માગણ
સોનલાવરણી બેન ને એનો
કાનજીવરણો ભાઈ,
માગણ આ ભગવાનનાં આવ્યાં
લેવા લોકદુવાઈ,
લોકનાં મોઘાં બેન ને ભાઈ.
ઘમક ઘેરા ઘૂઘરા વાગે,
બેનડી ગાયે દીપક રાગે,
ભાઈને ઢોલક ધરતી જાગે,
રે દિશા દશ કાન માંડી બેઠી,
મેલે કહાન મોરલી યે હેઠી. ૧૦
મોરલા લાંબી ડોક ગહેકે,
ધરતી મીઠી ફોરમ બહેકે,
વાડીઓ લીલીછમ લહેકે,
રે ભાંડુડાં આવ્યાના કોડે,
નવો ભોમ અંચળો ઓઢે.
પાણિયારી પાણી સીંચતી પૂજે,
ગાવડી ગોરસ બમણાં દૂઝે,
ખેડૂત ખેતર ખેડતાં રીઝે,
રે ભલેરાં ભાઈ બેની આવ્યાં,
દુવા ભગવાનની લાવ્યાં. ૨૦
(૧૧ જૂન, ૧૯૩૨)