નારીસંપદાઃ વિવેચન/સુરેશ જોષીની કાવ્યવિભાવના

Revision as of 01:03, 15 March 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૦

સુરેશ જોષીની કાવ્યવિભાવના
માલા કાપડિયા

પ્રત્યેક સર્જકને પોતીકું અને વિશિષ્ટ એક વિશ્વ હોય છે: અનુભૂતિનું. એનું સર્જનકર્મ પણ એ જ વિશ્વથી નિયંત્રિત હોય છે. સર્જનપ્રક્રિયા સંદર્ભે અથવા તો સાહિત્યના કોઈ એક વિશિષ્ટ પ્રકાર, જેમ કે કાવ્ય, અંગે પણ સર્જકના આગવાં મંતવ્ય હેય છે. આ મંતવ્યો સ્થિર નથી હોતાં, સમય સાથે બદલાતાં જાય છે. ક્યારેક પરસ્પર વિપરીત એવી માન્યતાઓ પણ સર્જકનાં લખાણોમાંથી મળી આવે. એ સર્જકની ગતિનું સૂચક છે કે અપરિપકવતાનું એ અભ્યાસનો વિષય છે. આ સર્વમાંથી સર્જકની વિભાવનાનો એક આકાર રચાતો આવે છે. ‘વિભાવના ' શબ્દ 'concept' ના પર્યાયરૂપે પ્રચલિત બન્યો છે. Concept: n. syn. IDEA, apprehension, conceit, conception, image, impression, intellection, notion, percaption, thought. con. percept, sensation, sense-datum, sensum.૧[1] Concept, n. (L. conceptus, a collecting, gathering, a thought, from concipere, to take in, conceive, con-and capere, to take.) an idea, especially a generalized idea of a class of objects; a thought; general notion.૨[2] આ બંને વ્યાખ્યાઓમાં ‘concept'ના વિવિધ અર્થ મળે છે. આપણે જે અર્થનો સર્વમાન્ય સ્વીકાર કર્યો છે તે 'an idea, especially a generalised idea of a class of objects. ‘કાવ્યચર્ચા'માં સુરેશ જોષીની એક સ્પષ્ટતા ધ્યાન ખેંચે તેવી છે: ‘વિવેચન 'કાવ્ય' નામની ઘટનાનો બુદ્ધિગમ્ય અને તર્કસંગત અહેવાલ આપવાનું સ્વીકારે છે. 'કાવ્ય' નામે ઓળખાતી જાતિનાં સર્વસાધારણ ધર્મ કે લક્ષણ બાંધવાનું કેટલે અંશે શકય? અન્ય અભિવ્યક્તિની પ્રવૃત્તિઓ જોડેનાં સાદૃશ્ય ધરાવનારાં તત્ત્વો ને વ્યાવર્તક તત્ત્વો જુદાં પાડીને આ લક્ષણો બાંધવાની ભૂમિકા રચીએ તો ય ‘કાવ્ય' જાતિ અને એ જાતિમાંની એક વિશિષ્ટ રચના 'કવિતા' ને ઓળખવા પૂરતો જ ખ્યાલ બાંધી શકીશું. કે એ જ જાતિમાં સમાવિષ્ટ કૃતિઓની ઉચ્ચાવચતાનાં ધોરણો તથા સિદ્ધિમર્યાદા આંકવાનાં મૂલ્યમાપકો પણ પ્રાપ્ત કરીશું ?’૩[3] અહીં 'તમસા' કાવ્યસંગ્રહની બીજી આવૃત્તિમાં શ્રી રઘુવીર ચૌધરીએ કરેલી વાત યાદ આવે છે ‘...સાવધાનીથી એટલે કે અપ્રગટ સતર્કતાથી શબ્દ પાસેથી કામ લેવાનું હોય છે. એમ કરવા છતાં ઘણીવાર કશું થતું નથી અને અંતે આરંભના વાસ્તવજગતમાં પોતાને પાછા ફેંકાતા જોઈ રહેવાની લાચારી ભોગવવી પડે છે... કાવ્યસિદ્ધિ આકસ્મિક હોય છે એમ ન કહીએ તો પણ એટલું તો સ્વીકારવું જ પડશે કે પ્રયત્નના પ્રમાણમાં અહીં પરિણામ નથી. આ ક્ષેત્રમાં તો પહોંચવા ઉપરાંત ચાલવાનો પણ આનંદ છે. 'ક્યાં છે કવિતા ' એ પ્રશ્ન તો સહિયારો પણ પ્રાપ્તિ તો પ્રત્યેક પ્રયત્નમાં છે.૪[4] સાહિત્યમીમાંસામાં સુરેશ જોષીનો ગંભીર રસ રહેલો છે. સંસ્કૃત સાહિત્ય તથા શાસ્ત્રનો તેમનો અભ્યાસ, તથા વિવિધ પાશ્ચાત્ય સાહિત્ય અને શાસ્ત્રના આસ્વાદ દ્વારા તેમનું એક આગવું વિશ્વ રચાયું છે. સર્જન પ્રક્રિયા, વિવેચન પ્રવૃત્તિ, તથા નવલિકા -નવલકથા એ ઉભય સાહિત્યપ્રકારની સર્જકતા અંગે એમણે ઘણી ચર્ચાઓ કરી છે, પ્રયોગો પણ કર્યાં છે. ‘કવિતા' આ બધામાં સહેજ 'ઈતરા' થયેલી ભાસે છે. છતાં, 'જનાન્તિકે'ના લલિત નિબંધોમાં પણ એમની કલમ કવિ અને કવિતા વિષયક અનેક વાતો કહી જાય છે. ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ'માં તો તેમની આસ્વાદ પદ્ધતિ જ તેમની કાવ્યવિભાવનાને ઉપસાવે છે. ‘કાવ્યચર્ચા', 'કિંચિત ' અને 'અરણ્યરુદન' માં અનેક મિષે આ વિભાવના મળે છે. પરંતુ એમની કાવ્યવિભાવનાના કેન્દ્રબિન્દુને જ પ્રગટ કરતું પુસ્તક ઉપલબ્ધ નથી. સુરેશ જોષીની કાવ્યવિભાવનાનાં મુખ્ય વિભાગ કરવા હોય તો આ પ્રમાણે કરી શકાય : (૧) કાવ્યની ભાષા, (૨) કવિકર્મ (ચમત્કૃતિ અને ચેતો વિસ્તાર), (૩) રૂપનિર્મિતિ, (૪) આકારનિમિંતિ, (૫) પ્રતીક, અલંકાર ઈત્યાદિ કાવ્યસામગ્રી. કાવ્યવિભાવનાના પિંડને સંસ્કૃત અને પાશ્ચાત્ય સાહિત્યમાંથી પોષણ મળ્યું છે તેમજ એ સાહિત્યને અનુષંગે એમની જે પ્રતિભા ઘડાતી ગઈ તેમાંથી મૌલિક ચિંતન પણ નીપજી આવ્યું. તો આ અભ્યાસમાં સુરેશ જોષીની વિભાવનાનો પરંપરા સાથેનો સંબંધ તથા તેમની મૌલિકતા, એમની સિદ્ધિ અને મર્યાદા મુખ્ય તપાસના વિષયો રહેશે. મનુષ્યના પારસ્પરિક વ્યવહારનું એક મહત્ત્વનું માધ્યમ છે ભાષા. પરંતુ એ જ ભાષાને જ્યારે કવિ પ્રયોજે