‘રેન્ડિયર્સ’ : અનિલ ચાવડા
‘રેન્ડિયર્સ’, પ્રકાશન – નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ પ્રથમ આવૃત્તિ – ફેબ્રુઆરી, ૨૦૨૧ પૃષ્ઠ – ૧૫૨ નકલની સંખ્યા – માહિતી પુસ્તકમાં ઉપલબ્ધ નથી. અર્પણ – ગણપત ઉર્ફ ‘ગપા’ને (જેની સાથે સ્કૂલકાળનું છાત્રાલયજીવન યાદગાર રહ્યું.) કિશોર ઉર્ફ ‘ગુગલી’ને (જેની સાથે કૉલેજકાળનું હોસ્ટેલજીવન ભુલાય તેમ નથી.) શાળા અને કૉલેજકાળના અભ્યાસ દરમિયાન જેમની સાથે હોસ્ટેલજીવન ગાળવાનો મહામૂલો લહાવો મળ્યો તે તમામ મિત્રોને... લેખકનો પરિચય : વર્ષ ૧૯૮૫માં સુરેન્દ્રનગરના કરેલા ગામે જન્મેલા શ્રી અનિલભાઈ ચાવડા આધુનિક કવિઓમાં માનભેર લેવાતું નામ છે. તેમનાં કેટલાંય સર્જનો પોંખાયાં છે અને વિદ્વાનો દ્વારા તેમના લેખનને લઈ હરખ વ્યક્ત કરવામાં આવ્યો છે. ૨૦૧૨માં તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘સવાર લઈને’ પ્રગટ થયો હતો. આ સંગ્રહને વર્ષ ૨૦૧૪માં યુવા સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. એ જ વર્ષે ‘એક હતી વાર્તા’ નામે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો. ૨૦૨૨માં બીજો ગઝલ સંગ્રહ ‘ઘણું બધું છે’ પ્રકાશિત થયો. વચ્ચે તેમણે અસંખ્ય અનુવાદો અને પુસ્તકો કર્યાં જેને પણ ભાવકોએ સહર્ષ આવકાર્યાં હતાં. સાહિત્ય જગતમાં કવિ, અનુવાદક, નવલકથાકાર, સંકલનકર્તા આમ વિવિધ ભૂમિકાઓ તેમણે ભજવી છે. આ સિવાય કટાર લેખક તરીકે પણ તેમનું નામ ગુજરાતમાં આદરપૂર્વક લેવાય છે. જ્યાં તેઓ દર અઠવાડિયે કવિતાઓનો આસ્વાદ કરાવે છે. અનિલભાઈ ચાવડાને પડકારનું બીજું નામ કહી શકીએ, કારણ કે તેમણે પ્રથમ નવલકથા રેન્ડિયર્સમાં હાસ્યસ્વરૂપમાં ખેડાણ કર્યું છે. યુવા પુરસ્કાર સિવાય, શયદા એવોર્ડ, તખ્તસિંહ પરમાર પારિતોષિક અને રાવજી પટેલ એવોર્ડથી તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. હાલ તેઓ અમેરિકામાં નિવાસ કરી રહ્યા છે. અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ’ નવલકથાએ ગુજરાતીમાં એક નવું સિમાચિહ્ન તો સ્થાપિત કર્યું જ છે. એટલે જ જયશ્રી વિનુ મરચંટે પુસ્તકના વિવેચન સંદર્ભે લખ્યું છે કે, “આવી નવલકથાઓ આપણી ભાષામાં લખાઈ નથી.” આપણે ત્યાં જૂજ આત્મકથાઓમાં લેખકના છાત્રાલયનાં સંભારણાઓ હોય છે. ક્વચિતે લેખકને ઇચ્છા હોય તો તે વાગોળે અને જ્યાં તેની ચર્ચા થાય છે તે પણ આત્મકથાનો અતિ ગંભીર મુદ્દો બની રહે છે. તેની જગ્યાએ આવાં સંસ્મરણોના મુસદ્દાઓને નવલકથાના ચાકડે ચડાવી, તેમાં હાસ્ય અને વ્યંગને રજૂ કરી એક નવા સ્વરૂપમાં બેસાડી શકાય. મરાઠીમાં ‘કોશેટો’ નામની નવલકથા એ ભાલચંદ્ર નેમાડેનું આત્મવૃત્તાંત જ છે. પરંતુ તેમણે તેને