નવલકથાપરિચયકોશ/આકાર

Revision as of 09:00, 31 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૩

‘આકાર’ : ચંદ્રકાંત બક્ષી

– કિરીટ દૂધાત
Aakar.jpg


ચંદ્રકાંત બક્ષીની (પિતાનું નામ : કેશવલાલ બક્ષી; જન્મ : ૨૦/૮/૧૯૩૨; પાલનપુર, અવસાન : ૨૫/૩/૨૦૦૬; અમદાવાદ.) ચોથી અને સૌથી લોકપ્રિય નવલકથા છે. ૧૯૬૩માં પ્રકાશિત થયેલી આકારનું એ સમયે અસ્તિત્વવાદી નવલકથા તરીકે સ્વાગત થયું હતું. અહીં ૨૦૧૮ની પ્રવીણ પ્રકાશન પ્રા. લિ, રાજકોટની આવૃત્તિ ધ્યાને લીધી છે.

‘આકાર’ની પ્રકરણો વગરની, ૧૯૧ પાનાંની સળંગ નવલકથા છે. આ કથાની ઘટનાઓ પૂર્વાર્ધમાં કોલકાતા અને ઉત્તરાર્ધમાં ધનબાદની કોલસાની ખાણોવાળા સ્થળે બને છે. કથાનો આરંભ નાયક યશ ન. શાહ (પિતાનું આખું નામ જાહેર ન કરતાં યશે એમને ન. માં સીમિત કરી દીધા છે, અહીં એના પિતાનું ‘હોવું’ છતાં ન હોવાનો પ્રથમ સંકેત છે.) નોકરીમાં ખોટી સહી કરીને નાણાંકીય ઉચાપતના ગુનામાં જેલમાં કેદ હોય છે ત્યારે એના મોટા ભાઈ નિહારની જીવલેણ બીમારીને કારણે પેરોલ પર છૂટવાથી થાય છે. બંને ભાઈઓ નિહારના મૃત્યુના ઓછાયામાં મળે છે. (કથાની શરૂઆત ભાઈનું અને અંતમાં હર્ષનું મૃત્યુ લેખકે મૂક્યું છે એ ‘હોવું- ન હોવું’ અંગે બીજો સંકેત છે). બંને ભાઈઓની વાતોમાં મધ્યમવર્ગીય નિહારનું એક સામાજિક પ્રતિષ્ઠાવાળી વ્યક્તિ હોવાનું તથા યશનું સામાજિક મૂલ્યોને ઉવેખીને જીવનારા ૨૨ વરસનો યુવાન હોવાનું જાણવા મળે છે. નિહાર પરણેલો છે અને બે બાળકોનો પિતા છે. એની પત્ની ઘરરખ્ખુ છે. બંને ભાઈઓને લીરા નામની માનસિક અસ્વસ્થ નાની બહેન છે જે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. (લીરા કે જે પોતાના ‘હોવા’ અંગે અભાન છે, નિહાર કે જે પોતાના ‘હોવા’ વિશે અત્યંત સભાન છે અને આ બંને ‘હોવા’ની વચ્ચે યશનું ‘હોવું’ દોલાયમાન છે એ ત્રીજો સંકેત છે.) નિહાર યશને જણાવે છે કે પિતાને એક રખાત હતી જેનાથી એક દીકરી છે. નિહાર એમનો સંપર્ક કરી શક્યો નથી પણ યશને એ કામ સોંપતો જાય છે. (જેણે ઘેરથી નાસી જઈ, નોકરીમાં નાણાંકીય ઉચાપત કરીને સમાજ અને કુટુંબનાની વિભાવના અસ્થિર કરી દીધી છે તેને સાવકાં મા-બહેનની ભાળ લેવાનું આવે ત્યાં યશનું ‘હોવું’ એ એક વધારે કસોટીએ ચડે છે.) નિહારના મૃત્યુ પછી અને જેલની સજા પૂરી થયા પછી યશ બંને સ્ત્રીઓની ભાળ મેળવે છે. આ વાત એ પોતાના એક મિત્ર દીપને કહે છે જે સુખી ગૃહસ્થ અને બે બાળકોનો પિતા છે. દીપ નૃત્યના ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કીર્તિ મેળવવા માંગતી, પોતાની દીકરીને નૃત્ય શીખવતી, સરના નામની એક યુવતી પ્રત્યે મદદ કરવાના બહાના હેઠળ આકર્ષાયેલો છે પણ આ સંબંધને કયું સ્વરૂપ આપવું એની દ્વિધામાં છે. સરના પહેલાં દીપ પ્રત્યે અને પછી યશ તરફ આકર્ષાય છે પણ આ સંબંધને લગ્નનું સ્વરૂપ આપવા માંગતી નથી કારણ કે એને મન નૃત્યાંગનાની કારકિર્દી મહત્ત્વની છે. યશની સાવકી માનું નામ રાની છે અને તે કોઠાનું સંચાલન કરીને સાત-આઠ છોકરીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવે છે. ‘બહેન’ રેખા પણ વેશ્યા છે. યશ આ બંને પ્રત્યે થોડી કૌટુંબિક લાગણી અનુભવે છે. રાનીના કોઠા પર એને બુલબુલ નામની એક ચંચળ છોકરી મળે છે જે