ભારેલો અગ્નિ/૧ : ભાવિનો પડઘો

Revision as of 07:08, 8 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧: રુદ્રદત્ત

સંધ્યા સમે અવનિના પટ ફોડી ફોડી,
જેવી ફૂટે તિમિરની વિભુ મોજમાલા;
તેવા સરોવર તણા તટ તોડી તોડી,
તોફાની મસ્ત જલના ઊછળે ઉછાળા.
ન્હાનાલાલ

‘વાડ્ડે મનસિ પ્રતિષ્ઠિતા’

‘હાથ વીંઝી રહેલા મંગળે રુદ્રદત્તનો અવાજ ઓળખ્યો. તેના હૃદયમાં ઊભરાતો રૌદ્રરસ એકાએક સમાઈ જતો લાગ્યો.

‘કોણ જાગે છે?’

‘એ તો હું મંગળ. રુદ્રદત્તજી! હું પ્રણામ કરું છું.’

‘આશિષ આપું છું. સૂતો કેમ નથી?’

‘મારી નિદ્રા ઊડી ગઈ છે.’

‘કારણ?’

‘હું પ્રભુનું કાલસ્વરૂપ જોઈ રહ્યો છું.’

લેલિહ્યસે ગ્રસમાનઃ સમંતા-

લ્લોકાન્સમંગ્રાન્વદનૈર્જ્વ લભ્દઃ’

‘પ્રભુને પગે પડ. એ સૌમ્ય રૂપ ધારણ કરશે.’

‘મારે સૌમ્ય રૂપ જોવું નથી; ધોર રૂપ જ નિહાળવું છે.’

રુદ્રદત્ત ઊઠીને મંગળ પાસે આવ્યા મંગળે પ્રણામ કર્યા. રુદ્રદત્તના હસ્તનો સ્પર્શ થતાં મંગળના દેહમાં અનવધિ શાંતિ વ્યાપી ગઈ. તેને એ શાંતિ ગમી અને ન ગમી.

‘રુદ્રદત્તજી! આપની મને બીક લાગે છે.’

‘બ્રાહ્મણને ભય કેવો?’

‘એ જ ભય કે આપની નજર જ્યાં પડે ત્યાં બ્રાહ્મણ ઉપજાવે છે. મારે બ્રાહ્મણત્વ ન જોઈએ.’

‘ભાઈ! જગતનો આધાર બ્રાહ્મણો ઉપર નહિ હોય, પણ બ્રાહ્મણત્વ ઉપર તો છે જ. જેટલી એ તત્ત્વની ખામી એટલું જગત નીચું.’

મંગળ કાંઈ બોલ્યો નહિ. રુદ્રદત્તે આકાશ તરફ નજર નાખી. નક્ષત્રો અને રાશિઓને કાળમાન યંત્ર તરીકે ઉપયોગમાં લેતા રુદ્રદત્તે કહ્યું :

‘પાછલો પહોર થવા આવ્યો. હું નદીએ સ્નાન કરી આવું. તારે આવવું છે?’

આખું ઘર ઊંઘતું હતું; આખું ગામ ઊંઘતું હતું. મંગળે આ વૃદ્ધની સોબત પંસદ કરી. તેણે કહ્યું :

‘હા જી. હું પણ સ્નાનસંધ્યા કરી લઉં.’

રુદ્રદત્તે બે ધોતિયાં તથા બે રૂપમાલ ખભે નાખ્યા અને પાવડી ઉપર ચડી ચાલવા માંડયું. જોડે જોડે મંગળ ઉઘાડે પગે ચાલવા લાગ્યો. પ્રભાતની શાંતિ અંધકારને સ્વચ્છ બનાવતી હતી. આકાશમાં અગણિત ઝુમ્મરો ચમકી રહ્યાં હતાં, છતાં પ્રભાતનું આગમન સૂચવતી ઝાંખપ તેમને ઓછી ઓછી લાગી હતી. જાગૃત કોણ હતું? શાંત અંધકારમાં ચાલ્યા જતા રુદ્રદત્ત અને મંગળ, તથા ચમકતાં તારાઓ અને આછો આંદોલિત પવન.

