નવલકથાપરિચયકોશ/શીમળાનાં ફૂલ

Revision as of 06:54, 25 December 2023 by Meghdhanu (talk | contribs) (added pic)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૭૭

‘શીમળાનાં ફૂલ’ : ધીરુબેન પટેલ

– નીતા જોશી
Shimlana Phool.jpg

પરિચય : નામ : ધીરુબેન ગોરધનભાઈ પટેલ (ધીરેન્દ્રબાલા પટેલ) જન્મતારીખ : ૨૯, મે ૧૯૨૬ (વડોદરા) મૃત્યુતારીખ : ૧૦, માર્ચ ૨૦૨૩ - અમદાવાદ (૯૬ વર્ષનું આયુષ્ય) મૂળવતન : ચરોતર પ્રદેશનું (ધર્મજ) પિતાનું નામ : ગોરધનભાઈ પટેલ (અંગ્રેજી અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય) માતાનું નામ : ગંગાબેન (ગાંધીભાવનાથી રંગાયેલા સત્યાગ્રહી તરીકે છ વાર કારાવાસ ભોગવ્યો.) શાળા શિક્ષણ અને વ્યવસાય : શાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં, ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં, અંગ્રેજી વિષય સાથે એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહીસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. ૧૯૬૩-૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી. કૃતિઓ : વાર્તા સંગ્રહ : ‘અધૂરો કોલ’ (૧૯૫૫), ‘એક લહર’ (૧૯૭૫), ‘વિશ્રંભકથા’ (૧૯૬૬) નવલકથા : ‘વડવાનલ’ (૧૯૭૩), ‘શીમળાનાં ફૂલ’ (૧૯૭૬), ‘વાવંટોળ’ (૧૯૭૯), ‘વમળ’ (૧૯૭૯) લઘુનવલ : ‘વાંસનો અંકુર’ (૧૯૬૮), ‘એક ભલો માણસ’ (૧૯૭૯), ‘આંધળી ગલી’ (૧૯૮૩), ‘કાદંબરીની મા’, ‘અતીતરાગ’ હાસ્ય સાહિત્ય : ‘પરદુઃખભંજન પેસ્તનજી’ (૧૯૭૮), ‘ગગનનાં લગન’ નાટક : ‘પહેલું ઈનામ’ (૧૯૫૫), પંખીનો માળો (અન્ય સાથે ૧૯૫૬), વિનાશને પંથે (૧૯૬૧) રેડિયો નાટક : ‘મનનો માનેલો’ એકાંકી સંગ્રહ  : ‘નમણી નગરવેલ’ (૧૯૬૧) બાળનાટક  : ‘અંડેરી ગંડેરી ટીપરીટોન’ (૧૯૬૬) બાળવાર્તા સંગ્રહ : ‘બતકનું બચ્ચું’ (૧૯૮૨) બાળ કવિતા સંગ્રહ : ‘મિત્રાનાં જોડકણાં’ (૧૯૭૩) અનુવાદ : માર્ક ટ્વેઈનની પ્રશિષ્ટ કૃતિ ટોમ સોયર ભાગ -૧, ૨ (૧૯૬૦, ૧૯૬૬), ‘હકસલ ટી ફિનનાં પરાક્રમો’ (૧૯૬૭) ‘ભવની ભવાઈ’ નામક કેતન મહેતાની ફિલ્મની પટકથા તેમણે લખી છે. પુરસ્કાર અને ચંદ્રકો : ૧૯૮૯માં ગુજરાત સાહિત્ય સભાનો પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક, ક. મા. મુનશી સુવર્ણ ચંદ્રક દિલ્હી સાહિત્ય અકાદમી (૨૦૦૧), નંદશંકર સુવર્ણચંદ્રક, દર્શક એવૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ૨૦૦૨નો ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’, દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૩, બાળ સાહિત્ય પુરસ્કાર, કાવ્યમુદ્રા પુરસ્કાર. નવલકથા : શીમળાનાં ફૂલ પ્રકાશક - Zen opus/Ahemadabaad. www.zenopus.in પ્રથમ આવૃત્તિ : ૧૯૭૬ Zen opus Edition-feb ૨૦૨૨ પૃષ્ઠ સંખ્યા ૨૦૪ MRP :૨૫૦.