ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/વાનર અને શિશુમારની કથા

Revision as of 15:30, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાનર અને શિશુમારની કથા

ઉદમ્બરાના મહાઅરણ્યમાં સમુદ્ર તીરે બલીમુખ નામનો એક મોટો વાનર તે પોતાના ટોળાથી વિખૂટો પડીને એકલો રહેતો હતો. એક દિવસ તે વાનર હાથમાં ઉંબરાનું ફળ લઈને ખાતો હતો. તે એકાએક તેના હાથમાંથી સમુદ્રમાં પડી ગયું. તે ફળ સમુદ્રવાસી એક શિશુમાર ઝીલી લઈ આનંદથી ખાવા લાગ્યો. તે ફળનો સ્વાદ ચાખ્યાથી શિશુમાર ઘણો ખુશ થયો અને હર્ષના અવાજ કરવા લાગ્યો. પેલો વાનર તે સાંભળીને ઘણો પ્રસન્ન થયો ને બીજાં ઘણાં સુફળ તેની તરફ ફેંક્યાં. એ રીતે તે વાનર હંમેશાં તેના તરફ ફળ ફેંકતો હતો અને શિશુમાર મધુર ધ્વનિ કરી તે ખાતો હતો. જ્યાં સુધી તે બંને જણનાને પૂર્ણ મિત્રતા થઈ નહીં ત્યાં સુધી એ રીતે નિત્ય ખેલ કર્યા કરતા હતા. જળવાસી શિશુમાર નિત્ય કિનારા પર રહેનારા વાનર પાસે બેસતો અને છેક સાયંકાળે પોતાને ઘેર જતો હતો.

શિશુમારની સ્ત્રીને આ મિત્રતા વિશે ખબર પડી, એટલે હંમેશાં દિવસે પતિનો વિરહ કરાવનારા વાનરની મિત્રતા પર ઉદાસ થઈ ગઈ. તેણે એક દિવસ માંદા પડવાનો ઢોંગ કર્યો. લપુડો શિશુમાર સ્ત્રીને બિમાર જોઈ ગભરાઈને વારંવાર પૂછવા લાગ્યો, ‘હે પ્રાણપ્યારી! બોલ, બોલ, તને શું કરું કે જેથી તું સાજી થાય?’ શિશુમારે ઘણા કાલાવાલા કરી પૂછ્યું તો પણ તેણે પ્રત્યુત્તર આપ્યો નહીં, પણ તેનું રહસ્ય જાણનારી એક સખીએ અંતે તેને પ્રત્યુત્તર આપ્યો કે ‘આ તમારી સ્ત્રી જાણે છે કે એનો ઉપાય કહીશ તો પણ મારો પતિ કરશે નહીં. માટે તે કહેવાને ઇચ્છતી નથી, તો પણ હું કહું છું તે સાંભળો! ડાહ્યો મનુષ્ય પોતાના સંતાપનું કારણ મિત્રથી કેમ છુપાવી શકે? તમારી ભાર્યાને મહા મોટો રોગ થયો છે, જે રોગ વાનરના કલેજાના કમળના આસવના પાન વગર કદાપિ મટે તેમ નથી.’

આ પ્રમાણે લટપટ શિશુમારની સ્ત્રીની પ્રિય સખીએ ઉત્તર આપ્યો, એટલે શિશુમાર વિચારવા લાગ્યો કે ‘હાય રે! હું વાનરનું હૃદયકમળ કેમ મેળવી શકીશ? એ વાર્તા હજારો ઉપાયે પણ બની શકે તેવી નથી. ખરેખર! આકાશપુષ્પને લઈ આવવા જેવી આ વાત છે. શું હું વાનર સાથે છળપ્રપંચ કરું તે યોગ્ય છે કે? પણ આમ વિચાર કરવા રહીશ તો મારી પ્રાણ સમાન વહાલી પત્નીને શી રીતે સાજી કરી શકીશ?’

