ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/માતા મેરીનું મૃત્યુ
‘રમણીનાં રંગ રૂપને ઉપસાવી આબેહૂબ,
કોઈ રસિક શ્રીમંતને વેચી દઉં હું ચિત્ર,
એવું વિચારી, ચિત્તમાં શૃંગારને સજી,
ગણિકાની સામે બેસી ગયો એક ચિત્રકાર.
ગણિકામાં ભાળી બેઠો એ ઈસુની માતૃકા!
ચીતરવું હતું કંઈ અને ચિતરાતું ગયું કંઈ...
‘વિક્રય કરું તો કેમ કરું આવું ચિત્ર હું?
પ્રભુનાં ચરણમાં અર્પીને થાઉં પવિત્ર હું,’
એવું વિચારી ચર્ચમાં ચાલ્યો તે ચિત્રકાર.
ત્યાં આવતાં-જતાંને કહે કે ‘જુઓ, જુઓ,
મુખને છુપાવી હસ્ત મહીં, મેરી મેગ્ડલીન
ચુપચાપ ધ્રુસકે ચડી, શિષ્યો ઈસુના સૌ
વેંઢારતા વિષાદ સરી અંધકારમાં,
ઊંચેથી શ્વેત શેરડો અજવાળતો વદન,
શૈયા વિશે વિરામતી ઈસુની માતૃકા,
વર્તુળ ફરે છે તેજનું મસ્તકની આસપાસ.’
જોઈને પાદરીનું મોં ખુલ્લું રહી ગયું,
‘વાંસો ઉઘાડો રાખીને સહેલી વિલાપતી,
ટોળે વળીને જોઈ રહ્યા જારકર્મીઓ,
તૂટ્યુંફૂટ્યું છે છાપરું, કાંડું ઝૂલી રહ્યું,
કથ્થઈ, વિવર્ણ વસ્ત્રને કોરે કરચલીઓ,
ફૂગેલા પાય પણ હવે ખુલ્લા પડી ગયા,
શૈયા ઉપર ઢળી જુઓ, ગણિકા શહેરની...
સ્વીકારે કેમ ચર્ચ આ અશ્લીલ ચિત્રને?’
ગણિકાને ચિત્રકારે તો માતા ગણી હતી,
પણ પાદરીએ પાછી ગણિકા કરી મૂકી.
છંદવિધાન : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
જેમ કે ‘ચૂકવું બધાનું દેણ જો અલ્લા ઉધાર દે’
(૨૦૨૨)