છે ત્યારે એનું સમગ્ર રૂપ બદલાયેલું લાગે છે. અહીં ભાષાનું પ્રયોજન બદલાય છે, આથી એનું રૂપ બદલાય છે. પરંતુ કવિ આ કઈ રીતે કરે છે? અથવા તો કાવ્યમાં ભાષાનું મહત્ત્વ કેટલું ? એ એક માધ્યમ માત્ર છે કે એથી વિશેષ? સુરેશ જોષીની કાવ્યવિભાવનામાં ‘ભાષા’ અંગેના પ્રશ્નોને એક વ્યાપક ભૂમિકા તથા ઊંડી ચર્ચાવિચારણાને સ્થાન મળ્યું છે. કાવ્યમાં ભાષાનું મહત્વ કેટલું છે એ પ્રત્યે તેઓ અસંદિગ્ધ છે: ‘કવિ કશું કહેવા માગતો નથી, એ કશુંક કરવા માગે છે, ને એનું એ કાર્ય તે ભાષાનું પુનર્વિધાન, ભાષાનો અપૂર્વ વિનિયોગ. આપણે જેને કાવ્યનો વિષય કહીને ઓળખાવીએ છીએ એ તો નજીવું નિમિત્ત છે, કાવ્યનું જીવાતુભૂત તત્ત્વ એ નથી.૫[5] કાવ્ય વિવેચનની પ્રલંબ પરંપરામાં આજ સુધી ભાષાની આ મહત્તા ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત થઈ નથી. આ વિચારણા પાશ્ચાત્ય સાહિત્ય પ્રેરિત છે એ હકીકત નિર્વિવાદ છે. પરંતુ એ ફક્ત કોઈ પાશ્ચાત્ય વિચારધારાના અનુરણન રૂપે નથી આવી. આપણા કાવ્યસાહિત્યના સંદર્ભમાં સમુચિત રૂપે આવી છે જે આગળની ચર્ચામાં સ્પષ્ટ થશે. કાવ્યશિક્ષણ તથા કાવ્યવિવેચનના સંદર્ભમાં તેઓ કહે છે : ‘કાવ્યમાં વ્યક્ત થતી ભાવના, એમાં રહેલું ચિંતન, કવિની જીવનદૃષ્ટિને ઘડનારાં પરિબળો, Social Content આ બધું આપણા વિવેચનને ગણાવ્યું છે. પણ કાવ્ય અંગેના કેટલાક પાયાના મુદ્દાઓ વણચર્ચ્યા જ રહી ગયેલા નથી લાગતા ? એક જ દાખલો લઈએ : કાવ્યમાં જે ભાષા માધ્યમ તરીકે વપરાય તેની વિશિષ્ટતા શી ? શબ્દની શક્તિને અભિધા, લક્ષણા, વ્યંજનામાં વહેંચી નાંખીને એને સમજાવી નહીં શકાય. વ્યવહારના માધ્યમરૂપ ભાષા વ્યવહારને સિદ્ધ કરીને મરી પરવારે છે, પણ એની એ જ ભાષામાંથી કવિ કશુંક અણખૂટ તત્ત્વ શોધી કાઢે છે. આ રીતે વાલેરી 'language in language' કહે છે તેનો પરિચય થાય છે.’૬[6] ‘આપણે એક વાત સ્વીકારી લઈએ, ને તે એ કે કાવ્યમાં ભાષાનો વિશિષ્ટ રીતે પ્રયોગ થાય છે. માલાર્મેએ ને વાલેરીએ તો એટલે સુધી કહ્યું છે કે કાવ્ય એટલે જ ભાષાની નવી શક્તિનો આવિષ્કાર. ભાષાની આ વિશિષ્ટતા કવિ અનેક રીતે સિદ્ધ કરે છે. એના કોઈ નિયમો નથી. દરેક સાચા કવિને અક્ષુણ્ણ માર્ગે જ પગલી પાડવાની હોય છે. કાવ્યરચનાની ભાષાની પરંપરાગત બધી સિદ્ધિઓ આત્મસાત્ કરીને એ આગળ વધે છે. આમ, ભાષાનો ફેર કાવ્યમાં એક જુદી જ વસ્તુ બની જાય છે. કવિ નવા શબ્દ પ્રયોજતો નથી, પણ પોતાની ભાવાવસ્થાના પરિવેશમાં શબ્દોને જાણે કે નવેસરથી જીવતા કરે છે, એને માટે નવા સંદર્ભોનું નિર્માણ કરે છે. વ્યાવહારિક પ્રયોજનને સિદ્ધ કરવાને યોજાતી અસંદિગ્ધ ને નિશ્ચિત સંકેતોવાળી ભાષા જે કર્તા, કર્મ ને ક્રિયાપદના અન્વયના ચોકઠામાં ગોઠવાઈ જાય છે, તે અન્વયનું ચોકઠું, તે વિન્યાસ, કવિને ખપમાં આવતા નથી. કાવ્યની પંક્તિમાંનો અન્વય તે વ્યાકરણશાસિત નથી. એ કવિના ભાવજગતના અકળ નિયમોથી સિદ્ધ થતો હોય છે. શબ્દોની સહોપપ્રત્યયથી નહીં, પણ હૃદયના પ્રત્યયથી દરેક ભાવકે પોતે, કલ્પનાશીલ સમસંવેદનના બળથી કવિની ભાવસ્થિતિમાં મૂકીને, સાંધી દેવાની હેય છે. આમ છતાં, કવિએ જે કાવ્યમાં વ્યક્ત કરવા ધાર્યું હોય તે જ, તે ને તે રૂપે, કદી ભાવકના ચિત્તમાં સંક્રાંન્ત થઈ શકતું નથી. કાવ્યનો સ્વભાવ જ એે છે કે કવિ અને ભાવક વચ્ચે ભાવનું આવું સમીકરણ સિદ્ધ થઈ શકતું નથી, ને એમાં જ કાવ્યની સમૃદ્ધિ રહેલી છે.’૭[7] ‘અર્વાચીન કવિતામાં કાવ્યબાનીની નવીનતા' એ લેખમાં ભાષાને વિશિષ્ટ રીતે પ્રયોજવામાં જ કવિકર્મનો વિશેષ છે એમ તેમનું મંતવ્ય ઉપસી આવે છે : ‘ભાષામાં નવીનતા એટલે શું ? ભાષાની લાક્ષણિકતા એ છે કે એના દરેક શબ્દને મુખ્યાર્થ અથવા રૂઢ સંકેત તો હોવાનો જ. કવિ નવા શબ્દો યોજી નહીં શકે, પણ નવા અન્વયો દ્વારા, પોતે રચેલા સંદર્ભમાં પ્રચલિત શબ્દના નવા અર્થધ્વનિઓ ઉપજાવી શકે. વાસ્તવમાં તો આ પ્રવૃત્તિ તે જ કવિકર્મ. માટે તો એઝરા પાઉન્ડે કવિઓને આદેશ આપ્યો હતો : ‘make it new.' પોલ વાલેરીએ કવિતાની ઉત્કૃષ્ટતાનું એક ધોરણ એ એવી પ્રતીતિ થવી જોઈએ કે એ કાવ્યોમાં પ્રયુક્ત શબ્દોના જન્મ સમયે કવિ ઉપસ્થિત હતો. આવું બને ત્યારે જ સાચા અર્થમાં મૌલિક્તાનો પરિચય થાય. ૮[8] ‘ગુજરાતી કવિતાને આસ્વાદ'ના મુખબંધમાં કાવ્ય, કવિકર્મ અને રસાસ્વાદ અંગેના સુરેશ જોષીના સ્પષ્ટ મંતવ્યો મળે છે. રસાસ્વાદમાં ભાષાનું મહત્ત્વ સમજવું અનિવાર્ય છે: ‘કવિ નવી ભાષા નથી ઘડતો, વ્યવહારની ભાષામાંથી જ એ નવા સંકેતો ઊપજી આવે એવો સંદર્ભ રચે છે. આ સંદર્ભની રચના સમજવી. શબ્દમાંથી પ્રગટ થતી આ શક્તિનો પરિચય આપવો એ રસાસ્વાદની પ્રવૃત્તિનું અનિવાર્ય અંગ છે, કારણ કે, એમાં જ કવિકર્મનો વિશેષ રહેલો છે. આપણા બધામાં રતિ, ઉત્સાહ, જુગુપ્સા, કરુણા, નિર્વેદ વગેરે ભાવો રહેલા છે. પણ એને વિશિષ્ટરૂપે સાક્ષાત્કાર કરવાની અનંત શક્યતાનો પરિચય કવિ આપણને કરાવે છે. ૯[9] 'જનાન્તિકે'માં ૪૬મા નિબંધમાં રિલ્કેની શોકપ્રશસ્તિઓનો આસ્વાદ કરાવતા પણ તેઓ કહે છે : ‘કવિના શબ્દો લોકોત્તર નથી હેતા, એમાંથી એ જે નિષ્પન્ન કરે છે તે ચમત્કારી ને અલૌકિક હોય છે.’ ૧૦[10] આ ચમત્કાર નિષ્પત્તિ કઈ રીતે થાય છે ? અનુભવનું રૂપ બદલાઈને અલૌકિક કઈ રીતે થાય છે? સુરેશ જોષી પાસે એનો ઉત્તર છે : રૂપનિર્મિતિ દ્વારા. ભાષા પાસેથી આવું પ્રેયોજન સિદ્ધ કરવા કવિએ કઈ રીતે પ્રવૃત્ત થવું જોઈએ તે અંગે તેમણે સચોટ કહ્યું છે: ‘કેટલાક શબ્દોને એ સ્થળની ફ્રેનિલ વાચાળતા વચ્ચે હું મૂકી આવ્યો છું. ભલે થોડો વખત ત્યાં ગાળે. વરસેક રહીને એ શબ્દોને પાછો લેવા જઈશ ત્યારે એમને કેવું રૂપ મળ્યું હશે? મને હમેશાં લાગ્યા કર્યું છે કે કવિએ પોતાના શબ્દોને જુદા જુદા વાતાવરણમાં ને ભિન્ન ભિન્ન સ્થળે દેશાટન કરવા મોકલી આપવા જોઈએ. આથી એ શબ્દો પુષ્ટ થઈને આવે છે. આ પુષ્ટિ કાવ્યને તો ઘણી ખપની છે. આયુર્વેદમાં જેમ ધાતુને સિદ્ધ કરવામાં આવે છે તેમ આપણા શબ્દોને પણ અનેક પ્રકારના જુદા જુદા પુટ આપીને સિદ્ધ કરવા જોઈએ.’૧૧[11] લલિત નિબંધમાં પણ આ પ્રમાણે તેમની કાવ્યવિભાવના સ્ફુટ થતી આવે છે. હવે ભાષા પછીના મુદ્દા પર જઈએ : રૂપ. એ તો નિર્વિવાદ છે કે કવિ અથવા સર્જકને પણ સામાન્ય વ્યક્તિઓ જેવા જ અનુભવો થાય છે: જન્મ, પ્રેમ, મરણ, પ્રકૃતિ-પરિવેશ ઈત્યાદિના સંદર્ભમાં. પરંતુ એની સંવેદના તથા એની ચેતના એ અનુભવોથી અનુભૂત થઈને એમને એક નવું પરિમાણ આપે છે. આ નવું પરિમાણ, નવું રૂપ એ ભાષાની મર્યાદામાં રહીને જ સાધે છે, કહો કે ભાષાની મર્યાદાને વિસ્તારીને સાધે છે. ભાષામાં નવા પ્રકારની શક્તિ એ ઉપજાવે છે, ભાષાની શક્યતાઓને વિસ્તારે છે: 'કવિને કોઈ નિમિત્તે કશીક સંવેદના થઈ : એ ઉત્કટ, અસાધારણ, ચમત્કારિક જ હોવી જોઈએ એવું પણ નથી, એને પરિણામે વ્યવહારમાં એ અમુક કાર્ય કરવા પ્રવૃત્ત થયો; એ કાર્યમાં પ્રવૃત્ત હતો તે દરમિયાન કે એ કાર્ય પૂરું થયા પછી, નિરપેક્ષભાવે તાટસ્થ્યથી, એ સંવેદનના પર એ નજર નાખે ત્યારે, વ્યક્તિગત પ્રયોજનથી નિરપેક્ષ રહીને સાધેલા આ પ્રકારના abstractionથી, એ સંવેદનનું નવું જ રૂપ એ જોવા પામે છે. એ સંવેદન રસાનુભૂતિના પ્રાથમિક બીજાણું 'aesthetic monad ' રૂપે ક્રિયાશીલ બને છે. ચેતનામાં એને સ્ફોટ થતાં એક વિશિષ્ટ પ્રકારની શક્તિ મુક્ત થાય છે. એને પરિણામે એ બીજાણુનું પંચીકરણ જ નહિ પણ સહસ્ત્રીકરણ થાય છે, એ આ પ્રકારના કે એથી વિરુદ્ધ પ્રકારના પૂરક સમપર્ક વિરોધી સંઘર્ષાત્મક – એવાં બીજા, ચિત્તમાં સ્મૃતિના ધૂંધળા પ્રદેશમાં વિક્ષિપ્ત નિરવયત્રીરૂપે પડેલાં, કેટલાંય સંવેદનોના મંડળને પોતા તરફ આકર્ષે છે. આ પરિવેશમાં એ મૂળ સંવેદનનું એક નવું જ રૂપ પ્રકટ થાય છે. આ રૂપમાં વ્યાપ્તિ છે, સઘનતા પણ છે, સાદૃશ્ય છે, વિરોધ પણ છે, સંવાદ છે, સંઘર્ષ પણ છે. આ બધાંનો એક સાથે સાક્ષાત્કાર થાય એ પ્રકારની શક્તિ ભાષામાં એણે ઉપજાવવી પડે છે.’ ૧૨[12] ‘કાવ્ય ભાષાનો આશ્રય લઈને ભાષાને ઉલ્લંઘી જાય છે. ભાષા પોતાના વર્ચસ્વ નીચે આપણને ખેંચી આણવાનો પ્રયત્ન કરે છે. ભાષાને સંરક્ષણાત્મક કવચરૂપે વાપરવાની વૃત્તિ પણ આપણામાં ક્યાં નથી હોતી? એમ છતાં, વ્યંજના એટલે કે શબ્દના વ્યવહારસમ્મત સંકેતથી એ બે ડગલાં દૂર કૂદી જવાની, ને એ બે ડગલાં કૂદીને શબ્દની આજુબાજુના વિશાળ અવકાશમાં અવગાહન (કે ઉર્ધ્વારોહણ;) કરવાની શક્યતા તરફ આંગળી ચીંધવાની શક્તિ જ કવિનું તો ઉપાદેય છે. કાવ્યમાત્રમાં કવિ ભાષા વડે ભાષાને ઉલ્લંઘીને શબ્દની ચારેબાજુના એ વિશાળ અવકાશનો સ્પર્શ શી રીતે કરાવે એ જાણવા-માણવાનું રસિકોને ગમે છે. ૧૩[13] સુરેશ જોષીની કાવ્યવિભાવનાનું પ્રત્યક્ષ પરિમાણ ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ'માં આપણને મળે છે. કવિને થતા અનુભવનું સ્વરૂપ ભલે સામાન્ય, લૌકિક હોય પરંતુ ભાષાની શક્તિ દ્વારા અને પોતાની પ્રતિભા દ્વારા એનું રૂપ કેવું બદલાઈ જાય છે એની પ્રતીતિ શ્રી મકરન્દ દવેના કાવ્ય ‘આવો !'- ના આસ્વાદમાં મળે છે. પ્રથમ પંક્તિઓ જ છે :

‘અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર;
આવો, રે આવો હો જીવણ, આમના.’

