નવલકથાપરિચયકોશ/કુંતી

Revision as of 20:33, 14 January 2024 by Shnehrashmi (talk | contribs)
૧૧૬

‘કુંતી’ : રજનીકુમાર પંડ્યા

– બીરેન કોઠારી

વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની નવલકથા ‘કુંતી’ એક સત્યકથા આધારિત સામાજિક નવલકથા છે અને તેમની સૌથી યશોદાયી કૃતિ છે. ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયા પછી તેનું પુસ્તકરૂપે પ્રથમ વાર બે ભાગમાં પ્રકાશન માર્ચ, ૧૯૯૧માં આર. આર. શેઠની કંપની દ્વારા થયું. એ પછી તેની છઠ્ઠી આવૃત્તિ ૨૦૧૨માં થઈ, જે સંયુક્ત છે. ૬ જુલાઈ, ૧૯૩૮ના રોજ જેતપુર (સૌરાષ્ટ્ર)માં જન્મેલા લેખક રજનીકુમાર પંડ્યા કૉમર્સના સ્નાતક છે. શરૂઆતમાં ઑડિટર તરીકેની સરકારી નોકરી અને પછી ‘વિજયા બૅન્ક’ના મૅનેજરપદે રહ્યા પછી તેમણે નોકરી છોડી અને પૂર્ણ સમયના લેખનને અપનાવ્યું. તેમની મૂળભૂત રુચિ નવલિકાલેખનની હતી, પણ તેમણે પહેલવહેલું કટારલેખન ‘સંદેશ’માં ‘ઝબકાર’ નામની કટારથી કર્યું. વિવિધ વ્યક્તિઓનાં વ્યક્તિચિત્રોના તેમના આલેખનમાં વાર્તાનો સંસ્પર્શ ભળતાં આ કટાર ખૂબ લોકપ્રિય બની. તેમની ઘણી વાર્તાઓ અને નવલકથાઓ નાટક કે ટી.વી. ધારાવાહિકમાં રૂપાંતરિત થયેલી છે. સાહિત્યસર્જનના ક્ષેત્રે ગુજરાતી સાહિત્ય અકાદમીના મહત્તમ મળી શકનારા પાંચ એવોર્ડ તેમજ ગુજરાત સાહિત્ય પરિષદના બે એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ‘કુમાર’ માસિકમાંની તેમની શ્રેણી ‘ફિલ્માકાશ’ માટે તેમને ‘કુમાર સુવર્ણચંદ્રક’ એનાયત થયેલો છે. કોલકાતાના રાષ્ટ્રીય કક્ષાના અખબાર ‘સ્ટેટ્સમેન’ના એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે. ગુજરાત સરકારના સર્વશ્રેષ્ઠ બે એવોર્ડ તેમજ ‘દૈનિક અખબાર સંઘ’ના પણ બે એવોર્ડ તેમને પ્રાપ્ત થયેલા છે. અગાઉ ‘કોઈ પૂછે તો કહેજો’ નવલકથા લખી ચૂકેલા રજનીકુમારને ‘કુંતી’ નવલકથા દ્વારા અપાર ખ્યાતિ મળી. જે કથાબીજ પર ‘કુંતી’ આધારિત છે એની પણ એટલી જ રોચક અને નક્કર હકીકત છે. ગુજરાતમાં વસતી, આર્થિક રીતે તદ્દન નબળા વર્ગની એક યુવતી, ત્રીસ વર્ષ પહેલાં પોતાની કુંવારી અવસ્થામાં એક પુત્રને જન્મ આપે છે. એ પુત્ર માત્ર ૧૧ મહિનાનો હતો ત્યારે પોતાની મરજી વગર સ્વીડનના એક વિદેશી દંપતિને દત્તક અપાય છે. પોતાના હવે 30 વર્ષના થઇ ગયેલા એ સંતાનને માતા એક વાર મળવાની ઝંખના સેવે છે અને એની પરિપૂર્તિ માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઇથી માંડીને બીજાં અનેક ક્ષેત્રના મોટા માથાંઓનો સંપર્ક કરે છે. બધેથી નિષ્ફળતા સાંપડતાં આખરે તે લેખક રજનીકુમારને મળે છે. તેઓ ‘ચિત્રલેખા’ના તત્કાલીન તંત્રી હરકિસન મહેતાનો સંપર્ક કરે છે. હરકિસનભાઈ સ્વીડનમાં વસતા એક ગુજરાતી વાચક સાથે લેખકનો પરિચય કરાવી આપે છે. સંદેશા વ્યવહારનાં સાધનો સાવ ટાંચા હતા અને ઈન્ટરનેટ જેવું કંઇ જ નહોતું એવા એ દિવસોમાં પણ લેખક સ્વીડનમાં રહેતા એ વાચક સાથે સતત સંપર્ક દ્વારા એ પુત્રનો મહામહેનતે પત્તો મેળવે છે. માતા માટે પૂરતી આર્થિક વ્યવસ્થા અન્યત્રથી જોગવી આપીને પાસપોર્ટ, વીઝા વગેરેની તમામ વ્યવસ્થા કરાવી આપીને તેને સ્વીડન મોકલ્યે જ પાર કરે છે. અનેકવિધ કોઠા વીંધ્યા પછી લેખકના ભગીરથ પ્રયત્નોના પરિણામસ્વરૂપ એ માતાપુત્રનું મિલન થાય છે. આ વાસ્તવિક કથાબીજ પ્રગટાવવામાં લેખક જાતે સહભાગી બને એ ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. આખા ઘટનાચક્રને પાર કર્યા પછી એ નક્કર હકીકતો ઉપરથી કોઈ દસ્તાવેજી નહીં, પણ વાસ્તવિક જગતના અનેક પાત્રો, સ્થળવિશેષો કે બનેલી સ્થૂળ ઘટનાઓને ગાળી નાખીને લેખકે એક નવી જ કલ્પનોત્થ નવલકથાનું સર્જન કર્યું છે. આ વાતનો આધાર લઈને નવલકથા લખવામાં આટલી મુખ્ય કથા અને પાત્રની સમાંતરે અનેક પાત્રો અને તેમની સૃષ્ટિનું સર્જન લેખકે કર્યું છે. તેમાં તીવ્ર માતૃઝંખનાને વાચા આપવામાં આવી છે. માનવમનના અતળ ઊંડાણમાં ચાલતા પ્રવાહોનું આલેખન કરવામાં નિપુણ એવા લેખકે આ નવલકથામાં પણ અનેક યાદગાર પાત્રો સર્જ્યાં છે. એ વિવિધ પાત્રોની મનોસૃષ્ટિની ઝાંખી વાચકને સુપેરે થાય છે, પણ સમગ્રપણે જોતાં માનવના મનમાં રહેલી મૂળભૂત સારપ આખી નવલકથામાં આંતરપ્રવાહરૂપે વહેતો અનુભવી શકાય છે. દેખીતી રીતે ખરાબ જણાતાં પાત્રો પણ સંજોગોને કારણે એવાં બન્યાં છે અને તેમનામાં રહેલી સારપ હજી જળવાયેલી છે એ દર્શાવવાનો લેખકનો પ્રયત્ન તદ્દન સાહજિક લાગે છે. દરેક પાત્ર કથાપ્રવાહ આગળ વધવાની સાથેસાથે ઉત્ક્રાંત થતું રહે છે. આ નવલકથા હરકિસન મહેતાને અર્પણ કરવામાં આવી છે. કેફિયત લેખકે પોતે લખેલી છે, પણ તેમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ના પત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે આ નવલકથાની વિશેષતાઓ જણાવતાં લખ્યું છે, ‘કુંતી’માં