ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ફૂજિયામા-નાં દર્શન

Revision as of 00:20, 1 June 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૫
નવનીત પારેખ

ફૂજિયામાનાં દર્શને






ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • ફૂજિયામાનાં દર્શને - નવનીત પારેખ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ



ક્યોટો છોડ્યા પછી થોડી જ વારમાં બીવા સરોવર પાસેથી ગાડી જવા લાગી. ૨૬૧ ચોરસ માઈલના વિસ્તારવાળું આ મીઠા પાણીનું સરોવર જાપાનમાં સૌથી મોટું છે. જાપાની વાદ્ય ‘બીવા’ જેવો તેનો આકાર હોવાથી તેનું એ નામ પડ્યું છે. ઓડાવારા સ્ટેશને ઊતરી બસ પકડીને સાંજે મિયાનોશિતાના ગિરિગ્રામની ફૂજિયા હોટેલ પર પહોંચ્યો. ત્રણચાર વિભાગમાં વહેંચાયેલી, બહુ જ આધુનિક અને અંદર ભૂલા પણ પડી જવાય એટલી વિસ્તૃત આ હોટેલની ગણના જાપાનની શ્રેષ્ઠ હોટેલમાં થાય છે. તેના પુષ્પભવન(Flower-palace)માં કમરો મળ્યો. બધા ઓરડાનાં નામ પણ ફૂલોનાં જ! મારા કમરાનું નામ કુમુદ (Lily) હતું. પાસેના ગંધકના ઝરામાંથી ગરમ પાણી નીકળે છે તેને હોટેલમાં વાળી લઈને અહીં કેટલાંયે સ્નાનાગાર બનાવ્યાં છે. થાક ઉતારવા ‘મત્સ્યાંગના સ્નાનકુંડ’(Mermaid Bath)માં નાહ્યો. રાત્રે ન્યૂ યૉર્કના એક ન્યાયાધીશ શ્રી આઈઝૅક તેમનાં પત્ની સાથે મળ્યા, તેમની સાથે ભોજન લેતાંલેતાં જાપાની કલા તથા સંસ્કૃતિ વિષે ખૂબ વાતો થઈ. બાઈ જાણીતાં શિલ્પકાર છે. તેમણે પોતાનાં શિલ્પોના ફોટો બતાવ્યા, અને મારી પાસેના હિમાલયના ફોટો, બનારસના જરીકામના નમૂના, શાન્તિનિકેતનનાં ચર્મ-પાકીટ, ત્રિવેન્દ્રમની હાથીદાંતની કલાકૃતિઓ, નાથદ્વારાનું અત્તર, મ્હૈસૂરની અગરબત્તી, કાશ્મીરના પેપીઅર-માશેના નમૂના વગેરે બધું બહુ રસપૂર્વક જોયું, અરધી સૂટકેસ રોકીને મારી સાથે ફરતું આ નાનકડું સંગ્રહસ્થાન ભારતીય સંસ્કૃતિ તથા કલાવૈભવનો કાંઈક ખયાલ આપવામાં બહુ મદદરૂપ થતું.

સવારે બસ પકડીને ‘ગોરા’ ગામ પહોંચી રૂનીક્યુલરમાં બેસીને પહાડ ઉપરના મ્યુઝિયમ પર ગયો. અહીંનાં સંચાલિકા કુ. યોશીકો નાગી મુંબઈના મિત્ર શ્રી પોહેકરનાં પરિચિત હતાં. તેમણે બે કલાક સુધી આખું મ્યુઝિયમ ફેરવીને બતાવ્યું. જાપાન ઉપરાંત ચીન, ભારત, કોરિયા, ઇરાન વગેરે દેશોના પણ કલા-નમૂનાઓ અહીં હતા. જાપાની નમૂનાઓમાં રેશમી કાપડ પરનાં ચિત્રો, કાષ્ઠ-છપામણીનાં ચિત્રો, લાખકામ તથા ચિનાઈ માટી વગેરેની કલાકૃતિઓનો સારો સંગ્રહ છે. ભારતીય વિભાગમાં ગાંધારયુગની બૌદ્ધ મૂર્તિઓ જોઈ.

