આછી આછી નીંદ મહીં નયન જ્યોત ન્હાઈ છે;
જગતથી જંપીને ઘડી જિંદગી જંપાઈ છે;
મેહુલિયાની પાંખ થી ત્યાં સ્વપ્નલીલા છાઈ છે;
દેવોની આંખડી શી સ્વર્ગની વધાઈ છે.
ન્હાનાલાલ
આજે રુદ્રદત્તને કોઈ ન ઓળખે. ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં કોઈ બાળકે પ્રશ્ન કર્યો હોત કે ‘રુદ્રદત્ત કોણ?’ તો તેને ઉત્તર આપનાર મળી આવત ખ્– કોઈ કોઈ. કદાચ તે બાળકના પિતા કહેત કે ‘મારા દાદાએ તેમની પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો.’ ચાર-પાંચ પેઢી વંશવૃક્ષમાં લાંબી લાગે; પરંતુ પિતામહ અને પ્રપિતામહની નજરે જોનાર ઘણા મળી આવશે.
આજથી પોણોસો વર્ષ ઉપર ગુજરાતની પૂર્વ સરહદ ઉપર આવેલા વિહાર ગામમાં રુદ્રદત્ત એક સંસ્કૃત પાઠશાળા ચલાવતા હતા. ન્યાય અને વેદાંતના આ મહાસમર્થ જ્ઞાતાને આખા હિંદુસ્તાનના પંડિતો પિછાનતા. ઉત્તરે કાશીના વિદ્વાનોમાં ઝઘડો પડે તો તેઓ રુદ્રદત્ત પાસે આવી નિરાકરણ કરાવતા અને દક્ષિણમાં મદુરાના પંડિતોને કોઈ અટપટો પ્રશ્ન ન સમજાય તો તે સમજવા માટે આઠસો ગાઉની મજલ કરી તેઓ રુદ્રદત્ત પાસેથી પ્રશ્નનો ઉત્તર મેળવતા. મોટા મોટા નૈયાયિકો અને વેદાંતીઓ પોતાને રુદ્રદત્તના શિષ્ય તરીકે ઓળખાવવામાં મોટાઈ માનતા.
પરંતુ સમગ્ર હિંદમાં પ્રખ્યાત થયેલા આ વિદ્વાન વિહારની બહાર કદી પગ મૂકતા નહિ. બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યા સંપાદિત કરી આખા હિંદનું તેમણે પર્યટન કર્યું. એમ પણ કહેવાતું કે રુદ્રદત્તે ત્રિવિષ્ટપ (તિબેટ), ઋષિદેશ (રશિયા) અને મહાચીનમાં પણ કેટલાંક વર્ષ ગાળ્યાં હતાં; પરંતુ પોતાનો પૂર્વઇતિહાસ તેમણે કદી કહ્યો ન હોવાથી એ વાતને લોકોક્તિ તરીકે માની બેસી રહેવું પડે પણ એટલું તો ખરું જ કે હિંદુસ્તાનમાં વિદ્યાનાં અને યાત્રાનાં જેટલા સ્થાન હતાં તેટલાં સ્થાનોમાં રુદ્રદત્તને બહુ ભાવપૂર્વક સંભાળનાર વિદ્વાનો રુદ્રદત્તના બુદ્ધિચાપલ્યની ઘણી ઘણી વાતો કહેતા.
વિહારમાં નિવાસ કર્યા પછી તેમણે એ સ્થળ કદી છોડયું નહિ. પંડિતોની સભાઓમાં અને ભાવિક રાજાઓના દરબારમાં પધારવા તેમને અનેક આમંત્રણો આવતાં; પરંતુ એકે આમંત્રણનો સ્વીકાર તેમણે કર્યો નહોતો. તેનું કારણ તેઓ ભાગ્યે જ આપતા. પંડિતો બહુ આગ્રહ કરે તે વખતે તેઓ બોલી ઊઠતા :
‘ભાઈ! હારજીતની શેતરંજ ખેલવા હું વિદ્યા શીખ્યો નથી.’ રાજાઓ પણ જાણી ગયા કે કે રુદ્રદત્ત અપરિગ્રહ વ્રત પાળે છે. તે કોઈની પાસે હાથ ધરતા નથી. એટલે રાજાઓની પણ તેમને પરવા નથી.