ત્યાં વેશ્યાવૃત્તિ કરે છે. બુલબુલ અને યશ વચ્ચે આકર્ષણ પેદા થાય છે. દીપ એક વાર આગ્રહ કરીને યશની સાથે રાનીના અડ્ડા પર જાય છે અને દારૂના નશામાં રેખા સાથે શરીરસંબંધ બાંધે છે. મિત્ર હોવા છતાં પોતાની ‘બહેન’ સાથે કરેલા વર્તનથી યશનું મન થોડો સમય દીપ પરથી ઊતરી જાય છે. વધારામાં યશ સરનાને પણ દીપના લગ્નજીવનમાં તારા લીધે પ્રશ્નો ઊભા થયા છે એમ કહીને દીપથી દૂર કરી દે છે. આમ પણ સરનાને દીપ કરતાં યશમાં વધારે રસ છે. યશ એક વાર રાનીને મળવા જાય ત્યારે બુલબુલ વિશે પૂછતાં રાની કહે છે કે એને ખરાબ વર્તન બદલ કાઢી મૂકી છે. એક વાર ફૂટપાથ પર ધંધો કરતી બુલબુલને યશ અચાનક મળી જાય છે ત્યારે બુલબુલ એને જણાવે છે કે રાની યશના પિતાની રખાત અને રેખા એની સાવકી બેન નથી પણ યશનો આર્થિક ગેરલાભ લેવા રાની બનાવટ કરે છે. યશ જેવા સાફ દિલના ઇન્સાન સાથે આવી બનાવટ કરવી યોગ્ય નથી એવો બુલબુલે ઝઘડો કરતાં રાનીએ એને કાઢી મૂકી હતી. આ જાણીને યશને આઘાત લાગે છે અને રાનીના અડ્ડા પર જઈને એના પર બળાત્કાર કરવાની કોશિશ કરે છે પણ રાનીના માણસો યશને મારીને ભગાડી દે છે. બુલબુલે રહસ્ય જાહેર કરી દીધું એથી રાની એનો પગ તોડાવી નાખે છે. બુલબુલને દોઢ-બે મહિના હૉસ્પિટલ રહેવું પડે છે ત્યારે યશ એને આર્થિક મદદ કરે છે. આ ઘટનાથી હતાશ યશ કોલકાતાની ઑફિસમાંથી બદલી કરાવીને ત્રણસો કિલોમીટર દૂર ધનબાદ, બિહારમાં કોલસાની ખાણોની ઑફિસમાં બદલી માંગીને જતો રહે છે. થોડા સમય પછી એ બુલબુલને પોતાની પાસે બોલાવી લે છે. ધનબાદમાં એને હર્ષ નામના એક અલગારી સાથી કર્મચારીનો પરિચય થાય છે જેના માનસ પર મૃત્યુનું અસ્તિત્વવાદી ચિંતન છવાયેલું છે. દરમિયાન એની બહેન લીરાને સારું થઈ ગયું છે એવો ડૉક્ટરનો સંદેશો લઈને આવેલો એક માણસ લીરાને યશ પાસે મૂકી જાય છે. એક જ ઘરમાં લીરાને અને બુલબુલને ફાવતું નથી, યશને પણ લાગે છે કે બુલબુલ ધનબાદ આવીને પોતાની સાહજિકતા ગુમાવી બેઠી છે. આવામાં લીરાની તબિયત બગડશે એવી આશંકાથી યશ લીરાને કોલકતા હૉસ્પિટલમાં મૂકવા જાય છે. પરત આવીને એ જાણે છે કે પોતાના ગયા પછી બુલબુલ બીજા દિવસે ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ છે અને એક વધુ આઘાતજનક સમાચારમાં હર્ષે આપઘાત કરી લીધો છે. ધનબાદમાં પણ પોતે ગોઠવાઈ શક્યો નથી એવી પ્રતીતિ થતાં એ કોલકતા બદલી માંગે છે. પરંતુ એની માંગણીનો અસ્વીકાર થતાં નોકરી છોડીને કોલકતા પરત આવે છે. ત્યાં સરનાની મુલાકાત થાય છે જેનાં પ્રસિદ્ધિનાં સપનાં ચકનાચૂર થઈ જવાથી તથા શારીરિક શોષણનો ભોગ બની હોવાને લીધે એણે નૃત્યનું ક્ષેત્ર છોડી દીધું છે. સરના હવે ઘર-ગૃહસ્થી વસાવીને એક સ્થિર જિંદગી ગાળવા ઇચ્છે છે એથી એ યશ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે પણ લગ્ન પોતાના સ્વભાવને અનુકૂળ નથી એમ કહી યશ ના કહે છે. સરના ગુસ્સે થઈને યશને હડધૂત કરીને પોતાના ઘરમાંથી હાંકી કાઢે છે. આમ યશ મહાનગરના ટોળાની ભીડમાં અન્યોની જેમ પોતાપણું ગુમાવીને માણસ નહીં પણ એક આકાર બનીને રહી જાય છે. ‘આકાર’ પ્રસિદ્ધ થઈ ત્યારે એ અસ્તિત્વવાદી નવલકથા છે અને નથી એ અંગે વાદ વિવાદ થયો હતો. આજે કોઈ નવલકથાનું અસ્તિત્વવાદી કૃતિ હોવું એનો વિશેષ અને ન હોવું એની ખામી નથી ગણાતાં