નીરખ ને/ડૉ. ફિટજોફ કાપરાની વિશિષ્ટ દૃષ્ટિ

Revision as of 01:44, 11 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

છેલ્લાં લગભગ એકસોપચાસ વર્ષમાં પશ્ચિમના વિચારકોએ, ફિલસૂફોએ અને તેમની વિદ્યાપીઠોમાં તૈયાર થયેલા સ્નાતકોએ જુદાં જુદાં ભારતીય દર્શનોની ઊંડી મીમાંસા કરી છે, જૂના ગ્રંથોનું સંશોધન કરી એને પ્રકાશમાં આણ્યા છે, ઘણાએ મુશ્કેલ પ્રશ્નોની સુંદર છણાવટ કરી છે તથા એને આધુનિક સ્વાંગ પણ આપ્યો છે. આ બધું આ દર્શનોના પુનરુત્થાન માટે જરૂરનું હતું અને તેથી વિશ્વ એમનું ઋણી છે. આ સાથે એ વાત પણ નોંધવી જરૂરની છે કે આ વિચારકોએ ભારતીય દર્શનોની અન્વેષણાને તેમની ફિલસૂફીના ઇતિહાસમાં ઊભી થયેલી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે થયેલા પ્રયાસો તથા નિષ્કર્મોને આધારે મૂલવી છે, અને તેથી એમાંના પ્રમાણિક સંશોધકોએ તથા ફિલસૂફોએ પણ કેટલીક વાર આ દર્શનોને અન્યાય પણ કર્યો છે. મુક્તિ કે મોક્ષ આ દર્શનોનું ધ્યેય છે, અને એને જ એમણે વ્યક્તિ માટે પરમ પુરુષાર્થ માન્યો છે એ વાત ખરી છે, પણ એનો અર્થ એ નથી કે આ સામાજિક ફરજોમાંથી મુક્તિ પામવાની વાત છે. એ વાત ભૂલી જવાય છે કે મોક્ષ એ પરમ પુરુષાર્થ હોવા છતાં ચાર પુરુષાર્થોમાંનો એક છે. અને બીજા ત્રણ પુરુષાર્થો, ધર્મ, કામ અને અર્થ પણ ભારતીય દર્શનો માટે એટલા જ જરૂરના છે... વ્યક્તિને સમાજ પ્રત્યેની એની ફરજ વિશે સભાન કરી શકે છે.