ના ના; તે ઉપરાંત પણ કોઈ જાગતું હતું. પાસેની ઝૂંપડીમાંનો કોઈ વૃદ્ધ પુરુષ પ્રભાતિયું ગાતો થોડી વારે સંભળાયો :

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જૂજવે રૂપે અન્ત ભાસે!

‘કોણ ગાય છે?’ મંગળે પૂછયું.

‘એક ખ્રિસ્તી બની ગયેલો અંત્યજ.’ રુદ્રદત્તે જવાબ આપ્યો.

‘ખ્રિસ્તી? ખ્રિસ્તી આપણી ફિલસૂફી શા માટે ઉચ્ચારે છે?’

‘ખ્રિસ્તી થયા છતાં એનું હિંદુપણું મટયું નથી.’

‘ત્યારે એ ખ્રિસ્તી કેમ થયો?’

‘કંપની સરકારે એને ક્ષત્રિય બનાવ્યો. ઉપકારવશ અંત્યજ ખ્રિસ્તી બની ગયો.’

‘મને ન સમજાયું.’

‘અંત્યજોની લશ્કરી ટુકડીઓ ઊભી કરી છે તે તું ભૂલી ગયો?’

‘હા જી. અધર્મમાં જ કંપની સરકારનો નાશ થવાનો છે.’

‘અધર્મ જે કરશે તે નાશ પામશે. બ્રાહ્મણો ક્ષત્રિય બનશે તો બ્રાહ્મણત્વનો પણ નાશ જ છે.’

‘ગુરુદેવ! પરશુરામે શું કર્યું?’

‘કહે કહે શું કર્યું તે!’

‘પૃથ્વી નક્ષત્રી કરી.’

‘હું પણ એ જ કહું છું અને એ જ માગું છું. પૃથ્વી નક્ષત્રી બનાવવી એ બ્રાહ્મણનો ધર્મ છે – નહિ કે ક્ષત્રિય બની બેસવું.’

નદીનો ઢોળાવ આવતાં વાત બંધ પડી. ઢોળાવના થોડા ભાગમાં ઓવારો ચણી લીધેલો હતો. હજી તારા દેખાતા હતા. ગામમાંથી કૂકડાં બોલતાં સંભળાતાં હતાં. તારાના લિસોટા પાડતાં પાણી ખળખળ વહી રહ્યાં હતાં. ચાખડીઓના ખટકારાથી નિર્જનતાને જાગૃત કરતા રુદ્રદત્ત પગથિયાં ઊતરતા હતા. એક પગથિયું પાછળ રહેતાં મંગળે જોયું કે રુદ્રદત્ત નીચે પગથિયે હોવા છતાં તેના જેટલા જ ઊંચા લાગે છે. મંગળને પૂજ્યભાવ તો હતો જ. તે આ વિશાળકાયને ધારીને જોતાં વધી ગયો.

‘ગુરુદેવ! મારી એક વિનતિ છે.’ મંગળે પાણી પાસે પહોંચતા કહ્યું.

‘શી?’

‘મારે એક પરશુરામ જોઈએ.’

‘પરશુરામ ચિરંજીવી છે એ તો તું જાણે છે ને?’

‘હા.’

‘તો તેમનું આહ્વાન કર.’

‘અમારા પરશુરામ આપ બનો. અગર ગૌતમને બનાવો.’

‘પછી શું કરશો?’

‘કંપની સરકારને તોડી પાડીશું.’

