સિગ્નેચર પોયમ્સ/ગુજારે જે – બાળાશંકર કંથારિયા

Revision as of 16:59, 17 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગુજારે જે (ગઝલ)

બાળાશંકર કંથારિયા


ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુઃખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે ર્હેજે.

રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે
દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહીં ક્હેજે.

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રીપ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.

કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી ક્હેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી ર્હેજે.

અહો શું પ્રેમમાં રાચે નહીં ત્યાં સત્ય પામે તું?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો ર્હેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી ક્હેજે.

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.

કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ?
નિજાનંદે હમેશાં ડ્ડદ્બદ્બદ્બ મસ્તીમાં મઝા લેજે.