એ રુદ્રદત્તનું ઘર ખોળતી ઘોડસ્વારોની ટુકડી આવે ને ગામના લોકોને તો નવાઈભર્યું જ લાગે. એક ગોરા અમલદારની આગેવાની નીચે કાળા સૈનિકોનું નાનું હયદળ ઝડપથી ગામમાં પેઠું. અમે અર્ધભય અને અર્ધકુતૂહલથી તેમના તરફ જોનાર ગ્રામવાસીઓને રુદ્રદત્તનું મકાન પૂછતું આગળ વધ્યું.
ગામ નાનું હતું. રુદ્રદત્તે ત્યાં નિવાસ કર્યો ત્યારથી એ ગામમાં વસતિ વધી હતી. થોડા કારીગરો, ખેડૂતો અને દુકાનદારો ઉપરાંત વિદ્યાભ્યાસની ઇચ્છાથી આવેલા દ્વિજ વિદ્યાર્થીઓની ત્યાં વસતિ હતી. ત્રીજે પહોરે જરા આરામથી બેઠેલા એક પ્રતિષ્ઠિત દુકાનદારને રુદ્રદત્તનું મકાન બતાવવા અંગ્રેજ અમલદારે ઉઠાડયો, અને કેટલાંક વર્ષોથી દોડવાનું ભૂલી ગયેલા એ વ્યાપારીને ટુકડીની આગળ દોડાવ્યો. વ્યાપારીના સદ્ભાગ્ય કે ગામ નાનું હતું! તેને એક છેડે રુદ્રદત્તની પાઠશાળા હતી.
રુદ્રદત્તની પાઠશાળા અને રહેઠાણ એક જ હતાં એમ કહીએ તો ચાલે. નીચા છાપરાવાળું, અડધું કામડાંથી અને અડધું માટીથી બાંધેલું એ લાંબું મકાન હતું. મકાનના આગલા ભાગમાં ખુલ્લી ઘર જેટલી જ લાંબી ઓસરી હતી. ઓસરીની વચમાં મોટો માર્ગ હતો. ઓસરી મૂકીને પાછળ થોડી ખુલ્લી જગા હતી. અને એ ખુલ્લી જગા મૂકીને કામડાંનું મકાન હતું. ઓસરી ખુલ્લી હતી; છાપરા સિવાય તેને બીજો કશો પડદો હતો જ નહિ, ઓસરીમાં થોડે થોડે છેટે ટોળાં વળીને વિદ્યાર્થીઓ દર્ભાસન પાથરી બેઠા બેઠા વાંચતા હતા, અગર ચર્ચા કરતા હતા.
ઓસરી અને ઘર વચ્ચેની ખુલ્લી જગામાં એક ખીલે ગાય અને બીજા ખીલે વાછરડી બાંધી હતી. એ વાછરડીને પંપાળતી અને ઘાસ ખવરાવતી એક યુવતી જરા ચમકી અને ધ્યાનથી કંઈ સાંભળવા લાગી.
‘કલ્યાણી! શું છે? કેમ ચમકી, દીકરા!’ રુદ્રદત્તે પૂછયું.
‘કાંઈ નહિ, દાદાજી! ઘોડાની ખરીઓ સંભળાઈ એટલે ધ્યાન તે તરફ ગયું.’
વિદ્યાર્થીઓના એક ટોળાને શીખવી રહી બીજા ટોળા તરફ જતાં રુદ્રદત્તે પોતાની પૌત્રીને વાછરડી રમાડતી જોઈ, એટલે ઓસરીથી નીચે ઊતરી તેઓ કલ્યાણીની પાછળ આવી ઊભા. શિક્ષણના કાર્યની ઘડી બે ઘડી વીતે એટલે એ વૃદ્ધ પિતામહ ગમે તે બહાને કલ્યાણીની સાથે પાંચ-સાત ક્ષણ ગળ્યા વગર રહી શકતા નહોતા. રાગદ્વેષ રહિત મનાતા રુદ્રદત્તના વિદ્યાર્થીઓ સારી રીતે જાણતા કે હજી એ વૃદ્ધ ગુરુને કલ્યાણી માટે મમતા રહી છે. રુદ્રદત્તને કલ્યાણી પાસે ઘડીઘડી જતા જોઈ મોટા વિદ્યાર્થીઓ હસતા અને કહેતા :
‘ભરતનું હરણું!’
