નવલકથાપરિચયકોશ/નિશાચક્ર

Revision as of 16:38, 29 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
૮૪

‘નિશાચક્ર’ : કિશોર જાદવ

– અજય રાવલ
Nishachakra.jpg

કિશોર જાદવ જન્મ ૧૯૩૮ – અવસાન ૨૦૧૮ વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંપાદક એવા કિશોર જાદવનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલીયાળા ગામે થયો હતો . તેઓ ૧૯૫૫માં મેટ્રીક, ૧૯૬૦માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.કૉમ થયા, ૧૯૭૨માં ગુવાહાટી યુનિવર્સિટીમાંથી એમ.કૉમ. થયા. ૧૯૬૫થી ૧૯૮૨ સુધી નાગાલેન્ડમાં વિવિધ સરકારી કચેરીઓમાં અંગત સચિવની કામગીરી બજાવ્યા પછી, ૧૯૮૨થી નાગાલેન્ડ સરકારના મુખ્ય સચિવના અંગત સચિવ તરીકે કાર્ય કર્યું, ૧૯૯૫માં નિવૃત્ત થયા ત્યાં સુધી નાગાલેન્ડના કોહીમા અને ત્યાર બાદ નાગાલેન્ડના દિમાપુર ખાતે નિવાસ કર્યો. ગુજરાતના બીજા છેડે નાગાલેન્ડમાં રહીને કિશોર જાદવે કરેલું સર્જન અને વિવેચન નોંધપાત્ર છે. ગુજરાત બહાર વસતા હોવા છતાં ગુજરાતી સાહિત્ય સાથે જીવંત સંપર્ક અને એના સાહિત્ય સર્જનને સમભાવથી જોતા રહેલા આ સંવેદનશીલ સર્જકે કરેલું અર્પણ સાહિત્યના ઇતિહાસમાં કાયમ છે. એમની પાસેથી ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ (૧૯૬૯), ‘સૂર્યારોહણ’ (૧૯૭૨), ‘છદ્મવેશ’ (૧૯૮૨), ‘યુગસભા’ (૧૯૯૫) તથા ‘એક ઇતર જનનું દુઃસ્વપ્ન’ (૨૦૧૭) જેવા પ્રયોગશીલ વાર્તાસંગ્રહો અને ‘નિશાચક્ર’ (૧૯૭૯), ‘રિક્તરાગ’ (૧૯૮૯), ‘આતશ’ (૧૯૯૩) જેવી અરૂઢ નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. તેમજ, ‘નવી ટૂંકી વાર્તાની કલામીમાંસા’ (૧૯૮૬) વિવેચન સંગ્રહ તેમજ ‘કિમર્થમ’ (૧૯૯૫) વિવેચનાત્મક અભિપ્રાયોનો મુલાકાત સંગ્રહ (વિવેચનલેખો સહિત) આપણને મળ્યા છે. આ ઉપરાંત અંગ્રેજીમાં ચાર ગ્રંથ ‘કન્ટેમ્પરારી ગુજરાતી શોર્ટ સ્ટોરી’ નામનું સંપાદન ઉપરાંત નોર્થ ઇસ્ટને લગતાં ત્રણ મહત્ત્વનાં સંપાદનો ‘ઓકલેર ઍન્ડ લિટરેચર’, ‘ડાન્સ ઑફ નોર્થ ઇસ્ટ ઑફ ઇન્ડિયા’ સોસીયલ કલ્ચરલ પ્રોફાઈલ નામના ત્રણ ગ્રંથો એમની પાસેથી મળ્યા છે. એમનાં પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં વિવિધ ઇનામ પ્રાપ્ત થયાં છે. આધુનિક કળા