ટ્રેઈન કે બસમાં પ્રવાસ કરતા મુસાફરને બારીનું વિશેષ આકર્ષણ હોય છે. એકવાર બારી પાસે જગ્યા મળી જાય તો વૈકુંઠ મળ્યા જેટલો આનંદ મુસાફરને થાય છે. ચર્ચગેટ કે વી. ટી.ના પ્લૅટફૉર્મ પર ટ્રેઈન હજી માંડ ઊભી રહે ત્યાં બ્રીફકેઈસો સાથે ધડાધડ ચડતા મુસાફરોને બારી પાસે સીટ મેળવવા અધીરા બનતા જોઉં છું ત્યારે મને થાય છે કે મુસાફર પાસે યાત્રાનું ભાથું નહીં હોય તો ચાલશે પણ બારી વિના પ્રવાસી નમાયા બાળક જેવો લાગશે. બારી એ મુસાફરની મા છે. જેના નસીબમાં બારી નહીં આવી હોય એવા પ્રવાસીઓ ઉદાસ ચહેરે સાંકડમૂકડ ઊભા રહેશે પણ જેવી બારી પાસેની સીટ ખાલી થશે કે તરત એ વીજળીવેગ ઉપર આક્રમણ કરશે. બારીનું આકર્ષણ નૈસર્ગિક છે. એક રીતે વિચારતા એમ કહી શકાય કે માણસની બારીઘેલછાના મૂળમાં ભીતરની બંધ બારીઓ પડેલી છે. આપણા મનની બારીઓને જડ માન્યતાઓનો કાટ એટલો બધો લાગ્યો છે કે એ બારીઓ ચડી ગઈ છે. આખી જિંદગી માથું પછાડ્યા કરીએ તોય એ બારીઓ ઊઘડતી નથી. આપણે જૂનાં મકાનો જોઈએ છીએ ત્યારે બારી ઊડીને આંખે વળગે છે. કેટલાંક મકાનોમાં ઉગમણી બારી દેખાય છે તો કેટલાંક મકાનોમાં કલાત્મક કોતરણીવાળી આથમણી બારી દેખાય છે. રવેશ પણ દેખાય છે અને ઝરૂખા પણ દેખાય છે. મુંબઈ જેવા શહેરમાંથી ઝરૂખાને દેશવટો મળી ગયો છે. હવે ઝરૂખાનું સ્થાન બાલ્કનીએ લીધું છે, આલીશાન ફ્લેટોમાં બારીઓનું કદ વધ્યું છે. ‘વિન્ડોગ્લાસ' આવ્યા છે. હું વિશાળ વિન્ડોગ્લાસ જોઉં છું ત્યારે બહારનાં દૃશ્યો મને દેખાય છે પણ એ દૃશ્યો મને સ્પર્શતા નથી. ચકલીનું ચીંચીં મને સંભળાતું નથી. કાગડો બેઠેલો જોઉં છું પણ ક્રાઉ ક્રાઉ અવાજથી હું વંચિત થઈ જાઉં છું. બારી બહાર ધોધમાર વરસાદ પડતો જોઉં છું પણ ઘરમાં વાછટ નથી આવતી. મારી અને પ્રકૃતિ વચ્ચે જાણે કે એક કાચની દીવાલ રચાઈ ગઈ હોય એવું મને લાગે છે. વિન્ડોગ્લાસ તમને આંખની સમૃદ્ધિ આપે છે પણ કાનની અને સ્પર્શની સમૃદ્ધિ તમારી પાસેથી છીનવી લે છે. બારીનો સંબંધ આકાશ સાથે છે. દરેક ઘરને બારી આકાશ સાથે જોડી આપે છે. દિવાળી ઉપર બારી માટે પરદા ખરીદવા નીકળીએ છીએ ત્યારે એમ કહેવાનું મન થાય છે કે આકાશ જેવો કિંમતી પરદો તમને ક્યાં મળવાનો છે? પણ માણસ પોતાની અંગતતા (પ્રાઈવસી) સાચવવા માટે બારીને પરદાનું કફન ઓઢાડી દે છે. બારી કરતાં પરદાનો મહિમા વધ્યો છે. મને ઘણી વાર એવું લાગે છે કે ઉઘાડી બારી જીવવાની જે મઝા આપે છે તે મઝા પરદાનશીન બારી નથી આપતી. જૂના સમયમાં શેરીમાંથી કોઈનો વરઘોડો પસાર થાય કે મોટો કજિયો થાય કે તરત ઉઘાડી બારીમાંથી ડોકાં તણાવા લાગે. ઘરકામમાંથી પરવારેલી મરજાદી વહુઆરુ બારી પાસે થોડીક વાર ઊભી રહીને મોકળી થાય છે. ઉઘાડી બારી આપણી ચેતનાની બંધ બારીઓ ઉઘાડી નાખે છે. કોઈ વાર મને લાંબી મુસાફરીએ જવાનો પ્રસંગ આવ્યો છે. ત્યારે પહાડો અને ખીણો કુદાવતી ટ્રેઈનની બારીમાંથી કુદરતનું અફાટ સૌંદર્ય નિહાળ્યું છે. ઝરણાંની ઊછળકૂદ જોઈ છે. ઘેઘૂર વૃક્ષોને આંખમાં ભર્યાં છે. નદીઓ જોઈ છે. ઘાસની ગંજીઓ જોઈ છે. જો બારી ન હોત તો માણસ કેટલાં બધાં સુખોથી વંચિત રહી જાત! બારી એ આકાશની ફોટોફ્રેમ છે અને વિન્ડોગ્લાસ એ સ્પર્શની કબર છે.