બપોર પછી ગોરાથી હાકોને વિસ્તારમાં ફરીને ત્રણ હજાર ફીટ ઊંચા મ્યોજો પહાડ પર આવ્યા. અહીંથી ફૂજિયામા પર્વતનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે. આ દૃશ્ય માટે તો હાકોને સુધી આવ્યો હતો. ફૂજિયામાને જાપાનનો કૈલાસ કહી શકાય. તે જાપાનનો સૌથી ઊંચી અને સૌથી સુંદર પર્વત છે, અને જાપાનની લોકકથાઓ, શાસ્ત્રીય નાટકો, ચિત્રો, પૌરાણિક સાહિત્ય, કવિતા, શિલ્પ બધાંમાં આ હિમાચ્છાદિત ફૂજિયામાનું અનોખું સ્થાન છે. જાપાનની આદિવાસી ‘આઈનુ’ જાતિની ભાષામાં ‘ફૂજી’નો અર્થ થાય છે ‘અગ્નિ-દેવ” જ્વાળામુખી પહાડ માટે આ નામ ઘણું અનુરૂપ છે. ફૂજિયામાની ખરી ઊંચાઈ તો ૧૨,૩૯૭ ફીટ છે, પરંતુ લોકોમાં પ્રચલિત ઊંચાઈ ૧૨,૩૬૫ ફીટ ગણાય છે. વર્ષના મહિના બાર અને દહાડા ત્રણસો પાંસઠ, એટલે વિનોદ ખાતર જાપાની લોકો ફૂજિયામાની ઊંચાઈ ૧૨,૩૬૫ ફીટ કહે છે! મ્યોજો પહાડ પરથી સૂર્યોદયનું બહુ રમણીય દૃશ્ય જોવા મળે છે. મારા દુર્ભાગ્યે આખો દિવસ વાદળાં અને ધુમ્મસ રહ્યાં અને માંડ થોડી પળો માટે તે પર્વતરાજની કાંઈક ઝાંખી થઈ. દર વર્ષે ઉનાળામાં સંખ્યાબંધ માણસો ફૂજિયામા ચડવા જાય છે. મારા જેવા હિમાલયપ્રેમીને તો તેની ટોચે પહોંચવાનું સહેજે મન થઈ આવે, પરંતુ શરદઋતુના અંત ભાગમાં તે શક્ય નહોતું. ફૂજિયામાની તળેટીએ પાંચ નાનાં રમણીય સરોવર છે. મૂળ તો ફૂજિયામા એક જ્વાળામુખી પહાડ હતો, પણ છેલ્લાં બસોએક વર્ષથી તો તે તદ્દન શાન્ત છે. શ્રદ્ધાળુ જાપાનીઓ તો હિમાલય જતા આપણા સાધુઓના જેવી ભક્તિ અને ભાવનાથી ફૂજિયામા ઉપર જાય છે. તદ્દન સાદાં સફેદ કપડાં અને ઘાસના જોડા પહેરીને ‘રોક્કોન-શાંજો’ (અમારી છયે ઇન્દ્રિયો પવિત્ર થાઓ) એમ બોલતાં તે પહાડ પર ચડે છે. આપણે ત્યાં કૈલાસ જતાં યાત્રીઓ ‘જય શંકર!’ અને બદ્રીનાથ જતાં ‘જય બાબા બદરીવિશાલ’ની ઘોષણા કરે છે તેવી જ પરંપરા સાથે શ્રદ્ધાળુ જાપાનીઓ ફૂજિયામાની યાત્રા કરે છે.