રુદ્રદત્તને ઘોડાની ખરીઓનો અવાજ જગતના કોઈ પણ સામાન્ય અવાજ સરખો જ ઉપેક્ષાપાત્ર લાગતો હતો. પૌત્રીની રમતમાં તેઓ પણ સામેલ થયા; પોતાના હાથમાં તૃણ લઈને વાછરડીને ખવરાવતા રુદ્રદત્તને ધ્યાન પણ ન રહ્યું કે ઘોડાની ખરીઓનો અવાજ પોતાના ઘરની નજીક આવીને અટક્યો છે.
‘ક્યાં છે રુદ્રદત્ત?’ એક ઘોડેસ્વારે બહારથી બૂમ મારી. કલ્યાણી કંપી ગઈ તે પણ રુદ્રદત્તના જોવામાં ન આવ્યું. આછા કુતૂહલથી લશ્કરી ટુકડી ભણી જોતા અને પાઠ ગોખતા વિદ્યાર્થીઓ રુદ્રદત્તનું નામ સાંભળી ઊભા થઈ ગયા.
પેલો બૂમ પાડનાર ઘોડેસ્વાર તથા યુરોપિયન અમલદાર ઘોડા ઉપરથી એક કૂદકે નીચે ઊતર્યા અને ઓસરીનાં પગથિયાં ચડી ઓસરી ઉપર જઈ ઊભા. પવિત્ર સ્થાનમાં એક ગોરો અને બીજો અજાણી જાતનો સૈનિક પ્રવેશ કરે એ અસહ્ય પ્રસંગ હતો. સ્પર્શભયથી વિદ્યાર્થીઓ પાછા ખસ્યા; પરંતુ પાછા ખસીને એક અર્ધચંદ્રમાં બંને સૈનિકોની સામે ગોઠવાઈ ગયા.
‘એ બામણાઓ! રુદ્રદત્ત ક્યાં છે? પૂછું છું તેનો જવાબ નથી અપાતો?’ દેશી સૈનિકે પૂછયું. વીર પુરુષોની ભાષા મૃદુ હોતી નથી. ‘ગુરુજીને પૂછો છો?’ એક વિદ્યાર્થીએ સામું પૂછયું. પોતાના ગુરુ કરતાં કોઈ જ મોટું હોઈ શકે નહિ એવી વિદ્યાર્થીઓની માન્યતા હતી.
‘ગુરુ બુરુ પછી કરજે. ચાલ બતાવ, એ ક્યાં સંતાયો છે?’ કહી દેશી સૈનિક આગળ ધસ્યો. વિદ્યાર્થીઓ ઓસરીના છેડા સુધી પાછા હઠયા. પાછલી હારમાં ઊભેલા બે-ચાર વિદ્યાર્થીઓ ઓસરી નીચેની ખુલ્લી જગામાં ઊતરી ગયા, અને વાછરડીને પંપાળતા રુદ્રદત્ત પાસે જઈને ગભરાટથી કહેવા લાગ્યા :
‘ગુરુજી, ગુરુજી! લશ્કર આવ્યું છે.’
‘આપણે શું? તમે તમારો અભ્યાસ કરો.’
‘આપને શોધે છે!’
‘મને? શા માટે?’ રુદ્રદત્તે હવે ફરીને જોયું.
‘કોણ જાણે! એક સાહેબ પણ છે.’
રુદ્રદત્ત જરા હસ્યા અને બોલ્યા :
‘સાહેબ! એક સાહેબ ઈશ્વર અને બીજો સાહેબ ટોપીવાળો, નહિ? ચાલો, હું આવું.’
ગુરુજીની ચાખડીઓનો ખટકાર જાણીતો હતો. ટોળે વળેલા વિદ્યાર્થીઓએ જાણ્યું કે ગુરુજી આવ્યા. ટોળાએ માર્ગ કર્યો. રુદ્રદત્તે આગળ આવીને બંને સૈનિકો સામે જમણો હાથ લંબાવી આશીર્વાદ આપ્યો, અને પૂછયું :
‘બેટા! મને શોધો છો?’ વિદ્યાર્થીઓને સંબોધવા ટેવાયેલા રુદ્રદત્તે સૈનિકોને પણ એવું જ વાત્સલ્યસૂચક સંબોધન કર્યું.