મુનશીની પ્રસંગોની ઘોડદોડ, વર્તાલાપોના લકીડીપટ્ટા તેમાં નથી કે તેમાં ‘દર્શક’ની ઐતિહાસિક સાંસ્કૃતિક ઝળાંહળાં ભૂમિ પણ નથી. પન્નાલાલની આંચલિકતા પણ નથી કે શ્રીમંતો-શોષકો સાથેના શોષકોના વિગ્રહની વાત નથી અને છતાં ‘કુંતી’ તેમાં સમગ્ર શોષિતોની પ્રતિનિધિ છે. કશાય વાગ્વૈભવ કે વાદવિવાદ વિના તે હારણ થયા વિના ચાલે છે. આવું સૂક્ષ્મ વિકાસશીલ સર્જન આપણા સાહિત્યમાં ઓછું દેખાયું છે.’ પછીની આવૃત્તિમાં મધુસૂદન પારેખના ‘૧૯૯૧ની સાલનું ગ્રંથસ્થ વાઙ્મય’નો એક અંશ મૂકવામાં આવ્યો છે, જેમાં મધુસૂદન પારેખે લખ્યું છે : ‘અને જુદાં જુદાં સ્તરનાં, જુદી જુદી પ્રકૃતિ ધરાવનારાં પાત્રોની આંતરછબી પ્રગટાવવામાં પણ તેમની કલમ કામિયાબ બની છે. નાનાં મોટાં પાત્રોનો વિકાસ યોગ્ય રીતે નિરૂપાયો છે.’ તો રમણ પાઠક ‘વાચસ્પતિ’એ નવલકથામાં આલેખાયેલા એક ચોક્કસ પ્રસંગ વિશેની પોતાની ટીપ્પણીમાં જે લખ્યું છે, તે કશા પૂર્વાપર સંબંધ વિના પણ સમજી શકાય એમ છે. તેઓ લખે છે : ‘એક પ્રસંગની એટલે કે પ્રસંગાલેખનની કલાસિદ્ધિ ચીંધ્યા વિના નથી જ રહી શકતો. એ છે શેઠ સૂરજમલના મૃત્યુનો પ્રસંગ. કુંતીએ અસમંજસ ભાવે શેઠ સાથે સહશયન સ્વીકાર્યું; એ કદાચ કોઈ ભાવકને અસંગત તથા કુંતીના પાત્રને ખંડિત કરનારું લાગ્યું હોય; પણ મને તો કુંતી ત્યારે સતી અનસૂયા જ પ્રતીત થઈ. દેવોએ અનસૂયા સમક્ષ જ્યારે નગ્નદર્શનની માગણી કરી; ત્યારે સતીએ પોતાના સતીત્વબળથી દેવોને બાળક બનાવી દીધાં! એ જ રીતે કુંતી, પોતાના સતીત્વ-માતૃત્વની શક્તિ વડે સાથે સૂતેલા શેઠને ‘બાળક બનાવી’ દે છે! આવો પ્રસંગ વર્ણવવો એ કલાકાર માટે કપરું કાર્ય છે; પરંતુ તમે (લેખક) સંપૂર્ણ વિજયી નીવડ્યા. આટલી સુરુચિપૂર્ણ, સૂક્ષ્મ નજાકતથી આવો પ્રસંગ ગુજરાતી સાહિત્યમાં આલેખાયો જાણ્યો નથી.’ સવિસ્તર લખાયેલી લેખકની કેફિયતમાં તેમણે મૂળ ઘટનાને વર્ણવવાની સાથેસાથે નવલકથા તેનાથી સાવ અલગ જ હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. તેઓ લખે છે : ‘આ દસ્તાવેજી કથા નથી જ, નથી જ. એનાં સબળ છતાં આછાં-પાતળાં તંતુમાંથી એનું અસંખ્ય તાણાવાણાવાળું પોત વણવા માટે ઘણી જ કલ્પના અને અનેક કાલ્પનિક પાત્રોની મદદ લેવી પડી છે. ઘણાં કેવળ કાલ્પનિક છે અને ઘણાં અર્ધકાલ્પનિક.’ અસલ જીવનમાં ‘કુંતી’ને તેના પુત્ર સાથેના મિલનમાં લેખક રજનીકુમાર અને હરકિસન મહેતા મુખ્ય માધ્યમ બન્યા. નવલકથામાં એક મહત્ત્વના પાત્રનું નામ આ બન્નેના નામ પરથી ‘હરિરાજસ્વામી’ રાખવામાં આવ્યું. કલ્પના એવી હતી કે આ પાત્ર વાર્તામાં માતાપુત્રના મિલનમાં મુખ્ય માધ્યમ બનશે. અલબત્ત, એ પાત્ર સાવ જુદી જ માટીનું બની રહ્યું. જરાય બોલકું થયા વિના, તેની સાત્ત્વિક આભા સમગ્ર કથા દરમિયાન અનુભવાતી રહે છે. બન્ને લેખકોમાંથી કોઈના પણ વ્યક્તિત્ત્વનો અંશ તેમાં ન ઝિલાયો. પાત્ર સર્જાયા પછી તે પોતાની મેળે વિકસે છે અને લેખકની બાંધેલી મર્યાદામાંથી પણ બહાર નીકળી જાય છે તેનું આ સચોટ ઉદાહરણ. કુંવારી કુંતીએ જન્મ આપેલા સંતાનનું નામ કર્ણ અને તેના લગ્નથી થયેલા સંતાનનું નામ અર્જુન લેખકે બહુ સૂચક રીતે આપેલાં છે. જોકે, ‘મહાભારત’નાં મૂળ પાત્ર સાથે તેમનું કોઈ ગુણાત્મક સામ્ય નથી. આ નવલકથામાં સત્યઘટનારૂપી પૂર્વકથા છે, એમ એ જ સત્યઘટનારૂપી ઉત્તરકથા પણ છે. ચોથી આવૃત્તિમાં નવલકથાના સમાપન પછી ‘થોડું સુખ, ઝાઝા સણકા’ શીર્ષકથી લેખક દ્વારા તેનું સવિસ્તર આલેખન કરવામાં આવ્યું છે. જે પાત્રની કથાનો કેવળ આધાર લઈને આ નવલકથાનું આલેખન કરાયું એ પાત્રે લેખકને અદાલતે ઢસડી જઈને કેવા હેરાન-પરેશાન કરી મૂક્યા એ વર્ણન ગ્લાનિ ઉપજાવે એવું છે. અલબત્ત, પાદટીપમાં એ પાત્રે તમામ અદાલતી મુકદ્દમા બિનશરતી પાછા ખેંચી લીધા હોવાની જાણકારી હાશકારો પ્રગટાવે છે. આ નવલકથાનું દૂરદર્શનના પડદે તેર હપતાના ધારાવાહિક સ્વરૂપે રૂપાંતર નિમેશ દેસાઈના દિગ્દર્શનમાં થયું હતું. એ પછી ‘શ્રી અધિકારી બ્રધર્સ’ દ્વારા તેના હક ખરીદવામાં આવ્યા. કુલ સાડા ચારસો હપતામાં આ શ્રેણી ‘સબ ટીવી’ પર રોજેરોજ પ્રસારિત થતી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આ નવલકથાને એનાયત કરવામાં આવ્યો છે. ખ્યાતનામ અભિનેતા-દિગ્દર્શક-નિર્માતા દેવ આનંદ આ કથાથી ઘણા પ્રભાવિત થયેલા અને તેમણે ફિલ્મ બનાવવા માટે ‘કુંતી’ના હક્કોની માંગણી કરી હતી. જોકે, હક્કો અન્યને અપાઈ ચૂકેલા હોવાથી દેવ આનંદને તે આપી શકાયા નહીં. આ નવલકથાનો હિન્દી અનુવાદ દિલ્હીના ‘રાજકમલ પ્રકાશન’ દ્વારા અને મરાઠી અનુવાદ પૂણેના ‘મેહતા પબ્લિશીંગ હાઉસ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

બીરેન કોઠારી
લેખક (જીવનચરિત્રકાર), સંપાદક, અનુવાદક, બ્લૉગર,
‘સાર્થક જલસો’ છમાસિકના સહસંપાદક.
વડોદરા
મો. ૯૮૯૮૭૮૯૬૭૫
Email: bakothari@gmail.com