૦૦ Published and printed by Zen Opus Hingalaaj Mata Compund, Behind Manmohan Complex, Navarangpura Police Station Lane, Navarangpura Ahmdabad-૩૮૦૦૦૯ Phones : (૦૭૯) ૨૬૫૬ ૧૧૧૨, ૪૦૦૮ ૧૧૧૨ email : zenopusmail@gmail.com | www. Zenopus અર્પણ પંક્તિ : વૈશાખી વાટમાં લીલો લીમડો થઈને ઊભેલા મારા ભાઈ દત્તુભાઈને કથાનો સંક્ષિપ્ત સાર નારીનાં મનોસંઘર્ષ અને લાગણીઓને વ્યકત કરતી નવલકથા ‘શીમળાનાં ફૂલ’ એ પારિવારિક કથા અંતર્ગત એક મનોવૈજ્ઞાનિક નવલકથા બની છે. ભારતીય દામ્પત્યજીવનમાં પરંપરા મુજબ ગોઠવાયેલી વ્યવસ્થા જેમાં પ્રેમ અને સ્વતંત્રતાથી વિશેષ એકમેકની કાળજી અને જવાબદારીનું મહત્ત્વ વધારે છે. નવલકથાની નાયિકા રન્ના સંસારની આ ધારાને તોડી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. એ માને છે કે સંસારમાં બીજું પણ ઘણું મૂલ્યવાન છે જે એક વ્યવસ્થામાંથી મુક્ત થઈ જોવું પડે. રન્ના વીસ વર્ષના સંબંધના એકધારાપણામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. એ વિચારે છે કે જીવનમાં પ્રેમની સચ્ચાઈ ન હોય તો સહજીવનનો દંભ કરવાની જરૂર નથી. એણે ઘર છોડી અને જીવન ચકાસવું જોઈએ. એ મક્કમ બની ઘર છોડે છે ત્યારે જાણે છે કે એણે શું શું ગુમાવવાનું આવશે. એના પતિની સમજાવટ પછી પણ એ મક્કમ બની ઘર ત્યજે છે. આગળ હવે શું? જિંદગીના પડકારો ઓછા નથી. વાસ્તવ જીવન અને કલ્પનાનું જીવન આ બે પરિસ્થિતિ અહીં મનોજગતની ઊથલપાથલ સર્જે છે. ભૌતિક સુખ સુવિધાના અભાવની એને પરવાહ નથી પરંતુ એ કૃત્રિમ જીવન જીવવા ઇચ્છતી નથી. દીકરી દીપાના મૃત્યુ પછી આવી ગયેલો ખાલીપો પણ રન્નાને વધુ વિચલિત બનાવે છે. રન્ના સંબંધને ઔપચારિક ઢબે જીવી જવા તૈયાર નથી. એ ઇચ્છે છે વિશ્વાસ, પ્રેમ અને સંબંધની સચ્ચાઈ. જીવનનું એકધારાપણું એને અકળાવનારું છે. એટલે જ સુવિધાજનક જીવનમાંથી બહાર નીકળી જાય છે. પૂનામાં રહેતી બહેનપણી ઉમા પાસે પહોંચે છે. ઉમા પણ એક એવી સ્ત્રી છે જે પતિના મૃત્યુ પછી પોતાના અસ્તિત્વને જીવિત રાખવાની મથામણ કરે છે. આર્થિક રીતે સ્વતંત્ર હોવા છતાં જિંદગીથી સંતુષ્ટ એ પણ નથી. ત્યારે રન્ના અનુભવે છે કે ઉમા પણ કોઈ અંધારાને જ ખાળી રહી છે. ઉમાની દીકરી પાયલ આધુનિક વિચાર અને મુક્ત જીવન જીવનાર યુવતી છે. ત્યાં સુધી કે લગ્ન વિના પ્રેમીથી રહી ગયેલા ગર્ભને ઉછેરવા મક્કમ છે. પાયલના પાત્રમાં લેખિકાના સ્ત્રી સ્વાતંત્ર્ય વિશેના વિચારોની અભિવ્યક્તિ જોવા મળે છે. પાયલ બાળકને જન્મ આપવા એટલી મક્કમ છે કે માતા, પ્રેમી અને સમાજનો પ્રતિકાર કરી સહુને પોતાનો નિર્ણય જણાવે છે. આ તરફ રન્નાનો પતિ વિમલ સંઘર્ષ રહિત ગોઠવાયેલી વ્યવસ્થામાં જીવવા