બંને સૈનિકો રુદ્રદત્તને જોઈ રહ્યા. દેશી અને પરદેશી બંને લડવૈયા અને કદાવર હતા. પરંતુ પોતાનાં કરતાં પણ એક મૂઠ ઊંચા વૃદ્ધ બ્રાહ્મણને નિહાળી તેઓ તેને ધારી ધારીને જોવા લાગ્યા. આ કદાવર બ્રાહ્મણને આ વયે પણ લશ્કરી પોષાક પહેરાવવામાં આવે તો તે કેવો લાગે તેની કલ્પના અંગ્રેજ સૈનિકને સ્વાભાવિક રીતે જ થઈ આવી.
‘રુદ્રદત્ત તમે જ ને?’ અપમાનભરી ભાષા જ બોલવા ટેવાયેલો દેશી સૈનિક આથી વધારે અપમાનસૂચક વાક્ય રચી શક્યો નહિ.
‘હા.’ રુદ્રદત્તે શાંતિથી કહ્યું.
ખભા ઉપર લટકતા ધોળા વાળ અને સહજ મોટી ધોળી મૂછો સિવાય વૃદ્ધાવસ્થાનું એક પણ ચિહ્ન જેમનામાં દેખાતું નહોતું. એવા રુદ્રદત્તની ઉંમર વિષે કલ્પના કરતો અંગ્રેજ સૈનિક કાંઈ બોલતો નહોતો.
‘ગૌતમ પાંડે ક્યાં છે?’ હિંદી અમલદારે પૂછયું.
‘હું આપને જ પૂછું છું કે ગૌતમ ક્યાં છે? બે વર્ષ થયાં મેં એને જોયો નથી.’ રુદ્રદત્તે જવાબ આપ્યો.
અંગ્રેજ અને દેશી અમલદારે પરસ્પરની સામે જોયું. અગ્રેજના મુખ ઉપર ગૂંચવણ દેખાઈ. અને તત્કાળ એ ભાવ ગુસ્સામાં ફેરવાઈ ગયો. રાજ્ય કરવા માટે સરજાયેલો બ્રિટિશ સૈનિક. એક વૃદ્ધ નઃશસ્ત્ર બ્રાહ્મણનું કદ અને તેનો ચહેરો નિહાળવામાં ગૂંથાય. એના સરખું લજ્જાસ્પદ કાર્ય બીજું શું હોઈ શકે? લજ્જાથી ઉત્પન્ન થયેલો ક્રોધ વધારે ભયંકર હોય છે. એણે ક્રોધથી દેશી અમલદારને કહ્યું :
‘જૂઠું બોલે છે! પરહેજ કરો એ ડોસાને.’
દેશી અમલદાર એક ડગલું આગળ વધ્યો. એકાએક તેના મુખ ઉપર એક નાનો પણ ભારે પદાર્થ જોરથી અથડાયો. તે જમીન ઉપર બેસી ગયો. એક પોથીનો બાંધેલો ગુટકો કોઈ વિદ્યાર્થીએ બળપૂર્વક તેની સામે ફેંક્યો હતો.
અંગ્રેજ અમલદારે પાછા ફરી સૈનિકોને હુકમ આપ્યો. દસ ઘોડસ્વારો નીચે ઊતર્યા, અને દોડતા આવી ઓસરી ઉપર ચડી, સંગીનો કાઢી વિદ્યાર્થીઓ સામે ધસવા તૈયાર ઊભા.
‘ત્ર્યબંક!’ રુદ્રદત્તે વિદ્યાર્થીઓ ભણી જોયા વગર જ એક વિદ્યાર્થીને સંબોધન કર્યું.
વીસેક વર્ષનો ભરજુવાન, હૃષ્ટપુષ્ટ વિદ્યાર્થી આગળ આવ્યો. તેણે એક સ્વચ્છ ધોતિયું પહેર્યું હતું અને ઉઘાડા ખભા ઉપર રૂમાલ નાખ્યો હતો. તેની ભુજા, છાતી અને ગરદનના સ્નાયુઓ તેને એક પહેલવાનનું રૂપ અર્પતા હતા. તેના મુખ ઉપર ક્રોધ વ્યાપી ગયો દેખાતો હતો. ક્રોધથી તેનો કંઠ રૂંધાઈ ગયો હતો. સંબોધનનો જવાબ તે આપી શક્યો નહિ.
‘ત્ર્યંબક ભટ્ટ!’ ગુરુએ ફરીથી કહ્યું.
