યાત્રા/મળ્યાં
Revision as of 11:18, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મળ્યાં|}} <poem> મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી. મહાજનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે, ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી, બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં. ઘણો સમય તો ન ક...")
મળ્યાં
મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી.
મહાજનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં, અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદીસીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.
એપ્રિલ, ૧૯૩૯