પહાડ પરથી નીચે આવી. કલાકેક આશીનોકો સરોવરમાં નૌકાવિહાર કર્યો. આસપાસની ટેકરીઓ ઉપર વિપુલ વનરાજી હતી. સ્વચ્છ આકાશ હોય ત્યારે કદાચ સરોવર પરથી પણ ફૂજિયામાનું દર્શન થતું હશે. બોટમાંથી ‘મોટો હાકોને’ ગામ ઊતરીને બસમાં બેસી આતામી શહેર આવ્યો. બસમાં ખૂબ ભીડ હતી, તેથી ઊભા જ રહેવું પડ્યું. બીજી પણ જાપાની વૃદ્ધાઓ આખે રસ્તે ઊભી રહેલી, પરંતુ બસમાં નિરાંતે બિરાજેલા પુરુષો કે યુવાનોમાં તેમને માટે જરાયે વિનય કે સહાનુભૂતિ ન મળે. જાપાની સ્ત્રીઓ સ્વભાવે સરળ, હસતી, વિનયી, અત્યંત નમ્ર તથા કામ કરવા સદા તત્પર હોય છે, જ્યારે જાપાની પુરુષો જરા મીંઢા, સખ્ત હૃદયના અને સ્ત્રીઓ પ્રત્યે દોરદમામ બતાવતા જણાયા. સરળ હૃદયે નિખાલસતાથી વાત કરતો જાપાની ભાગ્યે જ મળે. તેના મનની વાત કળવી મુશ્કેલ. આ શહેર સાગામી ઉપસાગરને કાંઠે વસેલું હોઈ તેની આબોહવા સમધાત છે અને પાસે ગરમ પાણીના ઝરા હોવાથી ઘણા લોકો આરોગ્ય માટે પણ અહીં આવે છે. કેટલાક શ્રીમંત જાપાનીઓએ અહીં ‘Church of World Messianity’ નામની સંસ્થા શરૂ કરી છે અને ‘ઝુઇઉન-ક્યો’ (પૃથ્વી ઉપરનું સ્વર્ગ) એ નામનું વિશાળ ભવન બાંધ્યું છે. અંદર પ્રાર્થના, પ્રવચન કે સિનેમા માટે વાપરી શકાય તેવો મોટો હૉલ છે. એક મકાનમાંથી બીજામાં જવા માટે પણ જમીન નીચે બોગદો હતો. બહાર સુંદર બગીચો, ચીડ વૃક્ષોથી છવાયેલા પહાડો ને નીચેના સાગરતટનું મનોરમ દૃશ્ય ભૂમધ્ય સમુદ્રના કાંઠા પરના ફ્રેંચ રિવીએરાની સ્પર્ધા કરે તેવું હતું. બીજે દિવસે ટોકિયો પાછો ફર્યો. કામાકુરા અગત્યનાં સ્થળોમાં હવે એક કામાકુરા બાકી હતું. ટોકિયોથી ત્રીસ માઈલ થાય. રસ્તામાં થોડે દૂર આવેલા એનોશીમા બેટ પર ગયા. તેનું મુખ્ય આકર્ષણ પહાડમાં આવેલી બેન્ટેન ગુહા છે. બૌદ્ધ દેવી કાન્નોનની જેમ બેન્ટેન દેવી પણ જાપાનમાં લોકપ્રિય છે. ભારતની કલા તથા વિદ્યાની દેવી સરસ્વતીનું જ આ સ્વરૂપ છે, અને જાપાની લોકો સફળતા તથા સદ્ભાગ્ય માટે તેની ઉપાસના કરે છે. મુંબઈમાં ગણપતિ ઉત્સવ ઉપર લોકો ગજાનનની નાનીનાની મૂર્તિઓને ખભે ઉપાડીને લઈ જાય છે, તેમ અહીં પણ ૧૪મી જુલાઈએ કિશોરો બેન્ટેન (સરસ્વતી) દેવીની નાની મૂર્તિ ઉપાડીને ફેરવે છે. મીણબત્તીની સહાયથી પહાડ પર ગુફામાં જઈને બેન્ટેન દેવીની વંદના કરી અમે કામાકુરા તરફ મોટર હંકારી મૂકી. કામાકુરાની વસતિ એકાદ લાખની હશે. ત્યાં અમે સીધા જ તીર્થશ્રેષ્ઠ દાઈ-બુત્સુ(મહાબુદ્ધ)નાં દર્શને ગયા. નારાના પ્રચંડ મહાબુદ્ધની પ્રતિમા સાથે ઊભી શકે તેવી આ ભવ્ય મૂર્તિ નારાની મૂર્તિ કરતાં, અલબત્ત કાંઈક નાની છે, પરંતુ તેના મુખારવિંદનો ભાવ, અંગસૌષ્ઠવ તેમ જ વસ્ત્રોનાં વલયોમાં રહેલું શિલ્પકૌશલ્ય તેને ચડિયાતી લેખાવે એવાં છે. નારાના બુદ્ધ સામી નજરે શિષ્યોને અભયદાન તથા ધર્મબોધ આપે છે, જ્યારે કામાકુરાના અમિતાભ તો આસન વાળીને, હાથ ખોળામાં મૂકી, સહેજ નીચી નજરે, અંતર્મુખ બનીને ધ્યાનમાં બેઠા છે. સમાધિસ્થ યોગીની પરમ શાંતિ તેમની સૌમ્ય મુખમુદ્રામાંથી નીતરે છે અને દર્શને આવનાર પ્રત્યેક યાત્રીને પવિત્ર કરી તેને ચિત્તની શાંતિ અને સ્વસ્થતા બક્ષે છે.

