◼
ત્રિપદી • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
વાહ રે! વરસાદનું ટીપું પડ્યું
લાગલું, મારી હથેળીને અડ્યું
હસ્તધૂનન થઈ ગયું, આકાશથી!
૦
‘કેમ પ્યારે, ઘાસ કેવું હોય છે?
તીતીઘોડાને પૂછ્યું, તો એ કહે,
કે દીવાને-ખાસ જેવું હોય છે!
૦
ચંદ્રલેખાને કરી લે હસ્તગત,
એટલી તો હોય કોની હેસિયત?
તે છતાં ચમક્યાં કરે, ખાબોચિયું
૦
એક વાતે વાયરો મુંઝાય છે
જેનાં જેનાં રંગ ને રોનક વધે
મ્હેક એની કેમ ઓછી થાય છે?
૦
ફૂંક મારી ત્યાં કશું જાદુ થયું!
આ તરફ એક દીવડી બુઝાઈ ગઈ
તે તરફ આકાશ, ઝળહળતું થયું