આત્મવૃત્તાંત ન બનવા દઈ તેને નવલકથાના કબાટમાં ગોઠવ્યું. તે રચનારીતિ અને કથાવસ્તુની દૃષ્ટિએ આજે પણ નૂતન લાગે છે. તાજગી બક્ષી રહી છે. છાત્રાલયનાં સંભારણાઓ વિશે વાત કરવાની હોય ત્યારે પ્રથમ નિબંધ જ યાદ આવે. નિબંધ લેખકની સ્મૃતિઓને સાચવવાની મોકળાશ કરી આપે છે. ઉદાહરણ તરીકે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ચરિત્ર નિબંધ ‘ભોળો મગર’માં કલમની કમાલની કારીગરી દેખાઈ છે. હવે જેના ગાડે બેઠાં છીએ તેનાં ગીતો ગાઈએ... એક કવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનારા શ્રી અનિલ ચાવડાની આ પ્રથમ નવલકથા છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર રેન્ડિયર છે જે તેના શીર્ષકને પણ સાર્થક કરી બતાવે છે. લાલ રંગનું મુખપૃષ્ઠ આ કથાના કેટલાક પ્રસંગોના પર્યાયસમું છે. લાલ એ આક્રોશનો રંગ છે, જેનો એક ધ્વનિ પ્રકરણ ત્રણમાં સંભળાય છે, લાલ એ જુસ્સા અને આવેગનો રંગ છે જેની ફળશ્રુતિ નવલકથામાં વારંવાર થતી રહે છે. નાયક માધવ જેને કુલિયા તરીકે ચીડવવામાં આવી રહ્યો છે, તેનું અને ચેતનનું એકબીજાને ઝેરવું એ લાલ રંગ તિરસ્કારનો રંગ હોવાનું પ્રમાણિત કરે છે. પણ આ સૌમાં એક વસ્તુ વિદ્યમાન થાય છે. મુખપૃષ્ઠનો રતાશ રંગ એ પ્રેમનું પ્રતીક છે. રેન્ડિયર્સ એ શાણપણ, પ્રવીણતા, કુશળતા, જ્ઞાન, રચનાત્મકતા અને આવિષ્કારશીલતાનું પ્રતીક છે. આ કથાનો સ્રોત પણ આ તમામ લક્ષણોને લઈ કથાપ્રવાહમાં તરણ કરી રહ્યો છે. પાત્રો ભલે એકબીજાને ઉન્મૂલન કરવાની ક્રિયામાં પડ્યાં હોય પરંતુ એમાં રિક્ત દેખાતો પ્રેમ હોસ્ટેલમાં રહી ચૂકેલા ભાવકોને નજરે ચડ્યા વિના નહીં રહે. જે લોકો હોસ્ટેલના વાતાવરણમાં ઊછર્યાં નથી એમના માટે આ નવલકથા ફક્ત અને ફક્ત અનુમાનનો લાંબો પ્રસંગ બનીને રહી જાય છે. બીજા શબ્દોમાં એ કલ્પનાનો વિષય બની રહી જાય છે! અહીં સમસ્યામાં અવારનવાર ફસાતા એક કિશોરની વાત છે. આ કિશોરનું નામ માધવ છે પણ તેની સાથે એક એવો કરુણ બનાવ બની ગયો છે કે તેનું ઉપનામ ગામના લોકોએ કુલિયો પાડી દીધું. અહીંથી તે હોસ્ટેલમાં ભણવા માટે જાય છે તો ત્યાં પણ એ તખલ્લુસ તેનો કેડો છોડતું નથી. અહીંથી ક્રમિક ઘટનાઓ શરૂ થાય છે. નવલકથા ઘૂંટાઈને ચાલે છે પણ પ્રસંગો તેનું હૃદય છે. નવલકથાને થ્રીલ કરવું કે રહસ્ય રાખવું ગમતું નથી, છતાં કોઈ કોઈ પ્રકરણના અંતે લેખક એવું પરાક્રમ કરી વાચક ને નવલકથાને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરે છે. અનિલ ચાવડાએ આ નવલકથાને હાસ્યના વાઘા પહેરાવવાની પૂરતી કોશિશ કરી છે. એમાં ક્યાંક ક્યાંક તેમને સફળતા પ્રાપ્ત થઈ છે તો ક્યાંક ક્યાંક નર્યા શબ્દો બનીને હાસ્ય કોઠીમાં પુરાઈ ગયું છે. પાત્રોને લઈ, પ્રસંગો ઘડી, હાસ્ય ઉપજાવવું એ ખરેખર દુર્બોધ કાર્ય તો છે જ. વિદ્વાન સાહિત્યકારો પણ તેમાં પછડાટ ખાઈ ચૂક્યા છે. જોકે નવલકથામાં સંવાદો બેધારી તલવાર બનવાનું કામ કરે છે. એસ.