આસન સહિત ૪૨ ફીટ ઊંચી, ૧૩મી સદીમાં ઢાળેલી આ કાંસાની મૂર્તિનું મુખ સાડા સાત ફીટનું અને આંખો સાડા ત્રણ ફીટ લાંબી છે. કપાળમાં જે રૂપાનો ચાંદલો છે તેનું જ વજન ૩૦ રતલ છે; અને આખી મૂર્તિનું વજન ૧૦૩ ટન છે! આ મૂર્તિની બીજી એક વિશેષતા તેના મુખ ઉપરનો પાતળો મૂછનો દોરો છે, જે ગાંધાર શિલ્પકળાની અસર લાગે છે. બાકી તેની પદ્માસનની રીત, લાંબા કાન તથા તે રાજકુમાર સિદ્ધાર્થ હશે ત્યારે રત્નજડિત કુંડળો પહેરવા માટે વીંધાયેલી કાનની બૂટ વગેરે શુદ્ધ ભારતીય પ્રણાલિકાનાં સૂચક છે. મસ્તક ઉપર મુંડન કરાવ્યા પછી નવાં ફૂટેલાં વાળનાં ગૂંચળાં શિલ્પકારે બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે માથા ઉપર મઢી લીધાં છે, – જાણે કે સાગરની રેતીમાંથી વીણી લાવેલા અનેક શંખ શિર ઉપર ભર્યા ન હોય! બધાં મળીને એ ૬૫૬ ગૂંચળાં છે. દક્ષિણ ભારતમાં પણ શ્રવણબેલગોલા પાસે ગોમતેશ્વરની વિરાટ મૂર્તિના મસ્તકે પણ આવાં જ વાળનાં ગૂંચળાં કંડારેલાં છે. પ્રતિમા અંદરથી પોલી હોઈ બાજુમાંથી તેમાં દાખલ થવાય છે, અને અંદર ગોઠવેલી સીડી ઉપર ચડીને મૂર્તિના ખભા સુધી જઈ પીઠમાં બનાવેલી બે બારીઓ દ્વારા બહાર જોઈ શકાય છે. જોવા આવનાર સૌ (જાપાનીઓ તેમ જ વિદેશી પ્રવાસીઓ) જોડા પહેરીને મૂર્તિની અંદર જઈ કુતૂહલ ખાતર આ ખભા સુધી ચડી આવે છે. ઘરમાં પણ જોડા ન લઈ જનાર ભાવિક, કલાપ્રિય જાપાનીઓ પરમપૂજ્ય દાઈ-બુત્સુની મૂર્તિમાં આમ જોડા પહેરીને ફરે અને આ ધીરગંભીર, સૌમ્ય, ધ્યાનસ્થ પ્રતિમાની આવી વિડંબના કરે તેથી મને અત્યંત દુઃખ તેમ જ આશ્ચર્ય થયાં. જાપાની મિત્રોથી પણ મારો આ મનોભાવ છુપાવ્યો નહિ.

ત્યાંથી બૌદ્ધ ધર્મની ‘ઝેન’ શાખાના મુખ્ય મઠવાળા એન-કાકુજી મંદિરે ગયા. ઝેન સંપ્રદાય વિશે ઘણું વાંચ્યું હતું, તેથી ત્યાંના અધ્યક્ષ સોગેન આસાહીનાને મળ્યા. તેમણે રસપૂર્વક એ સંપ્રદાયની વિશેષતા સમજાવી. ઝેન મુખ્યત્વે ચિત્તશુદ્ધિ ને ધ્યાન ઉપર ભાર મૂકે છે. સંસ્કૃત ધ્યાન શબ્દમાંથી જ ‘ઝેન’ શબ્દ નીપજ્યો છે. તેમની સાથે મહર્ષિ પતંજલિનાં યોગસૂત્રો, ચિત્તવૃત્તિનિરોધ તેમ જ અદ્વૈત તત્ત્વજ્ઞાન વિશે ચર્ચા થઈ. વિનમ્ર ભાવે પરંતુ નિખાલસતાથી મેં મારું મંતવ્ય રજૂ કર્યું કે ‘બૌદ્ધ ધર્મ જ્યારે જીવનને દુઃખરૂપ, ભારરૂપ, શાપરૂપ ગણે છે અને કર્મના બંધનમાંથી છૂટવા માંગે છે ત્યારે ઉપનિષદોનું અદ્વૈત તત્ત્વજ્ઞાન જીવ તેમ જ જગતને પણ બ્રહ્મરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ ગણે છે અને જીવનને કેવળ બ્રહ્મની, આત્માની લીલા રૂપે જ જુએ છે. આત્માને કર્મનું બંધન લાગતું નથી.’ થોડા દિવસો પહેલાં જ તેઓ આપણા ઉપરાષ્ટ્રપ્રમુખ રાધાકૃષ્ણન્ને મળેલા.

