ગુજરાતી નિબંધ-સંપદા/રઘુવીર ચૌધરી/પન્નાલાલ

Revision as of 22:55, 3 August 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પન્નાલાલ

રઘુવીર ચૌધરી




ગુજરાતી નિબંધસંપદા • પન્નાલાલ - રઘુવીર ચૌધરી • ઑડિયો પઠન: અનિતા પાદરિયા

કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારીખ ઊજવે એટલી સ્વાભાવિકતાથી પન્નાલાલે પોતાની ષષ્ટિ ઊજવી હતી. શ્રી ઈશ્વર પેટલીકર અને મને એના મંત્રી થવાનો લાભ મળેલો. — આ મજાક નથી પણ હકીકત છે, એના સમર્થનમાં પન્નાલાલના જ શબ્દો નોંધવા ઠીક રહેશે.

“ઉમાશંકરનું એક કાવ્ય છે: ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાળા.’ આ કાવ્યમાં એમ છે કે એક અટૂલી છોકરી પોતાના લગ્નપ્રસંગે પોતે જ પોતાનું ઘર શણગારે છે ને પોતાના લગ્નનાં ગીત પણ પોતે જ ગાય છે એવી જ કંઈક પ્રવૃત્તિ મેં પણ મારી ષષ્ટિ માટે શરૂ શરૂમાં આદરી હતી.” (આભાર, વીણેલી નવલિકાઓ, ૧૯૭૩).

આવું નિવેદન પન્નાલાલ જ કરી શકે. એવા ઘણા સજ્જનો હશે જેમણે પોતાની ષષ્ટિપૂર્તિનાં ચક્રો ગતિમાન કરીને અજાણ્યા થઈ જવાની હોશિયારી કરી હશે. પન્નાલાલની હોશિયારી એ કે જે જોઈતું હોય એ કહી દે. એમને થયું કે આપણે પણ થોડીક ચોપડીઓની વધુ નકલો છાપીને સસ્તા દરે વેચીએ. લોકો વાંચે ને એમાંથી બે પૈસા મળે તો પ્રકાશનનું કામ ચાલે. કદાચ શ્રી મહેન્દ્ર મેઘાણીની આપણો સાહિત્ય-વારસોની યોજનાએ એમને પ્રેર્યા હશે. સારું થયું. એમને સફળતા મળી, એમને શુભેચ્છા.

વડાલી ગામે જ્ઞાતિજનોનો મેળાવડો હતો. ત્યાં પન્નાલાલ, અરવિંદ અને હું ગયેલા. ‘આપણા લોકને ષષ્ટિ એટલે શું એનો ખ્યાલ નહીં હોય’ એમ કહીને એમણે વ્યાખ્યાનનો આરંભ કર્યો હતો. બધાને રસ પડ્યો હતો. મેં જોયું છે કે વક્તા તરીકે પન્નાલાલ ક્યાંય કદી પાછા પડતા નથી. એ સુધારાની વાત કરતા નથી, અનુભવથી બોલે છે, હસાવે છે. શ્રોતાઓ શહેરના હોય કે ગામડાગામના, પણ સહુ રસથી બલ્કે વિશ્વાસથી સાંભળે. કોઈને ન સાંભળતા પન્નાલાલની નિખાલસતા સહુને ગમે. નિખાલસતા કુદરતી છે, એમના મોંનો એક નૈસર્ગિક ભાવ છે, ઉપરાંત અભિનય અને કોઠાસૂઝથી અસરકારક બનેલી છે એની કોઈને ખબર પડતી નથી તેથી લાભશંકર આદિ નવલેખકો પણ પન્નાલાલના વ્યક્તિત્વ અને લેખનના કાયમી પ્રશંસક છે.

સાહિત્ય પરિષદના ૩૦મા સંમેલનના સર્જન વિભાગના પ્રમુખ તરીકે એમણે વ્યાખ્યાનને અંતે સહેજ જુદા સંદર્ભમાં કહ્યું કે પન્નાલાલ એટલે ઘંટ માણસ અને વળી હવે તો અષ્ઠઘંટ પણ ખરો! પોતાના આ લક્ષણને ઠસાવવા એ ઘણી વાર બાળપણનો એક કિસ્સો કહે છે. ગાડામાં ભારે ભીડ હતી ને બેસવાનું જરાય ઠેકાણું ન હતું. પોતે ઊલટી આવવાનો દેખાવ યોજીને કેવી આરામની જગા મેળવી હતી! આવી થોડી ગમ્મતની વાતો પરથી પન્નાલાલ વિશે અભિપ્રાય બાંધવાની ઉતાવળ કરવા જેવી નથી. એ જ રીતે એમની કાયાની આજની આકૃતિ પરથી એમની કિશોર અવસ્થાના ‘રંગરંગી વ્યક્તિત્વ’નો ખ્યાલ આવી શકે તેમ નથી. ઉમાશંકરે ‘અલપ-ઝલપ’ની પ્રસ્તાવનામાં લખ્યું છે:

‘શરીર નાનકડું હૃષ્ટપુષ્ટ ગોળમટોળ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો — બલકે લાલ લાલ ચહેરો. ચૂંટી ખણો તો લોહી નીકળે. અવાજ ઊંડો, ઘેરો પણ સૌથી વિશેષ તો મીઠાશભર્યો — કહો કે ગળ્યો ગળ્યો. આંખમાં અચૂક વરતાતી ‘હું સમજું છું બધું’ એવી ચમક. મને સૌથી વધુ આકર્ષક વસ્તુ તે હતી એમની મોકળાશભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં એ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચારતા.’

પન્નાલાલના ચકોરપણાની, સહજ મુત્સદ્દીગીરીની પણ એમના આ પંચવર્ષીય સહાધ્યાયીએ યાદ આપી છે: ‘પોતે પહેલો નંબર રાખી શકે એટલા અભ્યાસીની શક્તિ નથી તો શા માટે બીજી રીતે પહેલો નંબર મેળવીને ઈર્ષા જગવવી? એના કરતાં બીજા કોઈને પહેલો ગોઠવીને પોતે બીજા નંબરનું આસન સાચવી રાજા નહીં પણ રાજ્યપદે સ્થાપનાર (કિંગમેકર) તરીકેની પ્રતિષ્ઠા શા માટે ન મેળવવી? આવી એમની પહોંચ હતી, સમજદારીની એમની કક્ષા જ જુદી હતી.’ ભણે સાથે પણ ઉંમરમાં ઉમાશંકર ઘણા નાના. પન્નાલાલે આઠ-દસ વર્ષ પાછળથી લખવું શરૂ કર્યું, પંચોતેરમી વર્ષગાંઠ પણ બે વર્ષ પછી ઊજવી તેથી છાપ એવી પડે કે ઉંમરમાં એ નાના હશે તેથી ઉમાશંકરે ખાસ ચોખવટ કરવી પડી છે કે ‘નાનપણમાં હું એમનાથી નાનો હતો.’

સંગીત, પ્રેમની અનુભૂતિ, જીવનની અનુભવશાળાનું કપરું બલ્કે નિષ્ઠુર શિક્ષણ એમના સર્જક વ્યક્તિત્વને ઘડે છે. એ ગાંધીવાદની ભલે આડેધડ ઠેકડી ઉડાડે પણ અરવિંદદર્શનમાં માને છે તેથી આદર્શોના વિરોધી છે એમ તો ન જ કહેવાય, પણ એ જાહેરમાં કહેવાના કે ભાવના અસત્ છે. ‘કંકુ’ વાર્તામાં રા. વિ. પાઠકને કંકુ અને શેઠના દૈહિક મિલનમાં ચારિત્ર્યની શિથિલતા દેખાઈ, તેથી છાપી નહીં. પણ પન્નાલાલે વાર્તામાં સહેજે ફેરફાર ન કર્યો. મન-શરીરના વાસ્તવની એમની પ્રતીતિ સાચી પડી અને ‘કંકુ’ પર ઊતરેલું ચલચિત્ર પુરસ્કૃત થયું. પન્નાલાલ ભારપૂર્વક કહેશે કે હું સાચો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર મળતાં પ્રતિભાવ આપ્યો: ‘હું ઉઘાડો પડી ગયો છું.’ આને વ્યાજસ્તુતિ માનીએ તોપણ ‘જિંદગી સંજીવની’ નામે સાત ભાગમાં લખેલી આત્મકથનાત્મક નવલકથામાં એમનો કથાનાયક જાણે કે કશો દાવો કરવા નહીં, એકરાર કરવા જ નીકળ્યો છે! અને એમાંથી જ લાગણીનો પિંડ બંધાતો જાય છે. પોતે કથાના પાટે પાટે મનમાં ઊંડા ઊતરવા મથ્યા છે. ‘મળેલા જીવ’માં કોઈ પણ પ્રકારની સભાનતા વગર ‘વાસંતી જીવનનો અર્ક’ આપી શક્યા એના મૂળમાં મનને તાગવાનો પ્રયત્ન રહેલો છે. પ્રેમનું નિરૂપણ ભલે રંગદર્શી હોય, કુંવારી ભાષામાં પ્રગટેલા ભાવાંકુરો વિરલ છે.

