ગાતાં ઝરણાં/સુમાર જાઉં છું

Revision as of 02:00, 14 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુમાર જોઉં છું


જ્યારે નિરાશ દિલમહીં કોઈનો પ્યાર જોઉં છું,
રાતના ગર્ભમાં છૂપી જાણે સવાર જોઉં છું.

મારી સફરનો અંત કે આરંભ બસ અહીં થશે,
વિશ્વ પ્રદક્ષિણ ફરી આ૫નાં દ્વાર જોઉં છું.

મારી વિશાળ આરસી જેને કરોડ કોણ છે,
હું તો જગતની આંખમાં મારો ચિતાર જોઉં છું.

આ૫નું હાસ્ય જોઈને પુષ્પ હસે છે ઉપવને,
મુજથી રડી પડાય છે, જ્યારે તુષાર જોઉં છું.

પ્રેમમાં દિલ-દિમાગની જોઈ અલગ-અલગ મતિ,
શાંતપણે ઊભો રહી આજ સુમાર જોઉં છું.

જ્યારે જગતની હોય છે મારા પ્રતિ બુરી નજર,
ત્યારે તમારી આંખમાં વિશ્વનો પ્યાર જોઉં છું.

એવા પ્રસંગને ‘ગની’, લોક કહે છે જિંદગી!
એક સ્થળે હું કોઈની વાટ લગાર જોઉં છું.

૨૭-૩-૧૯૪૯