(૩)
‘વનાંચલ’
– દક્ષા વ્યાસ
જયન્ત પાઠકની કવિતાનો પ્રધાન સૂર તે અતીત ઝંખનાનો છે. કવિ પોતાને વન, વતન, શૈશવ, માતાથી વિખૂટો પડી ગયેલો પ્રતીત કરે છે અને એનો ઘેરો વિષાદ અનુભવે છે. વતનપ્રીતિનો આવો પ્રબળ ઉદ્દેક મુખ્યત્વે ‘અંતરીક્ષ’માં કવિતારૂપે અને ‘વનાંચલ’માં શિશુવયની સંસ્મરણકથા રૂપે માણવા મળે છે.
‘વનાંચલ’ જયન્ત પાઠકની અને ગુજરાતી સાહિત્યની અનેક રીતે નોંધપાત્ર કૃતિ બની રહે છે. જયન્ત પાઠક એને ‘સ્મૃતિકથા’ તરીકે ઓળખાવે છે. એ એમના શૈશવના આનંદપર્વનું વિષાદમધુર સ્મરણ છે. બાળક બચુએ પોતાનાં ગામ, ઘર, કુટુંબ, ત્યાંનું જાનપદી જીવન, વન્ય પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ સાથે અનુભવેલી તાદાત્મતાનું મર્મસ્પંદર્શી નિરૂપણ એમાં થયું છે. લેખકનું મન જીવનના એ વહી ગયેલા સમયના સૂત્રમાં પરોવાતું રહે છે, અનાયાસ સંઘરાયેલી સ્મૃતિઓને અપાર મુગ્ધતાથી સંકોરે છે, પુનઃ શિશુ બની એમાં રમમાણ થાય છે ત્યાં જ વર્તમાન સમયની વિષમતાનું ભાન મર્માંન્તક વેદના જગાડે છે. સર્જકના એ સ્વગત છતાં પ્રકટ મનોવ્યાપારમાં ‘છે’ અને ‘નથી’, ‘છું’ અને ‘નથી’નો દ્વૈધીભાવ આગવું રચનાવિધાન કરે છે. અહીં મુગ્ધ હૃદયે અનુભવેલો નિર્મળ રોમાંચ, હર્ષ અને ભીતિ છે; વેદનશીલ ચિત્તનાં આદ્રતા, કરુણા અને વિષાદ છે અને વિદગ્ધ કલાપરક સર્જક - ચેતનાનું સહજ પ્રાગટ્ય છે. અતીતનું પ્રત્યક્ષીકરણ અહીં એવી કાવ્યાત્મક રીતે થયું છે કે ‘વનાંચલ’ વાંચતાં પારદર્શક ગદ્યમાં લખાયેલી કવિતા માણ્યાનો આનંદ મળે છે. અહીં રાજગઢ મહાલ અને ગોઠ ગામનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, એનું સમગ્ર તળપદ જીવન, ત્યાંની સજીવ-નિર્જીવ સૃષ્ટિ, કૌટુંબિક વાતાવરણ અને બચુનું બાળપણ-બધું જ એકમેકમાં સમરસ થઈને શબ્દસ્થ થયું છે. એનું કવિત્વમય કલારૂપ ભાવકને એક અનિર્વાચ્ય અનુભવમાંથી પસાર થયાની પ્રતીતિ કરાવે છે.
કૃતિમાં વેદનશીલ બચુડાનું અને એના દાદાનું શબ્દચિત્ર અત્યંત હૃદયંગમ બન્યું છે. બચુડાની ચેતના વનાંચલના જાનપદી જીવન સાથે સાદ્યંત ઓતપ્રોત રહે છે. ઢીંગલીનું લગ્ન, સંતાકૂકડી, દુકાન-દુકાન, લખોટા-ભમરડા અને મોઈદડા, પતંગ અને પકડાપકડી આ બધી રમતોને એણે મન ભરીને માણી છે. ભમરડાને પડતાં ગદ્દામાં પોતાનું શરીર કોચાતું હોય તેવી વેદના એને થઈ છે. એણે સત્યાગ્રહી નાનિયો કે છેટી પહેરી રાખવાની હઠ કરતા આદિવાસી બાળક સાથે સંવેદના અનુભવી છે. રોટલાને અભાવે ધણીને કાઢી મૂકતાં ધૂળીમાશી, ભૂખ્યા છોકરાને છાશથી ધરવતી નાયકણ, પહેરવાનું વસ્ત્ર ઉતારીને માછલાં પકડતા આદિવાસીઓ, દાતણની ભારી કે ટોપલી લેવાનો આગ્રહ કરી ભૂખ ભાંગવા દાણો-દૂણી ને દેહ ઢાંકવા જૂનાં કપડાં માગતી ચોખલી, ભંગડી, અફીણને માટે દાદાની સિફારસ માગતા