- રાજકારણમાં હવે સંવાદ નથી વિવાદ છે.
- વફાદાર કૂતરા નહીં, વફાદાર માણસો પાળે તે નેતા થાય...
- આપણને જન્મના નહીં, રાજકારણના ગ્રહો નડે છે!
- સમસ્યા જાણ્યા વગર પણ નેતા ઉકેલ આપી શકે છે.
- નવરા માણસ પાસે નેતા થવાનો પુષ્કળ સમય હોય છે.
- પ્રધાનો છૂટા હાથે ખર્ચી શકે તે માટે આપણે પુષ્કળ કમાવું જોઈએ.
- નેતાઓના જીવનચરિત્રો, જાસૂસી નવલકથાને ખપવા નથી દેતાં.
- નેતા : હું સનાતન, બીજું બધું સાપેક્ષ.
- પ્રજાને જાગતી રાખવા સરકાર ઉજાગરા કરાવે છે.
- માણસ મરે છે અને નેતાનો જન્મ થાય છે.
- રાજકીય પક્ષોનાં લગ્ન છૂટાછેડા માટે જ હોય છે.
- માટીનો માણસ ધૂળનો માણસ થવા માટે રાજકારણી થાય છે.
- પાંચ વરસ પરદો પાળનાર નેતા, ચૂંટણી આવે એટલે ફેશન પરેડમાં ઉતરે છે.
- દિલ્હીમાં માત્ર રંધાય નહીં, બફાય પણ ખરું.
- અહીં ‘છળ’ જ છલોછલ છે.
- તમારે નવું નામ યાદ રાખવું ન પડે એટલે મને જ ચૂંટો!
- કઠિયારો માળી થાય, લોકશાહી છે ભાય!
- રાજકીય પ્રવક્તા, હવે બકવાસ કરે છે.
- ગોળાકાર રાજકારણ પડખું ફરવાની વાત કરે છે!
- માજી વફાદાર હડકાયો કહેવાય!
- આપણા પ્રશ્નોને અભરાઈએ ચઢાવનારાઓને જ અભરાઈએ ચઢાવીએ!
- ચૂંટણીમાં જીવનશક્તિ નહીં, લાલસા હુંકાર કરે છે.
- આ નેતાઓ કંઈ પતન પામેલા દેવદૂતો નથી.
- આલ્સેશિયન કૂતરાને આશ્ચર્ય થાય છે કે નેતાઓ અમને પાળવાને બદલે ગુંડાઓને કેમ પાળે છે!
- સત્તા હોય ત્યાં બળવો પણ હોય!
- એક વાદળ આપી નેતા આખો સૂરજ લઈ લે!
- પક્ષપલટુને નાતરાવરણ કહીએ તો ખોટું લાગે?
- એન્જિન ડબ્બાની અપેક્ષા રાખે તેમ નેતા ટોળાની અપેક્ષા રાખે જ!
- કેટલાક ફાતડા માત્ર પાંચ વર્ષે જ તાબોટા પાડે છે!
- જાહેર જીવન એ નેતાની અંગત સમસ્યા હોય છે!
- પોદળો ધૂળ લઈને અને નેતા ચૂંટણીફંડ લઈને જ ઊઠે!
- નેતાઓ કાનમાં કહે તે માઈકમાં નથી કહેતા!
- ચૂંટણી છેલ્લાં થોડાંક વર્ષોથી છૂટીછવાઈ કબરને બદલે નવું કબ્રસ્તાન જ રચે છે!
- આરોપનામા એ નેતાઓને અપાતાં માનપત્રો છે!
- વરરાજા પોતાના વરઘોડામાં નાચતો નથી, પણ ચૂંટણીનો મુરતિયો પોતાની શોભાયાત્રામાં નાચે!
- ચૂંટણીનો ઉમેદવાર ઉતરાણ પહેલાં જ ઊડવા માંડે.
- ચૂંટણીનું મેદાન, જીતે તેના માટે અખાડો, હારે તેને મન ખાડો!
- રાજકારણ, જોતજોતામાં જાજમને કંતાન કરી નાખે છે!
- રાજકારણમાં ચારિત્ર્ય, ચરીતર થઈ જાય છે.
- ભૂમિતિની જેમ ચૂંટણીમાં પણ એક વર્તુળ બીજા વર્તુળને છેદે છે!
- રાજકારણમાં ધૂમાતું છાણું જ્વાળામુખી બની શકે!
- પરાજય જ રાજકીય પક્ષોને આત્મનિરીક્ષણની તક આપે છે.
