા ગામે મને તેડવા આવતા એ અસવારની સૂરત મેં છેટેથી દીઠી : રાંગમાં પાણીદાર ઘોડી રમતી હતી, ને મેં એ ચહેરાને મીંડવી જોયો — પેલા બોલની જોડે, ‘ગુલાબના ગોટા જેવો’ — ને ખાતરી થઈ કે ગગુભાઈના વર્ણનમાં અલંકાર-ભભક નહોતી, સુંદર સત્ય હતું. સાઠ વર્ષની લગોલગ અવસ્થા ખેડતો આદમી પોતાના ચહેરા પર તાજાં ગુલો રમાડી શકે એ એક નવાઈ પામવા જેવી તો ભલેને નહીં, પણ ખરેખર પ્રસન્ન થવા જેવી વાત હતી. ખાખી પોષાકમાં એની શ્વેત દાઢીથી મઢેલી સિપાહીગીરી શોભતી હતી, ને હું એમની પાછળ પાછળ મારી ઘોડીને હાંક્યે જતો સાસણના ઘાટે ગીર-માર્ગે અજાયબ થતો હતો કે આ શું એ જ ગુલમહમદ જે કાદરબક્ષ બહારવટિયાની જોડે દસ-અગિયાર વર્ષની ઉંમરે દિવસ-રાત ગીરના ડુંગરા ખેડતો હતો! આ શું એ જ બાળક જેને ફાંસીની સજા થયેલી! આના દીદાર ઉપર તો ગેરઇન્સાનિયતની રેખાય નથી કળાતી ને! રસ્તામાં સાંજ આથમતી હતી. ગાઢાં જંગલોને વાઢી વાઢી ખેડ માટે ખુલ્લી કરવામાં આવેલી ધરતી ઉપર અમે વેગમાં ઘોડાને લીધ્યે જતા હતા. અઢારભાર વનસ્પતિમાંથી ગળાઈ ગળાઈને લીલોતરીની ગંધ ચૂતી હતી. છ ગાઉનો પલ્લો ખેંચવાનો હતો, ને મારી જિજ્ઞાસા દબવી દબાતી નહોતી. હું એ ગુલાબના ગોટા-શા ચહેરાવાળા જૈફ આદમીને ગુફ્તેગોના કૂંડાળામાં પેસાડવા પ્રયત્ન કરતો હતો. ‘આપની ઉંમર ત્યારે કેવડી હતી?’ ‘ફાંસીની સજામાંથી આ સ્થિતિ પર, જંગલખાતાના આસિસ્ટંટ ઉપરી અધિકારીની પાયરી પર, આપ શી રીતે મુકાયા?’ ગુલમહમદભાઈ ફક્ત એટલો જ જવાબ દેતા, ‘મુકામ જઈને પછી તમામ વાતો કહીશ, તમામ કહીશ’. પછી સાસણના સરકારી થાણામાં પોતાના મકાનમાં બેસી તસ્બીના પારા પડતા મૂકતાં મૂકતાં એમણે મને વાતો કહી. ત્રણ દિવસ લગી અમારી બેઉની એકધારી બેઠક પહોંચી. વચ્ચે એ પાંચેય નમાઝ પઢતા જાય, તસ્બી ફેરવતા રહે ને એના બે-ત્રણ રિન્દબલોચ નોકરોને મકરાણી જબાનમાં પૂરા સ્વાસ્થ્ય સહિત કામકાજની સૂચનાઓ કરતા જાય. એની વાર્તામાં એનું સાચ તરી આવતું હતું. કાદુ બહારવટિયાને વિશે અલકમલકની જે જે વાતો મેં ઢૂંઢી હતી તેમાંની એક પછી એકને હું એમની નજર તળે કસાવતો ગયો. એમણે આખું બહારવટું નજરે જોયેલું; કાદુના ભાઈ અલાદાદના ખભા ઉપર બાળક ગુલમહમદની સવારી થતી; નાનું બચ્ચું થાકી જાય, ઘોડાં બહારવટિયાને પોસાય નહીં ને કોણ જાણે કેમ પણ આ નાનો બાળક બહારવટામાં ગયેલો એટલે પછી વેઠવો પણ પડેલો. એ નાનપણની રજેરજ સાંભરણ ગુલમહમદભાઈએ મારી પાસે ધરી દીધી.