ત્યારે એ અસ્તિત્વવાદી કૃતિ છે કે કેમ એ પ્રશ્ન થાય છે. રસિક શાહ, દિગીશ મહેતા અને શરીફા વીજળીવાળાના અભ્યાસપૂર્ણ લેખોથી એ અસ્તિત્વવાદી કૃતિ નથી એવું યોગ્ય રીતે પ્રતિપાદિત થઈ ચૂક્યું છે. (જોકે, ‘ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓ’ એ લેખમાં દિગીશ મહેતાએ શિવકુમાર જોશીને આગલી હરોળમાં, પછીની હરોળમાં ચંદ્રકાંત બક્ષીને અને છેક છેલ્લી હરોળમાં પન્નાલાલને મૂકીને ખુદની વિશ્વસનીયતા અંગે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.) ‘The Outsider’ નવલકથાના નાયક મરસ્યોની સરખામણીમાં દુનિયાના બધા અસ્તિત્વવાદી નાયકો (ખુદ સાર્ત્રની Nauseaનો નાયક પણ) ઊણા ઊતરે છે. મરસ્યો પૂર્ણ-અપૂર્ણ નાયક છે જ્યારે મોટાભાગની અસ્તિત્વવાદી નવલકથાના નાયકો અપૂર્ણ-અપૂર્ણ નાયકો છે. એટલે કે મરસ્યોના વ્યક્તિત્વની અપૂર્ણતા એવી છે જે એને અસ્તિત્વવાદી નવલકથાના નાયક તરીકે પૂર્ણ બનાવે છે જ્યારે ગુજરાતી નાયકોની અપૂર્ણતા એમને નાયક તરીકે અપૂર્ણ રાખે જ છે.) મારી દૃષ્ટિએ આકાર અસ્તિત્વવાદી નવલકથા નથી. અસ્તિત્વવાદનું હાર્દ, existence precedes essence અર્થાત્‌ અસ્તિત્વવાદી વ્યક્તિનું પગલું કોઈ પરાપૂર્વથી ચાલતા આવતા સિદ્ધાંત પર આધારિત હોતું નથી, એમાં છે. અસ્તિત્વવાદી વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં પોતાનું હોવું શું છે એ નક્કી કરીને વર્તે છે. જ્યારે યશ ન. શાહના મનમાં (બક્ષીની બીજી નવલકથાઓ અને ટૂંકી વાર્તાના નાયકોની જેમ જ) કુટુંબ એક પવિત્ર સંસ્થા છે અને હંમેશા રહે છે. દીપને પોતાની ‘બહેન’ વેશ્યા છે છતાં મિત્રની બહેન હોવાથી શારીરિક સંબંધ બાંધવા બદલ થપ્પડ મારવી, સરનાને દીપનું દાંપત્યજીવન જોખમાશે એમ જણાવીને દીપથી દૂર રહેવા કહેવું કે રાની અને રેખા પ્રત્યે કૌટુંબિક ભાવ અનુભવવો એ વર્તનમાં યશના મનમાં કુટુંબ એ સમાજનું એક પવિત્ર એકમ છે એ ભાવના સદાયે કામ કરે છે. વધુમાં, કથાની શરૂઆતથી અંત સુધી લગ્ન પોતાને માટે અનુકૂળ વ્યવસ્થા નથી એવી વાતને એ જડતાથી વળગી રહે છે. આ બે બાબતોમાં existenceને બદલે essence મહત્ત્વનું થઈ જાય છે. આ કારણસર આકાર અસ્તિત્વવાદી કૃતિ નથી. છતાં ‘આકાર’ આજે પણ આવા વિશિષ્ટ નાયકને લીધે રસપ્રદ અને તાજગીસભર લાગે છે. એ અસ્તિત્વવાદી કૃતિ નથી એ વાત નગણ્ય છે. ગુજરાતી નવલકથાની નાયકોની પરંપરામાં યશ ન. શાહ એનાં આચરણ અને માન્યતાઓને કારણે અલગ સ્થાન ધરાવે છે. એ જે સિદ્ધાંતોમાં માને છે એને છેક અંતિમે જઈને વળગી રહેવાની એની સચ્ચાઈને લીધે એના પ્રત્યે અનુકંપા અને માન પેદા કરે છે. ૧૯૬૩માં સૈદ્ધાંતિક ચર્ચાઓના કોલાહલમાં નાયકની આ વિશેષતા બહુ સ્પષ્ટ નહોતી દેખાતી જે હવે જોઈ શકાય છે. બક્ષી થોડા વધારે પ્રયત્નોથી એને ચિરસ્મરણીય holy fool બનાવી શક્યા હોત, પોતે જેલમાં જઈ આવ્યો છે, પિતાને એક રખાત અને એક અનૌરસ પુત્રી છે અને એક ગાંડી બહેન છે એવું એ વારંવાર કહ્યા કરે છે એમાં holy foolનાં આ લક્ષણો છુપાયેલાં છે. બક્ષીમાં પરિવેશનું વર્ણન કરવાની જબરી હથોટી છે. અહીં કોલકતા, ડીઘા અને ધનબાદની કોલિયરીનાં વર્ણનો અદ્‌ભુત છે. આ નવલકથાથી બક્ષીની એક ચોક્કસ સૂત્રાત્મક શૈલી ઘડાવાની શરૂઆત થાય છે. એના કેટલાક અંશો જોઈએ,