ટેવાયેલો છે. પુરુષ સહજ ઇચ્છાઓને પોષવામાં એને કશો વાંધો નથી. ઘરમાં રહે છે, ઑફિસે જાય છે, શરીરની ઇચ્છાપૂર્તિ કરે છે, રન્ના એની પત્ની છે એના માટેની દરકાર કરવાનું પણ ચૂકતો નથી જ્યારે રન્ના એની બહેનપણી ઉમા અને પાયલ એ માતા પુત્રીની વિસંવાદી જિંદગીમાં એનું વધુ ઉમેરણ ઇચ્છતી નથી. આત્મીયતા બંધાય એ પહેલાં જ નીકળી જવામાં ભલાઈ સમજે છે. જીવનનો સંવાદ સાધવા એ ઉમાનું ઘર છોડી અને મનની શાંતિની શોધમાં પંઢરપુર આવે છે. ત્યાં એ વિચિત્ર પરિસ્થિતિઓને જુએ છે, જાણે છે. આ દરમ્યાન વિમલનો વિકલ્પ ક્યાંય વિચારી શકતી નથી. મથામણની ક્ષણોમાં એ વિમલને પત્ર લખે છે. હૃદયસ્પર્શી ભાવના વ્યક્ત કરે છે. એ સંબંધનું મૂલ્ય એની ઘનિષ્ઠતા પત્ર દ્વારા વ્યકત કરે છે. એ જાણે છે કે વિમલને એ એની ઇચ્છાથી છોડીને આવે છે એટલે બની શકે વિમલ અન્ય સ્ત્રી પાત્ર સાથે જોડાઈ ગયો હોય! અને જ્યારે એ ઘરે જાય છે ત્યારે એવું જ બને છે કે વિમલના જીવનમાં પલ્લવી નામની વ્યક્તિનું ઉમેરણ થઈ ચૂક્યું હોય છે. નવલકથાનો અંત થોડો નાટ્યાત્મક છે જેમાં વિમલ અને પલ્લવીનો ગાડીમાં અકસ્માત થાય છે અને રન્ના બન્નેની કાળજી કરે છે. પલ્લવી સાથેનો સંબંધ ઊંડાણ વગરનો છે. એટલે જ વિમલ રન્નાનાં પ્રેમ અને કાળજીને નકારી શકતો નથી. પ્રેમ વગરનું શરીર અને શરીર વગરનો પ્રેમ આ બન્ને વાતનું મનોવિજ્ઞાન અહીં પ્રસ્તુત છે. પલ્લવીના જીવનમાં એકથી વધારે સંબંધો છે એટલે વિમલ સાથેનો સંબંધ વિચ્છેદ એના માટે નિરાશ કે હતાશ કરનાર સાબિત થતો નથી. જીવનની એકવિધતા અને કૃત્રિમ બનતી જતી જિંંદગીને બહાર નીકળી જાણ્યું એટલે ઘરનું સત્ય રન્નાને સમજાય છે અને ફરી પોતાના ઘરમાં પ્રવેશ કરે છે. પરંતુ ખંડિત સંબંધ અને જીવનનો સ્વીકાર કરી એ સંતોષ અને પૂર્ણતાનો અનુભવ કરી શકતી નથી. પાયલ રન્નાની હૂંફ ઝંખે છે. રન્નાની સંવેદના એની સાથે જોડાયેલી છે પરંતુ વિમલ માટે પાયલની આ આઝાદી સહ્ય નથી. રન્ના માટે પણ પલ્લવીનો સંબંધ સહજ સ્વીકાર્ય નથી એટલે વિમલને પૂર્ણ રીતે સ્વીકારવામાં સંબંધનાં સ્નેહ અને સચ્ચાઈ જળવાતાં નથી. આમ સ્ત્રીનું જીવન કાંટાની ડાળીઓ ઉપર ઊગેલા શીમળાના ફૂલ જેવું લાગે છે, જે કાંટાઓ વચ્ચે પોતાનું અસ્તિત્વ ચેતન ભરેલું રાખવા પ્રયત્ન કરે પરંતુ આસપાસ પથરાયેલા કાંટારૂપી સંઘર્ષને તો સ્વીકારવાનો જ છે. શીમળાનું ફૂલ અહીં પ્રતીકાત્મક છે. જે મનનાં ઉદ્વેગ, સમાધાન અને સ્વીકૃતિને વ્યક્ત કરે છે. સહજ અને સચ્ચાઈથી જીવવાની મથામણ કરતી રન્ના નામની સ્ત્રીની આ નવલકથા છે.

નીતા જોશી
ગૃહિણી અને વાર્તાકાર, વડોદરા
એમ.એ., એમ.ફિલ. હિન્દી વિષય સાથે. વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’
મો. ૯૪૨૮૧૭૩૪૨૬
Email: neeta.singer@gmail.com