રુદ્રદત્ત હસ્યા. ‘હરઃ ૐ! હરઃ ૐ’નો તેમણે ઉદ્ગાર કર્યો, નદીનું જળ લઈ માથે ચડાવ્યું અને પાણીમાં પ્રવેશ કર્યો. મંગળ હજી પાણીમાં પગ નાખીને ઊભો હતો એવામાં રુદ્રદત્તે પાણીમાં ડૂબકી મારી. રુદ્રદત્ત પાણીમાં સહજ અદૃશ્ય થતાં મંગળનું દબાઈ ગયેલું ક્ષત્રિયત્વ ઊછળી આવ્યું. રુદ્રદત્ત પૂર્વકાળમાં એક સમર્થ શસ્ત્રધારી હતા એમ મંગળ જાણતો હતો; રુદ્રદત્તના હાસ્યમાં તેને સંમતિ દેખાઈ. રુદ્રદત્ત શસ્ત્રસજ્જ બને તો ભીષ્મપિતામહ સરખા અજેય બની જાય.

રુદ્રદત્ત બહાર પાછા દેખાયા. લાંબા વીખરાયેલ વાળને માથું હલાવી પાણી રહિત કર્યા. મંગવને લાગ્યું કે નરશાર્દૂલ પાણીને કંપાવતાં ઊભો છે. મંગળે પાણીમાં પ્રવેશ કર્યો અને રુદ્રદત્તનું સાન્નિધ્ય મેળવ્યું.

‘મંગળ! પરશુરામે પૃથ્વી શી રીતે નક્ષત્રી કરી તે તું જાણે છે?’

‘હા જી. એ મહા વિક્રમરાય એકલા પરશુ લઈ ઘૂમ્યા અને શત્રુઓનું નિકંદન કાઢી નાખ્યું.’

‘પરશુરામ એકલા ઘૂમ્યા નહિ?’

‘હા.’

‘બ્રાહ્મણોનું સૈન્ય તો તેમણે ઊભું નહોતું કર્યું ને?’

‘ના.’

‘ત્યારે જો; તારા પરશુરામે એકલે હાથે લડવું પડશે.’

રુદ્રદત્તે ફરી એક ડૂબકી મારી. સાથે મંગળે પણ ડૂબકી મારી. બે ઝગમગતા માનવસ્ફુલિંગોને હૃદયમાં સમાવતી સરિતા સહજ ઊછળી. આકાશમાંથી ડોકિયાં કરતા અગ્નિસ્ફુલિંગો લગભગ અદૃશ્ય થઈ ગયા.

મંગળનું મસ્તક પહેલું પાણીની બહાર આવ્યું. જબરજસ્ત તારો મંગળ હજી રુદ્રદત્તને પાણીમાં રહેલો જોઈ વિસ્મય પામ્યો. રુદ્રદત્ત પણ બહાર નીકળ્યા. ફરી મસ્તિષ્ક હલાવી તેમણે પૂછયું :

‘પરશુરામ તું બતાવે છે એવું નાનું કામ કરશે?’

‘નાનું કામ? ભરતખંડને કંપનીના જુલમથી છોડાવવો એ નાનું કામ?’

‘ભરતખંડ એ પરશુરામની જન્મભૂમિ તો ખરી જ; પરંતુ તેમનું પણ તો સમગ્ર પૃથ્વી માટે લેવાયેલું હતું. એકલા હિંદને નહિ, પણ આખા જગતને નક્ષત્રી કરવા તેઓ તત્પર થયા હતા; એકલા હિંદ માટે ઝૂઝે એ પરશુરામ ન હોય.’

‘મારે પૃથ્વી નક્ષત્રી નથી કરવી. ક્ષત્રિય વગર યુદ્ધ કોણ કરશે?’

‘યુદ્ધ વગર ન જ ચાલે?’

‘યુદ્ધ વગર કેમ ચાલે એ હું સમજી શકતો નથી. મર્યા વગર મુક્તિ કેમ મળે?’

‘એ યથાર્થ કહ્યું. પણ મર્યા વગર તો મુક્તિ મળી શકે ને?’

‘યુદ્ધમાં તો મરવું અને મારવું એ જ ધર્મ બને.’