(૧) એને યાદ આવ્યું : એકવાર રીમા તડકામાં એક ખાલી શીશી લઈને રમતી હતી અને એણે પૂછ્યું હતું, ‘રીમા શું કરે છે?’ ‘હું શીશીમાં તડકો ભરવાની રમત રમું છું.’ (૭૯)
(૨) એ સ્વચ્છ નિર્દોષતાથી હસ્યો. (૧૧૭)
(૩) મહાન ન થઈ શકનાર માણસને વિચિત્ર થઈને જ સંતોષ માની લેવો પડે છે. (૧૪૧)

તો ક્યારેક આ સૂત્રાત્મક શૈલી યોજવા ખાતર યોજી છે,

(૧) એક રણ ઈશ્વરના દિલ જેવું... (૧૮૨)
(૨) કોફીનો રંગ સરસ લાગતો હતો. તામસિક, નિગ્રેસની વાસના જેવો. (૨૦૨)
(૩) સ્ત્રીઓને સુખી કરવા માટે આટલી બધી બુદ્ધિ અને બહાદુરીની જરૂર નથી. અને થોડી બેવકૂફી પણ જોઈએ. (૨૦૭)

‘આકાર’ તાત્કાલિક ધોરણે એક નિકટવર્તી પુનઃવાચન માગે છે.

સંદર્ભ : મહેતા દિગીશ, ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓ, ૧૯૭૬, આર. આર. શેઠની કંપની, અમદાવાદ. શાહ રસિક, અંતે આરંભ-૧, વીજળીવાળા શરીફા, નવલવિશ્વ.

કિરીટ કનુભાઈ દૂધાત
જન્મતારીખ : ૧.૧.૧૯૬૧
નિવૃત્ત અધિક કલેક્ટર GAS સંવર્ગ
મુખ્યત્વે વાર્તા ક્યારેક વિવેચન પણ કરે છે.
મો. ૯૪૨૭૩૦૬૫૦૭
Email: kiritdoodhat@gmail.com