– અને ભૌમિતિકા/એક કાવ્ય

Revision as of 16:45, 16 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એક કાવ્ય

અહીંથી ખસીને સામેની ભીંતે લટકતા
અરીસાની ફ્રેમમાં અનામી રંગ થઈ
મઢાઈ જઈને જોઉં છું સામે તો
ત્યાં શેષ ઊભેલા મારા જ હાડપિંજરી ખભાના
હૅન્ગરી હાડકા ઉપર
લાલ, લીલા, પીળા, કાળા રંગથી છંટાયેલું
ખમીસ લટકી રહ્યું છે ક્યારનું.
ખખર નથી... કૈં કેટલાંય ખમીસ
બદલતો આવ્યો હોઈશ સાપની કાંચળીની જેમ.
ક્યારેક મધદરિયે ઊછળતા વ્હાણના સઢનો ફફડાટ
સંભળાય છે એમાંથી,
કરોડરજ્જુમાં કૂવાથંભનો કડકડાટ
કે ચરચરાટ ઘોડાની પીઠ ઉપરની ચામડીનો
...ક્યારેક મચ્છરદાનીનો ફરફરાટ તો
પંખકટા પંખીનો તરફડાટ ક્યારેક.
...ખડખડાટ બત્રીસી કાઢીને અવિરત હસ્યા કરતી
મારી ખોપરી કોની તરફ?
દાડમના દાંત ઊગે એને ને એને જ
ગળી જાય, ફરી ઊગે દાંત ને ગળી જાય
ને જીવ્યા કરે
ઊગે ને ગળી જાય ને એમ જીવ્યા કરે.
બીજું કશુંય ખાઈ શકે નહીં
ને હસ્યા કરે મારી સામે; અરીસામાં,
તમારી સામે...બધે.
ફ્રેમમાં અનામી રંગ થઈ
મઢાઈને જોઉં છું બધે તો
ખડખડાટ બત્રીસી કાઢીને અવિરત
હસ્યા કરતી આ ખોપરી કોની તરફ?

૨૬-૮-૧૯૭૦