વિભાવના સ્થિર કરવામાં કિશોર જાદવનું મહત્ત્વનું યોગદાન છે. ‘નિશાચક્ર’ પ્રથમ આવૃત્તિ ૧૯૭૯ રૂપાલી પ્રકાશક અમદાવાદ અને બીજી આવૃત્તિ ૧૯૯૮ પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ ‘કથાત્રયી’ (નિશાચક્ર, તંદ્રા અને રિક્તરાગ) નામે પ્રસિદ્ધ થઈ છે. ‘નિશાચક્ર’ કિશોર જાદવની પ્રથમ લઘુનવલ છે. આ લઘુનવલમાં ગ્રીષ્મ ઋતુના સાત રાતદિવસની વાત છે. ‘નિશાચક્ર’માં આઠ પ્રકરણ છે. એનો આરંભ - “નિત્યની જેમ ઊઠીને, સોડિયું વાળતા એ ઘર બહાર નીકળી. મળસકું થવાને હજુ વાર હતી. ચટાપટાળા અંધકારમાં માર્ગ કરતી સિફતભેર આગળ વધી. જરાતરા દેખાતી, ક્ષણાર્ધમાં તો ચોગરદમના ઓળાઓ ભેગી ભળી ગઈ.” (પૃ. ૧) સવારના વર્ણનથી થાય છે. તો એના અંતે સાંજનું આ વર્ણન “પશ્ચિમમાં સૂર્ય લાલ ટપકું બનીને બારીના કાચમાં સળગી રહ્યો હતો. અંધારાં ઊતરતાં તો મકાન ફરતે ચોપગું તેજ ખાબક્યું ને બારી સોંસરવો, તેની પાછળ હું કૂદી પડ્યો.’ (પૃ. ૫૫) આરંભે કદાચ નાયિકા કમસાંગકોલા અને અંતે નાયક હું કૂદી પડે છે. આ આરંભ અંત વચ્ચે આછીપાતળી તૂટકછૂટક ઘટનાઓ બને છે. અહીં વસ્તુસંકલના અરૂઢ છે. ‘નિશાચક્ર’ નાયક હુંના કથનકેન્દ્રથી પ્રથમ પુરુષ એકવચનમાં વિશેષ તો ચૈતસિક લીલા કહેવાઈ છે. નવલકથામાં ગતિ રૈખિક નથી. એક સંવેદનશીલ નાયકની જુદી જુદી ત્રણ સ્ત્રીઓ સાથેના અંગત સંકુલ સંબંધોની કથા છે. આ ત્રણ સ્ત્રીઓ એટલે અનંગલીલા , કમસાંગકોલા અને લાનુલા આ ત્રણેય સ્ત્રીઓ સાથે નાયકના સંબંધો અને એની ક્રિયા-પ્રતિક્રિયા એ નવલકથાના આલેખનનો મુખ્ય વિષય અહીં જોવા મળે છે. ‘પુષ્પપંખી’ નામની જેને નવલકથાકારે પશ્વાદ્ભૂ તરીકે મૂકી છે એ નવલકથાની સૃષ્ટિમાં પ્રવેશ કરવા માટે ઉપકારક છે. જેમાં નાયકના આ સ્ત્રીઓ પ્રત્યેના મનોભાવ અને જે હકીકત છે એ બંનેનો વિરોધ સામસામે મૂકી આપ્યો છે. તો સાથે સાથે એ પરિવેશનો પણ એમાં નિર્દેશ છે જેમાં આ ત્રણેય સ્ત્રીઓ રહે છે. પુષ્પપંખી, પત્રસેતુ, સાહેબ જેવાં આખી રચનામાં મહત્ત્વપૂર્ણ સૂચનો અહીંયાં થયાં છે. તો નાયક કંઈક ગુમાવી બેઠો છે અને એ પંખી ઊડી જવાના સૂચનથી બતાવ્યું છે તો નાયકનો પડછાયો આલેખાયો છે જે હવે પછી નિશાચક્રની સૃષ્ટિના અને પ્રકૃતિના સૂચન રૂપ છે. નાયક હુંના આ ત્રણેય સ્ત્રીઓ સાથેના પ્રણય કે લગ્નસંબંધ એની સંકુલતાની વાત ક્રમશઃ કહેવાઈ છે. અનંગલીલા એ નાયકની ઝંખના છે. એના પ્રેમને એ ઝંખે છે પણ એ પ્રેમ એને પ્રાપ્ત થતો નથી, બલકે એ ‘પાર્શ્વભૂ’માં જ રહે છે. એના ઘેર જતા નાયક તેના રહેણાક આગળ સોનચંપાના વૃક્ષ પર પંખીઓનાં જૂથ ગુમસૂમ બેઠાં હોય એવાં, પીળચટ્ટાં પુષ્પો લાગેલાં છે.’ બંધ ઘર જોતાં નાયક અનુભવે છે તે ‘મોસમના રંગરોગાનમાં અનંગલીલા બહાર નીકળી ગઈ હતી. શેરીના નાકે જતાં પૂંઠ ફેરવી જોયું તો પેલા લાલ ટપકા પર ઝાંખપનું પોતું ફર્યું હતું અને સોનચંપાની ડાળ પરનાં પીળાં પંખી ઊડી ગયાં હતાં (પૃ. ૧૩) જેવા વર્ણનમાં અભિવ્યક્ત થાય છે ત્યારે આ ભંગુર વિશ્વ સર્જતી ભાષાની સર્જનાત્મકતા ધ્યાનપાત્ર બની રહે છે... પત્રસેતુ રચી એકમેક સાથે રહેવાની ઇચ્છા પણ પૂરી થતી નથી! તો આ પ્રેમની ઝંખના જ એનામાં જન્માવે છે પશુતા! પ્રેમ અને પશુતા એ બે તત્ત્વો સામસામે મુકાયાં છે. અનંગલીલાને ઇચ્છતો નાયક એના બદલે કમસાંગકોલા સાથે પરણે છે કહો, એને પરણવું પડે છે. એ કહે છે, ‘તેને હું ખદેડી મૂકીશ. હરામજાદી રાંડ... ’ કમસાંગકોલા પણ કહે છે એમ,‘તેં જબરદસ્તીથી મને ઘરમાં ઘાલી.’ આમ લગ્નજીવનનો આરંભ આવા ક્લેશથી થયો છે. અને કથામાં એ ઉત્તરોત્તર વધતો રહે છે. કમસાંગકોલાથી ત્રસ્ત નાયક એનું ખૂન કરી બેઠો હોય એવું સ્વપ્ન જુવે છે! એ આની પરાકાષ્ઠા રૂપે આવે છે. અનંગલીલાની સામે કમસાંગકોલાનું વ્યક્તિત્વ તદ્દન જુદું છે. એના કુરૂપ અને જુગુપ્સાપ્રેરક શરીરના વર્ણનથી નવલકથાકારે આ વિરોધને તીવ્ર રીતે પ્રગટાવ્યો છે. પ્રેમ પામવાની ઇછા ફળીભૂત ન થઈ તે શરીરસુખથી પૂર્ણ કરવા નાયક મથામણ કરે છે. તો કમસાંગકોલા પણ અનેક પુરુષો સાથે સંબંધ ધરાવે છે, સાહેબ, ઓર્ડરલી, ફોટોગ્રાફર, બહેનના પતિ વગેરે. આ જાણવા છતાં નાયક પરણે છે ને પીડા પામે છે. ‘ખુદના મનને હરદમ પીડા પહોંચાડવા ’વ્યથિત કરવા’ પ્રયત્નશીલ રહે છે. નાયક હું અને કમસાંગકોલાનો પરસ્પરનો દ્વેષભાવ આંત્યતિક રીતે આલેખાયેલ છે. આ જોઈને લાનુલા મંદમંદ મરકલાં વેરે છે. લાનુલા કમસાંગકોલાની બહેન છે. નાયક એના પ્રત્યે આકર્ષણ અનુભવે છે. એમાં પણ નાયકની પ્રેમ પામવાની ઝંખના જ જોઈ શકાય. નાયકની પીડાનું કારણ શું? કામવૃત્તિ કે જિજીવિષા? એક એવા જીવનનો પરિચય થાય છે જે અસહ્ય છે. લાનુલા સાથેના સંબંધથી કમસાંગકોલા નાયક સાથે ઝઘડે છે. અને કહે છે કે ‘હું મરવાની નથી.’ પ્રેમ વિફળતાથી નાસીપાસ થયેલો નાયક અંતે બારીમાંથી કૂદી પડે છે ત્યાં કથા અંત પામે છે. એ પાછો આવશે કે નહીં ? કેનિશાઓનું આ ચક્ર પૂરું થશે કે નહીં? એવી સંદિગ્ધ પરિસ્થિતિ આગળ ભાવક ઊભો રહી જાય છે. ‘નિશાચક્ર’માં પાત્રો નામના ભાવો દર્શાવવા પ્રતીકાત્મક ભાષાનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. જેમ કે અનંગલીલા અને નાયક વચ્ચે ‘એક અખૂટ અંતર ઊભું હોય એમ મારો દ્વિધામય હાથ અમારી વચ્ચે લટકતો હતો.’ કે ત્રીજા પ્રકરણમાં જંગલી પશુનું વર્ણન એનાં ઉદાહરણ છે. નવલકથાકારે સ્થળ-કાળને માત્ર સૂચન વડે પ્રગટાવ્યાં છે. આખી કથા કોઈ સ્વપ્નસૃષ્ટિ જેવી વિશેષ જણાય છે, આપણા પરિચિત વાસ્તવ જગતથી જુદી જ ભૂમિકાએ મુકાયેલું આ આગવું વિશ્વ એ રીતે મુકાયું છે. નિશાચક્રને અભ્યાસ તરફથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. સુમન શાહે નિશાચક્રની વિગતે સમીક્ષા કરી છે એમાંથી એક નિરીક્ષણ પ્રસ્તુત છે : “મૃત્યુ અને ઈશ્વરને વિશેની આ લાપરવાહીમાં એના (નાયકના) પ્રેમવિચ્છેદની અવધિ છે, વિફળતાની સીમા છે, પણ એમાં જ એની જીવનચાહના વ્યક્ત થાય છે – ભૂત અને ભાવિથી કપાયેલા એ વર્તમાનને પૂરી તાકાતથી જીવે છે, સારપ અને સાલસતાની ભૂમિકાએ રહીને તેમાંથી જન્મતી ક્રિયા-પ્રતિક્રિયાનાં પરિમાણોમાં ખૂંટતો રહે છે, પણ એવી ક્ષયિષ્ણુતા અને એનો એવો હાસોન્મુખ વિકાસ એના આધુનિક માનસ, વેદનશીલતા અને જીવનને સૂચવીને રચનાને આધુનિક કલાની કોટિએ સુસ્થિર રાખે છે.”૧ ‘નિશાચક્ર’ કિશોર જાદવની પ્રથમ લઘુનવલ હોવા છતાં સર્જનાત્મક ઉન્મેષને પ્રગટાવવાથી આરૂઢ કૃતિ તરીકે એક છાપ છોડી જાય છે.

સંદર્ભ : ૧. શાહ, સુમન. ‘કથાત્રયી કિશોર જાદવ’, પૃ. ૨૩૯ પ્રથમ આવૃત્તિ ૧૯૯૮, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ

પ્રો. ડૉ. અજય રાવલ
એસોસિએટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
ઉમિયા આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, સોલા, અમદાવાદ
વિવેચક, સંપાદક
મો. ૯૮૨૫૫૦૬૯૪૨
Email: ajayraval૨૨@gmail.com