આદિવાસી, દાણો વેચીને પણ ગોરની દક્ષિણા ભરપાઈ કરવા ઇચ્છતા ગરીબ યજમાનો – જાનપદી સમાજના આ બધા પ્રતિનિધિઓની ગરીબી, ભૂખમરો, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમના પર થતા જુલમ-સિતમ, એમના હરખ-શોકનો એ મૂક સાક્ષી છે. મિત્ર અને માર્ગદર્શક બનીને એના બાળ મનના કુતૂહલને જાગ્રત કરતા, સંતોષતા અને રસવૃત્તિને પરિતોષતા દાદાની આંગળી ઝાલીને એ આ બધાને પામ્યો છે. તેથી ગોરપદું કરતા, ભાતભાતના વાર્તારસમાં અઘોળ કરાવતા, દેવપુરુષ તરીકે પિતાનો પરિચય આપતા, પોતાની સાથે ગ્રામપ્રકૃતિ વચ્ચે ઘુમાવતા ને ઉત્સાહથી ગેડી-દડો ને પતંગ બનાવી એની રમતગમતમાં સાથ આપતા દાદાનું શબ્દચિત્ર અવિસ્મરણીય બન્યું છે. નાનકડી ઠકરાતના કારભારી ને હનુમાનભક્ત પિતા, સોટી ચમચમાવતા દમલા માસ્તર, ગણિતમાં મીંડું લાવતા બચુડાને એક ધોરણ નીચે ઉતારતા ઇન્સ્પેક્ટર ગિદવાણી, રીંછડીથી ડરતા જમાદાર, ઠોકર વાગતાં ઘાયલ થયેલા દર્દીની આંખમાં દવા નાંખવાનું કહેતા દાક્તર ભવાનીશંકર પણ આ શિશુની સૃષ્ટિના અભિન્ન અંશ રૂપે આવે છે.
ડુંગર, કોતર, નદી, તલાવડી, જંગલ અને પશુપંખીથી સભર વન્યસૃષ્ટિ; હોળી-દિવાળી ને મેળાના ઉત્સવ, લગ્ન-મરણની ધર્મક્રિયાઓ; ભજનમંડળી ને ભૂતપલિતની વાતો; વૈજનાથનું મંદિર અને તેનો બાવો; થાણું અને દાણી જેવી સામગ્રી આ ‘વનાંચલ’ના વાતાવરણને જીવંત સ્પર્શ આપે છે. પરિસ્થિતિ કે પ્રસંગમાંથી સહજ નીપજતા હાસ્ય-કરુણ અને સાંપ્રતની વિષમતાપ્રેરિત મર્માળા કટાક્ષની પડછે અહીં સાદ્યંત લેખકે નાનિયાના ચહેરા પર વાંચેલી ઇશુની કરુણા અને વિશાળ સમભાવની લાગણી ઘૂંટાય છે. સર્જકતાથી સભર, કવિત્વમય અને નિર્મળ કાચ જેવું પદ્ય ‘વનાંચલ’ની વિલાઈ ગયેલી સૃષ્ટિ અને બચુડાના સરલ નિર્મલ હૃદય સાથે ભાવકને લીલયા સમરસ કરે છે અને એના અંતરમાં સહ-અનુભૂતિ જગાડે છે. ગુજરાતી સાહિત્યની શિશુ વયની સ્મરણકથાઓમાં એ રીતે એ નોખી તરી આવે છે. નિબિડ પ્રકૃતિનો અનુભવ આપતાં કવિત્વમય ચિત્રો-વર્ણનો અને તળપદ સમાજનાં નિરૂપણો એને વિભૂતિભૂષણના ‘આરણ્યક’ની જોડાજોડ મૂકી આપે છે. ‘વનાંચલ’ જયન્ત પાઠકની સ્મૃતિકથાકાર તરીકેની પ્રતિભાનો પરિચય નથી આપતું, એમની તેજસ્વી હાસ્યકાર અને પ્રકૃતિગત કવિ તરીકેની શક્તિની પણ પ્રતીતિ કરાવે છે. કૃતિનો ઉઘાડ ઇતિહાસની હકીકતથી-વાસ્તવની વિગતથી થાય છે અને અંત કાવ્યપંક્તિઓથી. હવે પેલું શૈશવમાં જીવેલું અને સ્મૃતિમાં સંઘરાયેલું વનાંચલ નથી. પોતાના વતનમાં પોતે જ હવે અજાણ્યો – પરાયો બની રહ્યો છે ત્યારે? ત્યારે મનની કથાને – વ્યથાને મનમાં જ સંઘરવાની રહે છે : ‘વળું પાછો મારે વનઘર હું : મારા જ મનમાં’
આ ઉદ્ગાર એમને નિતાંત કવિ ઠરાવે છે અને ‘અંતરીક્ષ’ની અતીત – ઝંખનાની કવિતા સાથે આપણું અનુસંધાન સાધી આપે છે.