વતન માંડલી હવે રાજસ્થાનમાં ગણાય છે. પનાભાઈ ભણ્યા મેઘરજની શાળામાં, ઈડરના રાજકુમારે ગીત સાંભળી હુકમ છોડ્યો: ‘ટાબરાને ઈડર બોર્ડિંગમાં ભેજ્યો જાય!’ ત્યાં આઠ ચોપડી ભણ્યા. પછી ગામમાં દુકાન કરી. ન ચાલી. ડુંગરપુર નજીક બોરીની ડિસ્ટિલરીમાં માસિક સાતના પગારે નોકરી કરી, પછી બારના પગારે વેયર હાઉસમાં મૅનેજર થયા. ‘સાગવાડામાં કદી ગાવું નહીં’ — એક વડીલે સલાહ આપેલી. ગામ રોમૅન્ટિક ગણાતું તે પન્નાલાલ ત્યારે સુંદર યુવાન હતા. કપડાં પણ સારાં કરાવે.

વચ્ચે છ-આઠ માસ ગામ રહી, ખેતી કરી, ડુંગરપુરમાં વૉટર વર્ક્સમાં કામે જોડાયા. પાઇપ કાઢ્યા, આંટા પાડ્યા. પછી અમદાવાદ નોકરી લીધી. ઇલેક્ટ્રિસિટી કંપનીમાં ફરતી પાળીએ ઑઇલમૅનનું કામ કરવાનું. ઘેર આવી શેઠના કુટુંબના પુરુષવર્ગનાં કપડાં ધોવાનાં, ઝાડું કાઢવાનું. શેઠાણી ન હોય ત્યારે રસોઈ પણ ખરી. દિવસના સોળ-સત્તર કલાક કામ. એ દરમિયાન ગીત ગણગણવાની આદત ટકી રહી હતી. રોટલો ગળે પડેલો હતો તેથી અસહકારની લડતને જલકમલવત્ જોઈ રહેલા.

ત્યાં ૧૯૩૬ના નવેમ્બરની પહેલી તારીખ આવે છે. ગાંધીજીના પ્રમુખપદે મળેલી સાહિત્ય પરિષદમાં મુંબઈથી આવેલા ઉમાશંકર પ્રેમાભાઈ હૉલ પાસેની એટ હૉટલમાં ચા પીતાં પીતાં કહે: ‘પન્નાલાલ, લખો તમે.’ ખરાખોટાની કેમ ખબર પડે? તો ‘આ રહ્યા સુન્દરમ્ અમદાવાદમાં.’ પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં ગાંધીજીએ શ્રમજીવી પણ માણી શકે એવા સર્જન પર ભાર મૂકેલો. અમદાવાદમાં કેવી સમાન્તર ઘટનાઓ બને છે! પચીસ-સો વર્ષની ભદ્ર-સંસ્કૃતિની સાહિત્યસાધના પછી ભારતમાં પન્નાલાલ જેવો એક શ્રમિક શબ્દસેવી બને છે!

સુન્દરમે પાઠકસાહેબનો ભેટો કરાવી આપ્યો. ‘ફૂલછાબ’ અને ‘પ્રસ્થાન’માં વાર્તાઓનું પ્રકાશન. મેઘાણીએ મોકળે મને આવકાર્યા.

પાછા વતન ભણી. ‘કમ ખાઈશું ને ખુશ રહીશું.’ ત્યાં મુંબઈથી ‘મળેલા જીવ’ નિમિત્તે ‘ફિલ્મ સ્ટોરી રાઇટર’ થવાનું આમંત્રણ મળે છે. જાય છે. આજના જગતના ‘સ્વર્ગ’માં ચાર વર્ષ વીતે છે. ત્યાંથી એક વાર ગામ ગયેલા. ડુંગરપુર રાજ્યના દારૂ પીધેલા આઠદસ સિપાઈઓએ પન્નાલાલને ગાંધીવાદી માની લઈને બૂટથી મૂઢ માર મારેલો. સારવાર મળતાં બચી ગયેલા. પણ પછી ક્ષય થયો. એનાં મૂળિયાં નંખાઈ ગયાં. પહેલાં બે બાળક મરણ પામેલાં. એ કારણે પણ શૂન્યતા વ્યાપેલી. દેવું થયેલું. એ બધાંમાંથી બહાર આવવા ‘નાછૂટકે’ લખવા બેઠા. એ કથા અધૂરી મૂકી, અગાઉ બે વાર લખાયેલી ‘માનવીની ભવાઈ’ ત્રીજી વાર હાથ પર લીધી. પ્રકાશકને સોંપી. ૧૯૪૭નું વર્ષ. ગામમાં નવા મકાનનું વાસ્તુ અને ક્ષયનો જીવલેણ હુમલો. હાડપિંજર જેવી હાલતમાં મુંબઈ ગુલાબદાસને ત્યાં પહોંચેલા. પ્રકાશક આર. આર.ના ભુરાભાઈ પહેલી નકલ આપી જાય છે. પન્નાલાલ એ નકલ જોઈ રહે છે. ‘કૂવાવાળા ખેતરનો માળો સાંભરે છે, ઘર યાદ આવી જાય છે ને એક આછું ધ્રુસકું નંખાઈ જાય છે…’

પંચગનીમાં નવેક માસ સારવાર. ૧૯૪૯ના નવેમ્બરમાં પૉંડિચેરી. શ્રી અરવિંદ અને માતાજીનાં દર્શન. પાછા વતન. બે વર્ષ પછી રોગ ફરીથી માથું ઊંચકે છે. સૌરાષ્ટ્રની જીંથરીની મહેતા હૉસ્પિટલમાં:

‘બરાબર બેસતા વર્ષના સુપ્રભાતે હું તથા મને મૂકવા આવેલા ઉમાશંકર બેઉ જણ દવાખાનામાં પહોંચ્યા હતા ને નવા વર્ષના સૂર્યનાં દર્શન અમે બેઉએ દવાખાનાના પ્રાંગણમાંથી કર્યાં હતાં.’

વરસદહાડે સાજા થતાં છસાત વર્ષથી થંભી ગયેલી લખવાની ક્રિયા શરૂ કરે છે. ૧૯૫૮થી બાળકોના શિક્ષણ નિમિત્તે અમદાવાદ રહેવા આવે છે. લેખન ફરજિયાત બને છે. આજીવિકા માટે નિષ્ઠાથી લખે છે. પછી તો પ્રકાશનસંસ્થા પણ શરૂ કરે છે. લેખન-પ્રકાશનની આ સંસ્થા નેપથ્યે કેવો કરુણ ભવ્ય ભૂતકાળ પડેલો છે! મિત્રોની મદદ સહેજે ઓછી ન હતી છતાં રાવજી જે જીવન જીરવી ન શક્યો એ પન્નાલાલ જીવ્યા છે; જતનથી. મૂંગા પુરુષાર્થનું દૃષ્ટાંત બની શક્યા છે.

એ કહેતા કે મારી કલમને પ્રેમપદાર્થ વધારે ફાવે છે ને ભાવે પણ છે. એ માનતા છે કે વિવેચકોની સમજ અને જ્ઞાન સારા પ્રમાણમાં મર્યાદિત હોય છે. સાહિત્યપદાર્થ પામવા માટે પથ્થર લઈને બદામ ભાંગવા બેસવું પડે એને બદલે સીધેસીધો આનંદ શો ખોટો? જૂના પ્રવાહને માત્ર કથા કહીને ઉતારી પાડનાર સામે એમને વાંધો હતો: ‘કથા તો માત્ર પાટા છે ને એની દ્વારા ગતિ કરતાં પાત્રો જ મુખ્ય બાબત છે.’ માનવીની ભવાઈમાં દુકાળની પરિસ્થિતિમાં કાળુ જુએ છે કે માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે. ભૂખની આત્યંતિકતાએ એ માનવીય ગૌરવ કેવી સહજ રીતે સૂચવી રહે છે: ભૂખથી પણ ભૂંડી છે ભીખ.

આઠમા દાયકામાં એમણે મુખ્યત્વે પૌરાણિક નવલકથાઓ લખી છે. શિવ-પાર્વતીને તો એ ભારત સમગ્રમાં અપૂર્વ અને અનન્ય કહે છે. એમની આ જાહેરાતનો વિરોધ કરવાની હિંમત ચાલતી નથી કેમ કે એમની એક રાજકીય આગાહી ઘણા સાહિત્યકારોની ઇચ્છા વિરુદ્ધ સાચી પડી છે. પૌરાણિક કથાઓમાં યુગને અનુરૂપ અર્થઘટન કરવાને બદલે એ અસલને નિરૂપવામાં માનતા. મૂળના કથાનકો પરથી ભાવના ખંખેરી નાખવા માગતા. એમને ચમત્કારોનો લેશમાત્ર બાધ નહોતો, કેમ કે, ‘એ યૌગિક શક્તિઓ હોય છે, આધ્યાત્મિક વાસ્તવિકતાઓ હોય છે.’ શ્રી અરવિંદનો યોગ એમને માટે પલાયન નથી. આપણું જીવન બે મૃત્યુઓ વચ્ચેના સમયગાળા જેવું છે. એને યોગ દ્વારા ઇચ્છા મુજબ લંબાવી શકાય એવી શ્રદ્ધાથી પન્નાલાલ આપણને સહુને અહંકેન્દ્રિત પુરુષાર્થવાદી કહીને પોતાને સમર્પણવાદી તરીકે ઓળખાવતા.