‘જી!’ મહાબળથી તે એકાક્ષરી ઉત્તર આપી શક્યો.
‘તુંજ હોઈશ, ખરું ને!’
ત્ર્યંબકે જવાબ ન આપ્યો.
‘શા માટે પોથી છુટ્ટી મારી?’ રુદ્રદત્તે પૂછયું.
‘એ કોણ અપમાન કરનાર?’
‘તારું તો અપમાન નથી કર્યું ને?’
‘મારા ગુરુનું અપમાન એ મારું એકલાનું નહિ, પણ આખા આર્યાવર્તના બ્રાહ્મણત્વનું અપમાન છે!’
‘આર્યાવર્તમાં બ્રાહ્મણત્વ રહ્યું છે ખરું! બ્રાહ્મણને તો સિપાઈગીરી કરવી છે.’
પોથી વાગવાથી નીચે બેસી ગયેલો દેશી અમલદાર ઊભો થયો. તેના ગુસ્સાનો પાર નહોતો. તેણે સાહેબ તરફ જોઈ પૂછયું :
‘સાહેબ! શું ફરમાન છે?’
સંગીનનો ધસારો કરી. સામે ઊભેલા બ્રાહ્મણોને વીંધી નાખવાનો હુકમ મળે એવી ઇચ્છા તેના મુખ ઉપર તરી આવી; પરંતુ સાહેબ એવી ક્રૂરતા માટે તૈયાર નહોતો. સાહેબે હુકમ કર્યો :
‘મકાન તપાસો!’
ત્રણ સૈનિકો સાહેબની પાસે જ ઊભા રહ્યા. દેશી અમલદાર બીજા સાત સૈનિકોની સાથે ઓસરીથી નીચે ખુલ્લા ભાગમાં ઊતર્યો. વિદ્યાર્થીઓ તે તરફ ફરી નીચે ઊતરવા જતા હતા. તેમને સાહેબે રોક્યા :
‘અહીં જ ઠેરો.’
પરંતુ ત્ર્યંબક ભટ્ટ પેલા સૈનિકો ઊતરે તે પહેલાં કૂદીને ઓસરી નીચે પડયો. કલ્યાણી ગાયની પાસે ઊભી ઊભી સઘળું જોયા કરતી હતી. સૈનિકોને ઊતરતા જોઈ તે નજીક પડેલી ઘાસની ગંજી પાસે ગઈ. તેમાંથી ઘાસનો એક પૂળો તેણે લીધો. બીજા પડી ગયેલા પૂળા તેણે ઝડપથી ગોઠવ્યા અને પાછી ગાય પાસે આવી. ગંજી નાની હતી, અને તેની એક બાજુએ વિદ્યાર્થીઓનાં ધોતિયાં સૂકવેલાં હતાં.
દેશી અમલદાર રૂપવતી બ્રાહ્મણકન્યાને જોઈ રહ્યો. સૈનિક પશુતાનો પાડોસી છે. પશુતાને કશું જ પવિત્ર નથી. એક બીજા સૈનિક સામે આંખો મિચકારી તે કલ્યાણી તરફ આગળ વધ્યો. કલ્યાણીની નજીક જવા માટે બીજા ત્રણે સૈનિકો અમલદાર જેટલી જ આતુરતા ધરાવતા હતા.
પરંતુ ત્ર્યંબક ભટ્ટ કલ્યાણીની બાજુમાં જ ઊભો હતો. એ શસ્ત્રરહિત બ્રાહ્મણનો દેહ શસ્ત્રસજ્જ સૈનિકોને પણ વિચારમાં નાખે એવો હતો. સૈનિકથી પાછા ખસાયું નહિ; તેને સ્વમાન નડયું. કલ્યાણીની સન્મુખ આવી તેણે પૂછયું :
‘ગૌતમ ક્યાં છે?’
‘એને શું પૂછો છો? તમને એક વખત કહ્યું કે ગૌતમ અહીં નથી છતાં ન મનાતું હોય તો જાઓ, શોધી લ્યો.’ ત્ર્યંબકે કલ્યાણીને પુછાયેલા પ્રશ્નનો જવાબ આપ્યો.
