યાત્રા/સદૈવ

Revision as of 11:02, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સદૈવ|}} <poem> (સૉનેટયુગ્મ) [૧] સદૈવ સ્મરણે રહે પરમ મૂર્તિ તારી, શિવે! સદામધુર પદ્યરમ્ય મધુસદ્ધ શી મોહના! પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા, પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા. અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સદૈવ


(સૉનેટયુગ્મ)

[૧]

સદૈવ સ્મરણે રહે પરમ મૂર્તિ તારી, શિવે!
સદામધુર પદ્યરમ્ય મધુસદ્ધ શી મોહના!
પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા,
પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા.

અમે બહુ ય ઝંખ્યું, ઝાંખી પણ ક્યાંય લાધી નહિ,
અમે બહુ મથ્યા, પરંતુ નવ પ્રાપ્તિ સાધી કંઈ,
દરિદ્ર અને લક્ષ્મી સૌ, અબલ આ અમારું બલ,
અમારી મતિમાં ગતિ ન, અમ જ્ઞાન અજ્ઞાન હો!

ત્વદીય શુભ દર્શને નયન તૃપ્ત હાવાં થતાં,
હવે જ ઋતધામના ઉઘડતા દિસે આગળા,
હવે જ ગરલો થકી અમૃત કેરી આશા થતી,
હવે સઢ-ઢળેલ નાવ વરમાણ લેતી ગતિ.

તને નયનમાં, તને હૃદયમાં હવે સ્થાપશું,
સદૈવ તવ સંગતે જગત્પથ વટાવશું.

[૨]

જગતપથ વટાવશું, તવ જમિ લલકારશું,
સમસ્ત અરિ સંગ ઉગ્ર પડકાર ઉચ્ચારશું,
ત્રિશુલ તવ લેઈ ફૂલ સહુ સૃષ્ટિનાં વીંધશું,
પરાત્પરની એક આણ અહીં માત્ર આરાધશું.

પરાત્પરની પૂર્ણતા -ન અણુ ઊન એથી હવે,
હવે મનની મૂર્તિ પ્રતિ ન મીટ કે માંડવી,
હવે અમ અધૂરી ભાવભરતી બધી છાંડવી;
પ્રકાશ પરમેશને જ, રસ તો જ રાસેશનો.

સહસ્ર યુગની હવે ઉદિત પૂર્ણિમા શારદી,
રસેશ તણી રીત, પ્રીત પરમાત્તમા પૂર્ણની,
ધરાતલ પરે હવે ગગનશિંગ ઉત્તુંગ ને
મનસ્તલ વિષે સમસ્ત ઋતની જ શશ્વપ્રભા.

અહા મધુર દીધ શું મધુર સ્વપ્ન તે, શ્રીમયી!
પસાર વર હસ્ત, સર્વવરદાયી લીલામયી!

ડિસેમ્બર, ૧૯૪૭