પ્રતિસાદ/અણમોલ વિરાસત આપણી બધાની

Revision as of 13:19, 19 September 2023 by Atulraval (talk | contribs)

દક્ષિણ આફ્રિકામાં અને હિંદુસ્તાનમાં ગાંધીજીએ ચલાવેલી અનેક રાજદ્વારી લડતોમાં હરિલાલે સક્રિય ભાગ લીધો હતો અને વખતોવખત જેલવાસ વેઠ્યા હતા, છતાં પિતાના આગ્રહોના છિટ્કારમાં, તેમજ પોતાની તમામ ક્ષતિઓ માટે પિતા જ જવાબદાર હતા એવી એમની માન્યતામાં, એમણે કદી મચક ન આપી. ગાંધીજી પોતે પોતાના પુત્રોના ઉછેર અને શિક્ષણની બાબતમાં, પોતે કશો અન્યાય કર્યો છે એમ માનતા નહોતા; છતાં હરિલાલના પતનમાં, પોતાના વહેલા કાળનું જીવન એક કારણ હશે એમ માનતા અને કહેતા. પણ ગાંધીજીની સત્ય પ્રત્યેની નિષ્ઠા તેમજ એમના આગ્રહને યથાયોગ્ય સમજનારની નજરમાં, આ બાબતમાં, એમનો દોષ વશે એમ નથી. સત્યનિષ્ઠાને ખાતર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર જીવનસાધકો, પોતાની સાધના પાછળ, ‘સુતવિત દારા શીશ સમરપે’ એમાં નવાઈ નથી – એ એમ જ કરે. ગાંધીજીએ એ જ પુરાણી પરંપરાનું અનુસરણ કર્યું.

સ્વામી આનંદ



અણમોલ વિરાસત આપણી બધાની

ધીમે ધીમે હવે ગુજરાતમાં જીવનકથાઓ-આત્મકથાઓ લખાવા માંડી છે. ભલે, હજી સાહિત્યકારો આ પ્રકાર અજમાવવા માટે એટલા બહાર નથી આવ્યા, પણ બીજાં ક્ષેત્રોની સાહિત્યિક પ્રતિભા આ સ્વરૂપનો તાગ લેવા યત્નશીલ બની છે. હમણાં નિરીક્ષકમાં શ્રી મનુભાઈ પંચોલીએ જાણીતા સર્વોદય કાર્યકર નવલભાઈ શાહની આત્મકથાની વાત કરી છે. ભૂમિપુત્રના સંપાદક કાન્તિભાઈ શાહે પિંડવળ આદિવાસી ક્ષેત્રમાં કામ કરતાં કાન્તાબેનની જીવનકથાને લઈને ‘એકત્વની આરાધના’ પુસ્તક લખ્યું છે અને એ થોડા સમય પહેલાં સંપાદકીયનો વિષય બની ચૂક્યું છે. હવે ખૂબ મોટો પડકાર ઝીલીને રામદાસ ગાંધીનાં પુત્રી અને ગાંધીજીનાં પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણી ગાંધીજીની જીવનકથા લઈને – કંઈક અંશે એ આત્મકથનાત્મક પણ કહી શકાય – ‘અણમોલ વિરાસત’ પુસ્તક લઈને આપણી સમક્ષ આવે છે. મૂળ એમણે એ પુસ્તક હિંદીમાં લખ્યું છે, પણ આ ગુજરાતી પુસ્તક પણ એમણે જ તૈયાર કર્યું છે અને સુમિત્રાબેન લખે છે, “આજે જ્યારે ગુજરાતી પુસ્તક બહાર પડે છે તેનો મને અપાર સંતોષ છે કે આખરે માતૃભાષાનાં ચરણોમાં નાનું એવું પણ મારું પુસ્તક મુકાશે.” પુસ્તક ત્રણ ખંડોમાં લખાયેલું છે. પહેલા ખંડમાં ગાંધીજીના બાળપણથી એમના દક્ષિણ આફ્રિકાના રહેવાસ સુધીનો સમય આવરી લેવાયો છે; બીજા ખંડમાં ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારથી છેક સુધીનો છે, અને ત્રીજા ખંડમાં ગાંધીજીનું વ્યક્તિત્વ અને એમના પરિવારની નિકટની વ્યક્તિઓ લઈ ચરિત્ર આલેખન કરવામાં આવેલું છે. મારે અહીં મુખ્યત્વે ત્રીજા ખંડ ઉપર એટલે કે વ્યક્તિચિત્રો આલેખાયાં છે એ લઈ કંઈક લખવા વિચાર છે. એમ તો આખી પુસ્તકમાળામાં ઠેર ઠેર નાનાં મોટાં રસપ્રદ ચરિત્રો આવે છે. પહેલા ખંડમાં તો જર્મન યહૂદી સ્થપતિ હરમન કેલનબૅક જે ગાંધીજીના ગાઢ મિત્ર બની ગયા હતા અને ગાંધીજીના કાર્યાલયમાં કામ કરતાં મિસ ડિક અને મિસ સ્લેશન ઉપર આખાં પ્રકરણો છે અને ખૂબ રસ પડે એવાં છે, પણ આપણે તો અમુક મુદ્દાઓ ઉપસાવવા અને વાતો કરવા સીમિત વિહાર જ કરીશું. મને ત્રણ ખંડોમાં પહેલા ખંડમાં આવતા પ્રસંગોના આલેખનની પ્રવાહિતા અને લેખિકાનાં પોતાનાં નિરીક્ષણો-પ્રતિભાવો અને મંતવ્યો વધુ સ્પર્શી ગયાં. ત્રણે ગ્રંથોની સામગ્રી લેખિકાએ કેવી રીતે એકઠી કરી છે તે લેખિકાના જ શબ્દોમાં જોઈએ : “આમાંની ઘણીખરી માહિતી મારા બાપદાદા અને કાકાના મોઢે સાંભળેલી. પૂ. બાપુજીના ‘સત્યના પ્રયોગો’ અને મારા પિતાશ્રીનાં ‘સંસ્મરણ’ એમ બે પુસ્તકે દીવાદાંડીની જેમ મારું દિશાસૂચન કર્યું છે, તે ઉપરાંત જાત-જાતનાં સંબંધી ને મિત્રો પાસે ખાસ જઈને પ્રશ્નો પૂછીને ઓતાબાપા, કબા