કબીર-મીરાંના ગોત્રના આ કાવ્યનો વિષય તો જૂનો અને જાણીતો છે. એ જ ભાવને કવિ કઈ રીતે વિલક્ષણ રૂપે કરાવે છે તેને સુરેશ જોષીએ આલેખ્યું છે : ‘લૂખુંસૂકું રૂ તો આપણે બધાંએ જોયું છે. હજુ દાદીમા સાંજને વખતે બેઠાં બેઠાં એની દીવેટ વણે છે. પણ એ રૂના તંતુએ તંતુમાં રસને પ્રવાહીને ગ્રહી લેવાની કેટલી ઉત્કટ શક્તિ છે ! વિજ્ઞાન તમને એ શક્તિનું નામ પણ પાડી આપશે, પણ કવિને એનો ખપ નથી. અત્તરને અણુએ અણુમાં શોષી લઈને તરબતર થવાનો રૂનો સ્વભાવ આબાદ પકડાય એમ આપણને લાગે છે. પણ આમાં કેવળ સુખ નથી, દુઃખ પણ છે ને તેય ભારે દુઃખ-વીંધાવાનું દુઃખ. કણેકણ વીંધાય ત્યારે નહિ, તે એક થયું નહિ !૧૪[14] આમ, ફક્ત સીધા-સપાટ વિધાનો જ નહિ, પણ આસ્વાદમાં આ વિધાનોનું પુષ્ટીકરણ અને પ્રત્યક્ષ પ્રમાણ પણ આપણને મળે છે. 'કાવ્ય- ચર્ચા' માં એક સ્થળે તેઓ કહે છે: ‘કાવ્ય એટલે ભાષાની અભિવ્યક્તિની શક્તિનો સમર્થ આવિષ્કાર. આવી શક્તિના આવિષ્કારને માટે શબ્દને એના રૂઢ, શબ્દકોશમાં આપેલા, અર્થથી મુક્ત કરીને, કાવ્યમાં એવો અપૂર્વ સંદર્ભ રચીને પ્રયોજવો કે જેથી એની બધી જ સંભાવ્ય દ્યોતના પ્રકટ થઈ શકે; પછી શબ્દનો કોઈ જડ નિશ્ચિત અર્થ રહે નહીં; એને બદલે શબ્દ પોતાની આજુબાજુ અનેકવિધ સમૃદ્ધ શક્યતાઓની નિહારિકા વિસ્તારે.૧૫[15] અને એ જ પુસ્તકમાં શ્રી વિંદા કરંદીકરના કાવ્યનો આસ્વાદ કરાવતાં આનું પ્રમાણ પણ મળે છે: પ્રથમ પંક્તિમાં જે મન ‘અપારદર્શક' હતું તેને માટે કવિ બીજું સાર્થક વિશેષણ યોજે છે : 'પ્રમાથી', આ 'પ્રમાથી'નાં ઘણાં બધાં અર્થવર્તુળો આપણા મનમાં વિસ્તરે છે : જેને નાથવું મુશ્કેલ છે તે, ઉગ્ર મન્થનો અનુભવનાર, ઉદંડ, અનેક પ્રકારના સંઘર્ષોની નાગચૂડમાં ભીંસાતું વગેરે. આ બધા જ સંકેતા Male energyનો અધ્યાસ મનમાં જગાડે છે. આવી પ્રબળ દુર્દમ્ય શક્તિ માત્ર એક નસને છેદવાથી નષ્ટ થઈ જાય છે! અહી પુરુષત્વના છેદન-castration-નું સૂચન રહ્યું છે.૧૬[16] ભાષાની પડછે છે મૌનનો પ્રદેશ. પરંતુ એ બંને વચ્ચે કોઈ ઊંચી દીવાલ નથી, કે કાંટાળી વાડ નથી. દરિયો વિસ્તરતો વિસ્તરતો રેતીમાં ભળી જાય તેવું જ ભાષા અને મૌનનું છે. કાવ્યવિભાવના શાસ્ત્રાભ્યાસમાંથી જ જો જન્મી હોય તો અધૂરી કહેવાય. શાસ્ત્રાભ્યાસની સાથે સાથે જ કાવ્યાસ્વાદમાંથી પણ એક દૃષ્ટિ જન્મે છે જે આપણી વિભાવનાને જુદા સ્તર પર લઈ જાય છે. સુરેશ જોષીમાં આવી દૃષ્ટિનો સહયોગ પણ ખાસ્સો રહ્યો છેઃ ‘કવિતામાં શબ્દોનું રૂપ પણ કાંઈક આવું જ હોવું ઘટે... સાચી કવિતાની કદાચ આ પણ એક કસોટી હોય - એણે આપણા કેટલા શબ્દોના કોલાહલનો મૌનમાં મોક્ષ સાધી આપ્યો, ન જાને! ’૧૭[17] કવિકર્મ પરત્વે તથા કાવ્યના કાવ્યત્વ પરત્વે તેઓ સભાન છે એટલું જ નહિ, પરંતુ ઉદાહરણ સહિત 'કિંચિત'માં 'કાવ્યનો આસ્વાદ' નામક લેખમાં તે અંગે સ્પષ્ટતા પણ કરી છે. અનુભવનું વર્ણન માત્ર કાવ્ય નથી બનતું. ભાષા, છંદ, ભાવસંદર્ભ આ સર્વ સામગ્રીનું સંવિધાન કાવ્યરચનામાં અનિવાર્ય બને છે. આ સંવિધાનની પ્રક્રિયા તેઓ કંઈક આ રીતે સ્કૂટ કરે છે : ‘કોઈને એકલતાનો અનુભવ થતો હોય તો તે વર્ણવવાને ‘મને એકલું એકલું લાગે છે' એમ જો એ કહે... આ પ્રક્રિયાઓમાંથી પસાર થવાને કારણે, વ્યક્તિનિરપેક્ષ સદાને માટે આસ્વાદ્ય એવી કલાકૃતિ બની રહે છે.૧૮[18] ‘સંગીતમાં સમયના પ્રવાહનો સાક્ષાત્કાર થાય છે; ચિત્ર અને સ્થાપત્ય કે શિલ્પમાં સ્થળનાં પરિમાણનું પુનર્વિધાન દેખાય છે. કવિતામાં કવિ એકી સાથે આ બંનેને સિદ્ધ કરે છે.’૧૯[19] કાવ્યની ભાષામાં બે તત્વોનું સાયુજ્ય હોય છે: ધ્વનિ અને અર્થ. શબ્દ અને અર્થના સહિતત્ત્વને પ્રાચીન સમયથી મહત્ત્વ અપાયું છે. કવિતામાં સમયના પ્રવાહનો અને સ્થળના પરિમાણનો જે સહિત અનુભવ થાય છે તે ભાષાના ધ્વનિ અને અર્થને કારણે. આ સંદર્ભમાં શ્રી જયંત પાઠકનો એક લેખ યાદ આવે છે, 'કવિતા : વસ્તુ અને વ્યાકરણ' એમાં કાવ્યભાષાની વાત તેઓ આ પ્રમાણે કરે છે: 'કાવ્યની ભાષામાં બે તત્વોની પ્રવૃત્તિ જણાય છે: ધ્વનિ અથવા નાદની અને વાચાની. ઉદ્દગારની પહેલાંનો સંબંધ સંગીત સાથે છે ને એમાં લય, તાલ, છંદ આદિનો સમાવેશ થાય છે, બીજાનો સંબંધ અર્થ સાથે છે ને એમાં કાવ્યની બધી ભાવસંપત્તિનો સમાવેશ થાય છે. કાવ્યની ભાષા માત્ર સંગીત જ નથી આપતી. બન્ને તત્ત્વો મળીને કાવ્યને એક બહુપાર્શ્વ સંકુલ રચના બનાવે છે. એ નથી કેવળ સંગીત કે નથી કેવળ વાચા. માત્ર સંગીત હોત તો કાવ્ય અર્થલીલાથી વંચિત રહેત ને કેવળ અર્થયુક્ત ઉદ્ગાર હોત તો એ ગદ્યથી વધારે આકર્ષક ન હોત.'