રચનાવલી/૩૨


૩૨. ધાડ (જયંત ખત્રી)


કેટલાક વાર્તાકારો એવી વાર્તાઓ લખે છે જે ચીલાચાલુ હોય અને તેથી ગરમાગરમ હોય, એમાં વાચકને કંઈ કરવાનું હોતું નથી એ વાચકને સટાક ગળે ઊતરી જાય છે. એને સામે છેડે કેટલાક વાર્તાકારો એવી વાર્તાઓ લખે છે, જેમાં જોરદાર પ્રયોગો હોય અને સાથે ટાઢીહીમ હોય, એમાં વાચકોને ઘણું બધું કરવું પડે છે. એ વાચકનું ગળું ઝાલે છે. પણ આ બે છેડાઓની વચ્ચે પણ વાર્તા લખનારાઓ પડ્યા છે. એમની વાર્તાઓ ગરમાગરમ હોતી નથી, તો સાવ ટાઢીહીમ પણ હોતી નથી. એવી કોકરવરણી વાર્તાઓ લખનારાઓમાં ગુજરાતી સાહિત્યમાં પહેલું નામ કોઈ હોઠે ચઢે તો તે જયંત ખત્રીનું. એમની ટૂંકી વાર્તાઓ ખૂબ લાંબી અને લેખણે લખાયેલી છે. પણ એમાં જે કાંઈ રજૂ થાય છે તે જાણે કે આંખ આગળ બનતી હોય એવું તાદશ રજૂ થાય છે. ગાંધીવાદની જોડાજોડ પ્રગતિવાદ અને સામ્યવાદની વિચારસરણીને મૂકીને ભદ્રવર્ગ પ્રત્યેના રોષ સાથે અને શોષિતો શ્રમિકો પરત્વેની તરફદારી સાથે સ્વપ્નસ્થ, બકુલેશ જેવા વાર્તાકારોએ જ્યારે વાર્તાઓ લખવા માંડી તે જ વખતે જયંત ખત્રીએ પોતાની કચ્છની ભૂમિ અને કચ્છના માણસોને વાર્તામાં જીવતા કરવા માંડેલાં. જયંત ખત્રી કહે છે ‘હું મારી ભૂમિ અને મારા માણસોને અનહદ ચાહું છું.’ ધૂળ-વંટોળ, ટાઢ, તડકો, કાંટા ઝાંખરા, નિઃસીમ મેદાન અને રણથી ભરી કચ્છની ધરતી અને ધૂળિયા વંટોળ વચ્ચે વલોવાતી ધરતી પર વસતા માણસોના સંબંધોની કથા એમની વાર્તાની મૂળ માંડણી રહી છે. જયંત ખત્રીની વાર્તાઓ વાંચતા એવું લાગે કે એમની વાર્તાનું નાટ્યસ્વરૂપ નવલકથા કરતાં નાટકની વધુ નજીકનું છે. એમાં ગતિ છે. પહેલાંની ક્ષણથી પછીની ક્ષણ પર ખસતું એવું કથન છે. જેમાં કોઈ રૂપાન્તર જોઈ શકાય છે અને એ રૂપાન્તરની ક્ષણ જ એમની વાર્તાઓમાં મહત્ત્વની બનીને ઊભી રહી જાય છે. આ જોતાં ઉમાશંકર જોશીએ આપેલી ટૂંકી વાર્તાની વ્યાખ્યાને નવેસરથી જોવાનું મન થાય છે અને થાય છે કે ઉમાશંકરે ટૂંકી વાર્તાને ‘અનુભૂતિકણ’ કહી છે પણ ખરેખર ટૂંકી વાર્તા ‘અનુભૂતિક્ષણ’ છે. ‘અનુભૂતિકણ’માં એક જાતની સ્થગિતતા છે જ્યારે ‘અનુભૂતિક્ષણ’માં અનુભૂતિ કરવાની ક્ષણ પહેલાંની અને પછીની ક્ષણને જોડે છે, એની ગતિનો અનુભવ છે. જયંત ખત્રીની વાર્તાઓમાં રૂપાન્તરની