ગાંધી અને પૂતળીમા વિષે વિગત મેળવી છે. તેમજ આફ્રિકા વિશે મારા પિતા અને દેવદાસકાકા પાસેથી ઘણી વાર્તાઓ સાંભળેલી. પ્રભુદાસભાઈ ગાંધીનું ‘જીવનનું પરોઢ’ પુસ્તક તો આફ્રિકા વિષે મોટી ખાણ છે.” અન્ય કરતાં સુમિત્રાબેનના ગ્રંથો જુદા પડે છે તે એ રીતે કે લાગતાંવળગતાં સગાંસંબંધીઓ પાસેથી મેળવેલી વિગતોનો ઉપયોગ થયો છે અને ગાંધીજીના મૃત્યુ સમયે એ અઢાર વર્ષનાં હતાં એટલે એમના સ્વાનુભવના પ્રસંગો અને પ્રતિભાવો પણ સુપેરે આમેજ થયા છે. એમનાં વડવાઓનું જીવન કેવુંક હશે એ કલ્પનાવિચારે ચઢતાં લેખિકાની અતીતઝંખના તાદૃશ ચિત્રાત્મકતા ધારણ કરે છે. થોડુંક જોઈએ : “મને નાનપણથી જ ખબર હતી કે અમે મૂળ પોરબંદરનાં નિવાસી હતાં. પણ ભાગ્યનું ચક્ર કંઈક એવું રહ્યું કે મારી ૪૦ વર્ષની ઉંમર સુધી હું ત્યાં જઈ શકી નહીં. જ્યારે પહેલી વાર પોરબંદર ગઈ ત્યારે હૃદય કોઈ અનપેક્ષિત ભાવથી સ્તબ્ધ હતું... કોઈ અવ્યક્ત ભાવનાઓથી ઘેરાઈને મેં એ ઘરમાં પહેલી વાર પ્રવેશ કર્યો હતો. દિલ ચાહતું હતું કે મારા હૃદયની કે પરિવારના આ પુરાતન ઘરની નીરવતાનો કોઈ ભંગ ન કરી દે. કોઈ એનો સ્પર્શ ન કરી દે કે ક્યાંક અદૃશ્ય થઈ જાય... આખું ઘર પહોળાઈમાં બહુ નાનું છે. પણ ત્રણ માળનું છે. એક સાંકડા દાદર દ્વારા ઉપર જવાનો રસ્તો છે. આ સીડી એટલી સાંકડી અને સીધી છે કે દોરડું પકડીને જ ઉપર નીચે જઈ શકાય છે. હું વિચારમાં પડી કે પૂતળીમાના નાજુક પગ કેવી રીતે જલદી જલદી આ નિસરણી પર ચઢતા-ઊતરતા હશે?” સુમિત્રાબેન ત્રીજા ખંડ ઉપર એટલે કે ચિરત્ર આલેખન ઉપર આવે છે ત્યારે એકાએક અત્યાર સુધી ગાંધીજી પ્રત્યે રહેલા અતિ આદરભાવયુક્ત અ-ટીકાત્મક અભિગમમાં પલટો આવે છે. આદરભાવ તો હજી એવો ને એવો છે. પણ અહીં ગાંધીજીની વિરલ હસ્તીની એમના પરિવાર સંદર્ભે આવેગરહિત શોધતપાસ કરવાને બદલે મહદ્અંશે એ દાદાનાં પૌત્રી બની જાય છે. આવા માનસનું પ્રાકટ્ય પણ ઓછી રસપ્રદ વાત નથી. મહાન વ્યક્તિના સંતાન હોવું એ અત્યંત લાભપ્રદ હોય તોપણ એ પૂરા ગેરલાભની વાત પણ હોય છે. એક તો લોકો અજ્ઞાતપણે એ મહાન વ્યક્તિના ગુણો એમનાં સંતાનોમાં જોવા પ્રેરાય છે, અને એ પ્રકારની મહાનતા નજરે નથી પડતી ત્યારે નિરાશ થાય છે કે ટીકાત્મક બની જાય છે. આ સંતાનોની અલગ વ્યક્તિતા સહેલાઈથી સ્વીકારાતી નથી હોતી. એટલે આવા વલણની સામે અજ્ઞાતપણે સંતાનોમાં પોતાની અસ્મિતા પ્રસ્થાપિત કરવા માટે વિદ્રોહ રહેતો હોય છે. અહીં લેવાયેલો સુમિત્રાબેનનો અભિગમ લગભગ આવા વિદ્રોહનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં તમે જોશો કે કસ્તૂરબા, મણિલાલ ગાંધી, રામદાસ ગાંધી અને જરાક જુદી રીતે હરિલાલ ગાંધી પણ સુંદર અને સર્વગુણસંપન્ન છે. ક્ષતિઓ હોય અને ખાસ કરીને હરિલાલ ગાંધીમાં તો એ માટે એમના દાદા, ગાંધીજી જવાબદાર છે. અલબત્ત સુમિત્રાબેન પોતાને માટે અસુંદર અને અબુધ એવાં વિશેષણો વાપરે છે—એ માત્ર દેખાડારૂપ નથી લાગતું. એમની નિષ્ઠા અને ઘણે બધે અંશે એમની અહંરહિતતાના દ્યોતક છે. પરિવાર સંબંધે દાદા પ્રત્યેનો લેખિકાનો દ્વિર્ભાવ અહીં તીવ્રપણે વ્યક્ત થતો દીસે છે. આપણે મુખ્યત્વે કસ્તૂરબા અને હરિલાલ ગાંધીને લઈને જોઈશું. અહીં પણ લેખિકાએ કરેલા બધા જ પ્રસંગોનું વિવરણ કે આપેલાં પ્રતિભાવો કે અર્થઘટન જોઈ જવા અશક્ય છે એટલે થોડુંક લેશું. મોહન-કસ્તૂરની શરૂઆતની જિંદગીની વિગતો લેખિકાના શબ્દોમાં ખૂબ સંક્ષેપમાં જોઈએ : “મોહનનાં કસ્તૂર સાથે લગ્ન થયાં ત્યારે મોહનની ઉંમર તેર વર્ષની હતી અને કસ્તૂર મોહન કરતાં છ મહિના મોટાં હતાં. કસ્તૂર ચુસ્ત વૈષ્ણવ પરિવારનાં હતાં એટલે નાનપણથી સહનશીલ અને સંયમી હતાં. સંકલ્પના બળે બધાં કામોમાં એ સ્વસ્થ-પ્રસન્ન રહેતાં. પતિ બહુ પ્રેમાળ, પણ આગ્રહી સ્વભાવના હતા. મોહન ઇચ્છતા કે એમની પત્ની રજા વગર ઘરની