૨૦[20] કવિકર્મ અંગે કે સર્જકની વિશેષતા અંગે આજ સુધી અનેક વિવેચકોએ ચર્ચા-વિચારણા કરી છે. કવિકર્મ એ સાહિત્યમીમાંસાનાં પાયાનો પ્રશ્ન કહી શકાય. આ પહેલાં આપણે જોયું કે ગુજરાતી વિવેચનમાં ‘ભાષા'ના પ્રયોજન પરત્વેની સભાનતાનું પ્રમાણ સુરેશ જોષીમાં તેમના પુરોગામીઓ કરતાં ઘણે અંશે વધુ મળે છે. તેમજ મૌલિક અનુદાન પણ તેમનું રહ્યું છે. એ જ રીતે, કવિકર્મ પ્રત્યે પણ તેઓ વિશિષ્ટ અભિગમ દર્શાવે છે. આ પહેલાં કાવ્યના વિષયને અનન્ય મહત્ત્વ અપાતું રહ્યું હતું. છંદ, અલંકાર, ભાવસંદર્ભ ઇત્યાદિને સામગ્રી લેખે મહત્ત્વ અપાતું પરંતુ કાવ્યવિષયની ચર્ચા જ અગ્રણી રહેતી. સુરેશ જોષી કાવ્યવિષયને સ્થાનભ્રષ્ટ કરીને ભાષા, છંદ, ભાવસંદર્ભના વિશિષ્ટ સંવિધાનને કવિકર્મના વિશેષરૂપે સ્થાપે છે. '૨૧[21] ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી' એ શ્રી હરિશ્ચંદ્ર ભટ્ટના કાવ્યના આસ્વાદમાં તેમણે આ કવિકર્મને સ-દૃષ્ટાંત સ્પષ્ટ કર્યું છેઃ ‘આ ‘ફૂંક' શબ્દમાં દીપનિર્વાણનું સૂચન છે. વસંતમાં કળી ખરી પડી, એ એક વિરોધ અને વસંતની ફૂંકથી ખરી પડી, એ બીજો વિરોધ- આ બેને કારણે અત્યંત સંયતરૂપ પ્રગટ થતી વેદના પણ વેધક બની રહે છે. આગલી બે પંક્તિના અગિયાર અક્ષરના ચાલ્યા આવતા છંદ પછી ત્રીજી પંક્તિમાં કવિનો નિઃશ્વાસ જ જાણે 'અરે' ને ઉદ્દગારથી વિસ્તરીને બાર અક્ષરના વંશસ્થમાં પરિણમે છે. નિઃશ્વાસનો પ્રસાર અને એનો આપણા ચિત્તમાં પ્રલંબ બનીને વિસ્તરતો પડઘો – આ પ્રકારની છંદની યોજના સહજ જ સિદ્ધ કરી આપે છે. કાલિદાસે એના ‘વિલાપો' માં કરેલી વેતાલીયની આપણને યાદ આવે છે. છેલ્લે સંચિત થયેલો વિરોધ એક વજન બનીને છાતીને રુંધતા ડૂમાની જેમ આપણને રુંધી રહેતો હોય એવો આપણને અનુભવ થાય છે, તે કવિએ શરૂઆતથી જ યોજેલી આ અત્યંત નહિ એવા સૂક્ષ્મ, છતાં અંતમાં વેધક બનતા વિરોધની ક્રમિક યોજનાને કારણે. આથી જ મૃત્યુની અસંગતિ આપણી આગળ ઉત્કટ રીતે પ્રકટ થાય છે.’૨૨[22] કવિકર્મની તેમની સમજ ઉપરોક્ત દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ થાય છે. એકલતાની અનુભૂતિનું કાવ્યમય રૂપાન્તર કઈ રીતે સિદ્ધ થાય છે તે એમણે 'કિંચિત'માં વિશદ રૂપે સ્પષ્ટ કર્યું છે, તે આપણે જોયું. આપણી સંવેદના, તેની ઇન્દ્રિય- ગ્રાહ્યતા, બાહ્યસૃષ્ટિમાં એને અનુરૂપ – એના આલંબન કે ઉદ્દીપનરૂપ - પ્રતિરૂપો, તથા શબ્દોના ધ્વનિ – આ સર્વના સંમિશ્રણથી, એક રાસાયણિક પ્રક્રિયાને અંતે કાવ્ય બને છે. આ પ્રક્રિયામાં ઇન્દ્રિયોના પરિમાણ પણ ક્યારેક બદલાઈ જાય છે. જે અદૃશ્ય છે તે દૃશ્ય બને છે, સ્પર્શ્ય છે તે શ્રવણીય બને છે. ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ'માં 'સાગર અને શશી' નો આસ્વાદ કરાવતાં તેઓ આ જ ભૂમિકાનો આધાર લેતા જણાય છે: ‘જે દૃષ્ટિગોચર હતું તેનું પરિમાણ બદલી નાખીને ઘ્રાણેન્દ્રિયના પરિમાણમાં મૂકી દીધું. અનુભૂતિના વ્યાપકતાની માત્રાને વિસ્તારવાને કવિ આ રીતે ઇન્દ્રિયોનાં પરિમાણને બદલી નાંખે છે, વિસ્તારે છે. વ્યવહારજગતમાં આપણે તે તે ઇન્દ્રિયોનાં દૃઢ પરિમાણોમાં રહીને યંત્રવત જીવીએ છીએ. કવિ એ પરિમાણની સીમાને ભૂંસી નાખે છે. સાગર ઉપર ઊભેલો શશી દૃષ્ટિગોચર હતો. તેને ઘ્રાણેન્દ્રિયગોચર બનાવી દીધો. આ રીતે ચંદ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો; એ અનુભવનું રહસ્ય વિસ્તર્યું. સાચો કવિ હમેશાં આવો વિસ્તાર સાધી આપે છે. એ જે પ્રાકૃતિક દૃશ્ય જુએ છે અને એ દૃશ્ય જોવાથી એના ચિત્તમાં જે પ્રતિભાવ જાગે છે, તે આ બે બિન્દુની વચ્ચે ભાવકને વિહરવાને માટે એ સારા સરખા વિસ્તારની સગવડ કરી આપે છે. એણે યોજેલાં પ્રતીકો, એણે યોજેલી શબ્દાવલી આ વિસ્તારને ઉપકારક નીવડે છે. પ્રાકૃતિક દૃશ્ય અને તેથી થતા પ્રતિભાવનો સંબંધ, ઊંચી કોટિના કવિમાં, કદીય બીજગણિતના સમીકરણ જેવો હોતો નથી.૨૩[23] એક કવિતાના આસ્વાદમાં શરૂ થયેલી વાત ઉચ્ચ કોટિના કવિના લક્ષણો સુધી વિસ્તરે છે. વળી ઉપરોક્ત બંને દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટ વિદિત છે. ભારતીય કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતાની સમજ તથા પાશ્ચાત્ય કાવ્યતત્ત્વમર્મજ્ઞો જેમકે વાલેરી, એલિયટ, રિલ્કેની વિચારસરણીની પરોક્ષ અસર. આગળ જતાં ‘લ્હેંકતા લીમડા હેઠ' કવિતાની વાત કરતાં સુરેશ જોષી કહે છે : ‘આપણા હૃદયની નાજુક છટકિયાળ, સહેજ સરખા સ્પર્શથી અળપાઈ જનારી એવી, દરેક લાગણીનું પ્રતિરૂપ સૃષ્ટિમાં છે. એ લાગણીનો એ પ્રતિરૂપ સાથેનો સંબંધ જોડી આપીએ, ત્યારે જ એ લાગણીને સાચું અસ્તિત્વ પ્રાપ્ત થયું કહેવાય. કવિ આટલું કરી આપે. પછી તમે એને ગાયા કરો. માર્ગ મોકળો થઈ ગયો, વિહાર કર્યા કરો. જર્મન કવિ રિલ્કેને કાવ્ય સર્જનની સાધના દરમિયાન આ સત્યની દૃઢ પ્રતીતિ થઈ હતી ને એણે કહ્યું હતું : '...even for what is most delicate and inapprehensible within us nature has sensuous equivalents that must be discoverable. લાગણીને શબ્દ દ્વારા યોજાતા એવા પ્રતિરૂપથી પ્રકટ કરવી કે શબ્દ વ્યવધાનરૂપ ન બને. એ લાગણીનો અર્થ ન સમજાવે. એને આસ્વાદ્ય આકારરૂપે સંવેદ્ય બનાવે.’૨૪[24] શબ્દોને જુદે જુદે સ્થળે દેશાટન કરવા મોકલવા જોઈએ એની જે એમણે વાત કરી હતી, એને મળતી રિલ્કેની એક વાત ઉમાશંકર જોષીએ નોંધી છે: ‘અને જીવનના વિવિધ અનુભવોના સ્મરણોનો મધપૂડો કવિચિત્તમાં રચાવો જોઈએ એમ રિલ્કે ઉમેરે છે. ‘એકમેકથી જુદી એવી અનેક પ્રેમરાત્રિઓની, પ્રસવવેદનાથી પીડાતી સ્ત્રીઓની ચીસોની અને હળવી ફૂલ બનેલી, ફીકીફચ, પોતાનામાં ગરક બનીને જંપી ગયેલી સદ્ય:પ્રસૂતાઓની સ્મૃતિઓ હોવી જોઈએ. વળી માણસને મૃત્યુ પામી રહેલાઓની પાસે પણ બેસવાનો અનુભવ હોવો જોઈએ. ખુલ્લી બારીઓ અને ગમે તેવા અવાજોવાળા ઓરડામાં મૃતદેહ પડખે બેસવાનો ૫ણ પ્રસંગ આવ્યો હોવો જોઈએ અને છતાં સ્મરણો હોવાં એ જ પૂરતું નથી. સ્મરણો ઘણા થઈ જાય ત્યારે એમને વિસારે પાડવાની પણ માણસમાં શક્તિ હોવી જોઈએ અને તેઓ પાછાં દેખા દે ત્યાં સુધી રાહ જોવાની ગંજાવર ધીરજ પણ માણસમાં હોવી ઘટે. કેમ કે ખુદ સ્મરણો એ જ તો કામનાં છે. જ્યારે તે આપણી અંદર લોહીમાં ફેરવાઈ જાય, દૃષ્ટિપાત અને અભિનયમાં પલટાઈ જાય, અનામી બની જાય, આપણી જાતથી હવે જુદાં પાડી જ ન શકાય - ત્યારે જ માત્ર એવું બની શકે કે કોઈ વિરલ ઘડીએ કાવ્યનો પ્રથમ શબ્દ એમની વચ્ચેથી ઉદય પામે અને આગળ ગતિ કરે.’