રોહિત દવે



ડૉ. ફ્રિટજોફ કાપરાની વિશિષ્ટ દૃષ્ટિ

વિનોબાજીની આ વાત આજે દુનિયાનું વલણ જોતાં સાચી લાગે છે કે રાજકારણ અને ધર્મના દિવસો પૂરા થયા છે, અને અધ્યાત્મવાદ અને વિજ્ઞાનનો યુગ શરૂ થયો છે. લગભગ પોણી સદી સુધી માર્ક્સવાદનો પ્રખર સૂર્ય તપતો હતો. લોકોએ શોષણરહિત મુક્ત સમાજનું સ્વપ્ન જોયું હતું, પણ એક પછી એક ક્રાન્તિ ઠગારી નીવડી. શા માટે માણસ પોતાનાં કાર્યો બરાબર સંભાળી શકતો નથી? શા માટે સર્વ યોજનાઓ ઘડાઈ ઘડાઈને નષ્ટપ્રાય થઈ જાય છે? ચેકોસ્લોવેકિયામાં ડુબચેકની સામ્યવાદી સરકાર સામ્યવાદ અને લોકશાહી મૂલ્યો વચ્ચે સમન્વય સાધી રહી હતી; રશિયાથી પોતાની અલગ હસ્તી સ્થાપતી હતી. ત્યારે આપણામાં આશા જાગી હતી. પણ રશિયાએ એ સરકારને ડામી દીધી. આજે વાલેસા પૉલેન્ડમાં લડે છે. તા. ૧૮-૧૨-૮૨ના અખબારમાં વાલેસાનું વિધાન છે : ‘આપણાં ધ્યેયોની સિદ્ધિ માટે મારે કોઈક માર્ગ શોધવો રહ્યો.’ રાજકીય-સામાજિક સ્તરના વિપ્લવોનું ફળ મુક્ત સમાન સમાજમાં પરિવર્તિત થતું નથી, કારણ કે સાધારણ રીતે આપણે જોયું છે કે નવા વિપ્લવકારીઓ પણ સત્તા ઉપર આવતાં પોતાની એષણાઓ અને વિકૃતિઓને સંતોષવા જુલમનું ભયાનક તંત્ર ઊભું કરી નાખે છે. આમ જુઓ તો કેટલા સાદા સીધા ઉપાયો છે માનવજાતને સુખી થવા માટે? માણસની વર્તણૂક તર્કસંગત હોય તો દરેકની પાયાની જરૂરિયાતો સંતોષાય – આમાં શું કોઈ સંદેહ છે? પણ માણસ તર્કસંગત રહેતો નથી. કેમ એમ બનતું નથી? આ પ્રશ્ન આપણને સીધા મૂળભૂત અસ્તિત્વના પ્રશ્ન સુધી લઈ જાય છે. નવા વિપ્લવકારીઓ પણ સત્તા ઉપર આવતાં પોતાની એષણાઓ અને વિકૃતિઓને સંતોષવા જુલમનું ભયાનક તંત્ર ઊભું કરી નાખે છે. ‘Tao of Physics’ના કર્તા ડૉ. ફ્રિટજોફ કાપરાને એક ગ્રીષ્મઋતુની બપોરે સમુદ્રકિનારે મોજાંઓને ઊછળતાં જોતાં અને પોતાના શ્વાસોચ્છ્વાસની લયાત્મક ગતિને નિહાળતાં એકાએક આસપાસનો સમસ્ત પરિવેશ એક રાક્ષસી cosmic danceમાં જોડાયો હતો એવી તીવ્ર અનુભૂતિ થઈ. એક ભૌતિક વિજ્ઞાનીને નાતે એ જાણતા હતા કે એમની આજુબાજુની રેતી, ખડકો, પાણી અને હવા કંપાયમાન મૉલિક્યૂલ અને એટમનાં બનેલાં છે. આ અણુઓમાં રજકણો (Particles) છે જે એકબીજા સાથે ઇન્ટરએક્ટ થયા કરે છે; એમને એ પણ ખબર હતી કે પૃથ્વીના વાયુમંડળમાં કૉસ્મિક કિરણોની વર્ષાનો સતત મારો ચાલુ હોય છે; હવાને ભેદતા ઉચ્ચ શક્તિશાળી રજકણો એકબીજા સાથે સતત અથડામણમાં આવતા હોય છે. અત્યાર સુધી આ બધો અનુભવ એમને માત્ર ગ્રાફ, ડાયાગ્રામ અને ગણિતની ઉપપત્તિઓ દ્વારા થયો હતો. પણ સમુદ્રકિનારે આ અનુભવ જીવંત બની ગયો. ‘I saw cascades of energy coming down from outer space, in which particles were created and destroyed in rhythmic pulses; I saw the atoms of the elements and those of my body participating in the cosmic dance of energy; I felt its rhythm and I heard its sound, and at that moment I knew that this was the dance of Shiva, the Lord of Dancers, worshipped by the Hindus.’ ડૉ. કાપરા એમના આ ગ્રંથમાં વિગતે આધુનિક ભૌતિક વિજ્ઞાન અને પૌર્વાત્ય રહસ્યવાદને સમાન્તરે તપાસે છે. પૌર્વાત્ય રહસ્યવાદનું વૈશિષ્ટ્ય એની સર્વ વસ્તુઓ અને ઘટનાઓના એકત્વની સજગતામાં રહ્યું છે. બધી વસ્તુઓ વૈશ્વિક અખિલાઈના અંશો છે, અને પરસ્પરાવલંબી છે. આપણી મર્યાદિત વિચારશક્તિને લાગતી વિસંગતિઓ કે વિરોધો વિશ્વૈક્યના જ આવિર્ભાવ છે. આખું કોસ્મોસ સતત પરિવર્તિત થતું ગતિશીલ વિશ્વ છે. બધાં સ્થગિત રૂપો માયા – ભ્રામક છે. બુદ્ધે તો શીખવ્યું કે બધાં દુઃખોનું મૂળ આ સ્થગિત રૂપોને – વસ્તુઓને, લોકોને, વિચારસરણીઓને વળગી રહેવાથી ઊભું થાય છે. આધુનિક ભૌતિક વિજ્ઞાન પૌર્વાત્ય રહસ્યવાદને સીમાડે આવી પહોંચ્યું છે. પદાર્થનું પૃથક્કરણ કરતાં અણુની ભીતરમાં વિજ્ઞાની જઈ પહોંચ્યો છે. શ્રી રોહિતભાઈ દવેએ એમના ‘બૌદ્ધધર્મનો પ્રતીત્યસમુત્પાદ’ના લેખમાં (ફા.