- ઓછું દૂધ આપતી મારકણી ગાયને રાજકારણમાં મહત્ત્વનું સ્થાન મળે.
- વિદૂષકો હવે નાટકમાં નહીં રાજકીય પક્ષોમાં કામ કરે છે!
- રાજકારણમાં ખર્યું પાન મઘઈપાન બની જાય છે!
- પહેલાં ચૂંથણી, પછી ચૂંટણી.
- બારણે બારણે ભિખારી નહીં, ઉમેદવાર!
- આપણે ત્યાં લોકશાહી છે એ સૌથી મોટી અફવા છે!
- ચૂંટણીના મહાભારતમાં શાંતિપર્વ નથી હોતું.
- ચૂંટણીનું પ્રતીક બદલાય એટલે વાવટા પણ બદલાય.
- ચૂંટણીમાં દુઃશાસનોનાં ચીરહરણ થાય છે!
- રાજકારણમાં ભાગીદારો હોય છે, મિત્રો નહીં!
- ધૂળ અને ચૂંટણીનો ઉમેદવાર, આમંત્રણ ન આપો તો યે આવી ચડે!
- નેતા કબરની ઈંટોથી પોતાનું ઘર બનાવે.
- પોતાને જાણે તે સાધુ થાય, બીજાને જાણે તે નેતા થાય.
- નિંદામણને પાકરૂપે ઉગાડવામાં આવે તે રાજકારણ!
- નેતા જરાક ચાલતાં અટકી જાય છે પણ પ્રજાને કહે છે : આગે બઢો!
- નેતાને ભલે પગ હોય પણ ઊડે તો એ વિમાનની પાંખે જ!
- દરેક નેતા એવું માને છે કે મારો કોઈ વિકલ્પ નથી.
- નેતા માને છે કે : માઈક મળ્યું છે તો કાન પણ મળશે!
- લોકશાહીમાં હીરો ઝીરો અને ઝીરો હીરો બની શકે છે.
- રાજકારણ એ અંગત લાભ માટે ચાલતો સમૂહઉદ્યોગ છે.
- રાજકારણ એક એવું ખેતર છે જ્યાં અનેક ચાડિયા ઊભા છે!
- તાપણું ભાજપમાં થાય અને ટાઢ કોંગ્રેસની ઊડે છે!
- લોકશાહીમાં આંકડા-ધંતુરા જ ગુલાબ-મોગરા થઈ જાય!
- સાધુ-બાવા તો રાજકારણની પરોપજીવી વનસ્પતિ છે!
- ચૂંટણીમાં તો ઘણા ઉમેદવાર પડે, પણ ઊભા થોડાક જ થાય.
- પાકિસ્તાની મરઘો માત્ર કાશ્મીરની જ બાંગ પોકારે છે!
- પ્રધાનો રાજીનામાં સિવાય બધું જ આપે!
- નેતા જેમ જેમ વામન થતા ગયા તેમ તેમ એમનાં કટઆઉટ ઊંચાં થતાં ગયાં!
- રામના સર્વ હક્ક બીજેપીને સ્વાધીન.
- ગંજીફાના ગુલામને હવે રાજકીય પ્રવક્તાનું કામ કરવું પડે છે!
- વચન વાવો ને મત લણો!
- પોતાનો સરવાળો અને બીજાની બાદબાકી કરે તે નેતા થાય!
- ગધેડો કુંભારની પસંદગી કરે એવી લોકશાહી હજી નથી આવી!
- ચોરપગલે આવતું અસત્ય ચૂંટણીમાં હરણફાળે આવે છે!
- ચૂંટણીનો ઉમેદવાર આંધળાની આંખમાં પણ સૂરમો આંજે!
- સંસદ દેશના આરોગ્યની જાળવણી કરતી હૉસ્પિટલ છે પણ ત્યાં ઊંટવૈદો જ પ્રૅક્ટિસ કરે છે!
- ગટરજોડાણ અને પક્ષજોડાણ વચ્ચે શાણાઓ ભેદ કરતા નથી.
- ચૂંટણી પાથરણું છે, પરિણામ બેસણુંયે હોય!
- ચૂંટણી એ સાધનશુદ્ધિના અંતિમ સંસ્કારનું પર્વ છે.
- ચૂંટણી કવ્વાલીનો નહીં, ફટાણાનો મુકાબલો છે.
- કૉંગ્રેસ સાફ થઈ જાય છે, પણ સ્વચ્છ નથી થતી!
- ચોર બેટરી છોડીને મશાલ પકડે પછી રાજકારણમાં જાય.
- ચૂંટણી એવું બ્યુગલ છે, જે ગાજરની પીપુડી થઈ શકે છે!
