શાંત કોલાહલ/દાંપત્ય
ઘુઉ...ર ઘુઉ...ર ઘુર
ગળામાં ઘુંટાય સૂર
ક્યારની રમે છે આહિં
ઝરુખે કપોત જોડ.
પૂરાય કે જાગે એના
ક્ષણે ક્ષણ કોડ ?
અંગ જાણે અષાઢ બાદલ
ચાંચમૂળ શ્વેત
લીલી ડોક
લોચન ચરણ લાલ
અને ક્યાંક શ્યામ રેખ
પાંખે પાંખ
મળે
મુખે મુખ
અહીં તો બે અહીં ને
ત્યાં જાય તો બે જાય
એમની તે સંગ
જાણે ઝૂલણે ઝૂલે છે
છ યે ઋતુમંત કાલ
ઘુઉ...ર ઘુઉ...ર ઘુર
ગળામાં ઘુંટાય સૂર
તરસું છીપાય
તેમ
ઝાઝુ તલસંત ઉર