સૈનિકો મકાનમાં પેઠા અને ખૂણેખૂણો શોધી વળ્યા. ગૌતમને શોધવામાં તેમણે ઘરમાં ગોઠવેલી વસ્તુઓ વેરણછેરણ કરી નાખી. કલ્યાણીના મુખ ઉપર ભય હતો. તે થોડી થોડી વારે કંપી ઊઠતી હતી. ત્ર્યંબકે પૂછયું :
‘કલ્યાણી, કેમ કંપે છે?’
‘મને ભય લાગે છે.’
‘તને કદી ભય લાગ્યો જાણ્યો નથી.’
‘આજે ભય લાગે છે.’
‘કેમ?’
‘કોણ જાણે!’
જરા રહીને કલ્યાણીએ આર્જવથી ત્ર્યંબકને કહ્યું :
‘ત્ર્યંબક! મારું એક કામ ન કર?’
‘શા માટે નહિ?’
‘આ ગંજી સાચવજે.’
‘કેમ?’
‘ના પૂછીશ.’
‘તો જા. ઝડપથી વાછરડીને ગંજી સાથે બાંધ.’
‘કલ્યાણીએ ઘરમાંથી બહાર આવતા સૈનિકોનો પગરવ સાંભળ્યો અને તેણે વાછરડીને ખીલેથી છોડી ગંજીના એક કામડા સાથે બાંધી. વાછરડી કૂદાકૂદ કરવા લાગી. ગાયે વાછરડી સામે જોઈ એક બરાડો માર્યો. સૈનિકો અંદરથી આવી ચોગાનમાં ઊભા. ગંજી તપાસવાની ખાતર, કે કલ્યાણીની પાસે જવા ખાતર, અમલદારે ગંજી તરફ જવા માંડયું. સૈનિકો તેની પાછળ ગયા. વાછરડીને પંપાળતી, ભયભીત કલ્યાણી સૈનિકોને પોતાની ભણી આવતા જોઈ બેબાકળી બની ગઈ.
અમલદારે આવી ગંજીને લાત મારી પૂછયું :
‘આમાં શું છે?’
‘શું હોય? ઘાસ.’
એક સૈનિકે સંગીન ઘાસમાં ખોસવા માટે ઉગામ્યું. ખોસતાં પહેલાં જ તે ચમક્યો. તેની પાછળ ભયાનક ફૂંફાડો થતો તેણે સાંભળ્યો. જરા પાછું જોયું તો ફાટી આંખ કરી પૂછડું ઊંચકી ધસી આવેલી ગાય તેને શીંગડેથી ઊંચકવા માથું નીચું કરતી દેખાઈ. ક્ષણ અડધી ક્ષણ જો તેને ખસવામાં વાર લાગી હોત તો ગાયનાં અણીદાર શીંગડાં તેના દેહને વીંધી નાખત. ત્વરાથી તે ખસ્યો, પરંતુ ગાય ચિડાઈ અને બીજા સૈનિક ભણી દોડી.
‘અહીંથી નાસો! ઊંચે ચડી જાઓ, નહિ તો ગાય મારી નાખશે.’ કલ્યાણી પણ જરા દોડવાનો દેખાવ કરી બોલી. ગાય ઘેલી બની ગઈ હતી. અમલદાર હિંદુ હતો એટલે ગાય ઉપર ઘા કરવાનો વિચાર તેને આવ્યો જ નહિ; તે ખસી ગયો. બીજા સૈનિકો ખસી ગયા, અને ગાય બીજો હુમલો કેર તે પહેલાં ઓસરીની બાજુએ તેઓ આવી ગયા.
‘ગંજીમાં શું જોવાનું છે?’ અમલદારે કહ્યું, અને તે ઓસરી ઉપર ચડી ગયા. સૈનિકો પણ તેની પાછળ ગયા.
કલ્યાણીએ ગાયને ઝાલી. તેનું દોરડું છૂટું ઘસડાતું હતું. દોરડું પકડી ગાયને બચકારી, વહાલભર્યા ઉદ્ગારો સંભળાવી કલ્યાણી તેને બાંધવા લાગી. ત્ર્યંબક કલ્યાણીને મદદ કરવા લાગ્યો. કલ્યાણીએ હસીને ધીમે રહી ત્ર્યંબકને કહ્યું :
‘ત્ર્યંબક! તને ઠીક સૂઝયું. સારું કર્યું ગાય છોડી મૂકી તે.’ ત્ર્યંબકે કાંઈ જવાબ ન આપ્યો. તેના મુખ ઉપર કલ્યાણીના સરખી પ્રસન્નતા નહોતી.