- પહેલાં ચૂંટણી હોડકાં ડૂબાડતી હતી, હવે તો મનવારો ડૂબાડે છે.
- ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ચૂંટણીનાં જાહેરનામાં માગશે?
- ચૂંટણીના બજારમાં ખાતરી વગરનો માલ જ વધારે આવે!
- પોતાનાં વખાણ કરવા જેટલા નફ્ફટ થવા માટે તો ઉમેદવાર થવું પડે!
- નેતાઓ બાળકોને કદી વચન નથી આપતા, કેમકે બાળકો અપાયેલાં વચનો કદી ભૂલતાં નથી.
- મૂર્ખાઓ, સટોડિયા અને નેતાઓ ભારે આત્મવિશ્વાસુ હોય છે!
- નેતાને જરૂર પડે પોતાની ‘ચોખ્ખી’ છબી પાડનારા ફોટોગ્રાફરોની!
- ધોબી અને વિરોધપક્ષો બીજાનાં મેલાં કપડાં ધોવામાંથી જ ઊંચા નથી આવતા.
- ઘેટાં માત્ર ઊન માટે જ રાજકારણમાં નથી વખણાતાં.
- ઘેટાં હોય ત્યાં સમાજવાદ વહેલો સ્થપાય.
- નેતાઓ સાથિયો પૂરવા બેસે છે અને જાળું રચીને ઊઠે છે!
- નેતાઓને ઘેટાં વધુ વ્હાલાં.
- નેતા સ્વપ્નમાં પણ પોતાને જ જુએ છે એટલે સ્વપ્નદૃષ્ટા.
- નેતા કબરની ઈંટોથી પોતાનું ઘર બનાવે છે.
- નેતાઓના રાજમાર્ગ કરતાં સામાન્ય માણસની ગલી વધુ ચોખ્ખી હોય છે!
- નેતાઓના એજન્ડા પર મતદાર હોય છે, ‘માણસ’ નહીં.
- ચૂંટણી આરામખુરશીને ઊભો ખાટલો પણ બનાવી દે છે!
- પ્રજા બાણશૈયા પર અને નેતાઓ ફૂલશૈયા પર!
- આગિયા દિલ્હી પહોંચીને તારામંડળ થઈ જાય છે!
- દરેક દરબારીને ઓટોમેટિક હસવાનું આવડે જ!
- જાદુગર હવે પ્રધાનની દાઢીમાંથી સસલાને બદલે કૌભાંડ કાઢે છે!
- નેતા ઘરડો થાય ત્યારે પણ હરિગુણ ગાવાને બદલે પોતાના ગુણ જ ગાય છે!
- કાણું છતાં છલોછલ રહેતું રાજકારણ અક્ષયપાત્ર છે!
- હવામાં ઊડી શકતા નથી તે બધા ચૂંટણીમાં ઊડે છે.
- પક્ષપલટો થયા વગર હવે હૃદયપલટો થતો નથી.
- શરણે નથી જતો તે દુશ્મન કહેવાય છે.
- ગોખ્યા વિના સંવાદ બોલે તે નેતા કહેવાય!
- હવે સંસ્કારી નેતાઓ કપડાં સાથે જ ‘ખુલ્લા પડે’ છે!
- લોકપ્રિય સરકાર ચૂંટાય છે, પછી તે અપ્રિય થવા માટે રાજ્ય ચલાવે છે.
- પ્રજા કૂવો ભરીને રડે ત્યારે સરકાર ખોબો ભરીને હસે...
- ચોર બેટરી છોડીને મશાલ લે પછી રાજકારણમાં જાય છે.
- બધા જ નેતાઓ પાસે લગભગ સરખું જ અંધારું છે.
- લોકશાહીમાં શેતાનને તક છે, તાનાશાહી પોતે જ શેતાન છે!
- નેતા દીવાદાંડી પણ છે અને ભયજનક ખડક પણ છે!
- ભમરો ને મધમાખી રાજકારણમાં પડે તો એકબીજાને ડંખે!
- વડી નેતાગીરીને દૂર કરવી એ ઘરડી સ્ત્રીની આજીવિકા ઝૂંટવી લેવા જેવું છે.
- એક માણસ વધારેમાં વધારે કેટલી મૂર્ખાઈ કરી શકે એ જાણવું હોય તો તેને પ્રધાન બનાવો!
- પ્રધાનોને લોકશાહી વિના ચાલે છે પણ લોકશાહીને પ્રધાનો વિના ચાલતું નથી!
- સરકાર કસરત કરે છે એટલે કામ કરવાનો સમય જ નથી!