સી. અને એસ.ટી.નો સંવાદ એક આખો તફાવત દર્શાવી ન બોલવું હોવા છતાં ઘણું બધું બોલી સમાજવ્યવસ્થાના દૃશ્ય તરફ ઇંગિત કરે છે. નવલકથામાં મર્મ છે, નર્મ છે અને વક્રોક્તિઓ ખાસ્સી છે. એ વક્રોક્તિઓ મુખ્ય પાત્રના મનમાં જ ભ્રમણ કર્યાં કરે છે. માધવના કુલા, હિંમતની લાળ, ગૃહપતિની મૂછ આમ સ્થૂળ હાસ્ય અનિલભાઈનાં હથિયાર બન્યાં છે. આ હાસ્યરસની નવલકથા વચ્ચે કરુણતાનો અંજામ પણ લઈ આવે છે. લેખક તેને દલિતદિશામાં ફંટાવે છે. વેદના ઊભી કરી ચકચાર જગાવે છે. લેખકનું સૂક્ષ્મ અવલોકન છાત્રાલયના પરિવેશને પરિહાસમાં તબદીલ કરી નાખે એવું બેજોડ છે. આ માટે પ્રકરણ પાંચને જ જુઓ. અહીં લેખક હાસ્યની સમગ્ર શક્તિનો વિનિયોગ કરે છે. શિક્ષિકાઓની બોલચાલની ઢબમાંથી ઊપજતું નર્મ ખડખડાટ હસાવે છે. ક્યાંક ક્યાંક પરિહાસ ઉપહાસમાં ફેરવાઈ જાય એમ પણ બને છે. આ પ્રકરણમાં અનિલભાઈનું વીટ જુઓ, જેમાં ્રest’ એટલે કે ‘મીઠી મશ્કરી’ પણ રહેલી છે. “પાનાં નંબર ૮થી ૩૨ સુધી” “શું આઠથી બત્રીસ...?” “મોગલોએ રાજ કર્યું!” હેન્રી બર્ગસાંએ કહ્યું છે કે, “પ્રકૃતિમાં હાસ્યરસ હોઈ શકતો નથી, એ પાત્રો અને મનુષ્યમાં જ ઊપજે.” આમ તો હાસ્યનું તમામ સાહિત્ય તેનું ઉત્તમ ઉદાહરણ છે, અને ગુજરાતી સાહિત્યની આ નવલકથા તેનો તાજો નમૂનો છે. કુદરત સુંદર છે, પણ જ્યાં હાસ્ય પ્રયોજવું હોય ત્યાં કુદરતનું કશું કામ નથી. નહીં તો લેખક સ્વયં મંજાયેલા કવિ હોવા છતાં તેમની કલમમાંથી માત્ર સંવાદો, કસાયેલાં પાત્રો, રસપ્રચુર ઘટનાઓ બહિર્ભાવ પામી છે. નિસર્ગમેળો રોમેન્ટીક નવલકથાનો વિષય છે, હાસ્યનો નહીં. છાત્રાલયમાં પરાક્રમો કેન્દ્રમાં હોવાનાં, જેથી આ નવલકથા હાસ્ય ક્ષેત્રમાં ‘Mock-Heroic’ બનીને પણ ઊભરી આવે છે. નવલકથાના હાસ્યમાં આશ્ચર્યનો અભાવ છે, જે હોવી જોઈએ એ બે મુખ્ય વસ્તુ તેમાં ઠાંસોઠાંસ ભરી છે. એક તર્ક અને બીજું તલવારની ધાર જેવું હ્યુમર. ત્રીજું કે હાસ્યના કોઈ પ્રસંગને આ નવલકથા લંબાવતી નથી. જેથી લેખકની આ પ્રથમ હાસ્ય નવલકથા હોય તેવું જવલ્લે જ કેટલાંક પ્રકરણો વાંચી પ્રતીત થાય છે. એવી ધારણા બાંધી શકું કે ગઝલનું લાઘવ લેખકને હાસ્યમાં થોડું ઘણું તો કારગત નીવડ્યું જ છે. લેખકનું લક્ષ્ય કિશોરોનું ચરિત્રચિત્રણ છે. આ કારણે સંવાદો પણ ગંભીરભાસિની બની ગંભીરનાદ નથી કરતા. કિશોરનું અંતઃકરણ કેટલીક જડગ્રંથિઓથી બંધિયાર બનેલું હોય છે. આ અગમ્ય સૃષ્ટિ વિશે કરેલી કેટલીક પરિકલ્પનાઓ તેણે સત્ય માની લીધી