૨૫[25] વળી આ લાગણીના રૂપાંતરથી એનું સમગ્ર સ્વરૂપ બદલાઈ જાય છે. : ‘વ્યવહારમાં જેને વિશૃંખલરૂપે અનુભવ થાય છે તેને કલામાં સુસંબદ્ધ રૂપે પામીએ છીએ, પણ સુસંબદ્ધતા યાન્ત્રિક સ્વરૂપની નથી હોતી. કલાએ પ્રકટાવેલો આકાર એક ચુંબકીય બળ ધારણ કરીને આપણા ચિત્તનાં સંવેદન, સ્મૃતિ, સંસ્કાર, અધ્યાસને કૃતિને નિમિત્તે વિશિષ્ટ રૂપે ઉદ્ભાસિત કરી આપે છે. આ રૂપરચના એ કવિની રૂપરચનાને નિમિત્તે વિશિષ્ટ રૂપે સમાન્તર એવી પ્રવૃત્તિ છે. ને એ પ્રવૃત્તિ નિમિત્તે વ્યાપારશીલ બનેલી આપણી ચેતનાનો-આપણને થતો આ રીતે અપરોક્ષ અનુભવ જ રસાસ્વાદનું સાચું કારણ છે. આને જ વિસ્મય અથવા ચેતાવિસ્તાર કહીને આપણા અલંકારિકો ઓળખાવે છે.’૨૬[26] ઉપરોક્ત અવતરણમાં પૂર્વ અને પશ્ચિમની કાવ્યવિભાવનાનું સમજદારીપૂર્વકનું સંમિશ્રણ જોવા મળે છે. રૂપનિર્મિતિ દ્વારા ભાવને આકાર મળે છે. આકારની વિભાવના ગુજરાતી વિવેચનામાં સુરેશ જોષી પ્રથમ જ લઈને આવે છે એવું નથી. ઉમાશંકર જોષીએ 'કવિની સાધના'માં આની વિશદ ચર્ચા કરી છે : 'કળાકારને બાહ્ય આકાર ઉપર કામ કરતો આપણે જોઈએ છીએ, પણ એટલામાં જ એની સાધનાનો અંત આવતો નથી... સત્તર વરસની ઉંમરે આબુની ગિરિમાળા પાસેથી હું સંદેશ લઈ આવ્યો હતોઃ ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે' રૂપક ખંખેરી નાખીને જોઈએ તો આમાંથી એટલું સમજાય છે કે કળાકારે બહારથી કશુંક ગ્રહણ કરવાનું છે અને એને પાછું બહાર રજૂ કરવાનું છે. પણ આ બે પ્રક્રિયાઓ વચ્ચે મોટી તપાસવા જેવી વસ્તુ તો એ છે કે અંદર સંચિત થયેલી સામગ્રી અમુક પ્રકારે, અમુક સ્વરૂપે બહાર રજૂ થઈ એ રૂપ બાંધવાની પ્રક્રિયા શી જાતની હશે?'૨૭[27]

અનેક વિગતો કવિચિત્તે ગ્રહણ તો કરી હોય, પણ એમાંથી કલા-આકાર ઉપજાવનારી રૂપવિધાયિની શક્તિ એ મહત્ત્વની વસ્તુ તો છે. લાગણીઓ, સંવેદનો, વૃત્તિઓ (emotions) તો દરેક ચિત્તમાં ઊઠતાં હોય છે. પણ જ્યારે તેઓ કોઈ આકૃતિરૂપે આવિર્ભાવ પામે ત્યારે આપણને અભિવ્યક્તિ અથવા કળા મળે છે. ૨૮[28]

શ્રી જ્યોતીન્દ્ર દવેએ પણ આ સંદર્ભે નોંધ્યું છે: ‘સર્જકનું ચિત્ત બીજાઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે. એ ‘રમ્યાણિ વીક્ષ્ય મધુરાંશ્ચ નિશમ્ય શબ્દાન્ પર્યુત્સુકીભવતિ' રમ્ય દૃશ્યો જોઈને અને મધુર કલરવ સાંભળીને પર્યુત્સુકી થઈ જાય છે. એને કંઈનું કંઈ થઈ જાય છે. બીજાઓને પણ થાય છે. પણ તે સમજતા નથી કે એમને શું થાય છે. કવિ સમજે છે, સમજે છે એટલું જ નહિ પણ એના માનસમાં જે સંવેદનો જાગે છે તેને સંઘરે છે, બરાબર ગોઠવે છે અને એ સંઘરેલી સંવેદનશક્તિનો યથાકાલે પરિપાક થતાં, હેય-ઉપાદેયનો વિવેક કરી, એને લાગેલાં બીજાં વળગણો ખસેડી, જૂના સંદર્ભમાંથી એને ઉપાડી લઈ, એને કોઈક નવા સંદર્ભમાં મૂકે છે અને વેરવિખેર પડેલી એ કાચી સામગ્રીમાંથી એક સુશ્લિષ્ટ અને અખંડાવયવ આકૃતિની રચના કરે છે. જગતનું સર્વ રમ્ય અને મધુર એના ચિત્તના સંસ્કારોને જગાડે એમ નથી. જે જે હૃદયમાં સંક્ષોભ પ્રેરે છે, તે તે સર્વે - નિષ્કૃષ્ટ, વિરૂપ, અભદ્ર પણ– એના સર્જનવ્યાપાર માટેનું સંચાલક બળ બની શકે છે.’ —જ્યોતીન્દ્ર હ. દવે. (ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૩મા અધિવેશનના પ્રમુખ તરીકે આપેલ વ્યાખ્યાનમાંથી) (ફા. ગુ. સ. ત્રૈમાસિક – જાન્યુ-માર્ચ ૧૯૬૬, કવર-૧) પરન્તુ આકારનો એક જુદો અર્થ, જુદું પરિમાણ તથા કાવ્યમાં તેનું જુદું જ મહત્ત્વ તેઓ પ્રસ્થાપિત કરે છે. અહીં એક સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે કે સુરેશ જોષી 'રૂપ' અથવા 'આકાર' સંજ્ઞા અંગ્રેજી સંજ્ઞા (form)ના પર્યાયરૂપે પ્રયોજે છે. તેમજ, અંગ્રેજી સંજ્ઞા (content)ના પર્યાયરૂપ 'વસ્તુ' અથવા 'સામગ્રી' એ સંજ્ઞાઓ પ્રયોજે છે. ‘ભાષા'નું કાવ્યમાં પુનર્વિધાન, રૂપનિર્મિતિ, આકારનિર્મિતિ, કાવ્યસામગ્રીનું સંવિધાન આ સર્વ ભાવસંજ્ઞાઓ અવિભાજ્ય વિભાગમાં જુદી તારવી શકાતી નથી. પરંતુ એકમેક સાથે સંલગ્ન થઈને એક (aesthetic whole)ને પ્રગટ કરે છે. આ અવતરણ એનું સચોટ ઉદાહરણ છે: ‘પહેલી વાત તો એ છે કે સાહિત્યમાં કે કલામાં આપણે ભાવ નહીં પણ ભાવના આકારને પામીએ છીએ... તે પ્રક્રિયા જ આસ્વાદ્ય બની રહે છે.’ ૨૯[29] ‘કાવ્યનો 'અર્થ' તો કાવ્ય સમસ્ત જ છે. એ એના અમુક અંશમાં નથી, પણ કાવ્યમાં સર્વત્ર છે. કાવ્યમાં (from)થી (content)નું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો 'અર્થ' છે. એ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતાનો અભાવ તે સંદિગ્ધતાને કારણે નથી, પણ અપરિમેયતાને કારણે છે.