મેહુલે મારી કીકીએ એના રૂપનું કાજળ મેલ્યું!
મારા મનનું મલ્હારગીત રે નેનનાં નીરમાં ન જાય રેલ્યું!
આતુર અંતરે આભમાં જોઉં
તો આંખથી રોવાઈ જાય,
પ્રાણપપીહાની પ્યાસમાં રોઉં
તો કાજળ ધોવાઈ જાય;
મેં તો સ્મિતની આછી આડથી આંસુ આવતું પાછું ઠેલ્યું!
વીજમાં એની વેદના ખોલે
ને વનવને વાય વેણુ,
ઝંઝામાં એનું જોબન ઝોલે
ને પથમાં રથની રેણુ;
અધીર એનું અંતર જોઈ જોઈને મારું હૈયું હેતમાં હેલ્યું!
મેહુલે મારી કીકીએ એના રૂપનું કાજળ મેલ્યું!
૧૯૪૭