ક્ષણનો તીવ્ર અનુભવ કરાવતી ‘લોહીનું ટીપું’, ‘ખીચડી’, ‘તેજ ગતિ અને ધ્વનિ’ તેમજ ‘ખરા બપોર' જેવી વાર્તાઓ વચ્ચે એમની ‘ધાડ’ વાર્તાનું સ્થાન અનોખું છે. જગતના ઉત્તમ વાર્તાસાહિત્યમાં નિઃશંક સ્થાન આપી શકાય એવી એ પ્રતિનિધિ વાર્તા છે. જયંત ખત્રીએ કચ્છના નાવિક મંડળમાં, પોર્ટ કામદારોમાં અને કચ્છમાં કૉલેરના ઉપદ્રવ તેમજ અંજારના ધરતીકંપ વખતે તબીબી ટુકડી સાથે કામ કરેલું. એક ડૉક્ટર હોવા ઉપરાંત જયંત ખત્રી જાહેરજીવનમાં સક્રિય હોવાથી એમને જીવનનો સીધો અનુભવ મળેલો, પણ એ સીધો અનુભવ લેખક ૫૨ભારો વાર્તામાં ગોઠવી દેતા નથી. ખૂબ જતનપૂર્વક આવા અનુભવના સત્યને તેઓ વાર્તામાં સૌંદર્ય સુધી પહોંચાડે છે. આવો સૌંદર્યનો ચમત્કાર ‘ધાડ' વાર્તામાં થયો છે. એટલું જ નહીં પણ પોતે ડૉક્ટર હોવાની સમજનો ‘ધાડ’ વાર્તાના મુખ્યપાત્ર અને પાત્રની મુખ્ય ક્રિયાઓને લાભ મળ્યો છે. વાર્તા આવી છે : પોર્ટની લૉન્ચની ચોકી કરતો પ્રાણજીવન કાદવવાળા ચેરિયાના છોડવાથી છાયેલા કિનારા પર ઊંટ ચારવા માટે ઘૂમતા ઘેલાના પરિચયમાં આવે છે. ઘેલો પ્રાણજીવનને જીવતરનો એવો ભેદ જણાવે છે કે માથાભારે થવું. સાચાસાચ તો જે વઘારે માથાભારે છે તે વધારે સારું જીવન જીવે છે. ઘેલો પ્રાણજીવનને પોતાને ગામડે આવવા અને ધરતી વચ્ચે જ ત્યાંના માણસોને પારખવા નોતરું આપે છે. ત્યારે પ્રાણજીવન બેકાર થતા, ઓચિંતો ઘેલાના ગામની દિશા લે છે. ધરતી ખૂંદતો પ્રાણજીવન છેવટે ગંદુ પાણી એકઠું થાય તેમ બે ઊંચી ટેકરીઓની તળેટી વચ્ચે એકઠું થઈ પડેલું ઘેલાનું ગામ જુએ છે. પ્રાણજીવને અહીં ઘેલાની સ્ત્રી અને ઘેલાનો મેળાપ થાય છે. ઘેલો પ્રાણજીવનને કહે છે કે ‘ઊંટ પર આજે હું તને પચીસ ગાઉં ફેરવીને પાછો લાવીશ' પણ ઘેલો ક્યાં જવાનું છે અને શા માટે જવાનું છે તે પ્રાણજીવનને જણાવતો નથી. બપોરે જમ્યા પછી ઘેલો ઊંટ પર પ્રાણજીવનને લઈને ચાલી નીકળે છે. રસ્તામાં પહેલીવાર ઘેલો પ્રાણજીવનને કહે છે કે એનું ઊંટ એ ‘ધાડી’ ઊંટ છે. પ્રાણજીવન ચોંકે છે. એને ખબર પડે છે કે ધાડ પાડવાના કામમાં ઘેલો એને સાથી બનાવીને લઈ જઈ રહ્યો છે. પ્રાણજીવનની ના છતાં દમદાટી સાથે ઘેલો છેવટે જ્યાં ધાડ પાડવાની હતી તે ગામમાં અને શેઠના ઘરમાં પ્રવેશે છે. બંદૂકની અણીએ શેઠનું સઘળું લૂંટવા માંડે છે. શેઠાણી હેબતાઈ જાય છે, ત્યાં શેઠની જુવાન દીકરી અવાજ થતાં મેડા પરથી નીચે આવે છે. ઘેલો એને પકડીને એના હાથના ચૂડલા ઉતારવા કોશિશ કરે છે. શેઠની દીકરી ‘નહીં આપું’ કહીને કરગરે છે. આવી રકઝક વચ્ચે બળજબરીથી ચૂડલો ઉતારવા જતા ઓચિંતો ઘેલા ઉપર પક્ષાઘાતનો હુમલો થાય છે. પ્રાણજીવનમાં ઓચિંતી હિંમત આવે છે અને એ બાજી સંભાળી લે છે. બન્દુકની અણીએ શેઠ-શેઠાણીની સહાયથી એ ઘેલાને ઊંટ સુધી પહોંચાડે છે અને ઊંટ ચાલવા માંડતા લૂંટનો સામાન શેઠને પરત કરે છે. અપંગ ઘેલાને પ્રાણજીવન ઘરે તો પહોંચાડે છે પણ છેવટે એનું મૃત્યુ થાય છે. ટૂંકમાં ધાડ પાડવા ગયેલો ઘડખમ માણસ કેવો દયામણો બની જાય છે અને એની સાથેનો બાયલો માણસ ઊભા થયેલા સંજોગોમાં કેવી બહાદુરીથી કામ લે છે એની બદલાતી વિરોધાભાસી પરિસ્થિતિની આ વાર્તા છે. જયંત ખત્રી ડૉક્ટર હોવાની જાણકારી સાથે ઊંચા રક્તચાપથી પીડાતા ઘેલાનું ચીડિયું પાત્ર ઊભું કર્યું છે. ઘેલો વાતવાતમાં તપી જઈને ઊંદર, કૂતરો, પોતાની સ્ત્રી જે આવે તેની સાથે આક્રોશથી વર્તે છે. એ જ અતિ તણાવમાં એ ધાડ વખતે શેઠની દીકરી સાથે પણ આક્રોશથી વર્તે છે પણ એના મનમાં ઊંડે સૌભાગ્યચિહ્નનો કોઈ નિષિદ્ધ પડેલો હશે જે એને છેવટે પક્ષાઘાત તરફ દોરી જાય છે. ધાડ પાડવા ગયેલા ઘેલા પર પ્રભુની ધાડ પડે છે એની કરુણતા તો અહીં છે જ પણ ધડખમ કેવો દયામણો અને બાયલો કેવો બહાદુર બની જાય છે એની વક્રતા પણ અહીં પડેલી છે. આખી વાર્તામાં પ્રકૃતિનું વર્ણન માણસોની સાથે અને એમના પ્રસંગો સાથે સંકળાયેલું રહ્યું છે. એમ લાગે કે ફિલ્મમાં દૃશ્યોની પાછળ દશ્યોને પોષવા કે એને ઉત્કટ બનાવવા કે દૃશ્યોનું સમર્થન કરવા જેમ સંગીત પાર્શ્વભૂમાં આવે છે તેમ પ્રકૃતિએ સંગીતની પેઠે વાર્તાને અહીં આકર્ષક બનાવી છે. પવનનાં વારંવારનાં વર્ણનો ધ્યાન ખેંચનારાં છે . આ વાર્તામાં જયંત ખત્રીનો, જયંત ખત્રીના કચ્છનો અને કચ્છના માણસોનો નજીકથી પરિચય થાય છે. આદર્શ પ્રકાશને ‘જયંત ખત્રીની આદર્શ વાર્તાઓ’નું ૧૯૯૪માં એક સંપાદન કર્યું છે, જેમાં જયંત ખત્રીના ‘ફોરાં’ (૧૯૪૯), ‘વહેતાં ઝરણાં’ (૧૯૫૨) અને ખરા બપોર (મરણોત્ત૨, ૧૯૬૮) જેવા વાર્તાસંગ્રહોમાંથી નવ વાર્તાઓ સંપાદિત થઈ છે.