યાત્રા/જાગ અગની
જાગ અગની
જાગ અગની! જાગ અગની!
જાગી લગની, જાગ હે!
ભસ્મ કરવા તમસવગડા
જાગ અગની, જાગ હે!
માગ, મૂકે માગ અંધારાં બધાં,
માગ, ભાગે ભૂત અંધાં અધસનાં,
માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્વના.
જાગ અગની, જાગ અગની, જાગ હે!
ચાલ, ઝટઝટ ચાલ, ઊઘડે બારણાં,
ચાલ, ચિર ઉપવાસનાં આજે થવાનાં પારણાં,
ચાલ, જો જો ઓ ઉષા લેવા ઉભી ઓવારણાં.
જાગ અગની, જાગ અગની, જાગ હે!
બાલ, તારો વાળ વાંકો પણ નહીં હાવાં થશે,
બાલ, તારે પંથ અણબુઝ જ્યોત સઘળું ચીંધશે,
બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે.
જાગ અગની, જાગ અગની, જાગ હે!
માર્ચ, ૧૯૪૫