૩૦[30] અહીં (form) દ્વારા (content)ના નિગરણની વાત જે કરી છે તેણે ગણો ઊહાપોહ જગવ્યો છે. (form) અને (content)નું કાવ્યપાત્રમાં સાયુજ્ય હોય છે. એ બંને કોઈ વિરોધની વસ્તુ નથી કે આ મહત્ત્વનું અથવા આ એમ કોઈ અંતિમનો નિર્ણય આપી શકાય. જોકે, ‘થોડી કાવ્યચર્ચા' વિશે એ લેખમાં તેમણે આ વિધાનને વિસ્તૃત રૂપે સમજણ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કર્યો છે. છતાં તેમનું આ વિધાન વિવાદાસ્પદ આજપર્યંત રહ્યું છે. આગળ ઉપર તેમની કવિતાની વાત કરતાં આ પ્રશ્ન ફરી તપાસીશું- તેમની કવિતાના (form) અને (content)ના સંદર્ભમાં. એ પહેલાં 'આકાર' અંગેની થોડી વધુ સ્પષ્ટતા જોઈ લઈએ: ‘આપણે જે આકારની વાત કરીએ છીએ તે કેવળ ચક્ષુભોગ્ય આકાર છે?... તે આકાર જ એનો ચરમ અર્થ બની રહે છે.’૩૧[31] પ્રતીક, અલંકાર ઇત્યાદિ કાવ્યસામગ્રી તથા કાવ્યની રૂપનિર્મિતિમાં તેમના સમુચિત પ્રયોજન અંગે પણ સુરેશ જોષીએ વારંવાર ચર્ચા કરી છે. ‘કલામાં વાસ્તવિકતાનું રૂપાંતર થાય છે. કાવ્યમાં આ રૂપાન્તરની... વસ્તુ વસ્તુ વચ્ચેના સંબંધોની ભૂમિકા બદલાઈ જાય છે.’૩૨[32] પ્રતીક તથા અલંકાર અંગેની ચર્ચા 'કિંચિત'ના 'પ્રતીકરચના' લેખમાં સવિસ્તર છે. તેમજ 'ગુજરાતી કવિતાનો 'આસ્વાદ'માં પણ આસ્વાદ પ્રક્રિયામાં ક્યાંક એ વાત ગૂંથાઈ આવી છે. સમગ્ર વિચારણા જતાં એક વાત નિશ્ચિત લાગે છે કે સુરેશ જોષીની વિભાવનામાં ‘કથિતસ્ય સમર્થનમ્' નથી. જે છે તેની મૌલિક વિચારણા બાદ કશુંક અંગત, વિશેષ ઉમેરીને તેમણે આપ્યું છે, પછી ભલે પૂર્વના શાસ્ત્રજ્ઞોના કાવ્યસિદ્ધાંત હોય કે પશ્ચિમની તત્ત્વમીમાંસા હોય. 'કિંચિત્'ના નિવેદનમાં જ તેમણે સ્પષ્ટ કર્યું છે: ‘આ 'કિંચિત' માં પણ એવું કશું નથી જે ‘મુનિ'ઓએ ન કહ્યું હોય, કશું અપૂર્વ નથી. કાવ્યમીમાંસાના પ્રશ્નો સદા ચર્ચાતા જ રહેવા જોઈએ, એનો પ્રવાહ કદી સ્થગિત નહીં થવો જોઈએ. એ દિશામાં આ એક નમ્ર પ્રયત્ન છે.' આ નિવેદનના સાક્ષીરૂપ જ જાણે આ ચર્ચા છે : 'પ્રસ્તુત દ્વારા થતું અપ્રસ્તુતનું સૂચન એ પ્રતીકનું લક્ષણ છે એમ, અતિવ્યાપ્તિનો દોષ વહોરવાને ભોગે, કહી શકાય. પ્રસ્તુત અપ્રસ્તુતને સૂચવે એ માટે એ બંને વચ્ચે અમુક પ્રકારના સંબંધની અપેક્ષા રહે છે. આ સંબંધની અનંતવિધ શક્યતાઓ છે. અલંકારની વ્યાખ્યા આપતાં અલંકારના પાયાનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. એ પાયો તે પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચેના સંબંધે ઊભી કરેલી ભૂમિકારૂપ જ હોય છે. આપણે ઉપમાના પાયારૂપ ઔપમ્યથી શરૂ કરીને નિષેધ અને વિરોધ સુધી પહોંચીએ છીએ. સાદૃશ્ય પણ અનેક પ્રકારે વ્યક્ત થાય છે સ્પષ્ટ એવા સાધર્મ્યના પાયા પરનું સાદૃશ્ય, બિમ્બ-પ્રતિબિમ્બ-ભાવવાળું સાદૃશ્ય, શ્લિષ્ટ ભેદકોને કારણે આવતું સાદૃશ્ય- આમ અનેક રીતે સાદૃશ્ય અલંકારમાં સિદ્ધ થાય છે. આરોપણ અને નિગરણ પણ પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચેના સંબંધના જ પ્રકાર છે. આ રીતે જો અલંકારરચનાની પ્રક્રિયાને તપાસીશું તો અલંકાર એટલે કાવ્યનું સુશોભન કે શણગાર એ અર્થ સમીચીન લાગશે નહિ. ભાષા જેટલી હદે પહોંચી શકે તેટલી હદે પહોંચીને વક્તવ્યના ધ્વનિને વિસ્તારવાનો પ્રયત્ન કવિ કરી ચૂકે ને જ્યારે એને થાય કે બસ, બહુ થયું, હવે આથી આગળ વધી શકાય એમ નથી. ભાષાની બધી શક્યતાને મેં તાગી લીધી છે ત્યારે એ 'અલમ્' કહીને અટકે. આમ હોવાને કારણે અમુક ચોક્કસ સંજ્ઞાઓ દ્વારા સંબંધની આ શક્યતાઓને આપણે સમેટી લઈ શકીએ નહિ. આથી જ એમ કરવાને, મમ્મટ જેવા વેયાકરણને, પ્રયત્ન આ૫ણને કૃત્રિમ જ લાગે.’૩૩[33] આમ, જે પૂર્વે કહેવાયું છે તેનું પુનઃકથન નથી. કે પછી વિરોધ પણ નથી. સુરેશ જોષીની કાવ્યવિભાવનામાં પરંપરાનો સમુચિત સ્વીકાર પણ મળે છે. તેમજ, પશ્ચિમના કાવ્યોના સેવનથી જન્મેલી એક નૂતન દૃષ્ટિ પણ મળે છે. જેમ કે કવિતામાં અવકાશનું મહત્ત્વ. ‘ઝડઝમક પ્રાસાનુપ્રાસ રણતઝણતકારનો ભારે ઘોંઘાટ મચ્યો હોય, આપણું મન એ બધાંમાંથી દૂર છૂટી જવા તરફડતું હોય, ત્યાં એકાએક પંક્તિ પંક્તિની વચ્ચેના, શબ્દ શબ્દની વચ્ચેના કવિએ રાખેલા અવકાશ તરફ આપણી નજર પડે, અને એકાએક આપણને જાણે નવો સાક્ષાત્કાર થાય કે અરે, કવિની કવિતા તો શબ્દોમાં નથી, પેલી પંક્તિઓમાં નથી પણ એણે આ બધાંની વચ્ચે રાખેલા મુક્ત અવકાશમાં છે. તારાખચિત આકાશ સુન્દર લાગે છે, પૂર્ણિમાના આકાશથી ય સુન્દર, એનું કારણ કદાચ એ હશે કે તારાઓની વચ્ચેનો અન્ધકાર પણ આપણી દૃશ્યસામગ્રીમાં ઓતપ્રોત થઈને ભળી ગયો હોય છે. પૂર્ણિમાની રાત અંધકારનો એવો ઉપયોગ કદાચ કરી શકતી નથી, એનું નિગરણ કરે છે, ને તેથી અન્ધકાર લેખે લાગતો નથી. જે કવિતામાં શબ્દની સાથે શબ્દનો અભાવ પણ કવિએ લેખે લગાડ્યો હોય તેનો સ્વાદ કંઈ ઓર જ હોય! ફ્રેન્ચ કવિ માર્લામેને આવો અવકાશ કાવ્યમાં ઈષ્ટ હતો. શબ્દોના સંઘટનને કારણે જે સ્ફોટ થાય તેને પરિણામે કાવ્યમાં આવો અવકાશ અવતરવો જોઈએ. એ અવકાશની વ્યંજકતાની માત્રાને કોઈ પહોંચી શકે નહિ. રવીન્દ્રનાથે પણ, કદાચ આથી જ, અવકાશરસને રસોનો ચક્રવર્તી ગણ્યો છે ને કવિને અવકાશરસનો રસિયો કહીને ઓળખાવ્યો છે. સ્પેઈનનો કવિ યેમેનેઝ પણ કવિને 'great friend of space' કહીને ઓળખાવે છે તે સૂચક છે. શબ્દે શબ્દે આપણે પવનનો નવો ઘાટ ઘડીએ છીએ, ને એની સાથે સાથે અવકાશનાં પરિમાણો પણ બદલતાં રહે છે. ઓચિંતા દર્દને કારણે નીકળી જતો પ્રલમ્બ નિ:શ્વાસ, એ દર્દીની દૂરપ્રસારિતા ને ઉત્કટતા, એના અવકાશમાં થતા વિસ્તારથી સૂચવે છે. કાવ્ય શ્રાવ્ય છે તે આ અર્થમાં. સૌ પ્રથમ એને અવકાશના પરિમાણમાં થયેલાં રૂપાન્તરોની દૃષ્ટિએ જોઈ લેવું જોઈએ. એ વગર કાવ્યન લય પકડાય નહીં. કાવ્યનું ફલક મોટું હોવું જોઈએ, એના વિષયો ઉદાત્ત હોવા જોઈએ, એમ કેટલાક કહે છે. કવિ આપણા અવકાશ જોડે શું કરે છે તે પણ એને મૂલવવાની એક કસોટી કેમ ન બની રહે વારુ !