આમ તેના મનમાં નવનવા તર્કવિતર્ક ઊઠવા લાગ્યા, અને જ્યાં વિનયવાસ હતો તેની જગ્યાએ અવિનય આવી બેઠો. આ સર્વનું કારણ સ્ત્રીના ચહેરાની એક મોહિની જ હતું. તે મન સાથે વિચારવા લાગ્યો, ‘હા, તે મિત્ર છે ખરો; પરંતુ તે મિત્ર શું કામ આવવાનો છે! આ મારી સ્ત્રી મને પ્રાણ કરતાં વધારે પ્યારી છે, તેના ઉપર મારું જીવન ટકેલું છે. તેની સાથે હું મારા દિવસો આનંદમાં ગુજારું છું. તે નહીં હોય તો પછી મારે બીજા શા ખપના?’ આવો મન સાથે વિચાર કરી શિશુમારે પોતાની સ્ત્રીને કહ્યું, ‘પ્રિયે, જો તારી મરજી હોય તો હું તે વાનરને આખો ને આખો અહીં લાવીશ, પછી ભલે તું તેનું હૃદયકમળ ખાજે. પણ પ્રાણવલ્લભા! તું શા માટે દિલગીર થાય છે?’ આમ કહી શિશુમાર વાનરમિત્ર પાસે ગયો, એક વાતનો પ્રસંગ કાઢી બોલ્યો, ‘મિત્ર, આજ પર્યંત તેં મારું ઘર અને મારી સ્ત્રી જોયાં નથી. માટે એક દિવસ મારે ઘેર આવીને રહે તો ઠીક. મિત્રતા થયા પછી પરસ્પર એકબીજાને ત્યાં જે જતાઆવતા નથી ને અન્યોન્ય એક બીજાને ઘેર જઈ જમીજમાડતા નથી તેમ એકબીજાની સ્ત્રીઓને મળેહળે નહીં તેમની મિત્રતા નહીં પણ કૈતવ જ માનવું!’

આ પ્રમાણે કહી તે વાનરને છેતરી શિશુમારે તેને સમુદ્રમાં ઉતાર્યો. પણ તે શિશુમાર જ્યાં તેને પોતાના હાથ ઉપર ઉપાડી જળમાં ચાલવા માંડે છે ત્યાં તે ભયભીત અને આકુળવ્યાકુળ બનીને ચાલતો જણાયો. ત્યારે વાનરે પૂછ્યું, ‘ભાઈ, આજે તો તું મને કંઈ જુદા પ્રકારનો જોવામાં આવે છે તેનું કારણ શું?’ તે સાંભળ્યા છતાં શિશુમારે ઉત્તર આપ્યો નહીં પણ જ્યારે વાનરે આગ્રહથી પૂછ્યું ત્યારે પોતાના હાથ પર બેઠેલા વાનરને મૂર્ખ શિશુમાર કહેવા લાગ્યો, ‘વાત તો એમ છે કે આજ મારી ભાર્યા માંદી પડી છે. અને તેણે મને કહ્યું કે વાનરના હૃદયકમળના આસવપાન વગર તેનો રોગ મટવાનો નથી. તેથી હું ઉદાસ છું.’ જ્યારે તે શાણા વાનરે આ પ્રમાણે તેનું ભાષણ સાંભળ્યું ત્યારે તે મનમાં બોલ્યો, ‘સત્યાનાશ! આજે તો મૂવા જ છૂટ્યા! આ પાપી શિશુમાર મને એ કામ માટે જ લઈ જાય છે! અરેરે! આ મૂર્ખો સ્ત્રીની મોહજાળમાં ફસાઈ મિત્રનો દ્રોહ કરવા તૈયાર થયો છે, હટ્! પણ એમાં આશ્ચર્ય શું છે? જે માણસને ભૂત વળગે છે તે દાંત વડે પોતાના શરીરે બચકાં ભરતો નથી?’

આવો વિચાર કરી તે વાનર શિશુમાર પ્રત્યે બોલ્યો, ‘અરે વાહ! એમાં તું ઉદાસ શું કામ થાય છે? જો એમ હતું તો તેં મને આગળથી કેમ કહ્યું નહીં? હું તારી સ્ત્રી માટે કલેજું લઈને આવત. હમણાં તો મેં મારું કલેજું મારા રહેવાના ઉંબરાના વૃક્ષ પર મૂક્યું છે!’ તે સાંભળી પેલો મૂર્ખ શિશુમાર ગભરાટમાં પડ્યો અને બોલ્યો, ‘ત્યારે તો ભાઈ, કૃપા કરીને પાછો જા અને ઉંબરાના ઝાડ પરથી તે લઈ આવ!’

આમ કહી તે શિશુમાર તે વાનરને ફરીથી સમુદ્રના કિનારા ઉપર લઈ આવ્યો. પણ જ્યાં વાનરને જમીન પર ઉતાર્યો કે કાળના હાથમાંથી છૂટ્યો હોય તેમ તે શિશુમારના હાથમાંથી છૂટી ઠેકડો મારી ઉંબરાના ઝાડ ઉપર ચઢી ગયો અને બોલ્યો, ‘અલ્યા મૂર્ખા, ચાલ, હવે રસ્તો માપ. શરીરથી હૃદય ક્યાંય જુદું હોય છે ખરું કે? પણ આ તો મેં આ રીતે તને છેતરી, તારી ફાંસીમાંથી મારા શરીરને મુક્ત કર્યું છે! હવે હું ફરીથી ત્યાં આવીશ નહીં.’