બહાર ન જાય અને દરરોજ રાત્રે લખતાં-વાંચતાં શીખે. કસ્તૂર પ્રત્યે આ એક પ્રકારની બળજબરી જ હતી. ઘરનાં ચૂલા-ચોકડીના કામથી પરવારીને મનોરંજનને બદલે વાંચવા-લખવાનું કામ મુશ્કેલ હતું. રજા વગર ઘરની બહાર ન નીકળવાને કારણે બંને વચ્ચે ઘણી વાર બોલચાલ કે ઝઘડો થઈ જતાં. આખો દિવસ ઘરનું કામ કર્યા પછી ટમટમતી મીણબત્તીના અજવાળે વર્ણાક્ષર શીખવાનું કસ્તૂરને અસાધ્ય અને નકામું લાગતું હતું. પરંતુ ઉત્સાહી પતિ પોતાની પત્નીને ભણાવી-ગણાવીને પારંગત બનાવવાનો આગ્રહ રાખતો હતો. આવા બાળક જેવા મતભેદ સિવાય પતિ પત્નીને એકબીજા માટે બહુ પ્રેમ અને આકર્ષણ હતાં.” ઘણી વાર મોહનની રજાની પરવા વગર ઘરની બહાર જવું અને લખવા-વાંચવા શીખવાનો વિરોધ કરવો એ કસ્તૂરને બધી બાબતમાં મોહનને નમતું ન જોખનારાં સ્વતંત્ર સ્વભાવનાં બતાવે છે. મોહનની રજા વગર ઘરની બહાર ન જવું એ જોહુકમી ખટકે એવી છે, પણ કસ્તૂરને લખતાં-વાંચતાં કરવાની મોહનની તમન્ના (ભલે લેખિકા એને બળજબરી ગણાવે) ગમી જાય એવી છે. માત્ર પત્નીને વાસનાનું સાધન માનવાને બદલે એને સાક્ષર બનાવવામાં રસ લેવો એ તે વખતના જમાનામાં તો અત્યંત પ્રગતિશીલ પગલું ગણાય. હવે એ ખ્યાતનામ પ્રસંગ જેમાં ગાંધીજી કસ્તૂરબાને લગભગ ઘરની બહાર કાઢવા સુધી પહોંચી જાય છે એ લેખિકાના શબ્દોમાં સંક્ષેપમાં જોઈએ. દક્ષિણ આફ્રિકાની આ વાત છે. “ઘરમાં બધું કામ હાથે જ કરવામાં આવતું, પણ સંડાસ સાફ કરવાની જવાબદારી તો ગૃહદંપતીની જ રહેતી. સામાન્ય રીતે દાદીને રાતની વેળાના મળમૂત્રના પોટ ઉપાડવામાં મુશ્કેલી નહોતી પડતી. પરંતુ એક બે વાર એવા લોકો ઘરમાં રહ્યા હતા કે જેમને ખુદની સફાઈ કરવાનો ખ્યાલ આવતો નહોતો. એવા એક પ્રસંગે દાદીને થયું કે આ બીજા લોકોનો ઝાડોપેશાબ ઉપાડવાનો! બાપુજી પોતે એ કામ કરવાને તૈયાર હતા, પણ પતિ પોતે આ કામ કરે એ કસ્તૂરબા જેવાં પતિવ્રતાથી સહન નહોતું થતું. બાપુજીને પોતાના લોકો ઉપર ગુસ્સો કરવાની ટેવ હતી. એ ઉશ્કેરાઈને ગાજી ઊઠ્યા, ‘કરવું હોય તો રાજીખુશીથી કર, નહીં તો મારા ઘરમાં આવું નાટક નહીં ચાલે.’ દાદી પણ ગુસ્સે થઈ ગયાં, ‘તો તમારું ઘર તમારી પાસે રાખો. હું જાઉં છું.’ બાપુજી કાબૂ ગુમાવી બેઠા. હાથ પકડીને દાદીને ઘરમાંથી બહાર કાઢવા માટે દરવાજા સુધી ઘસડી લઈ ગયા. અને અર્ધો દરવાજો ખોલ્યો પણ ખરો. દાદીએ કહ્યું તમને તો લાજશરમ નથી, પણ મને છે. કોઈ જોશે તો શું કહેશે? જરા શરમાઓ. આ પરદેશમાં હું ક્યાં જાઉં? મા-બાપ પણ નથી કે તેમની પાસ જતી રહું!’ ગાંધીજી મનોમન શરમાયા.” ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે, “હું તો જેવો પ્રેમાળ તેવો ઘાતકી પતિ હતો... આજે હું મોહાંધ પતિ નથી, શિક્ષક નથી. ઇચ્છે તો કસ્તૂરબાઈ મને આજે ધમકાવી શકે છે.” લેખિકાનો કસ્તૂરબા પ્રત્યેનો મીઠો બચાવ પણ માણવા જેવો છે. એક જ વસ્તુની લેખિકા રજૂઆત કરે અને ગાંધીજી કરે એ તફાવત થોડું સૂક્ષ્મતાથી જોતાં દેખાય. સુમિત્રાબેન લખે છે, “આફ્રિકાની જેલે દાદીનું સ્વાસ્થ્ય ખલાસ કરી નાંખ્યું... એ અરસામાં બાપુજીએ દાદીને મીઠું અને દાળ છોડી દેવાનું કહ્યું. સામાન્ય રીતે શાકાહારી માટે દાળ એ મહત્ત્વનો ખોરાક હોય છે. દાદીએ કહ્યું, ‘એ કેમ બની શકે? મીઠું તો કોઈ ન છોડી શકે.’ ત્યારે બાપુજીએ કહ્યું, ‘ભલે હું એક વર્ષ માટે મીઠું અને દાળ નહીં ખાવાનું વ્રત લઉં છું.’ આ જ પ્રસંગ ગાંધીજીએ એમની આત્મકથામાં નીચે પ્રમાણે વર્ણવ્યો છે : “કસ્તૂરબાઈને રક્તસ્રાવે ફરી ઊથલો માર્યો. તે કેમેય મટે નહીં... તેથી જ્યારે બીજા ઉપચારોમાં સફળતા ન મળી ત્યારે મેં તેને મીઠું અને કઠોળ છોડવા વીનવી. બહુ મનાવતા છતાં, મારા કથનના ટેકામાં કંઈ કંઈ વંચાવતા છતાં માને નહિ, છેવટે તેણે કહ્યું, ‘કઠોળ અને મીઠું છોડવાનું તો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો.’ મને દુઃખ થયું ને હર્ષ પણ થયો. મારો પ્રેમ ઠાલવવાનો મને પ્રસંગ મળ્યો તે હર્ષમાં તુરત જ કહ્યું, “તારી માન્યતા ભૂલભરેલી છે. મને દરદ હોય ને વૈદ આ વસ્તુ કે બીજી કોઈ વસ્તુ છોડવાનું કહે તો જરૂર છોડી દઉં. પણ જા, મેં તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બંને છોડ્યાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.” સુમિત્રાબેન લખે છે, “કોઈક વાર ક્યાંક લખાણોમાં એવો ઉલ્લેખ મળે છે કે મોટીબાને ખાદીનું મહત્ત્વ તથા છૂતાછૂત છોડી હરિજનોને અપનાવવાનું સમજાવવામાં બાપુજીને ઠીક ઠીક સમય લાગ્યો હતો. મને લાગે છે કે એમાં ખોટી માહિતી અપાઈ હશે.” નવાઈ લાગે છે કે લેખિકા આ માની કેમ નથી શકતાં? કસ્તૂરબા શું પહેલેથી બધી સમજણ લઈને જ આવ્યાં હતાં? આને નકારવા માટે લેખિકા ઠોસ કારણો કે બીજી હકીકત રજૂ નથી કરી શક્યાં. પણ કસ્તૂરબાનો આવો બચાવ કરવાની જરૂર જ શી? છેવટે કસ્તૂરબા ગાંધીજી સાથે કદમે કદમ મીલાવી શક્યાં છે એ ઓછી મોટી વાત નથી. એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક વાર જેલમાં ગયાં હતાં. આફ્રિકાની આકરી જેલમાં પણ પોતાની જ મરજીથી એ સત્યાગ્રહ કરી ગયા હતા. ખરેખર તો ગાંધીજીના બધા જ પુત્રો અને પત્નીનો સ્વાતંત્ર્ય સંગ્રામ અર્થે જેલમાં જવાનો અને કરેલા બીજા ત્યાગો ખૂબ મોટા છે, પણ હંમેશાં પાર્શ્વમાં રહેવાની એમની વૃત્તિ અને પ્રકૃતિને કારણે બધો પૂરો તાગ લેવાયો નથી એ આ ગ્રંથો વાંચતાં જરૂર લાગે. કોઈ વાર અમુક લોકોને લાગતું કે કસ્તૂરબાને જીવનમાં ઝાઝું સુખ નહીં હોય અને દુઃખી હશે. આવી એક વાત કસ્તૂરબાને ધ્યાનમાં આવી ત્યારે તે કહેનાર સ્ત્રીને પોતાની ભાષામાં કસ્તૂરબાએ એક પત્ર લખ્યો હતો. લેખિકાએ એ આખો પત્ર ગ્રંથમાં છાપ્યો છે. તેમાંથી થોડુંક જોઈએ : “તમારો પત્ર મને બહુ ખૂંચ્યા કરે છે. તમારે ને અમારે તો કોઈ દિવસ વાતચીત કરવાનો વખત બહુ નથી આવ્યો તો તમે કેમ જાણ્યું કે ગાંધીજી મને બહુ દુઃખ આપે છે?... મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહિ હોય... સત્યથી આખા જગતમાં પૂજાય છે. હજારો તેની સલાહ લેવા આવે છે. હજારોને સલાહ આપે છે, અમને કોઈ દિવસ મારી ભૂલ વગર મારો વાંક નથી કાઢ્યો...’ અતિ વિવાદાસ્પદ ગાંધીજી અને હરિલાલ ગાંધીના સંબંધની તપાસમાં આગળ વધીએ એ પહેલાં એક અત્યંત મહત્ત્વના પુસ્તકનો ઉલ્લેખ અહીં કરવો જરૂરી છે. શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલે ૧૯૭૭માં હરિલાલ ગાંધીની વિસ્તૃત જીવનકથા સાધાર હકીકતો લઈ લખી છે. એ પુસ્તકની પ્રસ્તાવના સ્વામી આનંદની છે; લેખની ઉપર જે અવતરણ લીધું છે એ એ પ્રસ્તાવનામાંથી છે. અન્ય લખાણો દ્વારા અને સુમિત્રાબેનના ગ્રંથ દ્વારા હરિલાલ ગાંધીનું જે વ્યક્તિત્વ ઊપસે છે તે આ પ્રકારનું છે. અતિ આકર્ષક વ્યક્તિત્વ એ ધરાવતા હતા. તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા, નિખાલસ અને સ્વતંત્ર પ્રકૃતિના હતા. હસમુખા અને વિનોદપ્રિય હતા. એમણે દક્ષિણ આફ્રિકામાં અનેક વાર સત્યાગ્રહો કર્યા હતા અને અનેક વાર જેલમાં ગયા હતા. એમની નીડરતા અને વીરતાએ ઘણાંનાં દિલો એમણે જીતી લીધાં હતાં અને આફ્રિકામાં એ નાના ગાંધી તરીકે ઓળખાવા લાગ્યા હતા. પણ આ પછી ક્યાંક બધું ખોટકાઈ ગયું? શું થયું? પહેલાં આપણે હરિલાલ ગાંધીની જીવનકથા ઉપર ઝડપી ઊડતી નજર નાખીએ. આનો આધાર મુખ્યત્વે મેં ચંદુલાલ દલાલના પુસ્તકનો લીધો છે. ૧૮૮૮માં ગાંધીજી બૅરિસ્ટર થવા માટે વિલાયત ગયા ત્યારે હરિલાલની ઉંમર ત્રણ મહિનાની હતી. ૧૮૯૧ની સાલમાં ગાંધીજી વિલાયતથી પાછા ફર્યા. કાઠિયાવાડમાં પ્રેક્ટિસ બરાબર ચાલી નહીં અને પછી મુંબઈ ગયા, પણ ત્યાં પણ એમનું બરાબર ચાલ્યું નહીં. દરમ્યાન ૧૮૯૨માં પુત્ર મણિલાલનો જન્મ થયો. એ જ વર્ષે ગાંધીજી એક મેમણ વેપારીની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા. ગયા હતા એક વર્ષ માટે, પણ લગભગ ત્રણ વર્ષ સુધી એમનું ત્યાં રોકાઈ જવાનું થયું. ત્યાં સુધી કુટુંબ રાજકોટ હતું. પુત્રો સંયુક્ત કુટુંબમાં બીજાંઓની સાથે ઊછરતા હતા. ૧૮૯૬ના જુલાઈ માસમાં ગાંધીજી પોતાના કુટુંબને આફ્રિકા લઈ જવા માટે હિંદ આવ્યા. એ વખતે એમની સાથે પત્ની, બે પુત્રો – હરિલાલ અને મણિલાલ અને ભાણેજ ગોકળદાસ હતા. ૧૮૯૮માં પુત્ર રામદાસનો જન્મ થયો અને ૧૯૦૦ની સાલમાં પુત્ર દેવદાસનો જન્મ થયો. ૧૯૦૧ની સાલના પાછલા ભાગમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા છોડી હિંદમાં વસવાટ કરવાનો નિશ્ચય કર્યો. હિંદ આવી ગાંધીજીએ વકીલાતનો ધંધો શરૂ કર્યો. મુંબઈમાં ઘર માંડ્યું. છોકરાઓ મોટા થતા જતા હતા. એમની કેળવણીનો પ્રશ્ન ગાંધીજીને મૂંઝવી રહ્યો હતો. એ બધા દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી જ આ પ્રશ્ન ઊભો થયો હતો. ત્યાં જે શાળાઓ હતી તે ગોરાઓ માટે હતી. બિનગોરાઓને એમાં પ્રવેશ ન મળે અને કદાચ ગાંધીજીના મોભાને કારણે મળે તોપણ ત્યાં છોકરાઓ એકલા પડી જાય. વળી ત્યાં માધ્યમભાષા બિનગુજરાતી, ગાંધીજીને રુચે નહીં. પોતે જાતે જ ભણાવવા વિચાર કર્યો, પણ એને માટે એમની પાસે જોઈતો સમય નહોતો. શિક્ષક રાખવાનો વિચાર કર્યો, પણ તે યોગ્ય મળે નહીં. આ કારણે દક્ષિણ આફ્રિકા રહ્યા ત્યાં સુધી છોકરાઓની કેળવણીનો પ્રશ્ન ઊકલી શક્યો નહીં. ગાંધીજી હિંદ પાછા આવ્યા ત્યારે હરિલાલની ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી. હરિલાલને ગોંડળના છાત્રાલયમાં મોકલવામાં આવ્યા, પણ ત્યાંના છાત્રાલયથી સંતોષ ન થતાં હરિલાલને પાછા બોલાવી લેવામાં આવ્યા. કુટુંબ સાથે રહેતા દૂરના ભત્રીજા છગનલાલ ગાંધી હરિલાલ અને મણિલાલને ભણાવવાનું કામ પણ કરતા. ૧૯૦૨ના નવેમ્બરમાં ગાંધીજી કુટુંબને હિંદમાં મૂકી ફરી આફ્રિકા ગયા. ૧૯૦૪માં કુટુંબને ફરી આફ્રિકામાં બોલાવી લેવામાં આવ્યું. હરિલાલને સાથે ન લઈ જવામાં આવ્યા અને ભણવા માટે તેમને મુંબઈ રાખ્યા. આફ્રિકામાં ગાંધીજીએ છોકરાઓને હાથે દળવું, પાયખાનાની સફાઈ કરવી, માંદાની માવજત કરવી વગેરે કાર્યો શીખવ્યાં. હરિલાલ એમની સાથે નહોતા એટલે એ જાતની કેળવણીથી એ વંચિત રહ્યા. પછીથી હરિલાલની સગાઈ એક સ્નેહીના દીકરી ગુલાબ સાથે કરવામાં આવી. ૧૯૦૩માં એમની ફઈને ત્યાં હરિલાલ સખત માંદા પડ્યા. એમના સસરા એમને પોતાને ઘેર લઈ ગયા અને ત્યાં હરિલાલ અને ગુલાબબેનનો પ્રેમસંબંધ બંધાયો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી લખતા હતા કે હરિલાલને ત્યાં મોકલી દેવા. હરિલાલ એ વખતે મુંબઈની એસ્પ્લનેડ હાઈસ્કૂલમાં પાંચમા ધોરણમાં હતા. હરિલાલની એ સમયે આફ્રિકા જવાની ઇચ્છા નહોતી. એક તો ગુલાબબેનનું એમને ખેંચાણ હતું અને નિયમિત એમની સાથે પત્રવ્યવહાર ચાલતો હતો. પછીથી ગાંધીજીના મોટાભાઈએ હરિલાલ અને ગુલાબનાં લગ્ન ૧૯૦૬ના મે મહિનામાં કરી નાખ્યાં. ગાંધીજી કે કસ્તૂરબાને પહેલેથી પૂછવામાં આવ્યું નહોતું એમ લાગે છે. લગ્ન પછી ત્રણેક માસ બાદ હરિલાલ દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં એક છોટા સત્યાગ્રહી તરીકે એમની ભૂમિકા જ્વલંત રહી. દરમિયાન હરિલાલ અને ગાંધીજી વચ્ચે ભણતર અંગે તીવ્ર મતભેદો ઊભા થયા. અધૂરામાં પૂરું ડૉ. પ્રાણજીવનદાસે જ્યારે ગાંધીજીના એક પુત્રનું વિલાયતમાં ભણવાનું ખરચ ઉઠાવવા તત્પરતા બતાવી ત્યારે હરિલાલને બદલે ગાંધીજીએ ભત્રીજા છગનલાલને પસંદ કર્યો. એ બાબતે વાતને વકરાવી. હરિલાલે પિતાનું ઘર છોડી જવાનો નિશ્ચય કર્યો. કોઈનેય કહ્યા વિના એ જોહનિસબર્ગથી લૉરેન્ઝો મારક્વિસ પહોંચી ગયા. ગાંધીજીને ખબર પડતાં એમણે બે તાર કરી એમને પાછા બોલાવ્યા. પિતા-પુત્ર