દાઈ-બુત્સુ

ત્યાંથી અમે હાસે-કાન્નોન મંદિરે આવ્યા, જ્યાં બૌદ્ધ કરુણાની દેવી કાન્નોનની ત્રીસ ફીટ ઊંચી કપૂરકાષ્ઠમાંથી બનાવેલી, સોને રસેલી મૂર્તિ છે. ત્યાંથી ગોકુરાકુજી મંદિર તથા કામાકુરાનું સંગ્રહાલય જઈ રાત પડ્યે ટોકિયો પહોંચી ગયાં.

જાપાન છોડતાં પહેલાં ટોકિયોનાં કેટલાંક સાંસ્કૃતિક કેન્દ્રો જોઈ આવ્યો. છેલ્લાં ચારેક વર્ષોથી ભારત તથા જાપાન વચ્ચે સાંસ્કૃતિક વિનિમય માટે ઇન્ડો-જાપાનીઝ એસોસિએશન શરૂ કરાયું છે. તેના સ્થાપક-સભ્ય તરીકે શરૂઆતથી જ તેની પ્રવૃત્તિઓ સાથે હું સંકળાયેલો હતો અને તેની મુંબઈ શાખાના સંચાલક શ્રી પોહેકરે મારી જાપાનની યાત્રા સફળ બનાવવા અખૂટ પરિશ્રમ લીધો હતો. ટોકિયોમાં તેના એક મૅનેજિંગ ડાયરેક્ટર શ્રી મિસ્મી સાથે સાંસ્કૃતિક સંબંધો વિષે ઘણી વાતો થઈ, પરંતુ અહીંની શાખા ભારતીય સંસ્કૃતિ અને કલાવૈભવ પ્રદર્શિત કરવામાં ઊંડો રસ લેતી દેખાઈ નહિ.

આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સંબંધોના વિકાસ માટેની ‘કોકુસાઈ બંકા શિન્કોકાઈ’ સંસ્થા, ટોકિયોમાં ચાલતું ‘આંતરરાષ્ટ્રીય ભવન’, એશિયન ડાન્સર્સ એસોસિએશન, તથા એશિયન સૉલિડૅરિટી કમિટીની શાખાઓ વગેરે જોયાં. મુંબઈના જાપાની મિત્રો મારી હિમાલય પ્રત્યેની પ્રીતિથી વાકેફ હતા. તેમણે જાપાનની આલ્પાઈન ક્લબને મારી મુલાકાત વિષે ખબર આપેલી હતી. તેથી એક સાંજે તેમણે સભા ગોઠવી હતી. મારી જાતવાળાઓની વચ્ચે આવ્યો હોઉં તેમ લાગ્યું, ને થોડી જ પળોમાં આત્મીયતા બંધાઈ ગઈ. તેમાં હિમાલયના ઉત્તુંગ શિખર માનસલું પર જઈ આવેલા પર્વતારોહી પણ હતા. મારા હિમાલયના વિવિધ અનુભવો તથા યાત્રાઓ ટૂંકમાં વર્ણવીને ભારતના લોકોની હિમાલય પ્રત્યેની દૃષ્ટિ સમજાવી. પશ્ચિમના લોકો હિમાલયને પર્વતારોહણ માટેનું ક્રીડાંગણ ગણે છે, આભ-ઊંચાં શિખરોને પડકાર આપીને તેમને ‘જીતવા’ કમ્મર કસે છે અને ટોચ ઉપર પહોંચીને વિજયોન્મત્ત બને છે. જ્યારે ભારતના લોકો તો ભારતીય તત્ત્વજ્ઞાનના સ્રોતનું મૂળ અને સંસ્કૃતિના પ્રેરણાસ્થાનરૂપ તેને ગણીને એક શ્રદ્વાળુ ભક્તિમાન યાત્રાની સરળ, નમ્ર, નિર્દોષ ભાવનાથી જ આદિકાળથી હિમાલય જતા આવ્યા છે, મારા પ્રવચનને અંતે મુંબઈથી સાથે આણેલી મારી પુમોરી-શિખરની રંગીન ફિલ્મ પણ ત્યાં બતાવી.