*
[‘જન્મભૂમિ’ના સાહિત્ય-વિભાગ ‘કલમ-કિતાબ’માં : 1936]

જમાદાર ગુલમહમદના મૃત્યુને ‘કલમ-કિતાબ’નો લેખક નમ્ર અદબ આપે છે. છોંતેર વર્ષના એ જૈફ મકરાણીના કંઠમાંથી કાદુના બહારવટાના અનેક કિસ્સાઓ મળ્યા હતા, ને અનેક પોકળ માન્યતાઓ ઇન્કાર પામી હતી: કારણ કે જમાદાર ગુલમહમદ કાદુના કુટુંબીજન હતા ને પંદર વર્ષની વયે કાદુના બહારવટામાં શામિલ હતા. બહારવટિયા અલાદાદને ખભે સવારી કરતો આ કિશોર ગુલમહમદ એ ભયાનક બહારવટાનો લગભગ એક જ શેષ સાક્ષી હતો. અને કોઈક મધ્યયુગી મસ્તકથાનું મુખ્ય પાત્ર બને તેવી આ પુરુષની આપવીતી હતી. ‘મને તો મૉતની સજા થયેલી… જાહેર ફાંસી આપવાના હતા’, એવી હકીકત કહેતા એ જૈફ પ્રભુભક્ત ગયા ફાગણ મહિનાની અજવાળી બીજના પ્રભાતે, જૂનાગઢના મુસલમાનવાડાના પોતાના નાના એવા મકાનની ખડકીએ એક બાળકની જેમ ખડખડાટ હસતા હતા, ને વારેવારે અલ્લાહની યાદમાં બંને હાથ ઊંચા કરતા હતા. મોંમાં પાનબીડું હતું. માથા પર ઊનનો રૂમાલ લપેટ્યો હતો. ગળે બટનદાર મફલર હતું. ને મોં ઉપર તાજા પઢેલા નમાઝની તેમ જ કુરાનના પાઠની ઝલક હતી. … ને મારી ઉમેદ હતી કે ફરીથી કોઈ સંજોગ મેળવીને જમાદાર સાહેબની યાદદાસ્તના પુરાણા પોપડા ઉખેળવા હું પાછો પહોંચી જઈશ. પોતાના પગની આરપાર ઓચિંતાની એક બંદૂક-ગોળી પેસી ગયેલી તેનો છ મહિના સુધીનો ખાટલો વેઠતે વેઠતે એક અરેરાટી પણ ઉચ્ચાર્યા વગર કારમી પીડાને ભોગવી લેનાર આ લોખંડી મનના વૃદ્ધ આમ ઓચિંતા ચાલી નીકળશે તેની મને દહેશત નહોતી. કિશોરાવસ્થાનો બહારવટિયો: જુવાની આખી જેલમાં: પ્રૌઢપણે દુનિયાનું જીવન માંડી પિતા બન્યો : ને સાત રૂપિયાની નવાબી નોકરીથી શરૂ કરી આખરે જંગલના અધિકારી બન્યા. એનું નામ અર્થભરી જિંદગાની. જૂનાગઢને ઘેર તો ગીરની વનરાઈ : સાવજોનું રહેઠાણ; પહાડોના પથારા; તેને કારણે તો સામ્રાજ્યના ચુનંદા શિકારીઓ જૂનાગઢમાં ઊતરતા. પણ એ તમામનો ભોમિયો, ગીરનું હરએક પશુ અને પ્રત્યેક તરણું પિછાનવાવાળો તો ગુલમહમદ હતો.