રચનાવલી/૯૪
સ્થળ બદલાય છે, સમય બદલાય છે. મનુષ્યની પેઢીઓ બદલાતી રહે છે. જમાનો બદલાય છે. પણ સ્ત્રીપુરુષ વચ્ચેનાં આકર્ષણો અને સામાજિક વ્યવસ્થાઓનાં માળખાંઓ વચ્ચેનાં ઘર્ષણો સતત થતાં જ રહ્યાં છે. એમાં કોઈ ભાગ્યે જ ફેર પડ્યો છે. મોટાભાગની પ્રેમકથાઓનો કરુણ અંત આવે છે અને એને કારણે લગ્નજીવનમાં પણ કરુણતા સર્જાય છે. કારણ પ્રેમ એ નૈસર્ગિક આકર્ષણ છે અને લગ્ન એ સામાજિક વ્યવસ્થા છે. જગતભરના કથાસાહિત્યમાં કોઈપણ પ્રેમકથાની નીચે પડેલું આ એક સર્વસામાન્ય હાડપિંજર છે, જેમાં પછી લોકો રંગ ઘૂંટીને લોકસાહિત્ય સર્જે છે કે લેખકો પ્રાણ પૂરીને કથાવાર્તા રચે છે. ભારતીય નવલકથામાં જ્ઞાનપીઠ ઍવાર્ડને કારણે જેમનું નામ જાણીતું છે તે વિશ્વનાથ સત્યનારાયણ તેલુગુ સાહિત્યકાર છે. એમની નવલકથા ‘એકવીરા' પણ આવી જ કોઈક પ્રેમકથા રજૂ કરે છે. વિશ્વનાથ સત્યનારાયણ કવિ છે, વિવેચક છે, નિબંધકાર છે, પણ વિશેષ કરીને તેઓ નવલકથાકાર છે. ‘કવિ સમ્રાટ'ના બિરૂદથી નવાજાયેલા આ તેલુગુ નવલકથાકારની વિશિષ્ટ કૃતિ ‘રામાયણ કલ્પવૃક્ષ’ જ્ઞાનપીઠ માટે પસંદ થઈ હતી. એમની નવલકથા ‘સહસ્રફેણ'ને આન્ધ્ર વિશ્વવિદ્યાલયમાં સ્થાન મળ્યું છે. પણ અહીં જે એમની નવલકથા એકવીર'ની વાત કરવાના છીએ એ એમની ઐતિહાસિક નવલકથા છે. દક્ષિણ ભારતનું વાતાવરણ એમાં બરાબર ઊતર્યું છે. અને એમાં ય આન્ધ્ર પ્રદેશના પ્રચલિત કુચીપુડીને આ નવલકથામાં એક અંગ બનાવીને દાખલ કર્યું છે. ઉપરાંત આન્ધ્રના મધ્યકાલીન રાજપ્રકરણનો પણ એમાં સમાવેશ થયો છે. પોર્ટુગલો આવ્યા અને એમનો રંજાડ શરૂ થયો એ સમયની વાતને અહીં વણી લેવામાં આવી છે. દક્ષિણમાં વેગે નદી મદુરા નગરની એક બાજુ ખાઈનું કામ કરે છે અને ત્રણ બાજુ એને કિલ્લાની ઊંચી દીવાલો છે. વેગે નદીને કાંઠે બે મિત્રો મળ્યા છે. એકનું નામ છે કુટ્ટાન અને બીજાનું નામ છે વીરભૂપતિ. કુટ્ટાન મદુરાના નાયક રાજાઓના મુખ્ય સેનાપતિ અને સેતુઓના સ્થપતિ ઉદયનનો એક માત્ર પુત્ર છે; જ્યારે વીરભૂપતિ રાજવલ્લિપુરનો નિવાસી છે. એનાં માતાપિતા ગરીબ છે. બંને મિત્રો મદુરામાં પ્રશિક્ષણ લઈ રહ્યા છે. વીરભૂપતિને આશા છે કે પ્રશિક્ષણ પૂરું થતાં મિત્ર કુટ્ટાનની ઓળખાણથી એને કોઈ સારી નોકરી મળી જશે. કુટ્ટાને મિત્ર વીરભૂપતિ આગળ પોતાની વ્યથા રજૂ કરી : પોતે પરણેલો છે, પણ પરણતાં પહેલાં એ એક મીનાક્ષી નામની સુન્દરીના પરિચયમાં આવેલો. મામાની હવેલી પાસેના મન્દિરઉદ્યાનમાં માળા ગૂંથતી ચાલતી આવતી મીનાક્ષીની સંમુખ પોતે થયેલો. અને મીનાક્ષી એનાં ચરણ પાસે ફૂલની માળા છોડીને ચાલી ગયેલી. પિતાની મરજી વિરુદ્ધ ન જઈને પરણી ગયેલો પોતે હવે મીનાક્ષીને ભૂલી શકતો નથી. એનું દુઃખ મિત્ર વીરભૂપતિ આગળ કુટ્ટાન પ્રગટ કરે છે. બીજી બાજુ વીરભૂપતિ પણ મિત્ર કુટ્ટાન પાસે કબૂલ કરે છે કે પોતાનો ખેડૂત પરિવાર