એક દિવસ ભારતીય રાજદૂત શ્રી વિનયરંજન સેનને પણ મળ્યો. તે સામાન્ય રાજદૂતો જેવા ચાણક્યનીતિમાં ડૂબેલા નથી. તેમની ઊંડી સંસ્કારિતા ને કલારસિકતા એલચીખાતામાં ઝળકી ઊઠતી. સાંસ્કૃતિક અધિકારી શ્રી પુષ્પ દાસ પણ ઊંડી સમજવાળા અને ઉદ્યમી છે.

જાપાનનો વાહનવ્યવહાર બ્રિટિશ કોમનવેલ્થના દેશોની જેમ શાબ્દિક અર્થમાં ‘વામ-માર્ગી’ છે. ટોકિયોમાં મુંબઈ જેવા કોઈ શાન્ત વિસ્તારો (silence zone) ન હોવાથી દિવસરાત હજારો મોટરોનાં ભૂંગળાંની ચિચિયારીઓ વાતાવરણને બહુ ક્ષુબ્ધ અને ઘોંઘાટમય બનાવે છે. કેટલાક વિસ્તારોમાં ‘પાચિન્કો’ નામના અડ્ડા છે, જ્યાં હારબંધ એક પ્રકારનાં મોટાં યાંત્રિક રમતનાં સાધનો ગોઠવ્યાં છે. એક વાર કુતૂહલથી અંદર રમવા ગયો. પચાસ યેન આપીને યંત્રમાં ભરવાની લોઢાની ગોળીઓ લીધી. બહારના ભાગમાં સ્પ્રિંગ હોય છે જેને છોડવાથી એકએક ગોળી અંદરના ઊભા પાટિયામાં ગોઠવેલી ખીલીઓના ગાળામાં ભરાઈ રહે. અમુક ગાળાઓમાં જ જો તે ભરાય તો રમનારને મોટી રકમ મળે. જાપાની પ્રજા આટલી ઉદ્યમશીલ અને કલાપ્રેમી હોવા છતાં કેટલાયે લોકો આવાં સ્થળોએ નસીબ અજમાવતા હતા અને સમય તથા પૈસાની બરબાદી કરતા હતા. તેવું જ બીજું દૂષણ ત્યાંના ‘સાકે-ઘર’ છે, જ્યાં છૂટથી સાકે દારૂ પિવાય છે. ગામ હોય ત્યાં ઢેઢવાડો પણ હોય ને? ત્યાંના છાકટા લોકોને જોઈને આપણે ત્યાં દારૂબંધી લાવવા માટે સરકારને ધન્યવાદ આપવાનું મન થાય. સાયોનારા!

तो हि नो दिवसो गता: જાપાનમાં કહેવત છે : ઝીનસૈ વા હુયૂ નો ગોતોસી.’ (માનવજીવન એક માખીના જીવન જેવું ક્ષણભંગુર છે.) જાપાનમાં પૂરા બાવીસ દિવસ રહ્યા પછી હવે પૂર્વ એશિયાના બીજા દેશોની યાત્રાનો સમય થયો. અહીં કેટલાયે ગાઢ મિત્રો થઈ ગયા હતા. તે બધાની ભારે હૃદયે વિદાય લીધી. સામસામા ‘સાયોનારા’ (‘આવજો!) થયા. ૨૩મી ઑક્ટોબરે રાત્રે કે.એલ.એમ.ના વિમાનમાં નીકળ્યો. ગગન-આરૂઢ થયા પછી વિમાને ટોકિયો શહેર પર ચક્કર માર્યું, જાણે કે જાપાનનો સમૃદ્ધ રમણીય દેશ અને તેના બુદ્ધિમાન ઉદ્યમી અને કલાપ્રેમી લોકો વિદાય આપી રહ્યા હતા. આંખ સામે ફૂજિયામાનું હિમાચ્છાદિત શિખર, કાબૂકીનો નૃત્યકાર અને છેલ્લે કામાકુરાના સૌમ્યવદન ધ્યાનસ્થ મહાબુદ્ધ તરવરવા લાગ્યા. તેમને માનસિક પ્રણિપાત કરતાં મેં નિચિરને સંપ્રદાયનો લોકપ્રિય જાપાની બૌદ્ધમંત્ર યાદ કર્યો? ‘नमु म्यो हो रंग क्यो.’ (‘સર્વમાં વસેલા બુદ્ધને નમસ્કાર’)


[પૂર્વાયન, અગ્સ્ત્યને પગલે પગલે, ૧૯૬૦]