‘બેટા! પરશુરામે ફરસી ફેરવી તોય ક્ષત્રિયોના બે વંશ તો રહી ગયા. એ બે વંશમાંથી આખી પૃથ્વી ભરાય એટલા ક્ષત્રિયો પાછા થયા. કહે જોઈએ, પરશુરામે પછી શું કર્યું?’

‘મને સમજાતું નથી.’

‘પરશુરામે ફરસી દૂર ફેંકી અને તપ આદર્યું. પૃથ્વી નક્ષત્રી કરવી હોય તો શસ્ત્રને દૂર ફેંક અને તપશ્ચર્યા આદર. તારા પરશુરામનો પ્રવેશ થશે.’

આ ન સમજાય એવો વાદ મંગળ સાંભળી રહ્યો. રુદ્રદત્તના કથનમાં શો અર્થ સમાયો છે તે શોધી કાઢવા મંગળે ક્ષિતિજમાં દૃષ્ટિ કરી. પૂર્વાકાશે આંખ લાલ લાલ બનાવી દીધી હતી. એ લાલાશમાંથી લોહીભર્યો સૂર્ય બહાર આવવા મથી રહ્યો હતો. તેનું એકાદ કિરણ ચળક્યું અને બ્યુગલનો અવાજ સાંભળ્યો.

રણવાદ્યે મંગળના દિલને હલાવી નાખ્યું. તેના દેહ ઉપર રોમ ઊભાં થયાં. તેની આંખ ચમકી ઊઠી. તેના શરીરમાં કોઈ અપૂર્વ બળનો સંચાર થયો. કંપની સરકારનું વાદ્ય હિંદીઓને આજ્ઞા કરતું રણકી રહ્યું છે! એ અભિમાનનું વાદ્ય બંધ થવું જ જોઈએ! મંગળે નિશ્ચય કર્યો.

તેણે રુદ્રદત્ત તરફ જોયું. નદીના પાણીમાં ઊભા રહી સૂર્યને અર્ઘ્ય આપતા તે ઋષિને જોતાં તનું ઉગ્ર બનેલું હૃદય પાછું સૌમ્ય બનવા લાગ્યું. મંગળને એકાએક બીક લાગી. રુદ્રદત્તનું સાન્નિધ્ય તેને શાંત બનાવી દે તો? લીધેલા પ્રાણ પણમાંથી તેને ચુકાવશે તો? રુદ્રદત્તનાં દર્શન માત્રથી યુદ્ધની ઇચ્છા શીળી બનતી હતી; હવે રુદ્રદત્તની પાસે ઊભા રહેવું સુરક્ષિત નહોતું. તે બોલી ઊઠયો :

‘ગુરુજી! મને ભય લાગે છે.’

‘કોનો?’

‘આપનો.’

‘મારો? શા માટે?’

‘આપને વધારે સાંભળીશ તો પેલું રણભેરી બંધ કરવાનું હું વીસરી જઈશ. હું પ્રણામ કરું છું અને આપની પાસેથી નાસવાની આજ્ઞા લઉં છું.’

મંગળ સડસડાટ નદીનાં પાણી કાતો સામે પાર જવા લાગ્યો. રુદ્રદત્ત હસ્યા.

‘મંગળ! પાછો આવ.’ તેમણે બૂમ મારી.

‘હવે કંપનીનું જડમૂળ ઉખાડી પાછો આવીશ; તે વિના નહિ.’ મંગળે ઘણે દૂર જઈ જવાબ આપ્યો.

બ્યૂગલ વધારે પાસે સંભળાવા લાગ્યું. મંગળ સામે કિનારે પહોંચ્યો. અને આ કિનારે ઢોળાવ ઉપરથી ત્રણ-ચાર ઘોડા નીચે ઊતરતા દેખાયા.

મંગળે દૂરથી મુક્કી ઉગામી અને પાછો ફરી તે એક કરાડની બાજુમાં અદૃશ્ય થયો.