હોવાથી જ્યારે એ યથાર્થનો છેદ ઊડી જાય છે ત્યારે વિસ્મયપૂર્વક જગતની હકીકત વિશે તે સભાન બને છે. આ અંગેનું પ્રમાણ એક સંવાદથી જોઈએઃ “પોં... પિક્ચરના હીરોય પાદે? મને પ્રશ્ન અને આશ્ચર્ય બંને થયાં.” માની લઈએ કે આ નવલકથા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં બેઠક જમાવે છે, તો મૉર્ડનિટીમાં ન્યોછાવર થયેલા વિદ્યાર્થીઓને જિંદગીના વળાંક લેતા વરસની કથા નામની આ ‘રેન્ડિયર્સ’ નવલકથાની પૃષ્ઠભૂમિ કઈ એવો સવાલ અધ્યાપકને ઉદ્ભવવો જોઈએ અને તેની પાસે તેનો યથોચિત ઉત્તર પણ હોવો જોઈએ. લેખક સ્વંય સંજયલીલા ભણશાળીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નો એક પ્રકરણમાં ઉલ્લેખ કરે છે. ૧૯૯૯માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. તો આ નવલકથાની પશ્ચાદ્ભૂમિ પણ તેની આસપાસની જ છે. આ નવલકથા માત્ર હાસ્યના વાઘા પહેરીને નથી ફરતી. નવલકથાના માધ્યમથી સંદેશો પાઠવવા માટે તેની પાસે કેટલાક કડક કરુણ મુદ્દાઓ છે. ક્ષણેક માટે એ ઘટનાઓની અસરમાંથી મુક્ત થવું આકરું કાર્ય છે. બાપ અને દીકરા વચ્ચે પેન્સિલ ચોરીનો પ્રસંગ શૈશવકાળનું એક બિહામણું પણ વાસ્તવિક પરિદૃશ્ય અનાવૃત્ત કરે છે. છાત્રાલયને લેખક શિક્ષણના કારખાનામાં ભણતરની મજૂરી તરીકેનું કલ્પન આપી પરપ્રાંતીયનો એક મુદ્દો છંછેડે છે. પ્રકરણ-૧૬માં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના બાળકની તીવ્ર વાંછનાનો દિનાંધ કંઈક આવો સર્જાય છે, “હેપ્પી દિવાળી કહી તો દીધું, પણ દિવાળીમાં હેપ્પી છે કેટલું? દિવાળીનું વેકેશન મારા માટે લાંબી મજૂરી લઈને આવે છે. એકવીસ દિવસની મજૂરી... મારા માટે દિવાળી વેકેશન એટલે ખતરનાક ઢસરડા. ફટાકડાનું સુખ તો કાયમ મારા માટે સુરસુરિયું જ સાબિત થતું. જોકે મને એમાં વધારે રસ પણ નહોતો. ધારો કે એક ફટાકડાનું પેકન્ન દસ રૂપિયાનું આવતું હોય અને એ પેકેટ કોઈક સળગાવે ત્યારે મને દસ રૂપિયા સળગાવતા હોય એવું જ લાગતું. પૈસાની તંગીએ મને તેનું મહત્ત્વ સારી રીતે સમજાવી દીધેલું.”
મયૂર ખાવડુ
જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજમાંથી સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષય સાથે બી.એ., જ્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ. ડી. શેઠ પત્રકારત્વભવનમાંથી એમ.ફિલ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે કારકિર્દીની શરૂઆત રાજકોટ દૂરદર્શન કેન્દ્ર ખાતેથી કવિ અને નાટ્યકાર શ્રી શૈલેષ ટેવાણીના સહાયક તરીકે કરેલી. મુંબઈ સમાચારમાં હાસ્યની કટાર, ગુજરાત સમાચારમાં હાસ્ય અને ફિલ્મ સમીક્ષાની કટાર અને દિવ્ય ભાસ્કરમાં સાહિત્યિક કૉલમ લેખન કરેલું.