હું જો તોફાન કરી ચંપાના ઝાડ પર ચંપો થઈને ખીલું અને સવારના પહોરમાં મા, ડાળ પર કૂણાં પાંદડાંમાં આળોટું તો તું મારી આગળ જરૂર હારી જાય. તે વખતે શું તું મને ઓળખી શકવાની છે? તું બૂમો પાડ્યા જ કરે કે કીકો ક્યાં ગયો? અને હું (એ સાંભળી) છાનોમાનો માત્ર હસ્યા કરું! તું જ્યારે જે કંઈ કામ કરતી હશે તે બધુંયે હું આંખો ઉઘાડીને જોયા કરવાનો. સ્નાન કરીને તું પીઠ પર કેશ ફેલાવીને ચંપા હેઠળ થઈને આવશે અને અહીં થઈને પૂજા-ઘરમાં જશે ત્યારે દૂરથી તને ફૂલની ગંધ આવશે. પણ એ વખતે તું સમજી નહિ શકે કે આ તો તારા કીકાના અંગની ગંધ આવે છે! બપોરે સૌનું ખાવાનું પત્યા પછી તું હાથમાં મહાભારત લઈને બેસશે ત્યારે ઝાડની છાયા બારીમાંથી આવીને તારી પીઠ પર ને ખોળામાં પડશે. હું મારી નાનકડી છાયા તારી ચોપડીની ઉપર લાવીને હલાવીશ. પણ તે વખતે તું સમજી નહિ શકે કે તારી આંખ આગળ તારા કીકાની છાયા તરી રહી છે! સાંજે જ્યારે દીવો પેટાવીને તું ગાયની કોઢમાં જશે ત્યારે હું ફૂલની રમત રમીને ટપ દઈને, મા, નીચે ભોંય પર ઝરી પડીશ. ફરી પાછો હું તારો કીકો બની જઈશ, અને, તારી પાસે આવીને કહીશ કે ‘મા, વારતા કહે!' ત્યારે તું કહેશે, 'તોફાની, તું ક્યાં હતો?’ હું કહીશ ‘તને એ નહિ કહું!' સપ્ટેમ્બર, ૧૯૦૩ ‘શિશુ’