છે પણ પોતે અત્યંત આકર્ષક હોવાથી ગામની બહારના કોઈ મહેલના ગોખમાં દેખાયેલી સુન્દરીને મન આપી બેઠો છે. એ યુવતી કોણ હતી અને કેવી રીતે મળી શકાય એની એને કાંઈ ખબર પડતી નથી. માતાપિતા રાજકન્યાના મોહમાં કોઈ જોખમ ન ઊભું કરવા માટે વીરભૂપતિની પાસેથી વચન લે છે અને વીરભૂપતિનો પ્રેમ મરુભૂમિમાં અદશ્ય થનારી જલધારાની માફક લુપ્ત થઈ ગયો છે. કુટ્ટાન છેવટે પત્ની એકવીરા પાસે એકરાર કરે છે કે ‘મારા મનમાં તારા પ્રત્યે કોઈ ઊંડી લાગણી નથી. આપણે આ જન્મમાં પતિપત્ની બની ગયાં છીએ. બાકી મીનાક્ષી નામની એક ગરીબ પરિવારની કન્યાએ અને મેં પરસ્પરને પ્રેમ કર્યો છે. મીનાક્ષીના હવે લગ્ન થઈ રહ્યા છે. મારા મિત્ર વીરભૂપતિએ મીનાક્ષી પરથી મન ઉઠાવીને તારા પર મનને કેન્દ્રિત કરવાની સલાહ આપી છે.' આટલું કહી કુટ્ટાન વીરભૂપતિને ત્યાં પહોંચે છે, પણ એ લગ્ન કરવા પોતાને ગામ ચાલી ગયો હતો. લગ્નબાદ વીરભૂપતિને કુટ્ટાનની મદદથી સ્થાનપતિની મોટી પદવી મળેલી. પણ વીરભૂતિએ પણ મીનાક્ષીને સ્પષ્ટ કરી દીધું કે એણે કોઈ અન્ય યુવતી સાથે પ્રેમ કર્યો છે. તો સામે, મીનાક્ષીએ પણ સ્પષ્ટ કર્યું કે એણે પણ કોઈ અન્ય પુરુષને ચાહ્યો છે. તેથી પોતાના પર જબરદસ્તી ન કરે. વીરભૂપતિને ત્યાં મીનાક્ષીને જોતાં કુટ્ટાન મનોમંથનને અંતે પ્રેયસીને બહેન તરીકે સ્વીકારી લે છે. આ બાજુ વીરભૂપતિના મહેલની સામે ઊજવાતા મીનાક્ષી અને સુન્દરેશ્વરના કલ્યાણ મહોત્સવમાં મીનાક્ષી કુટ્ટાનની પત્ની એકવીરાને નિમંત્રણ આપે છે. ઉત્સવ બાદ કુચીપુડી દ્વારા ભાગવત પ્રદર્શન થયું અને એમાં મીનાક્ષી તથા એકવીરા બાજુ બાજુમાં ગોઠવાયાં. વિરહિણી સત્યભામાની વેદનાને નૃત્યમાં પ્રગટ થતી જોઈ કુટ્ટાનની પત્ની એકવીરા વ્યગ્ર થઈ ઊઠી અને વીરભૂપતિના મહેલમાં અભાનપણે ચાલી ગઈ. ત્યાં વીરભૂપતિના શયનકક્ષમાં વીરભૂપતિ અને એકવીરાનું મિલન થાય છે. એકવીરા અચેત થઈ જાય છે. છેવટે મીનાક્ષીના પ્રયત્નથી ભાનમાં આવતાં મીનાક્ષી બધું સમજી જાય છે. મીનાક્ષી એકવીરાને કહે છે : આ એક વિચિત્ર સંયોગ છે. તારા લગ્ન પૂર્વે તેં વીરભૂપતિને અને મેં કુટ્ટાનને હૃદય સોંપ્યું. આ બંને પરમ મિત્ર છે. જ્યારે કુટ્ટાનને ખબર પડી એણે મિત્રપત્નીને બહેનનો પ્રેમ આવ્યો છે. કુટ્ટાન તને પ્રેમ કરવા ઉત્સુક છે, પણ રાજકાર્ય માટે દૂર ગયા છે. આજકાલમાં આવી જશે. કુટ્ટાન રાજકાર્યમાંથી પાછો ફર્યો. પણ એકવીરા કહી દે છે કે ‘મારા દેહનો અણુ અણુ વીરભૂપતિના સ્પર્શસુખનો અનુભવ કરી ચૂક્યો છે. હું બીજાનો સ્પર્શ સહન નથી કરી શકતી.' આલિંગનમાં મૃત એકવીરાનું શરીર છેવટે પડીને વેંગેં નદીના પ્રવાહમાં વહી જાય છે. ચાર પાત્રોની પરસ્પર અંગે ગૂંચવાયેલી પરિસ્થિતિમાંથી જન્મતી કરુણતાને આલેખતી આ ઐતિહાસિક નવલકથામાં પરસ્પર માટેની નિષ્ઠા અને પ્રગટ થતો આદર પ્રેમકથાને ગરવી બનાવે