ગુ.સ. ત્રૈમાસિક, અંક ૩, ૧૯૮૨) આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ‘જેને આપણે વસ્તુ-પદાર્થ માનીએ છીએ તે માત્ર બીજાણુ અને ક્વાર્ક પર થતા ચાર કે વધારે મૂળભૂત બળોના આઘાત-પ્રત્યાઘાતથી ઊપજતી ક્ષણિક ઘટના માત્ર છે.’ ડૉ. કાપરા આગળ જતાં કહે છે કે સતત સર્જાતા અને વિસર્જિત થતા રજકણોનાં ઘર્ષણ થાય છે, એક ખૂબ મોટી એનર્જી ઊભી થાય છે. આ બધા રજકણો (પાર્ટિકલ્સ) એકબીજા સાથે સંકળાયેલા છે. કોઈ એકના ગુણધર્મ જાણવા હોય તો બધાના જાણવા પડે. ન્યૂટોનિયન વિજ્ઞાનને અભિપ્રેત હતું એવા આ building blocks નથી. અણુ અને પેટા-અણુ સ્તરે વિરોધી લાગતી સંકલ્પનાઓ એક જ રિયાલિટીનાં પાસાં છે. પદાર્થે મોજારૂપે અને પાર્ટિકલરૂપે એમ બે રૂપે દેખા દેતાં શરૂઆતમાં વિજ્ઞાનીઓને ખૂબ મૂંઝવી માર્યા હતા. આધુનિક ભૌતિક વિજ્ઞાન ક્વોન્ટમ અને રિલેટિવિટી સિદ્ધાંતને કારણે વિશ્વની સતત ગતિશીલતા, ક્રિયાશીલતા, આંતરસંબંધ અને વણથંભ્યા એનર્જીના પ્રવાહને પ્રમાણી શક્યું છે. વળી ડૉ. કાપરા કહે છે કે એટમના અભ્યાસથી ભૌતિક વિજ્ઞાનીઓને પ્રતીત થયું છે કે આપણી સામાન્ય ભાષા આણ્વિક વાસ્તવને વર્ણવવા માટે માત્ર અચોક્કસ જ નથી, પણ તદ્દન અપૂરતી છે. આ આણ્વિક વાસ્તવ તર્કને અતિક્રમી જાય છે. પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં તર્ક મહત્ત્વનું ઓજાર છે. પૌર્વાત્ય રહસ્યવાદ તો પ્રથમથી જાણતું જ આવ્યું છે કે રિયાલિટી ભાષાતીત છે અને તર્ક અને વિભાવનાની પેલે પાર જવાનો એને કદી ડર લાગ્યો નથી. વિજ્ઞાની અને રહસ્યવાદી બન્નેને પોતાનું જ્ઞાન અભિવ્યક્ત કરવું છે, પણ જ્યારે એ ભાષા દ્વારા કરવા બેસે છે ત્યારે એમનાં વિધાનો વિરોધાભાસી અને તાર્કિક વિસંગતિઓથી ભરપૂર થઈ જાય છે. પૌર્વાત્ય રહસ્યવાદે રિયાલિટીની વિરોધાભાસી લાગતી બાજુઓને ભાષામાં પૂર્ણ રીતે અભિવ્યક્ત કરવા માટે અનેક રીતો અપનાવી છે. ભારતીય રહસ્યવાદ અને ખાસ કરીને હિંદુદર્શન રૂપકો, ઉપમાઓ અને કલ્પનો વાપરીને મીથનો ઉપયોગ કરે છે. Mythical language is much less restricted by logic and common sense. It is full of music and. paradoxical situations, rich in suggestive images and never preise, and can thus convey the way in which mystics experience reality much better than factual language. According lo Ananda Commarswamy, ‘myth embodies the nearest approach to absolute truth that can be stated in words.’ બૌદ્ધધર્મ અને તાઓદર્શન વિરોધાભાસને છુપાવવાને બદલે એ ઉપર વધારે ભાર આપે છે. લાઓ ત્સેનું ‘Tao Te Ching’ અકળ અને ઉપરછલ્લી રીતે અતાર્કિક શૈલીમાં લખાયેલું છે. ઝેન બૌદ્ધધર્મીઓએ અર્થહીન કોયડાઓ(કોઆન)ની નવી જ પદ્ધતિ શોધી કાઢી છે. ઝેન વિદ્યાર્થીઓ એ દ્વારા ખૂબ નાટયાત્મક રીતે તર્કની મર્યાદાઓ સમજી જાય છે. ખૂબ વિશદ રીતે લખાયેલા ડૉ. કાપરાના આ પુસ્તકની ઉપયોગિતાનું મૂલ્ય ઘણું છે એ સ્પષ્ટ છે. ડૉ. કાપરા કહે છે : ‘Euclidian Geometry is no longer valid in curved space.’ આપણા કવિ ભીખુ કપોડિયા કેવી આંતર પ્રેરણાથી કહે છે! :

આ એક અળસિયું લીધું

આ બીજું અળસિયું લીધું

આ ત્રીજું અળસિયું લીધું

ને એમ કોરા કાગળ ઉપર
ત્રિકોણની માંડણી કરું છું.
પણ અળળળ આ અળસિયાં
તો અળવીતરાં!
ભૂમિતિ કે વ્યાકરણ
કાગળ પરથી લસરક લસરી જ
પડે છે ત્યાં!


[નવેમ્બર, ૧૯૮૨