વચ્ચે નિખાલસતાથી વાત થઈ, પણ કંઈ વળ્યું નહીં. હરિલાલ હિંદ પાછા ફર્યા. હરિલાલના ખર્ચની વ્યવસ્થા ગાંધીજીએ કરી. ગાંધીજીને જાણવા મળ્યું કે હરિલાલ હિંદ જઈ પંજાબમાં કોઈ ઠેકાણે ભણવાના છે. પંજાબ વિશે હરિલાલને કાંઈ ખબર હશે કે કેમ તે અંગે ગાંધીજીને શંકા હતી અને તેથી તેમણે હરિલાલને અમદાવાદમાં ભણવાનું સૂચવ્યું. હરિલાલ ત્યાં ત્રણ વાર મૅટ્રિકમાં નાપાસ થયા. હરિલાલને લાગ્યું કે હવે ભણી શકાય એમ તો છે જ નહીં એટલે એમણે ધંધામાં પડવા વિચાર્યું. હરિલાલ અને ગુલાબબેને કલકત્તામાં ઘર શરૂ કર્યું. એમને ચાર સંતાનો હતાં. કુટુંબના દિવસો બહુ આનંદમાં પસાર થવા લાગ્યા. હરિલાલની નોકરી સાથે થોડો કાપડનો વેપાર કરી કમાઈ લેવાની ઇચ્છા હતી. બે ચાર જગ્યાએ એમણે પૈસા ઉછીના લીધા હતા. બધા પૈસા એ પાછા વાળી શક્યા નહીં. ૧૯૧૮માં પત્ની ગુલાબબેનનું માંદગી પછી અવસાન થયું. પત્નીના અવસાન પછી હરિલાલના જીવનમાં પલટો આવ્યો. હરિલાલનાં સંતાનોને ગાંધીજીએ પોતાની અને કસ્તૂરબા પાસે આશ્રમમાં રાખ્યાં. એ બધાં આશ્રમમાં કે એમની ફઈ પાસે રહેવા લાગ્યાં. સંસાર સાથેનો સંબંધ તૂટતાં હરિલાલે દારૂનું શરણું લીધું. એ ચક્કર શરૂ થયું કે પૈસાની વધુ ને વધુ જરૂર પડવા લાગી. કમાવાના લોભમાં કંઈક ધંધાઓમાં એ ફસાયા. ૧૯૩૬માં એમણે મુસલમાન ધર્મ અંગીકાર કર્યો. ભરપૂર પૈસા, મદિરા અને વારાંગના એ ત્રણે પૂરતા પ્રમાણમાં મળ્યા છતાં એ ઇસ્લામિક અનુભવથી નિર્ભ્રાન્ત થયા. કસ્તૂરબાની સમજાવટથી છ મહિના પછી આર્યસમાજની મદદથી ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યો. પછીના એમના જીવન વિશે ખાસ કહેવાનું રહેતું નથી. ગાંધીજી પ્રત્યે એમનો દ્વેષ ચાલુ રહ્યો. શરાબની જે આદત પડી હતી એથી એ કદી છૂટી શક્યા નહીં. સુમિત્રાબેને અનેક રીતે હરિલાલ ગાંધીના જીવનમાંની ક્ષતિઓ માટે ગાંધીજીને દોષિત ઠરાવ્યા છે. અહીં બધા જ મુદ્દાઓની શોધતપાસ કરવાનું અશક્ય છે. માત્ર બે ત્રણ વસ્તુઓ જોઈશું. લેખિકા લખે છે, “હરિલાલકાકાને બાળપણના નાજુક, સૂક્ષ્મ ચૈતન્યના સમયમાં પિતાનું સાન્નિધ્ય તો નહીં, મામૂલી સુખ પણ મળ્યું નહોતું. માતાનું વાત્સલ્ય હતું. પણ મા તો પિતાની ગેરહાજરીમાં વિશાળ ગાંધી પરિવારની ઊઠવેઠમાં જ રોકાયેલી રહેતી. તેમાં હરિલાલના હાથ-મોઢું ધોવાની પણ માને ફુરસદ મળતી નહીં.” પહેલાંનાં સંયુક્ત કુટુંબોમાં બાળ ઉછેરમાં પિતાની ભૂમિકા તો બહુ ઓછી જ રહેતી. ખુદ મા પણ જરૂર પૂરતું બાળક પ્રત્યે ધ્યાન આપી ઘરકામમાં ગૂંથાયેલી રહેતી. વિશાળ કુટુંબનાં બાળકો એ જ રીતે ઊછરી મોટાં થતાં. દૂરનાં સગાંનાં સંતાનો પણ ત્યાં આવી રહી મોટા થઈ જતાં. એમાં કશી નવાઈ નહોતી. ૧૮ વર્ષના પિતાની ત્રણ વર્ષની અનુપસ્થિતિની ઘેરી અસર હરિલાલના કુમળા માનસ ઉપર પડી હોય એવી લેખિકાની વાત મનાતી નથી. પણ સૌથી વધુ ફરિયાદ ગાંધીજીનાં સંતાનોને અને હરિલાલ ગાંધીને તો એમને રીતસરનું શિક્ષણ ન મળ્યું તેની છે. ગાંધીજીના ઉત્ક્રાન્ત થતા આવતા અને પ્રયોગશીલ વ્યક્તિત્વને કારણે બાળકોને શિક્ષણ કક્ષાએ અમુક રીતે સહન કરવાનું આવ્યું અને કઠોર રીતે એમને કહ્યું એ સ્પષ્ટ દેખાય છે. માબાપો પોતાની માન્યતા અનુસાર બાળકોને ઉછેરતાં હોય છે. નાની વયને કારણે એમને એ સ્વીકારીને ચાલવું પડે છે–એમની પસંદગીનો સવાલ આવતો નથી. પણ પુખ્તવયની વ્યક્તિની વાત જુદી છે. એ દુષ્કર લાગતો માર્ગ પણ પોતાની પસંદગી હોય તો લે છે. એવી કેટલીયે વ્યક્તિઓ હશે જેમણે ગાંધીજીની મોહક પ્રભાવી સાત્ત્વિકતા, વ્યક્તિત્વ અને વાતચીતને લીધે એમણે સૂચવેલી વસ્તુઓ હોંશે હોંશે પાળી છે. આફ્રિકામાં એમના જર્મન યહૂદી મિત્ર હરમન ક્લૅનબૅક ગાંધીજીને કારણે ચુસ્ત શાકાહારી થઈ ગયા હતા. રામમનોહર લોહિયાને જ્યારે ગાંધીજીએ સિગારેટ છોડી દેવાનું કહ્યું ત્યારે એમની વાત