રુદ્રદત્ત નદી બહાર આવ્યા. એક પાસ તેમણે મંગળને અદૃશ્ય થતો જોયો. બીજી પાસથી ઘોડા ઉપર બેઠેલા પીટર્સને નજીક આવતો જોયો. પીટર્સની સાથે બીજા ત્રણ સૈનિકો હતા. પ્રભાતમાં તેઓ પાછા જવાને નીકળ્યા. રુદ્રદત્તની

સચ્ચાઈ અને નિર્ભયતાથી મુગ્ધ બનેલા પીટર્સે રુદ્રદત્તને મળી જવાનો વિચાર કર્યો હતો. તે નદીએ ગયાના સમાચાર મળતાં નદી ઉપર આવ્યો. તેણે રુદ્રદત્ત પાસે આવી સલામ કરી.

‘કલ્યાણ થાઓ તમારું, સાહેબ! તમારો બીજો કેદી હમણાં જ સામે પાર ચાલ્યો ગયો.’ રુદ્રદત્તે કહ્યું.

‘કોણ? મંગળ?’

‘હા.’

‘કેમ જવા દીધો?’

‘એને મારો ભય લાગ્યો.’

‘આપનો? શા માટે?’

‘એની વૈરવૃત્તિને હું શાંત પાડતો હતો.’

‘હું તો એને પકડવાનો નહોતો.’ સહજ વિચાર કરી પીટર્સે કહ્યું.

‘આપ અત્યારે જાઓ છો?’

‘હા, જી. જતા પહેલાં આપની મુલાકાત કરવા મરજી થઈ. આપ મને ઘણા યાદ આવશો.’

‘સાહેબ! તમારો યુવાનસેન અમને ઓળખતા થયા છે. જેમ પાદરીઓ અમને ઓળખવા મથે છે તેમ સૈનિકો અને મુત્સદ્દીઓ પણ અમને ઓળખવા મથે તો હિંદ કાચે તાંતણે બંધાયેલું રહેશે.’

‘અમારી પણ એ જ ઇચ્છા છે. હિંદનું ભલું કરવા જ અમને ઈશ્વરે મોકલ્યા છે.’ પીટર્સે ભલાઈ અને મોટાઈ બંને સાથે બતાવ્યા. એકલી ભલાઈ આવકારપાત્ર છે; મોટાઈના મિશ્રણવાળી ભલાઈ નથી ભલું કરી શકતી કે નથી ઉપકારની લાગણી ઉપજાવી શકતી.

‘ઈશ્વર જગત કરતા મોટો છે. જગતવાસીઓ ઈશ્વરના ઉદ્દેશને શું જાણી શકે? કદાચ હિંદીઓ અંગ્રેજોનું ભલું કરવાના હોય : જેમ આજ સુધી કર્યે ગયા છે તેમ, પરસ્પરનું ભલું કરે એ જ હું માગું છું!’

‘આપ જેવા પવિત્ર પુરુષનો આશીર્વાદ ફળશે.’

‘આટલું ધ્યાનમાં રાખજો કે હિંદનું રાજ્ય હોય તો હિંદી બનજો. ઈશ્વર પણ પરદેશી સ્વાંગમાં આવે તો તેનું રાજ્ય હિંદવાસીઓને ખપશે નહિ.’

પીટર્સે ઘોડો પાછો વાળ્યો. તેની સાથેના સવારો પણ પાછા વળ્યા. સૂર્ય ઊગી ચૂક્યો હતો. રુદ્રદત્તની આંખ સહજ ઝીણી થઈ.

‘હિંદનું ભલું કરવા? હં!’ તેઓ સહજ બોલ્યા. ચાલતે ચાલતે તેમણે વિચાર કર્યો :

‘ભલું કોણ કરે? સેવ્ય કે સેવક? સિંહાસને બેસનાર દંડધારીઓ દર્ભાસને બેસતા થાય તો જ જગતનું ભલું થાય.’

આગળ ચાલતાં તેઓ મોટેથી બોલી ઊઠયા :

‘હે સવિતાદેવ! અમારી બુદ્ધિને પ્રેરણા આપ.’