૩૪[34] ગુજરાતી કાવ્યવિવેચનામાં 'અવકાશ 'ને આવું મહત્ત્વ મળ્યું છે ખરું ? કાવ્યને તથા કવિને મૂલવવાની એક નવી દિશા સુરેશ જોષી આપે છે. તેવું જ કવિપ્રતિભાના એક અ-પૂર્વ લક્ષણનું : ‘રિલ્કે આ સંદર્ભમાં બીજા બે શબ્દો પ્રયોજે છે : 'Inseeing' અને 'heart scape'... આ સિવાય બીજા કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ કવિને ઊણું પડે...'૩૫[35] પરંપરા અને સમકાલીનતામાંથી ઘડાતો, સુરેશ જોષીનો મૌલિક અભિગમ તેમની કાવ્યવિભાવના રૂપે આપણે જોયો. તેમની કાવ્યવિભાવના કાવ્ય આસ્વાદ તથા કાવ્યશિક્ષણના મૂળભૂત પ્રશ્નોની મીમાંસા રૂપે જ મુખ્યત: મળે છે. પંડિતયુગ તથા ગાંધીયુગની કવિતા તથા વિવેચનાની એકાંગીતા કે આંશિકતાના પ્રત્યાઘાત કે પ્રતિભાવમાંથી આ વિભાવના ઉદ્ભવી હોય એવું પણ ક્યારેક લાગે. પશ્ચિમપરસ્તીનો આક્ષેપ કરનારા જો આ કાવ્યવિભાવનાને વિગતે તપાસે તો મુખ્યત: તેના બીજમાં સંસ્કૃત કાવ્યમીમાંસા જ છે. પરંતુ તેમનું વિચારવૃક્ષ આકાશમાં અનેક દેશોના તેજ-હવા-પાણીને ઝીલતું વિસ્તર્યું છે. વળી માત્ર શુષ્ક શાસ્ત્રચર્ચા જ નહીં, સાહિત્યના-કાવ્યના-સજીવ સંસ્પર્શથી ઉત્પન્ન થયેલી તેમની દૃષ્ટિ છે એ પણ આ વિભાવનામાં સ્પષ્ટ જ છે. પરંતુ તેમની વિભાવનાનો તેમની કવિતા સાથેનો કેવો સંબંધ છે તે તપાસનો અને અભ્યાસનો વિષય રહે છે.


સુરેશ જોષીની સર્જનયાત્રા, પૃ.૧૦૮-૧૨૫,૧૯૯૧



પાદટીપ

  1. ૧ Webster's Collegiate Thesaurus, Pg. 159 G. & C. Morrism Company, Publishers Springfield, Marsachusetts, U. S. A.
  2. ૨ Wabster's New 26th century Dictionary unabridged, Second Edetion, Pg. 376. William Collins-World Publishing Co. U. S. A.
  3. ૩ ‘કાવ્યચર્ચા', સુરેશ જોષી, પૃ. ૪૭-૪૮, પ્ર. આ. ૧૯૭૧, આર. આર. શેઠની કં. મુંબઈ.
  4. ૪ તમસા, રધુવીર ચૌધરી, પ્રસ્તાવના, બીજી સંવર્ધિત આવૃત્તિ, જૂન ૧૯૭૨, આર. આર. શેઠની કં. મુંબઈ
  5. ૫ કિંચિત, સુરેશ જોષી, પૃ. ૧૧ બુટાલા પ્રકાશન-બીજી આવૃત્તિ, નવેમ્બર-૧૯૭૬
  6. ૬ એજન પૃ. ૫૭
  7. ૭ એજન, પૃ. ૧૦૨-૧૦૩
  8. ८ ‘અરણ્યરુદન', સુરેશ જોષી, પૃ. ૧૧૮-૧૧૯
  9. ૯ ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ' સુરેશ જોષી, મુખબંધ પૃ. ૯
  10. ૧૦ ‘જનાન્તિકે', સુરેશ જોષી, પૃ. ૧૩૫ સ્વાતિ પ્રકાશન-૧૯૬૫
  11. ૧૧ એજન, પૃ. ૧૦૭
  12. ૧૨ ‘કિંચિત' સુરેશ જોષી, બુટાલા પ્રકાશન બીજી આ. નવેમ્બર-૧૯૭૬, પૃ. ૧૦
  13. ૧૩ 'કાવ્યચર્ચા' સુરેશ જોષી, આર. આર. શેઠની કં. પ્ર. આ. એપ્રિલ ૧૯૫૦, પૃ. ૨૪૯.
  14. ૧૪ ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’, સુરેશ જોષી, પૃ. ૧૧૩, ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧લી આવૃત્તિ, ૧૯૬૨.
  15. ૧૫ 'કાવ્યચર્ચા' સુરેશ જોષી, પૃ. ૧૯૮, આર. આર. શેઠની કં. મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧.
  16. ૧૬ 'કાવ્યચર્ચા' સુરેશ જોષી, પૃ. ૨૬૪, આર. આર. શેઠ, મુંબઈ, પ્ર. આ. ૧૯૭૧
  17. ૧૭ ‘જનાન્તિકે’, સુરેશ જોષી, પૃ.. ૪૩, સ્વાતિ પ્રકાશન, ફેબ્રુઆરી, ૧૯૬૫
  18. ૧૮ ‘કિંચિત’ પૃ. ૬-૭, બુટાલા પ્રકાશન, વડોદરા-૧, બીજી આવૃત્તિ, નવેમ્બર ૧૯૭૬
  19. ૧૯ એજન, પાન ૯
  20. ૨૦ કવિતા : વસ્તુ અને વ્યાકરણ (થોડીક વિચારણા), જયંત પાઠક, અધીત-૫, પાન ૫-૬, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
  21. ૨૧ 'ગુજરાતી કવિતાનો આસ્વાદ', સુરેશ જોષી, પાન ૧૬-૧૭, ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧લી આ. ૧૯૬૨.
  22. ૨૨ 'ગુજરાતી કવિતાનો આસ્વાદ', સુરેશ જોષી, પાન ૩૮, ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧લી આ. ૧૯૬૨.
  23. ૨૩ 'ગુજરાતી કવિતાનો આસ્વાદ', સુરેશ જોષી, પાન ૧૬-૧૭, ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા, ૧લી આવૃત્તિ ૧૯૬૨.
  24. ૨૪ એજન, પાન ૪૩
  25. ૨૫ 'કવિની સાધના' ઉમાશંકર જોષી, પાન ૨૦-૨૧, ૧લી આ. ૧૯૬૧, વોરા એન્ડ કં. મુંબઈ.
  26. ૨૬ ‘કાવ્યચર્ચા' પાન ૮૦, આર. આર. શેઠની કં. મુંબઈ, પ્ર. આ. એપ્રિલ-૧૯૭૧
  27. ૨૭ 'કવિની સાધના', ઉમાશંકર જોષી, પાન ૧૨, વોરા એન્ડ કં. મુંબઈ, ૧લી આવૃત્તિ, ૧૯૬૧
  28. ૨૮ એજન, પાન ૨૨
  29. ૨૯ ‘કિંચિત’, સુરેશ જોષી, પાન પ૮, બુટાલા પ્રકાશન, વડોદરા, બીજી આવૃત્તિ, નવેમ્બર ૧૯૭૬.
  30. ૩૦ એજન પાન ૧૨.
  31. ૩૧ ‘કાવ્યચર્ચા', સુરેશ જોષી, આર. આર. શેઠની કં. મુંબઈ, પાન ૭૮-૭૯, પ્ર. આ. એપ્રિલ-૧૯૭૧.
  32. ૩૨ એજન, પાન ૧૪૬-૧૪૭.
  33. ૩૩ ‘કિંચિત’, સુરેશ જોષી, પાન ૨૩, બુટાલા પ્રકાશન, વડોદરા, બીજી આવૃત્તિ, નવેમ્બર ૧૯૭૬
  34. ૩૪ ‘જનાન્તિકે’, સુરેશ જોષી, પાન પર-૫૩, સ્વાતિ પ્રકાશન, ૧૯૬૫
  35. ૩૫ એજન, પાન ૧૧૧