લોહિયાને બિલકુલ પ્રતીતિકર ન લાગી છતાં ગાંધીજીની ઇચ્છા હતી એથી રાજીખુશીથી એમણે સિગારેટ પીવાનું છોડી દીધું. પણ બાળકો માબાપના નિર્ણયો પસંદગીપૂર્વક નહીં, સાધારણ રીતે સહજ સ્વીકારીને ચાલતાં હોય છે. એવાં ઘણાં કટુંબો છે જ્યાં બાળકોને ખૂબ ભણાવવાની મહેચ્છાઓ હોય છે. માબાપોનો એ રીતે બાળકોને ઘડવાનો યત્ન હોય છે. ત્યાં જો બાળક નામરજી કે કચાશ દેખાડે તો એને પણ માબાપની મહેચ્છાને કારણે સહન કરવાનું આવે છે. આવી જાતની ઘટના આપણા હમણાંના કાળમાં જ્યારે શિક્ષણ એ આપણું સૌથી મોટું ધ્યેય બન્યું છે ત્યારે અજાણી નથી. પણ આવા સમયમાં પણ કેટલાંક અતિ વિરલ માબાપો પોતાનાં બાળકોને સમાજના પ્રવાહથી અલગ રાખવા યત્ન કરતાં દેખાય છે. આપણે કવિ રાજેન્દ્ર શુક્લની વાત જાણીએ છીએ. એમણે પોતાનાં સંતાનોને ઘરમાં જ ભણાવવાનું ઉચિત માન્યું છે અને શાળામાં નથી મોકલ્યાં. ઇવાન ઇલિચે સમાજને શાળાઓથી મુક્ત કરો એવી વાત કરી છે. એવાં પણ કેટલાંક મા-બાપો છે કે જેમણે બાળકો ઉપર ખરાબ અસર ન પડે માટે ઘરમાં ટીવી નથી વસાવ્યું. આ રીતે સમાજથી અલગ ચાલીને બાળકોને સુરક્ષિત રાખવા યત્ન કરવો એ કેટલું હિતાવહ છે એ પ્રશ્ન છે. બાળકને મુખ્ય પ્રવાહમાં ભળવા નહીં દઈને આપણે એમનામાં અમુક ગ્રંથિઓ તો ઊભી નથી કરતા ને? એ કદાચ પછી પોતાનાં માબાપોને કદી માફ ન કરી શકે અને કાયમ માટે એમનાં મનમાં ફરિયાદ રહી જાય એમ બને. એક બાજુ ભયાવહ ઉપભોક્તાવાદી શિક્ષણ છે તો બીજી બાજુ બાળકોને મુખ્ય પ્રવાહથી અલગ પાડી દેતી ખીણ છે. સુમિત્રાબેન લખે છે, “પોતાની માન્યતાને કારણે બાપુજીએ બાળકોને અંગ્રેજી શાળામાં મોકલ્યાં ન હતાં. તેઓ પોતે પણ બાળકોને નિયમિત રીતે ભણાવી શકતા ન હતા... બાળકોને શાળામાં ન મોકલ્યાં તો બાપુજીનું કર્તવ્ય હતું કે ઓછામાં ઓછું બે કલાક તેઓ હરિલાલને ભણાવે અથવા તો સુયોગ્ય શિક્ષક રાખે. આ બંનેના અભાવે બાપુજીનાં સંતાનોએ વ્યવસ્થિત શિક્ષણ મેળવ્યું નહીં. બાપુજીનું કહેવું હતું, તેઓ બાળકોને ઉત્તમ સંસ્કાર આપી રહ્યા હતા અને ચારિત્ર્યનું નિર્માણ પણ કરી રહ્યા હતા... મને આ વાત તર્કપૂર્ણ નથી લાગતી. સંસ્કાર અને શિક્ષણમાં ફરક છે. સંસ્કાર અને ચારિત્ર્ય-નિર્માણ જરૂરી છે. પરંતુ શિક્ષણનું પોતાનું મહત્ત્વ અને નિયત અવધિ છે... વૈદિક વર્ણવ્યવસ્થામાં માણસ માટે પહેલાં પચીસ વર્ષનો સમય વિદ્યાભ્યાસનો માનવામાં આવ્યો છે... એ વ્યવસ્થા તોડવાથી વિકૃત પરિણામો આવી શકે છે. તે હરિલાલ ગાંધીના વ્યક્તિત્વમાંથી જોઈ શકાય છે.” ગાંધીજી આ બાબતમાં એમની આત્મકથામાં શું કહે છે એ જોવાનું અહીં પ્રસ્તુત ઠરશે. “તેમના અક્ષરજ્ઞાનને વિષે હું બેદરકાર રહ્યો એમ તો નહીં કહું, પણ મેં તેને જતું કરતા સંકોચ ન ખાધો. ને આ ઊણપને સારુ મારા દીકરાઓને મારી સામે ફરિયાદ કરવાનું કારણ રહેલું છે. તેમણે કેટલીક વાર પોતાનો અસંતોષ પણ જાહેર કર્યો છે. આમાં કંઈક અંશે મારે મારો દોષ કબૂલ કરવો જોઈએ એમ માનું છું. તેમને અક્ષરજ્ઞાન આપવાની ઇચ્છા ઘણી થતી, પણ કંઈક ને કંઈક વિઘ્ન આવી પડતું... હું અક્ષરજ્ઞાન આપવા સારુ એક કલાક પણ નિયમિત બચાવી શક્યો હોત તો હું એમ માનત કે તેઓ આદર્શ કેળવણી પામ્યા છે. સહુથી મોટા દીકરાએ તેનો બળાપો અનેક વેળા મારી પાસે તેમજ જાહેરમાં કાઢ્યો છે.... આ ઊણપને સારુ મને પશ્ચાત્તાપ નથી અથવા છે તો એટલો જ કે હું આદર્શ બાપ ન નીવડ્યો... છતાં માતૃભાષાનું સામાન્ય જ્ઞાન સહેજે પામી શક્યા તેથી તેમને તથા દેશને લાભ જ થયો છે. ને અત્યારે તેઓ પરદેશી જેવા નથી રહ્યા. તેઓ દ્વિભાષિયા તો સહેજે થયા કેમ કે મોટા અંગ્રેજ મિત્રમંડળના સહવાસમાં આવવાથી ને જ્યાં વિશેષ અંગ્રેજી બોલવામાં આવે છે એવા દેશમાં રહેવાથી અંગ્રેજી બોલતાં ને સામાન્ય લખતાં થઈ ગયા.” હરિલાલ ત્રણ વાર મૅટ્રિકમાં નાપાસ થયા એ માની ન શકાય એવી વાત લાગે છે. સુમિત્રાબેનની દલીલ કે ગાંધીજીએ અમદાવાદને બદલે લાહોર જવા દીધા હોત તો પરિણામ જુદું આવત એ વાત ગળે ઊતરતી નથી. અમદાવાદમાં સગાંસંબંધીઓ-પત્નીને કારણે શું એમનું ચિત્ત ભણવામાં ઠરતું નહોતું? એમ લાગ્યા વગર રહેતું નથી કે હરિલાલમાં સ્વતંત્ર પ્રકૃતિ હતી, પણ એ સાથે જોઈતા પ્રમાણમાં મનોબળ કે કૌવત નહોતાં. એટલું હોત તો ગાંધીજીથી જુદો પણ પોતાનો સુંદર માર્ગ કંડારી શક્યા હોત. ઇંગ્લેન્ડ જવા મળ્યું હોત તોપણ શિક્ષણમાં આગળ આવત જ એમ કહી શકાતું નથી. અલબત્ત એથી એમને તીવ્ર માનસિક અસંતોષ રહી ગયો એ ઘા જીવનભર ન રહ્યો હોત. એમણે થોડાં વર્ષો ખરે જ પત્ની અને સંતાનો સાથે સુખચેનમાં ગાળ્યાં. કદાચ પત્ની લાંબું જીવી ગયાં હોત તો એમના જીવને જુદો જ વળાંક લીધો હોત અને ભણતરનો અભાવ પણ એમની સમક્ષ આટલા મોટા સ્વરૂપે ન આવ્યો હોત. શરાબની એમની આદતમાંથી એમને કોઈ છોડાવવાને શક્તિમાન નહોતું. એમના પુત્ર ડૉ. કાન્તિભાઈ અને એમની પત્નીએ ખૂબ પ્રેમથી પિતા હરિલાલ ગાંધીને પોતાની સાથે રાખ્યા. એ ખૂબ નોર્મલ થઈ ગયા અને સરસ રીતે રહેવા લાગ્યા. ગાંધીજીએ પુત્રવધૂને લખ્યું : ‘ચિ. સરુ, હરિલાલને સંભાળવામાં તું જીતી ગઈ અને હું હારી ગયો. તને પૂરી સફળતા મળે એવા મારા આશીર્વાદ છે – બાપુ.” પણ છ મહિના પછી હરિલાલ ગાંધી પાછા ગાયબ અને એ જ જૂના માર્ગે. આ વિગતો મને ચંદુલાલ દલાલના પુસ્તકમાંથી મળી છે. સુમિત્રાબેને માત્ર એનો અછડતો ઉલ્લેખ કર્યાનો ખ્યાલ છે. આમ જુઓ તો ગાંધીજીના પુત્રો જાહેરજીવનમાં પાછળ રહી ગયા હોય એમ બન્યું નથી. મણિલાલ ગાંધીએ વર્ષો સુધી ‘ઇન્ડિયન ઓપિનિયન’ ચલાવ્યું. રામદાસ ગાંધીએ સ્વેચ્છાએ ભંડાર જેવી સામાન્ય નોકરીઓ સ્વીકારી, સુમિત્રાબેન વેધક રીતે હરિલાલ અને રામદાસ ગાંધીની પ્રકૃતિ વચ્ચે તફાવત બતાવે છે. એ લખે છે, “રામદાસ તેમના મોટાભાઈ હરિલાલ કરતાં જુદા હતા. હરિલાલની મહત્ત્વાકાંક્ષા હતી કે પ્રતાપી પિતાની જેમ જ બધું હોય જ્યારે રામદાસ ગાંધી પિતાની ખ્યાતિને ઠેસ ન વાગે તે માટે સજાગ હોવાને કારણે કષ્ટ પામતા.” દેવદાસ ગાંધી બિરલાના ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી હતા, રૉઇટર સમાચાર સંસ્થાના ડાયરેક્ટર હતા અને પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા. એમને બહોળું ખ્યાતનામ વ્યક્તિઓનું મિત્રવર્તુળ હતું. શિક્ષણનો અભાવ એમના વિકાસમાં ખાસ વચમાં આવેલો દેખાતો નથી. ગાંધીજીના જ્વલંત વ્યક્તિત્વ સાથે લેખિકાનું પણ અહોભાવયુક્ત છતાં પૌત્રી તરીકે રોષયુક્ત વ્યક્તિત્વ ઝલમલતું આવે છે. લેખિકા ખૂબ સભાન છે. ગાંધીજીથી જ મળેલા અણમોલ વારસાથી નહીં, પણ ગાંધીજીનાં સંતાનોના પોતાને અને પોતાનાં ભાઈ-બહેનોને મળેલા વારસાથી પણ. ગ્રંથના કવર ઉપર જેમણે (કદાચ જયંત પંડ્યા હોવા સંભવ છે.) લખ્યું છે એ યથાર્થ છે : “ગાંધીજી ભારતના જ નહીં, વિશ્વ આખાની અણમોલ વિરાસત હતા. જેમણે એમને જાણ્યા અને આત્મસાત્ કર્યા તે એમના માનસપુત્રો બની ગયા.”

તા. ૨૦-૯-૯૫



ગુજરાતી વૈચારિક સાહિત્યની વાત કરીએ તો મંજુબહેન ઝવેરીનું નામ અવશ્ય યાદ આવે. એમણે કદીએ કોઈની કંઠી બાંધી નથી અને કુંઠિત થયાં નથી. મુદ્દાસરની છતાંયે મુક્તવિચારણા એમનાં બુદ્ધિપૂત ચિંતનમાંથી પ્રગટે છે. કોઈ પણ એક વિચારને એ એક જ ખૂણેથી નથી જોતાં, પણ અનેક ખૂણેથી જોઈને પછી જ નિર્ણય વહેતા કરે છે. તે પણ આ વાત અંતિમ અને અફર છે એવું ઠસાવવા માટે નહીં, પણ તાત્ત્વિક વિચારણાને આગળ લઈ જવા માટે. વ્યાપકતા અને ઊંડાણ હંમેશાં સાથે નથી રહેતાં. અહીં એમના ચિંતનશીલ યજ્ઞનો આપણને વિરલ પ્રસાદ મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. જો આપણા વિચારો ઠરી ગયા હોય તો એમને ફરી પાછા પ્રજ્વલિત કરવાની તાકાત એમની કલમના તેજમાં છે.

સુરેશ દલાલ